Get The App

દિલ્હીની વાત : દિલ્હીમાં ભાજપે ખેલ પાડયો, સીએમ પછી હવે મેયર પણ એમના

Updated: Apr 22nd, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : દિલ્હીમાં ભાજપે ખેલ પાડયો, સીએમ પછી હવે મેયર પણ એમના 1 - image

નવી દિલ્હી : દિલ્હીમાં મેયરની ચૂંટણી ૨૫ એપ્રિલે થવાની છે. મેયરની ચૂંટણી માટે નામાંકન પત્ર ભરવાના છેલ્લા દિવસે કોઈપણ પક્ષે ઉમેદવાર ઉભા રાખ્યા નહોતા. આમ આદમી પાર્ટીએ પણ મેયરની ચૂંટણી નહીં લડવાનું નક્કી કર્યું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ મેયરની ચૂંટણીથી કેમ દુર રહ્યા એની સમજ લોકોને પડતી નથી. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશી અને ભૂતપૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે પત્રકારોને પક્ષના નિર્ણયની જાણ કરી હતી. સૌરભ ભારદ્વાજના કહેવા પ્રમાણે આપના કોર્પોરેટરોને ડરાવવામાં આવ્યા છે અને એમને લાલચ આપીને ભાજપ પોતાની તરફ કરવાની કોશિષ કરે છે. આવા કારણોસર મેયર તરીકે કોઈ ઉમેદવાર ઉભા નહીં રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.

બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી

સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરીને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગણી કરવામાં આવી છે. સિનિયર વકીલ વિષ્ણુ શંકર જૈન અરજીકર્તા તરફથી દલીલ કરશે. વકફ સુધારણા કાયદાની સામે દેખાવો કરનારાઓએ બંગાળમાં હિંસા ફેલાવી હતી જેને કારણે ઘણા લોકો વિસ્થાપીત થઈ ગયા છે. અરજી દાખલ કરનારે એવી પણ માંગણી કરી છે કે બંગાળમાં પેરામિલિટરી ફોર્સ મૂકવામાં આવે તેમ જ રીટાયર્ડ જજની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની કમીટી બનાવીને હિંસાની તપાસ થાય. આ અરજી પર બેન્ચે કોમેન્ટ કરતા કહ્યું હતું કે, 'તમે ઇચ્છો છો કે અમે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનો હુકમ રાષ્ટ્રપતિને કરીએ? આમ પણ અમારા પર રાષ્ટ્રપતિના કામમાં દખલ કરવાનો આરોપ કેટલાક લોકો લગાડી રહ્યા છે.'

'કોંગ્રેસનું સત્ય ભાજપના જૂઠાણા', 57 કોંગ્રેસી નેતાઓનું 57 શહેરોમાં  આંદોલન

નેશનલ હેરલ્ડ કેસથી ભડકેલા કોંગ્રેેસના ૫૭ નેતાઓ ૫૭ શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. કોંગ્રેસના મીડિયા સેલના પ્રમુખ પવન ખેડાના કહેવા પ્રમાણે આ આંદોલન પાછળનો હેતુ લોકો સમક્ષ ભાજપના જૂઠાણાનો પર્દાફાસ કરવાનો છે. ખેડાએ નેશનલ હેરલ્ડ પ્રકાશનને સ્વતંત્રતા સંગ્રામનું જીવતું સ્મારક ગણાવ્યું હતું. ઇડીએ નેશનલ હેરલ્ડ કેસમાં મનીલોન્ડરીંગ બાબતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ મામલે સરકારનો વિરોધ કરવા માટે કોંગ્રેસના મહાસચિવો અને પ્રભારીઓની બેઠક દિલ્હી ખાતે મળી હતી. ચાર્જશીટ સંદર્ભે વળતી લડાઈ આપવા રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતાઓએ કંઈ જ ખોટુ કર્યું નથી અને કોંગ્રેસ પૂરી તાકાતથી ભાજપ સામે લડત આપશે. પી ચીદમ્બરમ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરશે જ્યારે શશી થરૂર લક્ષદ્વિપ ખાતે પત્રકારોને સંબોધશે.

