Get The App

દિલ્હીની વાત : મોદીએ કશ્યપને નિમીને મોટો આંચકો આપ્યો

Updated: Jul 23rd, 2020

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : મોદીએ કશ્યપને નિમીને મોટો આંચકો આપ્યો 1 - image


મોદીએ કશ્યપને નિમીને મોટો આંચકો આપ્યો

નવીદિલ્હી, તા.22 જુલાઈ 2020, બુધવાર

મોદીએ હિમાચલ પ્રદેશ ભાજપના પ્રમુખપદે દલિત નેતા સુરેશ કશ્યપની નિમણૂક કરીને લોકોને આંચકો આપી દીધો. ત્રણ દિવસ પહેલાં મોદીએ ગુજરાત ભાજપના પ્રમુખપદે સી.આર. પાટિલની નિમણૂક કરીને આવો જ આંચકો આપ્યો હતો. હિમાચલ પ્રદેશ જેવા સવર્ણોની બહુમતી ધરાવતા રાજ્યમાં દલિત નેતાને પ્રદેશ પ્રમુખ બનાવીને મોદીએ બહુ મોટો જુગાર ખેલ્યો છે.

હિમાચલ પ્રદેશના રાજકારણમાં ઠાકુર અને બ્રાહ્મણ નેતાઓનું વર્ચસ્વ રહ્યું છે. ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પક્ષ બ્રાહ્મણ અથવા ક્ષત્રિયને જ મુખ્યમંત્રીપદ અને પ્રદેશ પ્રમુખપદ આપે છે. ભાજપ પણ અત્યાર સુધી આ ફોર્મ્યુલાને અનુસરતો હતો પણ મોદીએ હવે નવો પ્રયોગ કર્યો છે.  આ નિર્ણય દ્વારા હિમાચલમાં વર્ચસ્વ માટે લડતા બ્રાહ્મણ જે.પી.નડ્ડા અને મુખ્યમંત્રી જયરામ ઠાકુર બંને જૂથને પણ આંચકો આપ્યો છે.

સુરેશ કશ્યપ સિમલા બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા છે. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. કશ્યપ રાજકારણમાં આવ્યા પહેલાં એરફોર્સમાં હતા. ૨૦૦૪માં નિવૃત્ત થયા પછી ભાજપમાં જોડાયા. વિધાનસભામાં એક વાર હાર્યા પછી બે વાર ચૂંટાયા અને હવે લોકસભાના સભ્ય છે.

ફૂટબોલ સ્ટારના 24 કલાકમાં ભાજપને રામ રામ

પશ્ચિમ બંગાળમાં ભાજપમાં જોડાયેલા ફૂટબોલ સ્ટાર મહેતાબ હુસૈને એક જ દિવસમાં ભાજપ છોડવાની જાહેરાત કરતાં ભાજપ શરમજનક સ્થિતીમાં મૂકાયો છે. ઈસ્ટ બેંગાલ અને મોહન બગાન જેવા ટોચની ફૂટબોલ ક્લબ વતી રમી ચૂકેલા મહેતાબ ભારતીય ફૂટબોલ ટીમમાં દસ વર્ષ સુધી મિડફિલ્ડર હતા.

મહેતાબને મંગળવારે બંગાળ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષે ભાજપ હેડક્વાર્ટર ખાતે ગાયિકા ષિ બંધોપાધ્યાય સાથે ભાજપમાં પ્રવેશ આપ્યો હતો. મહેતાબે કહ્યું હતું કે, કપરા સમયમાં દેશની સેવા કરવા પોતે ભાજપમાં જોડાયો છે.

બંગાળમાં મુસ્લિમોને આકર્ષવા માટે એક ચહેરો મળી ગયો હોવાનું માનીને ભાજપના નેતા ખુશ થતા હતા ત્યાં બુધવારે મહેતાબે રાજીનામું ધરી દીધું. મહેતાબને એક જ દિવસમાં ભાજપનો મોહભંગ કેમ થઈ ગયો તેની તેણે સ્પષ્ટતા કરી નથી પણ ભાજપનાં સૂત્રો મમતા બેનરજીના દબાણને કારણભૂત ગણાવે છે. મુસ્લિમ મતદારો મમતાને પડખે છે ત્યારે ભાજપ મુસ્લિમ યુવા સ્ટારને ખેંચી જાય તો પોતાનો ગરાસ લૂંટાઈ જાય એ ડરે મમતાએ પૂરી તાકાત લગાવીને ભાજપ છોડવા ફરજ પાડી હોવાનો તેમનો દાવો છે.

