નવીદિલ્હી : થોડા દિવસોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાનું સ્થાન કોણ લેશે એની ચર્ચા દિલ્હીના ભાજપ કાર્યાલયમાં થઈ રહી છે. નરેન્દ્ર મોદી અને મોહન ભાગવત વચ્ચેની મુલાકાત પછી નવા અધ્યક્ષનું નામ જાહેર થશે એવી ચર્ચા છે. આરએસએસના એક મોટા નેતાનું કહેવું છે કે, ભાજપ અને સંઘ વચ્ચે બગડેલા સંબંધોની ચિંતા આરએસએસના કેટલાક નેતાઓને છે. નવા અધ્યક્ષની પસંદગીમાં મોહન ભાગવતનો હાથ ઉપર રહે એવી શક્યતા પણ છે. સંઘને વફાદાર હોય અને મોદીની ગુડબુકમાં પણ હોય એવી વ્યક્તિ મળવી મુશ્કેલ છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, જે નામો ચર્ચાય રહ્યા છે એને બદલે કોઈ નવો ધડાકો પણ થઈ શકે.
બિહારની રાઘોપુર બેઠક લાલુ પરિવારનો ગઢ કઈ રીતે બની
બિહારમાં ઓક્ટોબર મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ શકે છે. ચૂંટણીની તૈયારી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. વિવિધ બેઠકોના મૂલ્યાંકન થઈ રહ્યા છે. સૌથી વધારે ચર્ચામાં રાધોપુર બેઠક છે. આ બેઠક પર લાલુ પ્રસાદ યાદવ કુટુંબનો દબદબો રહ્યો છે. ૧૯૯૫માં તત્કાલીન મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ બે બેઠકો પરથી ચૂંટણી લડયા હતા. રાધોપુર અને પટણા એમ બંને બેઠકો પરથી જીતેલા લાલુ પ્રસાદે રાધોપુર બેઠક જાળવી રાખી. ૨૦૦૦ વિધાનસભાની ચૂંટણીમાં ફરીથી લાલુ રાઘોપુરથી ચૂંટાઈ આવ્યા હતા. ચારા ગોટાળાને કારણે લાલુએ આ બેઠક પત્ની રાબડી દેવી માટે ખાલી કરી હતી. રાબડી દેવી પણ આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. ફક્ત ૨૦૧૦માં રાબડી દેવી આ બેઠક પરથી હાર્યા હતા. જેડીયુના સતિષકુમારે એમને હરાવ્યા હતા. ત્યાર પછી તેજસ્વી યાદવ સતત રાધોપુર બેઠક પરથી જીતી રહ્યા છે.
નાગપુર હિંસામાં બાંગ્લાદેશ કનેકશન બહાર આવ્યું
મહારાષ્ટ્રના નાગપુરમાં ૯૮ વર્ષ પછી કોમવાદી હિંસા થઈ છે. હિંસા માટે અલગ અલગ કારણો બહાર આવી રહ્યા છે. છેલ્લે મળેલી માહિતી પ્રમાણે નાગપુર હિંસાના તાર બાંગ્લાદેશ સાથે જોડાયા છે. નાગપુર પોલીસના સાયબર સેલે બાંગ્લાદેશથી ઓપરેટ થતા ફેસબુક એકાઉન્ટ શોધી નાખ્યું છે. આ એકાઉન્ટ પરથી નાગપુરમાં મોટા પાયે હુલ્લડો કરાવવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી પછી ૨૪ કલાકમાં જ નાગપુરમાં તોફાનો ફાટી નિકળ્યા હતા. આ જ ફેસબુક એકાઉન્ટ પરથી બીજી ધમકી આપવામાં આવી છે કે ભવિષ્યમાં નાગપુરમાં આનાથી મોટા તોફાનો થશે. બાંગ્લાદેશના નવાઝ ખાન પઠાણના નામે ફેસબુક એકાઉન્ટ છે. પઠાણે લખ્યું છે કે, હવે ભવિષ્યમાં તમારા ઘરોમાં ઘૂસીને તમારી સ્ત્રીઓને ઉઠાવી જઈશું. સાયબર વિભાગે આ બાબતે ફરિયાદ દાખલ કરી છે. ૩૦૦ જેટલા ફેસબુક એકાઉન્ટ ઉપરાંત યુ-ટયુબરો સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
યુજીસીનો આગ્રહ, યુનિવર્સિટીઓમાં સેનેટરી પેડ વેન્ડીગ મશીન મુકો
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ મહિલાઓના માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા માટે નવું અભિયાન શરૂ કર્યું છે. દેશની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોના કેમ્પસમાં સેનેટરી પેડ વેન્ડીગ મશીન ફરજીયાત મૂકવા પડશે. યુજીસીએ તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને મહિલાઓની સ્વચ્છતા સુધારવા માટે યોગ્ય પગલા લેવાનો આદેશ આપ્યો છે. દેશની તમામ યુનિવર્સિટીઓએ ૨૫ માર્ચ સુધીમાં યુજીસીને રીપોર્ટ આપવો પડશે. યુજીસીના મંત્રી પ્રો. મનિષ જોષીએ તમામ રાજ્યોની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરોને પત્ર લખ્યો છે. યુજીસીના આ નિર્ણયને મહિલા સંસ્થાઓએ આવકાર્યો છે. જોકે હવે જોવાનું એ રહે છે કે ગ્રાઉન્ડ લેવલ પર યુજીસીને આ અભિયાનમાં કેટલી સફળતા મળે છે.