રાજ ઠાકરે- ઉદ્ધવ ઠાકરેનો મિલાપ અઘરો

રાજ ઠાકરેની એક મુલાકાત અને ઉદ્ધવ ઠાકરેના નિવેદનોને કારણે મહારાષ્ટ્રમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે ફરીથી એક થઈ રહ્યા છે. બાલા સાહેબ ઠાકરેની હયાતીમા જ ઉદ્ધવ ઠાકરેથી નારાજ થઈને રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની સ્થાપના કરી હતી. રાજકીય રીતે મનસે કાઠુ કાઢી શક્યો નથી. રાજ ઠાકરેની વારંવાર બદલાતી રાજકીય વિચારધારાને કારણે રાજને દરેક ચૂંટણીમાં પછડાટ મળી રહી છે. રાજકીય નીરિક્ષકોનું માનવું છે કે મનસે સાથેના જોડાણથી શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને કોઈ દેખીતો ફાયદો થાય એમ નથી. ફક્ત મરાઠી અસ્મિતાના મુદ્દે બંને એક થાય તો પણ ઉદ્ધવ ઠાકરે રાજ ઠાકરેની સુપ્રિમસી સ્વીકારી શકે એમ નથી.

કર્ણાટકના ભૂતપૂર્વ ડીજીપીની હત્યાથી ચકચાર

કર્ણાટકમાં આજકાલ ભૂતપૂર્વ ડીજીપી ઓમ પ્રકાશની હત્યાનો કિસ્સો ચર્ચાય રહ્યો છે. ડીજીપીની હત્યાની તપાસ કરનાર પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, ડીજીપીના પત્ની પલ્લવીએ ડીજીપીને ચાકુ વડે રહેંસી નાખ્યા હતા. એમના પર હુમલો કરતા પહેલા મરચાનો પાવડર ફેંકવામાં આવ્યો હતો. પોલીસે એમના પત્નીની ધરપકડ કરી છે. હત્યામાં મદદરૂપ થવા માટે પુત્રી કૃતિની પણ ધરપકડ કરવામાં આવી છે. બિહારના રહેવાસી ૧૯૮૧ બેન્ચના આઇપીએસ અધિકારી પ્રકાશનું શબ ત્રણ માળના બંગલામાં ગ્રાઉન્ડ ફલોર પરથી મળ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પતિ - પત્ની વચ્ચે ઘણા લાંબા સમયથી ઝઘડા થતા હતા. દલીલબાજી પછી પ્રકાશના મોઢા પર પલ્લવીએ મરચાનો પાવડર ફેંક્યો હતો.

બિહારની ચૂંટણીમાં સિનિયર ઉપરાંત યુવાન ચહેરાઓની પણ પરીક્ષા

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી જેવા અનુભવી ચહેરાઓની સાથે પ્રશાંત કિશોર જેવા નવા ચહેરાઓ પણ ચર્ચામાં છે. જનસ્વરાજ પક્ષના પ્રશાંત કિશોર, પુષ્પમ પ્રિયા ચૌધરી, કનૈયા કુમાર અને નિશાંત કુમાર જેવા યુવાનોના રાજકીય ભવિષ્ય પણ આવનાર વિધાનસભાની ચૂંટણી નક્કી કરશે. પ્રશાંત કિશોર અને કનૈયા કુમારને તો બધા ઓળખે છે, પરંતુ મુકેશ સહની કોણ છે? મુકેશ સહનીએ બોલીવુડમાં સેડ ડિઝાઇનર તરીકે કામ કર્યું છે. સલમાન ખાન અને શાહરૂખ ખાનની ફિલ્મો ઉપરાંત બીગબોસના સેટની ડિઝાઇન પણ મુકેશ સહનીએ કરી છે. મુકેશ સહનીએ ૨૦૧૮માં વિકાસશીલ ઇન્સાન પાર્ટીની સ્થાપના કરી હતી. પુષ્પમ પ્રિયા ચૌધરી લંડનની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી માસ્ટર્સની ડિગ્રી લઈને બિહાર પાછા આવ્યા છે.

