Get The App

દિલ્હીની વાત : બંગાળની આ બેઠકો પર કોંગ્રેસે સ્પર્ધા રસપ્રદ બનાવી

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : બંગાળની આ બેઠકો પર કોંગ્રેસે સ્પર્ધા રસપ્રદ બનાવી 1 - image

નવીદિલ્હી : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય સ્પર્ધા ભાજપ અને ટીએમસી વચ્ચે છે. જોકે કેટલીક એવી વિધાનસભાની બેઠકો પણ છે કે જ્યાં કોંગ્રેસ પણ સ્પર્ધામાં છે. આ કારણે બેઠકોનું સમીકરણ બદલાઈ શકે છે. પશ્ચિમ બંગાળની લગભગ એક ડઝન બેઠકો પર ચૂંટણીમાં સૌથી વધુ ઉમેદવારો મેદાનમાં છે. આ કારણે આવી બેઠકો પર મત વહેંચાઈ જવાની શક્યતા પણ છે. ચૂંટણીના સમીકરણો પ્રમાણે આમાંથી અડધી બેઠકો પર છેલ્લી ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો હતો. અહીં ટક્કર સીધી તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હતી. પરંતુ આ વખતે કોંગ્રસ પણ અરધી બેઠકો પરથી ચૂંટણી લડી રહી છે. આ કારણે અહીંની બેઠકો પર ત્રીકોણીય જંગ છે. ચૂંટણી કમિશનના આંકડા પ્રમાણે પહેલા ચરણની ચૂંટણીમાં સૌથી વધારે ઉમેદવારવાળી બેઠકોમાં કુચ બિહાર દક્ષિણ, જલપાઇ ગુડી, કરંદીધી, પિતાહર વિધાનસભા બેઠકો છે. આ બેઠકો પર ૧૫-૧૫ ઉમેદવાર સ્પર્ધામાં છે.

'સિવિલ લાઇન્સ' હવે ઇતિહાસ બની જશે

બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવેલા 'સિવિલ લાઇન્સ' જેવા વિસ્તારોના નામ હવે ઇતિહાસ બની જશે. કેન્દ્ર સરકાર બ્રિટિશ કાળમાં અપાયેલા નામો અને પરંપરાને બદલવાની દિશામાં કામ કરે છે. આ ક્રમમાં 'સિવિલ લાઇન્સ'ની સમીક્ષા પણ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર એક મોટુ અભિયાન ચલાવી રહી છે એટલે બ્રિટિશ શાસન દરમિયાનની નિશાનીઓ અને ઓળખને બદલે ભારતીય સંસ્કૃતિ અને ઓળખ અપાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે આ બાબતે મંત્રીઓ અને સિનિયર અધિકારીઓને આવી ઓળખો દુર કરવાની સૂચના આપી છે. 'સિવિલ લાઇન્સ'ની શરૂઆત ૧૯મી સદીમાં થઈ હતી. આ વિસ્તારો ખાસ બ્રિટિશ અધિકારીઓને રહેવા માટે બનાવવામાં આવ્યા હતા જ્યાં સગવડ પણ વધુ સારી મળી રહેતી હતી. અહીં રહેનારનું સ્ટેટસ ઉંચુ ગણાતું હતું.