ઓબીસી મુદ્દે ભાજપ સાંસદ મોદી સામે પડયા

મોદી સરકાર ઓબીસી ક્રીમી લેયર આવક મર્યાદા વધારવાની દિશામાં આગળ વધી રહી છે ત્યારે ભાજપના સાંસદ ગણેશ સિંહે વિરોધનો ઝંડો ઉઠાવ્યો છે. સિંહે ભાજપના ઓબીસી સમુદાયના ૧૧૨ સાંસદોને પત્ર લખીને અપીલ કરી છે કે, તમામ ઓબીસી સાંસદો મોદી અને અમિત શાહને પત્ર લખીને ક્રીમી લેયરની આવક મર્યાદા સાથે છેડછાડ નહીં કરવા વિનંતી કરે.

મોદી સરકાર ક્રીમી લેયરની આવકમાં સરકારી કર્મચારીઓના પગાર અને ખેતીની આવકને પણ સમાવી લેવા વિચારી રહી છે. આ બંને આવકનો સમાવેશ કરીને આવક મર્યાદા ૧૬ લાખ કરવાની સરકારની યોજના છે. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ (એનસીબીસી) આ અંગેની ફોર્મ્યુલા તૈયાર કરી રહ્યું છે ત્યારે જ સિંહે પત્ર લખતાં ભાજપમાં ખળભળાટ મચ્યો છે.

સિંહ મધ્ય પ્રદેશના સતનાના સાંસદ છે અને ઓબીસી કલ્યાણ અંગેની સંસદીય સમિતીના પ્રમુખ છે. તેમની સમિતીએ જ ક્રીમી લેયર માટેની આવક મર્યાદા વધારીને ૧૫ લાખ કરવા ભલામણ કરી હતી પણ ખેતી-પગારની આવકને ગણતરીમાં નહીં લેવા પણ ભલામણ કરી હતી.

દિલ્હીમાં શિક્ષકોના પગારના 147 કરોડ ક્યાં ગયા ?

દિલ્હીમાં નોર્થ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોના ૯૦૦૦ શિક્ષકોને છેલ્લા ત્રણ મહિનાનો પગાર નથી મળ્યો. કોર્પોરેશનમાં ભાજપ જ્યારે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલનું શાસન છે તેથી બંને પરસ્પર દોષારોપણ કર્યા કરતાં હતાં. કંટાળેલા શિક્ષકો હાઈકોર્ટમાં જતાં કોર્પોરેશને જૂઠાણું ચલાવ્યું હોવાની પોલ ખૂલી છે.

ભાજપે આક્ષેપ મૂક્યો હતો કે, કેજરીવાલ સરકારે નાણાં છૂટાં ના કરતાં પગાર નથી થયો. કેજરીવાલ સરકારના સ્ટેટસ રીપોર્ટમાં ખુલાસો થયો કે, દિલ્હી સરકારે એપ્રિલથી જૂનના પગારના ૧૪૭ કરોડ રૂપિયા ત્રણ હપ્તામાં આપી દીધા છે છતાં માર્ચ સુધીનો પગાર ચૂકવાયો છે.

હાઈકોર્ટે સવાલ કર્યો કે, શિક્ષકોના પગારના ૧૪૭ કરોડ રૂપિયા ભાજપના નેતાઓએ ક્યાં વાપરી નાંખ્યા ?  કોર્પોરેશને જવાબ આપ્યો કે, સુપ્રીમ કોર્ટના આદેશના પગલે હેલ્થ વર્કર્સ, સફાઈ કામદારો તથા ડોક્ટરોના પગાર સૌથી પહેલાં આપવાના હોવાથી તેમાં રકમ વાપરી છે. હાઈકોર્ટે કોર્પોરેશન અને કેજરીવાલ બંનેને ૫ ઓગસ્ટે નવો સ્ટેટસ રીપોર્ટ રજૂ કરવા આદેશ આપતાં કોર્પોરેશનને રાહત મળી છે પણ આ રાહત કેટલી ટકે છે એ જોવાનું રહે છે.

રાજ્યસભાની શપથવિધીમાં પ્રિયંકા આકર્ષણનું કેન્દ્ર

બુધવારે રાજ્યસભાના નવા ચૂંટાયેલા ૬૧ સભ્યો પૈકી ૪૫ સભ્યોની શપથવિધી દરમિયાન રાજ્યસભામાં કદી ના જોવા મળ્યાં હોય એવાં દ્રશ્યો સર્જાયાં. પહેલીવાર એવું બન્યું કે, સત્ર ચાલુ ના હોય ત્યારે શપથવિધી કરાઈ.

કોરોનાના કારણે તમામ સભ્યો માસ્ક પહેરીને આવ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે પાંચ સભ્યો બેસી શકે તે બેંચ પર એક જ સભ્યને બેસાડાયા હોવાથી ઘણા સભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડાયા હતા.

શપથવિધી દરમિયાન કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના કટ્ટર વિરોધી દિગ્વિજયસિંહ સામસામે આવી ગયેલા. બંનેએ માસ્ક પહેરીને એકબીજાને નમસ્કાર કર્યા પણ કોઈ વાતચીત ના કરી.