સંજય ભંડારીએ ભાગેડુ જાહેર કરવા સામે લંડન હાઇકોર્ટનો ચૂકાદો ટાંક્યો

શસ્ત્રોના હાઇપ્રોફાઇલ ડીલર સંજય ભંડારીએ બ્લેક મની બાબતે એમને ભાગેડુ જાહેર કરવાની ઇડીની તૈયારીનો વિરોધ કર્યો છે. દિલ્હીની એક કોર્ટમાં ભંડારીએ એવો દાવો કર્યો છે કે એમનો બ્રિટનનો પ્રવાસ કાયદેસર છે, કારણ કે લંડન હાઇકોર્ટે એમના પ્રત્યાર્પણ માટે ઇનકાર કરી દીધો છે. ભંડારીના વકીલના દાવા પ્રમાણે ઇડીની અરજી અસ્પષ્ટ, ખોટી અને અધિકાર ક્ષેત્રની બહારની છે, કારણ કે ભાગેડુ ગુનેગારની વ્યાખ્યામાં બંધ બેસતી નથી. ભંડારી સામે ચોખા ખરીદીમાં કરોડો રૂપિયાનો ગોટાળો કર્યો હોવાનો કેસ છે. આ કેસના બીજા એક આરોપીના પ્રત્યાર્પણ માટે પણ લંડન હોઈકોર્ટે ઈનકાર કર્યો છે.

સાંસદ રામજીના ઘરે હુમલો યોગીએ કરાવ્યાનો અખિલેશનો આરોપ

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આરોપ લગાવ્યો કે સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સૂમનના ઘર પર હુમલો થયો હતો. એ મુદ્દે યુપીમાં રાજકારણ ચાલી રહ્યું છે. અખિલેશ યાદવે દાવો કર્યો કે કરણી સેનાના નામે યોગી સેનાએ હુમલો કર્યો છે. સીએમ યોગીના ઈશારે સાંસદને નિશાન બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રામજીલાલ સૂમને રાજપૂતોને લઈને એક ટીપ્પણી કરી હતી તે પછી કરણી સેનાએ વિરોધ પ્રદર્શનનું આહ્વવાન કર્યું હતું. એ પછી થયેલી હિંસામાં ભાજપના કાર્યકરો હતા એવું સમાજવાદી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે.

તેજસ્વી યાદવે પ્રોફેસરોને સક્રિય કર્યા, શિક્ષિત વર્ગ પર નજર

લાલુ પ્રસાદ યાદવની પાર્ટી પર એક સમયે એવો આક્ષેપ થતો હતો એ નિરીક્ષરોની પાર્ટી છે. એ ઈમેજને ભૂસવા માટે લાલુ પ્રસાદ યાદવે ઘણાં ભણેલા-ગણેલા નેતાઓને તક આપી હતી. રાજ્યસભામાં પ્રોફેસર મનોજ કુમાર ઝા આરજેડીનો શિક્ષિત ચહેરો ગણાય છે. ખૂબ જ અભ્યાસુ સાંસદ તરીકે મનોજ કુમાર ઝાની ઓળખ બની છે અને મુદ્દાસર રજૂઆત કરવા માટે તેઓ જાણીતા છે. હવે એવા જ અન્ય પ્રોફેસરોને તેજસ્વીએ સક્રિય કર્યા છે. આરજેડીએ આઠ પ્રોફેસરોને રાષ્ટ્રીય પ્રવક્તાની જવાબદારી સોંપી છે. આ તમામ પ્રોફેસરો પીએચડી કરીને કોઈને કોઈ કોલેજમાં પ્રોફેસર છે. તેમના માધ્યમથી તેજસ્વી યાદવ બિહારના ભણેલા-ગણેલા વર્ગને, યુવાનોને પોતાની તરફ વાળવા પ્રયાસ કરશે.

