'તો પછી જેલ મોકલનાર પીએમ - સીએમને જ સજા થવી જોઈએ'
નવીદિલ્હી: ગંભીર ફોજદારી આરોપો માટે જેમની ધરપકડ થાય છે અને ૩૦ દિવસથી વધુ જેલમાં રહેવું પડે છે એવા પ્રધાનમંત્રી, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ જો ખુરશી નહીં છોડે તો એમને સત્તાપરથી દુર થવું પડશે. આ પ્રકારનું બીલ લોકસભામાં રજુ કરવામાં આવ્યું છે. હવે આ બીલ જેપીસી પાસે જશે. જે રીતે દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ જેલમાં ગયા છતાં પણ પદ છોડયું નહોતું એ વખતે વિવાદ થયો હતો. આ સંદર્ભે દિલ્હીના ઉપમુખ્યમંત્રી રહેલા મનીસ સિસોદિયાએ કહ્યું છે કે, બિલમાં એવી જોગવાઈ પણ હોવી જોઈએ કે જેમની ધરપકડ થઈ છે એ મંત્રી કે મુખ્યમંત્રી નિર્દોષ સાબિત થાય તો એમને જેલમાં મોકલનાર પીએમ કે સીએમને સજા થઈ શકે. સિસોદિયાએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'જો કોઈ મંત્રી કે મુખ્યમંત્રીને ખોટા આરોપસર જેલમાં મોકલવામાં આવે તો એમ કરનાર એજન્સીના વડા તેમજ અન્ય જવાબદાર વ્યક્તિઓને પણ સજા થવી જોઈએ.'
રેખા ગુપ્તા પરના હુમલા પછી દિલ્હી પોલીસમાં મોટા પાયે ફેરફાર
લોકદરબાર દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર એક વ્યક્તિએ જે આસાનીથી હુમલો કર્યો એને કારણે સુરક્ષા વ્યવસ્થામાં રહેલા છિંડા બહાર આવ્યા છે. દિલ્હીના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, જ્યારે હુમલો થયો ત્યારે ઝેડ કેટેગરીની સુરક્ષાના અધિકારીઓ શું કરતા હતા. કેન્દ્રીય ગૃહમંત્રાલય અને દિલ્હી પોલીસના ટોચના અધિકારીઓએ પણ આ બાબતે ચિંતન કર્યું છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સકસેનાએ આ હુમલા પછી એકાએક ૧૮ આઇપીએસ અધિકારીઓની બદલીના હુકમો કર્યા છે. આ તમામ અધિકારીઓએ તાત્કાલીક પોતાના પદ છોડવા પડશે. દિલ્હી સરકારના ગૃહ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી સંજીવ કુંડુએ આ યાદી જાહેર કરી છે. ઉપરાજ્યપાલએ કરેલી બદલીઓ બાબતે દિલ્હી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગૂસપૂસ થઈ રહી છે. સરકારની નજીક ગણાતા કેટલાક આઇપીએસ અધિકારીઓને પણ બદલી નાખવામાં આવ્યા છે.
શાહબુદ્દીનના પત્નીને આરજેડીમાં મોટી જવાબદારી
આરજેડીના લઘુમતિ સેલના રાષ્ટ્રીય હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. સિવાનથી બાહુબલી સાંસદ રહેલા શાહબુદ્દીનના પત્ની હિના સાહબ સહિત આઠ રાષ્ટ્રીય ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. લઘુમતિ સેલના રાષ્ટ્રીય પ્રમુખ મોહમદ અલી અશરફ ફાતમીએ આ જાહેરાત કરી હતી. હોદ્દેદારોમાં રાષ્ટ્રીય મહામંત્રીના પદ પર ૧૪ અને રાષ્ટ્રીય મંત્રીના પદ પર ૨૪ નેતાઓને સમાવવામાં આવ્યા છે. આરજેડીના પ્રવક્તા એઝાઝ અહમદએ કહ્યું હતું કે, આ નિમણૂકોને કારણે લઘુમતિઓનો વિશ્વાસ જીતી શકાશે. આવનાર વિધાનસભાની ચૂંટણીમાં જીત માટે આરજેડી લઘુમતિ મતો પર મદાર રાખે છે. બીજી તરફ આરજેડીના પ્રદેશ પ્રમુખ મંગનીલાલ મંડલએ વોટર અધિકાર યાત્રા માટે ૧૯ સભ્યોની કમીટી બનાવી છે.
