દિલ્હીની વાત : હરિયાણામાં ભાજપની ચૂંટણી સભાઓમાં કાગડા ઉડે છે
નવી દિલ્હી : હરિયાણા વિધાનસભાની ચૂંટણી નજીક છે. ભાજપના સ્ટાર પ્રચારકો પ્રચાર માટે સંપૂર્ણ રાજ્યમાં ફરી રહ્યા છે. જોકે ભાજપની મોટા ભાગની રેલીઓમાં પાંખી હાજરી જોવા મળે છે. હરિયાણામાં મિલેનિયમ સિટીના નામે મશહૂર ગૃરુગ્રામમાં એક લેબરચોક છે. આ લેબરચોક પર આજકાલ શ્રમિકો દેખાતા નથી. કારણ એ નથી કે શ્રમિકો રજા પર ઊતરી ગયા છે. બાંધકામ ઉદ્યોગ પર પણ કોઈ પ્રતિબંધ નથી, પરંતુ લેબરચોક પર જમા થતા શ્રમિકોને ભાજપના નેતાઓ રાજકીય રેલીમાં શ્રોતાઓ તરીકે લઈ જાય છે. એવી ચર્ચા થાય છે કે ફક્ત કંટાળાજનક ભાષણો સાંભળવા માટે જો ૮૦૦ થી ૧૦૦૦ રૂપિયા મળતા હોય તો શ્રમિકો મજૂરીએ જવાનું શા માટે પસંદ કરે ?
અરવિંદ કેજરીવાલ જંતરમંતર ખાતે ભાજપના ભવાડા ઉઘાડા પાડશે
૨૨મી સપ્ટેમ્બરે આમ આદમી પાર્ટી દિલ્હીના જંતરમંતર ખાતે એક મોક અદાલત યોજવાની છે. આ કાર્યક્રમમાં આપના રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદ કેજરીવાલ ભાજપના કારનામાઓ ઉઘાડા પાડશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ હવે થોડા મહિના જ દૂર છે ત્યારે આપ આક્રમક મૂડમાં છે. આ મોક અદાલત પહેલા, આપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી ડો. સંદીપ પાઠકે આપના નેતા ગોપાલ રાય સાથે મીટિંગ કરી હતી. ડો. પાઠકનું કહેવું છે કે, દિલ્હી વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં આપના કાર્યકરોને કારણે અમીત શાહે જાતે દિલ્હીની ગલીઓમાં જઈને પ્રચાર સાહિત્ય વહેચવું પડયું હતું. આ વખતની ચૂંટણીમાં હવે નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ઘરે ઘરે જઈને પ્રચાર સાહિત્ય વહેંચવું પડશે. ભાજપની હાલત એટલી હદે કફોડી થઈ ગઈ છે.
જમ્મુ-કાશ્મીર ચૂંટણીમાં ભાજપનો સફાયો નક્કી
જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાની ૨૪ બેઠકો પર રેકોર્ડ બ્રેક ૬૧.૧૩ ટકા મતદાન થયું છે. કિસ્તવાડ જિલ્લામાં તો ૮૧.૧૪ ટકા જેટલું મતદાન થયું છે. મતદાન કરીને બહાર નિકળતા મતદારોએ કોઈપણ ડર વગર પત્રકારોના સવાલોના જવાબો આપ્યા હતા. કેટલાક મતદારોએ તો ઘણા વર્ષો પછી પહેલી વખત મતદાન કર્યું હોવાનું કબુલ્યું. બહુમતિ મતદારો ભાજપથી નારાજ હોવાનું લાગતું હતું. મતદારોના કહેવા પ્રમાણે કાશ્મીરમાં વિકાસ થયો હોવાની મોદીની વાત ટાઢા પહોરના ગપ્પા છે. બહુમતિ મતદારોનું કહેવું હતું કે, આ વખતે ભાજપને સત્તાથી દૂર રાખવા માટે તેઓ મતદાન કરી રહ્યા છે.
આતીશીની સાથે મુકેશ અહલાવત પણ મંત્રી તરીકે સોગંદ લેશે
આતીશી મારલેનાની સાથે આજે કેબિનેટ મંત્રી તરીકે મુકેશ અહલાવત પણ સોગંદ લેશે. દિલ્હીના સુલતાનપુર માઝરા મતવિસ્તારમાંથી મુકેશ ચૂંટાયા છે. મુકેશ ઉપરાંત ગોપાલ રાય, કૈલાસ ગેહલોટ, સૌરભ ભારદ્વાજ અને ઇમરાન હુસૈન પણ કેબિનેટ મંત્રી તરીકે સોગંદ લેશે. મુકેશ અહલાવત અનુસૂચિત જાતિના છે. દિલ્હીના એલ જી વિકે સકેસના માથાભારે ગણાય છે. એમ મનાય છે કે મુકેશ અહલાવત સકસેનાને બરાબર ટક્કર આપી શકે એવા છે.
નક્સલ પીડિતોની તકલીફો દુર કરવાની ફક્ત વાત જ થાય છે
છત્તીસગઢના બસ્તર વિસ્તારના નક્સલવાદથી પીડિત ૭૦ જેટલા લોકો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી વણથંભ્યા નક્સલવાદને કારણે આ બધા લોકો ત્રાસી ગયા છે. એમના ગામો ઉજ્જળ થઈ ગયા છે. આ બધા નક્સલ પીડિતોએ જ્યારે પોતાની વ્યથા કેેન્દ્રીય મંત્રી અમિત શાહને સંભળાવી ત્યારે અમિત શાહે એમને સમાજવવાની કોશિષ કરી કે સરકાર કઈ રીતે બસ્તર વિસ્તારમાં શાંતિ સ્થાપવાની અને વિકાસ કરવાની કોશિષ કરી રહી છે. જોકે શાહની વાત સાંભળીને નક્સલ પીડિતોને ખાસ સાંત્વના મળી નહોતી. નક્સલ પીડિતોનું કહેવું છે કે, આવા ઠાલા વચનો એમને ૨૦૧૪ થી આપવામાં આવી રહ્યા છે, પરંતુ નક્સલવાદને કાબુમાં લેવા કઈ થતું નથી.