સૌથી રસપ્રદ વાત એ રહી કે, શરદ પવારે હિન્દીમાં શપથ લીધા જ્યારે શિવસેનાનાં પ્રિયંકા ચતુર્વેદીએ મરાઠીમાં શપથ લીધા. પ્રિયંકાનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે અને હિન્દીભાષી છે. પ્રિયંકાએ પોતાનાં વસ્ત્રોના કારણે પણ સૌનું ધ્યાન ખેંચ્યું. પીળી સાડી અને વાદળી રંગના બ્લાઉઝના ભારતીય પહેરવેશમાં આવેલા પ્રિયંકા માસ્ક પણ મેચિંગ એટલે કે વાદળી રંગનો પહેરીને આવ્યાં હતાં.

પ્રિયંકાએ પૂરના જૂના ફોટા મૂકતાં મજાક ઉડી

પ્રિયંકા ગાંધીએ આસામ, બિહાર અને ઉત્તર પ્રદેશના પૂર અંગે કરેલી ટ્વિટમાં ત્રણ વર્ષ જૂના ફોટા નાંખી દેતાં સોશિયલ મીડિયા પર લોકો પ્રિયંકાની મજા લઈ રહ્યાં છે. અલબત્ત પ્રિયંકાએ કોઈ રાજકીય કોમેન્ટ નહોતી કરી તેથી લોકો કોઈ ખરાબ કોમેન્ટ નથી કરી રહ્યા.

સોમવારે પ્રિયંકાએ ટ્વિટ કરી હતી કે, આસામ, બિહાર અને યુપીમાં ઘણા વિસ્તારોમાં આવેલા પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. લાખો લોકો પર સંકટનાં વાદળ છવાયેલાં છે ત્યારે અમે મદદ માટે તત્પર છીએ. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ પણ લોકોને તમામ મદદ કરે. આ ટ્વિટ સાથે ૨૦૧૭ના પૂરની બે તસવીરો મૂકી હતી.

યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે, આસામના કોંગ્રેસના કાર્યકરોને કહો કે આળસ ખંખેરીને સક્રિય થાય કે જેથી જૂની તસવીરો ના મૂકવી પડે. કેટલાકે એવી કોમેન્ટ પણ કરી છે કે, રાજકારણ હોય કે પૂરની તસવીરો, કોંગ્રેસ હજુ ભૂતકાળમાંથી જ બહાર નથી આવતી. 

***

શા માટે પાયલોટ-સિંધીયા નવો પક્ષ નહીં રચે?

જ્યોતિરાદિત્ય સિંધીયા અને સચિન પાયલટે નવા પક્ષની રચના કરવા અંગે જરાય સાહસ કર્યો નથી, જ્યારે શરદ પરાવ, મમતા બેનર્જી, અને જગન મોહન રડ્ડેી પણ પોતાના પક્ષના સ્થાપના કરી શક્યા અને હાલમાં તેઓ  સરકારમાં છે. પરંતુ જાણકારો કહે છે કે મોદી-શાહના યુગમાં આવું શક્ય નથી. બંને યુવા નેતાઓ વિચારે છે કે પહેલાથી જ પ્રભુત્વ ધરાવે છે અને જે સત્તામાં છે તે પક્ષમા શા માટે ના જોડૌવવું? બલકે આ તો સરળ રસ્તો છે. નવા પક્ષની રચના કરવી ખુબ ગુંચવણભરી કામગીરી છે. એના માટે જંગી સમર્થન અને મેનપાવર હોવું જરૂરી છે. એના માટે પૈસા, સમય,શક્તિ,ઉમર, ધર્ય, એક વિચાર અથવા વિચારધારા અને સૌથી અગત્યનું તો એ કે  મોદીની લોકપ્રિયતા વચ્ચે લોકોનો સપોર્ટ મેળવવો  જરૂરી છે.

જોશી-ગેહલોત વચ્ચે સપર્ધા

રાજસ્થાનની ગેહલોત સરકાર પાયલોટ એન્ડ કંપનીને ગેરલાયક ઠેરવવામાં આવે એવું  વિચારે છે કે જેથી બહુમતી સાબીત કરવી સરળ બની જાય.ે રાજ્યની વિધાનસભાના સ્પીકરના નિર્ણય પર બધું નિર્ભર છે. પરંતુ જુના રાજકારણીઓ જાણે છે કે બંને વચ્ચે સ્પર્ધા પણ ખુબ જુની છે. ૧૯૯૮માં ગેહલોતની પ્રથમ સરકારમાં જોશી શિક્ષણ મંત્રી હતા અને તે વખતે બંને વચ્ચે ૩૬ નો આંકડો હતો. ત્યાર પછીથી બંને વચ્ચેની દુશ્મનાવટ જારી છે અને એટલા માટે જ જોશીને સ્પાકરનો પદ અપાયો હતો.'જોશી મજબુત મનોબળના નેતા છે. જો તેમને મંત્રી બનાવ્યા હોત તો તેઓ પોતાના વિભાગમાં પોતાની સત્તા સામે ગેહલોતને પડકારી શકયા હોત જે ગેહલોતને પસંદ નથી.