'એક જયચંદ આજે બિહાર છોડીને ભાગશે'
આરજેડીમાંથી દુર કરાયેલા તેજપ્રતાપ યાદવએ સોશ્યલ મીડિયા એક્સ પર ફરીથી 'જયચંદ' વિશે લખ્યું છે. એમણે લખ્યું છે કે પાંચ જયચંદોમાંથી એક જયચંદ આજે બિહાર છોડીને ભાગશે. એક દિવસ પહેલા તેજપ્રતાપ યાદવએ આકાશ યાદવને જયચંદ કહ્યા હતા. તેજપ્રતાપે લખ્યું છે કે, આજે સાંજે જયચંદ પટના જંકશનથી સમગ્ર પરિવાર સાથે ભાગવાની તૈયારી કરી ચૂક્યો છે. જ્યારે ચૂંટણીનો સમય આવ્યો છે ત્યારે મેદાન છોડીને ભાગનારને શું કહેવાય એ જનતાએ અને મીડિયાએ નક્કી કરવાનું છે. કોઈપણ જયચંદ મારી નજરમાંથી બચી શકશે નહીં. ધીરે ધીરે બાકીના જયચંદોના ચરિત્ર પણ ઉઘાડા થશે. કારણ કે ભગવાનને ઘરે મોડુ છે, પરંતુ અંધેર નથી. આ જયચંદ પટના એરપોર્ટ, પટના જંકશન કે બસ સ્ટેન્ડથી પણ ભાગી શકે એમ છે.
રાહુલ ગાંધીના વકીલને દલીલ કરવાનો અધિકાર નથી
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ થયેલા એક કેસની સુનાવણી દરમિયાન કેસ કરનારના વકીલએ કોર્ટમાં દલીલ કરી હતી કે, રાહુલ ગાંધીના વકીલને કોઈ રજુઆત કરવાનો અધિકાર નથી. રાહુલ ગાંધી સામે થયેલી અરજી પર સુનાવણી નીરજકુમાર ત્રિપાઠીની કોર્ટમાં થઈ હતી. એ વખતે રાહુલ ગાંધીના વકીલ અનુજ યાદવએ હિયરીંગ મુલતવી રાખવા માટે એફીડેવીટ કરી હતી. જોકે ફરિયાદી નાગેશ્વર મિશ્રના વકીલ અલખ નારાયણ રાય તેમજ વિવેક શંકર તિવારીએ વાંધો લીધો હતો. અમેરિકાયાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ ભારતના શિખો વિશે જે નિવેદન આપ્યું હતું એ બાબતે એમની સામે કેસ દાખલ થયો છે. છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી સામે દેશની વિવિધ અદાલતોમાં બદનક્ષીની ફરિયાદો પણ દાખલ થઈ છે.
ચૂંટાયેલી સરકાર કોની મરજી પ્રમાણે ચાલશે ઃ સીજેઆઇ
સુપ્રિમ કોર્ટે સરકારને પૂછયું છે કે, 'શુ રાજ્યપાલને કોઈપણ બીલ હંમેશ માટે રોકી રાખવાની પરવાનગી આપી શકાય? જો જવાબ હામાં હોય તો એનો મતલબ એમ નથી કે ચૂંટાયેલી સરકાર હંમેશા રાજ્યપાલની વ્યક્તિગત ઇચ્છા પ્રમાણે કામ કરે.' કોર્ટને ચિંતા છે કે રાજ્યપાલ જો કોઈપણ બીલને હંમેશ માટે રોકી રાખે તો લોકોએ ચૂંટેલી સરકારની શક્તિ ઓછી થઈ જશે. રાજ્યપાલના અંગત ગમા અણગમા વધુ અગત્યના બનશે. સીજેઆઇ બી આર ગવઇએ સોલીસીટર જનરલ તુષાર મહેતાને સવાલ કર્યો હતો કે, 'ત્યારે અમે શું રાજ્યપાલને અપીલો પર સુનાવણી કરવાનો અધિકાર નહીં આપી શકીએ? કોઈપણ બીલ રાજ્યપાલ દ્વારા પહેલીવાર રોકવાથી 'ખતમ' નથી થઈ જતું.'