ખડગેની રેલીમાં ભીડ એકઠી ન કરનારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હકાલપટ્ટી

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની બક્સરમાં રેલી હતી. એમાં જેટલી ખુરશીઓ ગોઠવવામાં આવી હતી એનાથી ૧૦ ટકા પણ લોકો આવ્યા નહીં. ખડગેની સામે માત્ર સ્થાનિક નેતાઓ હાજર રહ્યા હતા અને ફોટો પડાવીને ચાલ્યા ગયા હતા. ખડગે આ ફ્લોપ રેલીથી ખૂબ નારાજ થયા હતા. તેમણે બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિને ફરિયાદ કરી હતી. પ્રદેશ કોંગ્રેસે તાત્કાલિક અસરથી બક્સર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કુમાર પાંડેયની હકાલપટ્ટી કરી હતી. એમાં લખ્યું હતું કે સંકલન અને આયોજનનો અભાવ હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે. જિલ્લાના સંગઠને યોગ્ય રીતે તેમની જવાબદારી નિભાવી નથી.

વિજય સાથે વાટાઘાટો પડી ભાંગી તો એઆઈએડીએમકે-ભાજપનું ગઠબંધન થયું

અભિનેતામાંથી નેતા બનેલા જોસેફ વિજય ચંદ્રશેખરની પાર્ટી ટીવીકે સાથે એઆઈએડીએમકેની વાટાઘાટો ચાલી હતી. બંને પાર્ટી ગઠબંધન કરવા તૈયાર હતી. વિજય પણ ડીએમકેને પડકાર આપવા માટે એઆઈએડીએમકે સાથે ગઠબંધન કરવા તૈયાર હતા, પરંતુ તેની શરતોના કારણે વાત બની નહીં. વિજયે એવી શરત રાખેલી કે રાજ્યની ૫૦ ટકા બેઠકો તેમને આપી દેવી. વળી, જો સરકાર બને તો પહેલા અઢી વર્ષ એ મુખ્યમંત્રી બને અને પછીના અઢી વર્ષ એઆઈએડીએમકેને મળે. આ શરતોથી એવો મેસેજ જતો હતો કે એઆઈએડીએમકેએ નમતું જોખ્યું. વિજયની પાર્ટી સામે જૂનિયર પાર્ટી જેવી સ્થિતિ સર્જાય તે સીનિયર નેતાઓને મંજૂર ન હતું. એ બંનેની વાત ન બની ત્યાં સુધી ભાજપનો પ્રસ્તાવ એઆઈએડીએમકેએ હોલ્ટ પર રાખ્યો હતો. વિજય સાથે વાટાઘાટો પડી ભાંગી એટલે વિકલ્પમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું છે. વિજયની પાર્ટી તમિલનાડુમાં બધી જ પાર્ટીને ફટકો પહોંચાડશે એવી ધારણા છે.

વિવાદ વધે પછી ભાજપ હાઈકમાન્ડ નિવેદનોથી અંતર રાખે છે

દિલ્હીના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે પહેલાં ભાજપ હાઈકમાન્ડ જ સેકન્ડ કેડરના નેતાઓને આડેધડ નિવેદનો આપતા અટકાવવાને બદલે પ્રોત્સાહન આપે છે, પછી ઘર્ષણ વધે એટલે બચાવની સ્થિતિમાં આવી જાય છે અને આ નેતાઓના નિવેદનોથી આંતર જાળવતું વળતું નિવેદન આપી દે છે. ભાજપની સેકન્ડ કેડરની નેતાગીરી હાઈકમાન્ડના કહેવામાં નથી એવી ય ચર્ચા છે. નિશિકાંત દૂબેના આડેધડ નિવેદનો પછી ખુદ પાર્ટી પ્રમુખ જેપી નડ્ડાએ એમાં પાર્ટી સહમત નથી એવું કહેવું પડયું. ભાજપના સાંસદ દિનેશ શર્માના નિવેદન પછીય ભાજપ હાઈકમાન્ડે બચાવ કરવો પડયો. દિનેશ શર્માએ કહ્યું કે રાષ્ટ્રપતિની ઉપર કોઈ જ નથી. રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટના સંદર્ભમાં અત્યારે જે નિવેદનબાજી ચાલે છે એ વખતે આ ટીપ્પણી આવી હતી. અગાઉ કિરન રિજીજૂ પણ સુપ્રીમ કોર્ટ સામે કોલેજિયમ મુદ્દે નિવેદનબાજી કરી ચૂક્યા છે.

- ઈન્દર સાહની