mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

દિલ્હીની વાત : કપિલને આમંત્રણના મુદ્દે રાજકારણ શરૂ

Updated: Nov 21st, 2023

દિલ્હીની વાત : કપિલને આમંત્રણના મુદ્દે રાજકારણ શરૂ 1 - image


નવી દિલ્હી : અમદાવાદમાં રમાયેલી વર્લ્ડકપની ફાઈનલમાં કપિલદેવને નિમંત્રણ ના અપાયું એ મુદ્દો રાજકીય બની ગયો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે મહિલા કુશ્તીબાજોનું સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કર્યું તે વખતે કપિલ દેવે કુશ્તીબાજોને યોગ્ય ન્યાય મળે તેવી હિમાયત કરી હતી. તેની કિન્નાખોરી રાખીને કપિલદેવને નિમંત્રણ નહોતું અપાયું.

ભારતને ૧૯૮૩માં પહેલો વન ડે વર્લ્ડ કપ જીતાડનાર કપિલદેવે ૧૯૮૩ની ટીમના હયાત સાથી ખેલાડીઓ સાથે ફાઈનલ જોવા જશે એવી જાહેરાત કરી હતી પણ તેમને આમંત્રણ જ આપવામાં ના આવતાં કપિલે ટીવી ચેનલની ઓફિસમાં બેસીને મેચ જોઈ હતી અને એનાલિસીસ કર્યું હતું.

કપિલે આખી ઘટનાને હળવાશથી લઈને કહ્યું છે કે, બોર્ડવાળા  જવાબદારીઓમાં બહુ વ્યસ્ત હોવાથી ભૂલી ગયા હશે પણ કોંગ્રેસે આ મુદ્દાને ચગાવ્યો છે.

ભાજપની નેતાગીરી આ મુદ્દે ચૂપ છે. અંદરખાને ભાજપના નેતા સ્વીકારે છે કે, કપિલદેવ જેવા મહાન ક્રિકેટરને નિમંત્રણ જ ના અપાય એ અક્ષમ્ય ભૂલ કહેવાય પણ બોર્ડ પર હાઈકમાન્ડ સાથે સંકળાયેલા નેતાઓનું વર્ચસ્વ હોવાથી કશું બોલી શકાય તેમ નથી.

ટીવી ચેનલો અને ન્યૂઝ અહેવાલોમાં વિવિધ દાવા થયા હતા. કોઇએ દાવો કર્યો હતો કે કપિલ દેવ અમદાવાદ આવ્યા હતા, તો કોઇએ ટીવી ચેનલમાં બેસીને એનાલિસિસ કરતા હોવાનો દાવો કર્યો હતો. કેટલાક નેતાઓએ તો વળી એમ પણ કહ્યું કે, કપિલ દેવ કોંગ્રેસમાં જોડાવાના હોવાથી આ મુદ્દો ચગ્યો છે. આ દાવાઓથી વિવાદનો મધપુડો છેડાયો હતો.

પ્રિયંકા-મોદી વચ્ચે વાડરાને બચાવવા ડીલ

અસદુદ્દીન ઓવૈસીએ પ્રિયંકા ગાંધી અને ભાજપ વચ્ચે સોદાબાજી થઈ હોવાનો રસપ્રદ આક્ષેપ કર્યો છે. ઓવૈસીનું કહેવું છે કે, પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડરા હરિયાણામાં જમીન કૌભાંડમા સંડોવાયેલા હતા પણ ભાજપ સરકારે તેમની સામે કશું કર્યું નથી. નરેન્દ્ર મોદીએ તો રોબર્ટ વાડરા સામે કોઈ કેસ થયો નથી એવું કહી દીધું છે ત્યારે પ્રિયંકાએ ખુલાસો કરવો જોઈએ કે, મોદી અને પ્રિયંકા વચ્ચે શું સોદાબાજી થઈ છે.

કોંગ્રેસના નેતા ઓવૈસીની વાતને બકવાસ ગણાવે છે. તેમનું કહેવું છે કે, કોંગ્રેસ તો ભાજપને હરાવવા માટે પૂરી તાકાતથી લડે છે પણ ઓવૈસી કેમ ભાજપની પંગતમાં બેઠેલા છે તેનો ખુલાસો કરવો જોઈએ. ઓવૈસીની પાર્ટી ભાજપની બી ટીમ છે કે જે યુપી અને બિહારમાં મુસ્લિમ મતો કાપીને ભાજપને ફાયદો કરાવે છે. ઓવૈસીએ ભાજપ સાથે પોતાવી શું સોદાબાજી છે તેની સ્પષ્ટતા કરવાની જરૂર છે.

ઓવૈસી આવા નિવેદનો આપીને રાજકીય લાભ ખાટવા માગે છે અને માઇલેજ મેળવવાની પેરવી કરે છે એવો આક્ષેપ થઇ રહ્યો છે.