કેરળએ વરિષ્ઠ નાગરીકો માટે ખાસ કમિશન બનાવ્યું
આપણા દેશમાં સિનિયર સિટિઝન્સની તકલીફોના નિવારણ માટે મોટી મોટી વાતો વારંવાર થયા કરે છે. હમણાની કેન્દ્ર સરકારે તો ટ્રેન મુસાફરીમાં સિનિયર સિટિઝનને અપાતું ડિસ્કાઉન્ટ પણ બંધ કરી દીધું છે. આવી પરિસ્થિતિમાં કેરળની સામ્યવાદી સરકારે સિનિયર સિટિઝન્સ માટે ખાસ કમિશન બનાવવાનું નક્કી કર્યું છે. આ કમિશનનો ઉદ્દેશ ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિના કલ્યાણ, રક્ષણ અને પુનર્વાસ માટેનો છે. કેરળના મુખ્યમંત્રી પીનારાય વિજયને આ માહિતી આપી હતી. કેરળમાં સિનિયર સિટિઝન્સ માટે ઘણી યોજનાઓ પણ છે. સિનિયર સિટિઝન્સ રાજ્યની પ્રગતિમાં વધુ ફાળો આપે એ માટેના પ્રયાસો પણ કેરળ સરકાર કરી રહી છે.
સાલિયાન વિવાદ બાબતે ઉદ્ધવની ભાજપને ચેતવણી, જૂઠાણા ભારે પડશે
મહારાષ્ટ્રમાં દિશા સાલિયાનના મૃત્યુ બાબતે ફરીથી રાજકારણમાં ગરમી આવી ગઈ છે. આ બાબતે ભાજપ અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે) વચ્ચે દલિલ બાજી થઈ રહી છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપને ચેતવણી આપી છે કે ભાજપ જૂઠી વાતને સાચી સાબીત કરવાની કોશિષ કરી રહ્યો છે. આ બાબતે ભાજપ પોતે જ ફસાશે. ભાજપએ આક્ષેપ કર્યો છે કે દિશા સાલિયાનના શંકાસ્પદ મૃત્યુ માટે આદિત્ય ઠાકરે જવાબદાર છે. ઉદ્ધવના કહેવા પ્રમાણે આદિત્યને દિશા સાલિયાનના મૃત્યુ સાથે કોઈ લેવા દેવા નથી. આ પહેલા પણ આદિત્યનું નામ ખરાબ કરવાની કોશિષ ભાજપએ કરી છે. ભાજપ આવા જૂઠાણા ફેલાવવા માટે પહેલેથી જ જાણીતો છે.
શિના બોરા હત્યાકાંડમાં સીબીઆઈએ વિધિ મુખર્જીને સાક્ષી બનાવી
દેશભરમાં બહુ ગાજેલા શિના બોરા હત્યાકાંડમાં સીબીઆઇએ હવે સાક્ષીઓની યાદી મુંબઈની ખાસ કોર્ટને આપી છે. આ યાદીમાં આરોપી ઇન્દ્રાણી મુખજીની ર્પુત્રી વિધિ મુખર્જીનું નામ પણ છે. યાદીમાં સાક્ષી તરીકે કુલ ૧૨૫ વ્યક્તિઓ છે. ગયા અઠવાડિયે ઇન્દ્રાણી મુખર્જીએઆ બાબતે સીબીઆઇ પાસે સ્પષ્ટતા માંગી હતી કે વિધિ મુખર્જીનું નામ સાક્ષી તરીકે છે કે દુર કરવામાં આવ્યું છે. ઇન્દ્રાણીની ઇચ્છા વિધિને મળવાની છે. ઇન્દ્રાણી મુખર્જીને જ્યારે જામીન આપવામાં આવ્યા હતા ત્યારે અદાલતે શરત રાખી હતી કે ઇન્દ્રાણી કોઈપણ સાક્ષીને મળશે નહીં. વિધિ મુખર્જી ઇન્દ્રાણીના પહેલા લગ્નથી થયેલી પુત્રી છે. હવે વિધિ મુખર્જીનું નામ સાક્ષીની યાદીમાં હોવાથી ઇન્દ્રાણી મુખર્જી વિધિને મળી શકશે નહીં.