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે કોંગ્રેસમાં જોડાયા
આ વર્ષના અંતમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ચૂંટણી પહેલા મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશનર સંજય પાંડે કોંગ્રેસમાં જોડાયા છે. પાંડેના આ નિર્ણયની ટીકા કરતા પહેલા ભાજપના સ્થાનીક નેતાઓ ભૂલી જાય છે કે થોડા વર્ષો પહેલા મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સત્યપાલસિંહ ભાજપમાં જોડાયા હતા અને સાંસદ તરીકે ચૂંટાયા પછી એમને કેન્દ્રીય મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. પાંડેના કહેવા પ્રમાણે કોંગ્રેસની ધર્મનિરપેક્ષ છબીને કારણે તેઓ પહેલેથી જ કોંગ્રેસની વિચારધારા પ્રત્યે આકર્ષાયા હતા. પાંડેએ કહ્યું કે, તેઓ કોઈ પક્ષમાં નહીં, પરંતુ એક કુટુંબ સાથે જોડાઈ રહ્યા છે. પાંડે જ્યારે મુંબઈ પોલીસ કમિશનર તરીકે હતા ત્યારે ભાજપને નહીં ગમે એવા કેટલાક નિર્ણયો એમણે લીધા હોવાથી ભાજપ સત્તામાં આવ્યો ત્યારે પાંડે સામે જાતભાતની તપાસ શરૂ કરવામાં આવી હતી, જોકે ભાજપના તમામ પ્રયત્નો છતાં પણ પાંડેને ભાજપ ફસાવી શક્યો નહોતો.
હરિયાણામાં ચૂંટણી પછી આપ કોને સમર્થન આપશે તેની ચર્ચા
અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીપદ છોડયા બાદ પહેલી વખત હરિયાણાના સંદર્ભમાં નિવેદન આપીને ચર્ચા જગાવી છે. કેજરીવાલે કહ્યું કે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પછી આપના સમર્થન વગર કોઈની સરકાર નહીં બને. આપ કિંગમેકર બનશે એવો દાવો કેજરીવાલે કર્યો તે પછી દિલ્હીમાં ભાત-ભાતની ચર્ચા ચાલી રહી છે. હરિયાણામાં ચૂંટણી પછી આપ કોંગ્રેસને સમર્થન આપશે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. કારણ કે બંને પાર્ટી વચ્ચે લોકસભામાં દિલ્હી અને હરિયાણામાં ગઠબંધન થયું હતું. તો ઘણાં એમ પણ કહે છે કે કેજરીવાલ તેલ અને તેલની ધાર જોઈને જ સમર્થન આપશે. જો ભાજપને સમર્થન આપવાનું થશે તો કેજરીવાલ એનોય કંઈક રસ્તો કાઢી લેશે.
માયાવતીએ ચંદ્રશેખર અને અખિલેશ સામે નવી રણનીતિ ઘડી
ઉત્તર પ્રદેશમાં એક સમયે શક્તિશાળી બનેલી અને સત્તાના કેન્દ્રમાં રહેલી બસપા અત્યારે અસ્તિત્વ ટકાવી રાખવા લડી રહી છે. એક તરફ દલિત સમાજના નેતા તરીકે ચંદ્રશેખર આઝાદ યુવાનોમાં લોકપ્રિય થઈ રહ્યા છે ને ધારાસભ્ય પણ બન્યા છે. બીજી તરફ અખિલેશ યાદવે લોકસભામાં સપાને ફરીથી બેઠી કરી દીધી છે. આ બંને સામે માયાવતીએ બસપાને સફાયાથી બચાવવા માટે નવા સમીકરણો સેટ કર્યા છે. પાર્ટીના સ્થાપક કાંશીરામે જે વ્યૂહ ઘડયો હતો એને જ માયાવતી ફરીથી લાગુ કરવા ધારે છે. એ પ્રમાણે બામસેટ યાને બેકવર્ડ એન્ડ માઈનોરિટી કમ્યુનિટીઝ અપ્લાય ફેડરેશનની રણનીતિ અપનાવશે. આ વ્યૂહ પ્રમાણે દલિતો અને મુસ્લિમોની વોટબેંકને ધ્યાનમાં રાખીને પાર્ટી આક્રમક વલણ અપનાવશે. બસપાને આ વ્યૂહથી છેલ્લી આશા છે.
શ્યામા પ્રસાદે 370નું સમર્થન કેમ કર્યું હતું? : ફારૂખ અબ્દુલ્લા
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂખ અબ્દુલ્લાએ ભાજપને ભીંસમાં લેવા ઈતિહાસનો એક એવો મુદ્દો છંછેડી દીધો કે જમ્મુ-કાશ્મીરની ચૂંટણી વચ્ચે એની દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ. ફારૂખ અબ્દુલ્લાએ કહ્યું કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીએ એ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ કે ભાજપની વિચારધારાના આધારસ્તંભ ગણાતા શ્યામા પ્રસાદ મુખરજીએ કેમ એક સમયે ૩૭૦ની કલમનું સમર્થન કર્યું હતું. આ નિવેદન બાદ ભાજપે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે શ્યામા પ્રસાદ મુખરજીએ ૩૭૦નો વિરોધ કર્યો હતો અને એટલે જ તેમનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું.
- ઈન્દર સાહની