Get The App

દિલ્હીની વાત : ઇચ્છે તો પણ ભારત બીજા દેશોને બ્રહ્મોસ મિસાઈલ વેચી શકતું નથી

Updated: May 22nd, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ઇચ્છે તો પણ ભારત બીજા દેશોને બ્રહ્મોસ મિસાઈલ વેચી શકતું નથી 1 - image

નવી દિલ્હી : ભારત-પાકિસ્તાનના મિની યુદ્ધ દરમિયાન ભારતના બ્રહ્મોસ મિસાઇલએ રંગ રાખ્યો હતો. બ્રહ્મોસ મિસાઇલનું ઉત્પાદન ભારતમાં જ થાય છે. બ્રહ્મોસ મિસાઇલની સફળતા જાણીને વિશ્વના ઘણા દેશોએ આ મિસાઇલ ખરીદવામાં રસ બતાવ્યો હતો. આમા કેટલાક મુસ્લિમ દેશોનો સમાવેશ પણ થાય છે. જોકે ભારત ઇચ્છે તો પણ આ મિસાઇલ બીજા કોઈ દેશને વેચી શકે એમ નથી. ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદનાર ફિલિપાઇન્સ પ્રથમ દેશ બન્યો હતો. ૨૦૨૨માં ફિલિપાઇન્સે આ મિસાઇલ ખરીદવા ૩૭૪ મીલીયન ડોલરનો સોદો કર્યો હતો. ભારત અને વિયેટનામ વચ્ચે પણ બ્રહ્મોસ મિસાઇલ બાબતે કરાર થયો છે. વિયેટનામ, થાઇલેન્ડ, બ્રુનેઇ, સિંગાપોર, બ્રાઝીલ, ચીલી, આર્જેન્ટીના, વેનેઝુએલા, ઇજીપ્ત, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કતાર તેમ જ ઓમાનને બ્રહ્મોસ ખરીદવામાં રસ છે. જોકે ભારત સીધી રીતે આ બધા દેશોને બ્રહ્મોસ વેચી શકે નહીં, કારણ કે બ્રહ્મોસ મિસાઇલ ભારત અને રશિયાનું સંયુક્ત સાહસ છે. ભારતે બીજા દેશને બ્રહ્મોસ મિસાઇલ વેચતા પહેલા રશિયાની પરવાનગી લેવી પડશે.

જ્યાં રાષ્ટ્રીય સુરક્ષાની વાત હોય ત્યાં કાયદો જોવો જોઈએ નહીં

તૂર્કીની કંપની સેલેબી એરપોર્ટ સર્વિસીસનું સિક્યુરીટી ક્લિયરન્સ ભારત સરકારે રદ કર્યું છે. આ બાબતને કંપનીએ દિલ્હી હાઇકોર્ટમાં ચેલેન્જ કરી છે. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, 'પાછળથી સોરી કહેવા કરતા સારૂ છે કે, સુરક્ષા બાબતે આપણે સાવચેત રહીએ.' કંપની તરફથી સિનિયર વકીલ મુકુલ રોહતગી કોર્ટમાં હાજર થયા હતા. એમણે કહ્યું હતું કે, 'સિક્યુરીટી ક્લિયરન્સ હટાવવાનું કોઈ કારણ સરકારે આપ્યું નથી. કંપનીને પોતાનો પક્ષ રજુ કરવાની તક પણ આપવામાં આવી નથી. એમ લાગે છે કે સરકારે લોકોની લાગણીને આધારે જ આ નિર્ણય લીધો છે.' ભારત - પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વખતે તૂર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું. આ કારણે ભારતમાં તૂર્કી સામે ખૂબ નારાજગી છે.