નીતિશ માનસિક અસ્થિર, નિશાંતને સીએમ બનાવો : રાબડી દેવી
નીતિશકુમારે રાષ્ટ્રગીતનું અપમાન કર્યું એવો વિડીયો તેજસ્વી યાદવે શેર કર્યો પછી બિહારના રાજકારણમાં નિવેદનબાજી શરૂ થઈ છે. એક તરફ રાષ્ટ્રગાન ચાલતું હતું ત્યારે નીતિશકુમાર અજીબ હરકતો કરતા કેમેરામાં કેદ થયા હતા. મીડિયા સામું જોઈને હાથ હલાવતા હતા. એ પહેલાં તેમણે મુખ્ય સચિવ સાથે વાતચીત કરવાની કોશિશ કરી. આ વીડિયો સામે આવ્યો પછી રાબડી દેવીએ કહ્યું કે નીતિશકુમારની માનસિક સ્થિતિ બરાબર ન હોવાનો દાવો કર્યો હતો. આશ્વર્ય તો સૌને ત્યારે થયું કે રાબડી દેવીએ એમ કહ્યું કે નીતિશકુમારને બદલે તેમના પુત્ર નિશાંતને સીએમ બનાવો.
ખડગે અને રાહુલની બંગાળ કોંગ્રેસ યુનિટ સાથે ત્રણ કલાક બેઠક
બંગાળમાં આવતા વર્ષે ચૂંટણી થવાની છે. ટીએમસીએ ગત ચૂંટણીની જેમ ૨૧૫ બેઠકો જીતવાનો ટાર્ગેટ સેટ કર્યો છે. ભાજપને આ વખતે વધુ આશા છે. કોંગ્રેસને ઉત્તરોત્તર ખરાબ થતો દેખાવ સુધારવો છે. તેના ભાગરૂપે અને આગામી ચૂંટણીની રણનીતિ ઘડવા માટે કોંગ્રેસના બંગાળ યુનિટને દિલ્હી બોલાવીને ચર્ચા કરી હતી. વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ બંગાળ કોંગ્રેસના નેતાઓ સાથે ત્રણ કલાક સુધી ચર્ચા કરી હતી. એમાં રાહુલે સ્પષ્ટ સૂચના આપી છે કે યોગ્ય મુદ્દા હોય એમાં ટીકા કરવાની આવે તો ટીએમસી તરફ પણ નરમ વલણ બતાવવાનું નથી. લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ ટીએમસીને ટાર્ગેટ કરવાનું ટાળ્યું હતું, પરંતુ મમતા બેનર્જીનું કોંગ્રેસ તરફ આકરું વલણ જોઈને હવે કોંગ્રેસ પણ આક્રમક બનશે.
તેલંગણામાં મિસ વર્લ્ડની સ્પર્ધા યોજાશે : મુખ્યમંત્રીના નિર્ણયનો ભારે વિરોધ
તેલંગણામાં મિસ વર્લ્ડની સ્પર્ધા યોજાવાની છે. ૭થી ૩૧મી મે દરમિયાન યોજાનારી આ સ્પર્ધાના કારણે રાજકીય વિવાદ શરૂ થયો છે. મુખ્યમંત્રી રેવન્થ રેડ્ડીએ દાવો કર્યો હતો કે આ ઈવેન્ટ યોજાશે તેનાથી રાજ્યની ઈમેજ બહેતર બનશે અને રાજ્યમાં રોકાણ આવવાની શક્યતા ઉજળી બનશે. ખાસ તો ટૂરિઝમના સેક્ટરમાં મોટો ફરક આવશે. બીજી તરફ તેલંગણામાં મુખ્ય વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય સમિતિ-બીઆરએસના એક્ટિંગ પ્રેસિડેન્ટ કેટી રામારાવે કહ્યું હતું કે આ ઈવેન્ટ યોજીને રાજ્યની કોંગ્રેસ સરકાર ૨૦૦ કરોડ રૂપિયાનું પાણી કરશે. બીઆરએસ એવો દાવો કરે છે કે અગાઉ કેસીઆરની સરકારે રાજ્યમાં ફોર્મ્યુલા-ઈ રેસિંગની ઈવેન્ટ કરી હતી ત્યારે કોંગ્રેસ અને રેવન્થ રેડ્ડીએ એનો વિરોધ કર્યો હતો. કેસીઆરની સરકારે પણ રાજ્યમાં રોકાણ વધારવાના હેતુથી જ આ ઈવેન્ટ ગોઠવી હતી.
- ઈન્દર સાહની