રાશીદ ખાને ભારતીય નાગરીકતા સ્વિકારવાનો ઇન્કાર શા માટે કર્યો

અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશીદ ખાનનો દાવો જો સાચો હોય તો એમને ભારત તરફથી ક્રિકેટ રમવાની ઓફર મળી હતી. તેમને ટીમ ઇન્ડિયા તરફથી રમવા માટે ભારતનું નાગરીકત્વ પણ ઓફર કરવામાં આવ્યું હતું. રાશીદે ત્યા સુધી કહ્યું હતું કે ભારત સિવાયના બીજા એક દેશે પણ એમને આવી ઓફર આપી હતી. ૨૭ વર્ષના રાશીદ ખાનના પ્રકાશિત થનારા પુસ્તક 'રાશીદ ખાન ફોર્મ સ્ટ્રીટ્સ ટુ સ્ટારડમ'માં આ વિગતો જણાવવામાં આવી છે. આ ઓફર એમણે એટલા માટે નકારી હતી કે તેઓ એમના દેશને ખુબ પ્રેમ કરે છે અને બીજા દેશ માટે રમવા માંગતા નથી. ભારતના ક્રિકેટ બોર્ડ કે બીજા કોઈ સત્તાધિશોએ રાશીદના આ દાવાને નકાર્યો નથી. જો ભારતે ખરેખર રાશીદને આવી ઓફર કરી હોય તો એના માટે કોઈ વ્યાજબી કારણ નથી. ભૂતકાળમાં રાશીદ કરતા પણ વધુ સારા ક્રિકેટરોને ભારતે કદી આવી કોઈ ઓફર આપી નહોતી.

સ્કૂલમાં પુત્રીનું નામ નોંધાવવા પિતા ટોયલેટ સીટ લઈને પહોંચ્યા

એક તરફ ઉત્તર પ્રદેશની યોગી સરકાર મિશન શક્તિ અને કેન્દ્રની મોદી સરકાર મહિલાઓને અનામતના બિલ મુદ્દે મોટી મોટી વાતો કરે છે. બેટી પઢાવ - બેટી બચાવ જેવા સ્લોગનોનો પ્રચાર પણ કરવામાં આવે છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં આવેલા કલવારી ક્ષેત્રની એક સ્કૂલમાં દીકરીઓને શિક્ષણથી વંચીત રાખવાનો કિસ્સો બહાર આવ્યો છે. અહીંની સરકારી સ્કૂલમાં છેલ્લા ૬૬ વર્ષોથી ગરીબ દિકરીઓને પ્રવેશ એટલા માટે આપવામાં નથી આવતો કે સ્કૂલમાં મહિલાઓ માટેના ટોઇલેટ નથી. હકીકત એ છે કે સ્કૂલના સંચાલકો વધુ કમાણી કરવાના ચક્કરમાં મહિલાઓ માટેના ટોયલેટ નહીં હોવાનું બહાનુ કાઢીને પોતાની પ્રાઇવેટ સ્કૂલ ચલાવી રહ્યા છે. સરકારી સ્કૂલની બાજુમાં જ સંચાલકોની પ્રાઇવેટ સ્કૂલ છે. દિકરીઓને સરકારી સ્કૂલમાં ભણતી રોકવા માટે અને મોટી ફી વસુલ કરવા માટે એડમીશન આપવામાં આવતું નથી. કંટાળેલા એક વાલી પોતાની પુત્રીનું નામ સ્કૂલમાં નોંધાવવા ટોઇલેટ સીટ લઇને સ્કૂલ પર પહોંચ્યા હતા.

અજીત દોભાલ સાઉદી અરબ કેમ ગયા

મીડલઇસ્ટમાં યુદ્ધને કારણે ભારે તણાવની પરિસ્થિતિ છે. આ તણાવની પરિસ્થિતિ વચ્ચે દેશના નેશનલ સીક્યુરીટી એડવાઇઝર (એનએસએ) અજીત દોભાલ સાઉદી અરબ પહોંચ્યા છે. એમની મુલાકાત એવા સમયે યોજાઈ છે કે જ્યારે હોર્મૂઝની ખાડીની પરિસ્થિતિ બગડી ગઈ છે અને વિશ્વભરમાં ઓઇલની તંગી વધી રહી છે. તેઓ રીયાદ ગયા હતા અને રાજકીય બાબતોના ઉપમંત્રી સઉદ અલ-સાતીને મળ્યા હતા. ત્યાર પછી દોભાલ ઉર્જા મંત્રી અબ્દુલ અજીજ બીન સલમાન, વિદેશ મંત્રી ફૈસલ બીન ફરહાન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મુસૈદ અલ-એબાનને મળ્યા હતા. જાણકારોના કહેવા પ્રમાણે ભારત અને ગલ્ફ દેશોના સંબંધો તેમજ હાલના સંકટ વિશે ચર્ચા થઈ હતી. ખાસ કરીને ઉર્જા બાબતે વાતચીત લાંબી ચાલી હતી. પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે બદલાયેલી પરિસ્થિતિ વિશે પણ ચર્ચા થઈ હતી.