હેમંત સૌરેનની સહનશક્તિ પુરી, બિહાર ચૂંટણીમાં તેજસ્વી યાદવને ફટકો મારવા તૈયાર

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા પોતાના ઉમેદવારો ઉભા રાખશે. એપ્રિલ મહિનામાં બિહાર મહાગઠબંધનના પક્ષો ત્રણવાર મળ્યા હતા. આ ત્રણે વખત ઝારખંડ મુક્તિ મોરચાની અવગણના કરવામાં આવી હતી. મહાગઠબંધનના ૨૧ સભ્યોની કમિટિમાં પણ ઝારખંડ મુક્તિ મોરચામાંથી કોઈની પસંદગી થઈ નહોતી. સમિતિમાં સ્થાન નહીં મળવાથી ઝારખંડ મુક્તિ મોરચાની સહનશક્તિનો અંત આવ્યો છે. અત્યાર સુધી ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સૌરેન માનતા હતા કે, મહાગઠબંધનમાં એમના પક્ષને ગમતી બેઠકો મળશે. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં સૌરેનએ મહાગઠબંધનના સાથી પક્ષોને ગમતી બેઠકો આપી હતી. રાજકીય વિશ્લેષકો માને છે કે ઝારખંડ મુક્તિ મોરચાના ઉમેદવારો લગભગ ૧૫ બેઠકો પરથી બિહાર વિધાનસભાની ચૂંટણી લડશે.

હવેની વિધાનસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ ભાજપના ઘણા ધારાસભ્યોની ટિકિટ કપાશે

બે વર્ષ પછી ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રભુત્વ છતા ઉત્તર પ્રદેશ ભાજપમાં આંતરીક કલહ ચાલી રહ્યો છે. સતત ત્રીજી વખત ચૂંટણી જીતવા માટે યોગી આદિત્યનાથ તૈયારી કરી રહ્યા છે, પરંતુ ભાજપના કેટલાક ટોચના નેતાઓને આ વાત પસંદ આવી નથી. ભાજપ હાઇકમાન્ડ ઉમેદવારોની પસંદગી પોતે કરવા માંગે છે જ્યારે યોગી આદિત્યનાથ એવા ઉમેદવારોને જ ટિકિટ આપવા માંગે છે કે જેમના વિજયની શક્યતા વધુ હોય. ધારાસભ્યોની કામગીરીની સમીક્ષા થઈ રહી છે. જે ધારાસભ્ય મતદારોમાં લોકપ્રિય છે અને ગ્રાઉન્ડ પર રહીને કામ કર્યું છે એમને જ રીપીટ કરવામાં આવશે.

ભારતના નિર્ણયને કારણે બાંગ્લાદેશમાં અફડાતફડી, રસ્તાઓ પર ટ્રકોનો ટ્રાફીક જામ

ભારત વિરોધી નિતિને કારણે ભારતે બાંગ્લાદેશથી થતી આયાત પર નવેસરથી પ્રતિબંધ મૂક્યો છે. ભારતએ કોલકત્તા અને ન્હાવાશેવાના બંદર સિવાય બાંગ્લાદેશથી થતી માલની એન્ટ્રી રોકી દીધી છે. લાંબા સમય સુધી વ્યાપારીક મદદ માટે બાંગ્લાદેશ ભારત પર આધાર રાખતું હતું. ભારતના નિર્ણયને કારણે બાંગ્લાદેશના કેટલાક બંદરો પર ભારતમાં માલ લઈને જનારા સેંકડો ટ્રક ફસાઈ ગયા છે. કેટલાક ટ્રકો તો માલ ઉતાર્યા વગર પરત ફરે છે. આ ટ્રકોમાં કપડા સહિત વિવિધ સામાન હોય છે. બેનાપોલ સીએન્ડએફ એજન્ટસ એસોસીએશનના મહામંત્રી ઇમદાદુલ હકએ કહ્યું છે કે, 'અચાનક લેવામાં આવેલા આ નિર્ણયને કારણે દ્વિપક્ષીય વેપારને ખૂબ જ ખરાબ અસર થઈ શકે છે.'