પાત્રા 'નોનસેન્સ' શબ્દ પર અડી ગયા

લદ્દાખ સરહદના મુદ્દે તમામ ગંભીર સવાલો ચીને મદદ માટે કરવામાં આવ્યા હતા એવો સંદેશો આપવા જતાં અને કોંગ્રેસની પ્રવકતા સુપ્રિયા નેતેને જવાબ આપવામાં એક ટીબી ચર્ચામાં ભાજપના પ્રવકતા પાત્રાએ નોનસેન્સ શબ્દ સામે વાંધો લીધો હતો. પાત્રાએ ઓછામાં ઓછું ચાર વખત 'નોનસેન્સ મોદી' શબ્દનો પ્રયોગ કર્યો હતો.આજે કલાકો સુધી સોશિયલ  મીડિયામાં આ શબ્દોનો મારો રહ્યો હતો.હજારો ટ્વિટર યુઝર્સે મહામારીને નિયંત્રણ કરવામાં સરકારની નિષ્ફળતા,પ્રવાસી મજુરો, આર્થિક સ્થિતિ નબળી, નોકરીઓ ગુમાવવાની પીડા, ખેડૂતોની સમસ્યા,ચીનની ઘુસણખોરી, જીએસટી પર અમલ અને  હર હમેંશા જેનો ઉલ્લેખ કરી શકાય એવા નોટબંધીનો મુદ્દો.પોતાની આબરૂ બચાવવા હનેંશની જેમ જમણેરી પક્ષના પ્રવકતાએ અનેક વાર 'નોનસેન્સ'શબ્દનો ઉપયોગ કર્યો હતો અને 'નોનસેન્સ રાહુલ'હેશટેંગ પ્રસારીત કર્યો હતો.

મમતા નો મોદી-શાહ પર પ્રહાર

બંગાળી અસ્મીતાનો મુદ્દો ઉઠાવી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપને 'બહારના પક્ષ' તરીકે ગણાવી પ્રહાર કર્યો હતો કે રાજ્યમાં ગુજરાતીઓ અને બહારના લોકોની સરકાર નહીં ચાલે, બલકે ધરતીપુત્રોની જ સરકાર બનશે.'શા માટે તમામ રાજ્યોમાં ગુજરાતીઓ જ રાજ કરે?અમે આ બે ગુજરાતીઓ (મોદી-શાહ)ને નહીં સહન કરીએ'એમ ગઇ કાલે કોલકાતામાં શહીદ દિવસના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું.તેમણ મોદી સરકાર પર કેન્દ્રની એજન્સીઓ અને પૈસાના જોરે વિપક્ષોની સરકારને ઉથલાવવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપને મમતાએ સૌથી વિધ્વંસક પક્ષ અને ખતરનાક પક્ષ ગણાવ્યો હતો.

સંશોધકો પર બાબુશાહી રાજ કરે છે

બાબુશાહી સંશોધકો પર રાજ કરે છે, પુરાવા કરતાં તો હોદ્દાનું મહત્તવ વધુ છે'એમ કોવિડ-૧૮ અંગે સરકારને સલાહ આપનાર જાહેર આરોગ્યના એક અધિકારીએ કહ્યું હતું.'અમે લાચાર છીએ.અમે શુ કરી શકીએ? અમે તો માત્ર પ્રયાસ જ કરીએ છીએ'એમ તેમણે કહ્યું હતું. કેન્દ્રના આરોગ્ય  મંત્રાલય નવી કોરોના મહામારીનું કોમ્યુનિટિ  ટ્રાન્સમિશન શરૂ થઇ ગયું હોવાના જે ૩૬ જિલ્લામાંથી પુરાવો મેળવ્યા હતા તેને એપ્રિલ મહિનામાં છુપાવી દેવા તરફ તેમણે ઇશારો કર્યો હતો.આરોગ્ય અધિકારીઓના સતત ઇનકાર પછી ૩૬ માંથી ૧૬ જિલ્લામાં સામુહિક ચેપ શરૂ થઇ ગયું હતું જેમાં કોલકાતા,ચેન્નાઇ,દિલ્હી અને મુબંઇનો સમાવેશ થતો હતો. કેન્દ્રના ઓરોગ્ય મંત્રાલયે અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે આ અંગેના સવાલોનો જવાબ આપ્યો નહતો.

- ઇન્દર સાહની

Tags :