પ્રોફેસરે હિન્દુ વિદ્યાર્થીઓને ફરજીયાત નમાજ પઢાવી, કિસ્સો હાઇકોર્ટ પહોંચ્યો

છત્તીસગઢ હાઇકોર્ટે બીલાસપુરની ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટી (એનએસએસ)માં કામ કરતા પ્રોફેસર વિરુદ્ધ ચાલી રહેલો ફોજદારી કેસ રદ કરવાનો ઇન્કાર કર્યો છે. પ્રોફેસર પર આરોપ છે કે એમણે ગયા વર્ષે માર્ચ મહિનામાં એનએસએસ કેમ્પ દરમિયાન હિન્દુ વિદ્યાર્થીઓને નમાજ પઢવાની ફરજ પાડી હતી. ચીફ જસ્ટીસ રમેશ સિંહા અને જસ્ટીસ રવિન્દ્રકુમાર અગ્રવાલની બેન્ચે કહ્યું હતું કે, ચાર્જશીટ પ્રમાણે પહેલી નજરે પુરાવા મળ્યા છે. જેને આધારે કેસ ચાલવો જોઈએ. બેન્ચના કહેવા પ્રમાણે પ્રાથમિક તબક્કે એવા કોઈ પુરાવા મળ્યા નથી કે કેસની કાર્યવાહી બદઇરાદાથી થઈ રહી છે. ૨૦૨૫માં ઇદ-ઉલ-ફીત્રને દિવસે ચાર મુસ્લિમ વિદ્યાર્થીઓને નમાજ પઢવા માટે બોલાવવામાં આવ્યા હતા. બાકીના વિદ્યાર્થીઓને એમની મરજી વગર નમાજ પઢવાની ફરજ પાડવામાં આવી હતી.

બિહારમાં 'ધ કેરાલા સ્ટોરી-2'

આંતરજાતીય કે અલગ અલગ ધર્મના યુવક-યુવતીઓ વચ્ચે થતા પ્રેમ કે લગ્નો ખોટા નથી. સરકાર પણ આંતરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન આપે છે. જોકે ઇરાદો ખોટો હોય તો વિવાદ થાય છે. બિહારમાં 'ધ કેરાલા સ્ટોરી-૨' જેવી ઘટના બની છે. કેટલાક લોકોને કારણે સમગ્ર ધર્મ બદનામ થાય એવો સમય છે. કિસ્સો દરભંગા જિલ્લાના કુશેશ્વરસ્થાન પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. કિસ્સો કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની જ્ઞાતિની યુવતીનો છે. એટલે વધુ વિવાદ થયો છે. પાસવાન જ્ઞાતિની એક યુવતીને બીજા ધર્મના એક યુવાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર પછી યુવતીને ભગાડીને એ લઈ ગયો હતો. યુવતીના કુટુંબીઓએ સમજાવવાના પ્રયાસ કર્યા છતાં પણ સમાધાન થયું નહીં ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ત્રણ મહિના સુધી પોલીસ યુવક કે યુવતીને શોધી શકી નહોતી. આ મહિનાની ૧૩ તારીખે યુવતીનું શબ યુવકના ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યું હતું. એમ કહેવાતું હતું કે યુવતીને ધર્મપરિવર્તન કરવાનું દબાણ કરવામાં આવતું હતું, પરંતુ યુવતી મંજૂર નહીં થતા એની હત્યા કરવામાં આવી છે.