પાકિસ્તાન માટે જાસુસી કરનાર મહિલાઓનું લિસ્ટ લાંબુ છે

પાકિસ્તાન માટે જાસુસી કરવા બદલ હરિયાણાની યુ-ટયુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ થઈ છે. જ્યોતિના સંબંધો પાકિસ્તાનની આઇએસઆઇ જાસુસી સંસ્થા સાથે હતા. આ સમાચારને કારણે આખા દેશમાં જ્યોતિ મલ્હોત્રા સામે આક્રોશ ભભૂકી ઉઠયો છે. જોકે પાકિસ્તાનીઓની જાળમાં ફસાનાર જ્યોતિ પહેલી મહિલા જાસુસ નથી. લગભગ ૧૫ વર્ષ પહેલા વિદેશ મંત્રાલયમાં કામ કરતી માધુરી ગુપ્તા પાકિસ્તાન માતે જાસુસી કરતા પકડાઈ ગઈ હતી. માધુરીને ૧૦ વર્ષની જેલ થઈ હતી. કોરોના દરમિયાન વિવિધ બિમારીઓને કારણે માધુરીનું અવસાન થયું હતું. ૨૦૧૫માં એરફોર્સના જવાન રણજીત કેકેને જાસુસીના આરોપ હેઠળ પકડવામાં આવ્યો હતો. રણજીતને દામીની મેકનોટ નામની મહિલાએ પત્રકાર બનીને સોશ્યલ મીડિયા દ્વારા ફસાવ્યો હતો.

'સમય આવી ગયો છે કે, હાઇકોર્ટના જજોની કામગીરીનું ઓડિટ થાય'

આજીવન જેલની સજા બાબતે ઝારખંડની ચાર વ્યક્તિઓની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રિમ કોર્ટે સખત ટીપ્પણી કરી છે. સુપ્રિમ કોર્ટે જજોની કાર્યપદ્ધતિ બાબતે ટીપ્પણી કરી છે. સુપ્રિમ કોર્ટનું કહેવું છે કે હાઇકોર્ટના ન્યાયાધિશો બિનજરૂરી બ્રેક લે છે. હવે સમય આવી ગયો છે કે, એમની કામગીરીનું ઓડિટ થાય. જસ્ટીસ સૂર્યકાંત અને જસ્ટીસ એન કે સિંહની બેન્ચે ચિંતા વ્યક્ત કરી હતી કે, કેટલાક કિસ્સાઓમાં સુનાવણી પૂરી થઈ ગયા પછી પણ હાઇકોર્ટના જજો લાંબા સમય સુધી ચૂકાદો આપતા નથી. આવા જજોની કાર્યપદ્ધતિ બાબતે તપાસ થવી જોઈએ. બેન્ચે કહ્યું હતું કે કેટલાક ન્યાયાધિશો ખૂબ મહેનત કરે છે જ્યારે કેટલાક વારંવાર બ્રેક લેતા હોય છે. ક્યારેક કોફી બ્રેક, કયારેક લંચ બ્રેક તો ક્યારેક બીજા કોઈ બ્રેક.

અમિત માલવિયા અને અર્ણબ સામે કોંગ્રેસનો બદનક્ષીનો દાવો

યુવા કોંગ્રેસે કથિત રીતે ખોટી માહિતી ફેલાવવા માટે નેશનલ ન્યુઝ ચેનલના એડિટર-ઈન-ચીફ અર્ણબ ગોસ્વામી તેમજ ભાજપ આઈટી સેલના ચીફ અમિત માલવિયા સામે એફઆઈઆર દાખલ કરી છે. એફઆઈઆરમાં બંને પર રાષ્ટ્રીય લાગણીઓનો ગેરલાભ લેવાનો, રાજકીય સંસ્થાઓની બદનક્ષી કરવાનો અને જાહેર અશાંતિ ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. યુવા કોંગ્રેસની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે આ બંને જણાએ લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીની બદનામી  કરવાનો પ્રયાસ કર્યો છે અને અમે તેને સાંખી નથી લેવાના.