સુદર્શન રેડ્ડીની ભાજપે આકરી ટીકા કરી
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડી પર ભાજપ દ્વારા આકરી ટીકાઓ કરવામાં આવી રહી છે. સોશ્યલ મિડિયા પર શ્રેણીબદ્ધ પોસ્ટો મુકી આક્ષેપો કરવામાં આવ્યા છે કે તેમણે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મુકી હતી, નક્સલવાદીઓને ટેકો આપ્યો હતો અને દેશવિરોધી તત્વો સાથે સહાનુભૂતિ રાખી હતી. ભાજપના સિનિયર નેતાઓ દ્વારા રેડ્ડીના ભૂતપૂર્વચૂકાદાઓ ટાંકી એવો આક્ષેેપ કરવામાં આવી રહ્યો છે કે તેમણે ભારતના રાષ્ટ્રીય હિતને જોખમમાં મુક્યું હતું. ભાજપના પ્રવકતા પ્રદીપ ભંડારીએ એક્સ પર જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવારની પસંદગીમાં ઇન્ડિ અલાયન્સના દંભ અને તેમનું નૈતિક દેવાળું ઉઘાડાં પડી ગયા છે. કોંગ્રેસે પોતે જેમને એકવાર યસમેન કહી ઉતારી પાડયા હતા તે આજે તેમના હીરો છે. ૪૬માં ચીફ જસ્ટિસ તરીકે હોદ્દો છોડયા બાદ જસ્ટિસ રંજન ગોગોઇને રાજ્યસભાના સભ્ય નીમવા બદલ એનડીએ સરકારની ટીકા કરનાર કોંગ્રેસે ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે એક ન્યાયાધીશની પસંદગી કરી છે. આ ચૂંટણી એક ઉમેદવારની નહીં પણ ભારતના સર્વોચ્ચ હોદ્દા પર દેશના નિર્ધારનું પ્રતિબિંબ પાડતી વ્યક્તિની પસંદગી કે રાષ્ટ્રીય સુરક્ષા બાબતે કોંગ્રેસના ગંદા સમાધાન વિશેની છે.
કોંગ્રેસની વિદેશી બાબતોની પાંખમાં સલમાન ખુરશીદ નીમાયા
કોંગ્રેસ પક્ષની વિદેશી બાબતોની પાંખના ચેરપરસન તરીકે ૭૨ વર્ષના સિનિયર નેતા સલમાન ખુરશીદની વરણી કરવામાં આવી છે. આનંદ શર્માએ યુવાન નેતાઓ માટે આ હોદ્દો છોડયો તે પછી ખુરશીદની નિમણૂક કરવામાં આવી છે. ખુરશીદ યુપીએ ટુ સરકારમાં વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. તેમને સહાય કરવા બ્રિજેન્દ્રસિંહ અને આરતી કૃષ્ણાની વાઇસ ચેરપરસન તરીકે નિમણૂકો કરાઇ છે. ભાજપના સાસંદ અને પ્રથમ બે મોદી સરકારોમાં પ્રધાન રહી ચૂકેલાં બ્રિજેન્દ્રસિંહ ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૩૨ મતથી હાર્યા હતા.
આરતી કૃષ્ણા કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી.કે.શિવકુમારની નજીકની વ્યક્તિ હોવાનું મનાય છે. કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર બાબતે બહુપક્ષીય પ્રતિનિધિમંડળમાં ખુરશીદ પણ સભ્ય હતા. કોંગ્રેસે સૂચવેલી ચાર નામની યાદીમાં તેમનું નામ નહોતું.
-ઇન્દર સાહની