આઈએસઆઈ સંબંધ બાબતે ગોગોઈનો આસામ સીએમને પ્રત્યુત્તર

આસામના મુખ્ય મંત્રી હિમન્તા બિસ્વા સર્માના પોતાની સામેના નિવેદનોનો પ્રત્યુત્તર આપકા કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ મંગળવારે જણાવ્યું કે ભાજપના અગ્રણી એલ.કે.અડવાણી જેવા ભાજપના અનેક નેતાઓએ પડોશી દેશની મુલાકાત લીધી હતી અને મહોમ્મદ અલી ઝીણાનું સન્માન પણ કર્યું હતું. હિમન્તા બિસ્વા સર્માનો આરોપ હતો કે ગૌરવ ગોગોઈએ પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈના આમંત્રણથી પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને પડોશી દેશની સંસ્થા સાથે સહયોગ પણ કર્યો હતો.ગૌરવ ગોગોઈએ જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પાકના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરિફના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપવા લાહોરની મુલાકાત પણ લીધી હતી. ગોગોઈએ વધુમાં જણાવ્યું કે મોદી સરકારે પઠાણકોટ હવાઈ મથક ખાતે આતંકી હુમલાની તપાસ કરવા પાકિસ્તાની ટીમને પણ આમંત્રણ આપ્યું હતું.

કિરણ રિજિજુના ફોન કોલ પછી મમતા નરમ પડી

ઓપરેશન સિંદૂરના બહુ-પક્ષીય ડેલીગેશનમાંથી સાસંદ યુસુફ પઠાણને પડતો મુક્યા પછી ટીએમસીએ પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અભિષેક બેનર્જીની પસંદગી કરી હતી. ટીએમસીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ વિદેશી બાબતો પરની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં અભિષેક બેનર્જીની હાજરી પછી પશ્ચિમ બંગાળ સીએમ મમતા બેનર્જીનો સંપર્ક કર્યો હતો. ટીએમસીએ ડેલિગેશનમાં ઉમેદવાર પસંદ કરવાનો અધિકાર ભાજપ અથવા કેન્દ્ર સરકારને ન હોવાનું કહીને યુસુફ પઠાણને કાઢી નાખ્યો હતો અને કિરણ રિજિજુના મમતાને ફોન કોલ પછી ટીએમસીના પ્રતિનિધિ કરીકે અભિષેક બેનર્જીની પસંદગી કરી હતી.

અશોકા યુનિ.ના પ્રોફેસર અલીખાનની ધરપકડથી  ભાજપમાં ઘેરા પ્રત્યાઘાતો

ઓપરેશન સિંદૂર પરે લઈને નિવેદન કરનારા  અશોકા યુનિ.ના પ્રોફેસર અલીખાનની ધરપકડેના વિપક્ષે તો ઘેરા પ્રત્યાઘાત આપ્યા જ છે, પરંતુ શાસક પક્ષમાં પણ તેના તીવ્ર પ્રત્યાઘાત પડયા છે. અલીખાન ઉત્તરપ્રદેશના મહમુદાબાદના રાજવી પરિવારના છે. તે અશોકા યુનિ.માં પોલિટિકલ સાયન્સ વિભાગના વડા છે.  ભાજપના યુવા મોરચાના જનરલ સેક્રેટરીએ અલી ખાન સામે ફરિયાદ કરતાં તેમની ધરપકડ થઈ છે તો ભાજપના જ આંબેડકર નગરના ભૂતપૂર્વ સાંસદ પાંડેએ જણાવ્યું હતું કે હું હજી પણ કહું છું કે અલીની પોસ્ટને લઈને ગેરસમજ થઈ છે. તેઓ ક્યારેય વિવાદાસ્પદ ન હતા. અમે સારા મિત્રો છીએ.  સમાજ માટે તેમણે ઉમદા કાર્ય કર્યુ છે. વિશ્વના અગ્રણી શિક્ષણવિદોએ પણ અલી ખાન સામેની કાર્યવાહીની ટીકા કરી છે. તેમનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે.

- ઈન્દર સાહની