યુપીમાં યોગીની હલાલ સર્ટિફિકેશન પર તવાઈ

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ  સરકાર હલાલ સર્ટિફિકેટ ધરાવતાં ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવતાં વિવાદ થઈ ગયો છે. સૂત્રોનું કહેવું છે કે,  હલાલ સર્ટિફિકેશનના નામે ગેરકાયદેસર ધંધો થાય છે અને સર્ટિફિકેટના નામે ઉઘરાવાતાં નાણાં આતંકવાદી સંગઠનો અને રાષ્ટ્ર વિરોધી ગતિવિધિ કરનારાંને અપાય છે એવી ફરિયાદ મળતાં યોગી આદિત્યનાથે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

સમાજવાદી પાર્ટીનું કહેવું છે કે, હલાલ સર્ટિફિકેટ પર પ્રતિબંધના બહાને ભાજપ સરકાર મુસ્લિમોને પરેશાન કરવાનો એજન્ડા આગળ ધપાવી રહી છે. હલાલ સર્ટિફિકેટ આપનારી ચેન્નાઈની હલાલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ ઉપરાંત જમીયત ઉલેમા હિંદ ટ્રસ્ટ અને હલાલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા વગેરે મુસ્લિમોની સંસ્થાઓ છે તેથી તેમને સાણસમાં લેવા આ બધું કરાઈ રહ્યું છે.

હલાલ સર્ટિફિકેશન સામે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરાઈ છે. તેમાં આક્ષેપ કરાયો છે કે, તેલ, સાબુ, ટૂથપેસ્ટ, મધ વગેરે જેવા શાકાહારી ઉત્પાદનોના વેચાણ માટે પણ હલાલ પ્રમાણપત્ર આપવામાં આવે છે પણ વાસ્તવમાં શાકાહારી વસ્તુઓ માટે કોઈ પ્રમાણપત્રની જરૂર નથી.

કોંગ્રેસ સાંસદનો લવારો, નેત્યાનાહૂની હત્યા કરો

કેરળમાં કોંગ્રેસના સાંસદ રાજમોહન ઉન્નીથને ઈઝરાયસલના વડાપ્રધાન બેન્જામીન નેત્યાનાહૂની હત્યાની જાહેરમાં હાકલ કરી તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સોશિયલ મીડિયા પર લોકો લખી રહ્યાં છે કે, એક દેશના વડાપ્રધાનની હત્યાની હાકલ કરનારા ઉન્નીથનને તાત્કાલિક ઉઠાવીને જેલમાં નાંખી દેવા જોઈએ. રાજમોહનનું નિવેદન ભડકાવનારું છે અને બીજા દેશની આતંકવાદને પોષનારું છે તેથી આકરી કલમો લગાવવી જોઈએ. કોંગ્રેસ આવા નેતાઓને પોષી રહી છે એવો આક્ષેપ કરીને લોકો કોંગ્રેસને પણ ગાળો દઈ રહ્યા છે.

રાજમોહને પેલેસ્ટાઈનના સમર્થનમાં કાસરગોડમાં યોજાયેલી રેલીમાં કહેલું કે, નેતાન્યાહૂએ ગાઝા સ્ટ્રીપમાં હમાસ સામે કરેલી કાર્યવાહી જોતાં ન્યુરમબર્ગ સ્ટાઈલનો ખટલો ચલાવીને જાહેરમાં ગોળી મારીને મારી નાંખવા જોઈએ. નેત્યાનાહૂ વોર ક્રાઈમ કરી રહ્યા છે એ જોતાં તેની સજા મોત જ છે.

રાજમોહનના નિવેદને કોંગ્રેસના નેતાઓની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી કરી નાંખી છે. કોંગ્રેસ રાજમોહનની બચાવ કરી શકે તેમ નથી ને તેમની સામે પગલાં પણ લઈ શકે તેમ નથી.

કુમારસ્વામી સામે વીજળીની ચોરીનો કેસ

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સાથી જેડીએસના પ્રદેશ પ્રમુખ એચ.ડી. કુમારસ્વામી વીજળી ચોરીના વિવાદમાં ફસાયા છે. કુમારસ્વામી સામે દિવાળી પર ઘરમાં રોશની કરવા માટે ચોરીની વીજળીનો ઉપયોગ કરવા બદલ કેસ નોંધાતાં તેમણે વિવાદ શમાવવા ૬૮ હજાર રૂપિયાનો દંડ ભરી દીધો હતો.

કુમારસ્વામીએ વીજળી ચોરી થયાની કબૂલાત કરી પણ સાથે સાથે એવો આક્ષેપ પણ કર્યો કે, કોંગ્રેસ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા બદલ તેમને રાજકીય રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે.

કુમારસ્વામીએ લૂલો બચાવ કર્યો છે કે, તેમના સ્ટાફે બહારથી બોલાવેલા ટેકનિશિયને તેમના ઘરની સામેના ઇલેક્ટ્રિક થાંભલામાંથી વીજળી લીધી હતી પણ  પોતાને આ  વિશે કંઈ ખબર ન હતી.આ નિવેદન બદલ લોકો કુમારસ્વામીના માથે માછલાં ધોઈ રહ્યા છે. આ ઘટનાને પગલે કુમારસ્વામીના ઘરની બહાર 'વીજળી ચોર' લખેલાં પોસ્ટર લગાવી દેવાયાં હતાં. બેંગલુરુ પોલીસે પોસ્ટર લગાવવા બદલ બે લોકોની ધરપકડ કરી છે.

* * *

રાજસ્થાનમાં ચૂંટણી : કદાચ ટચૂકડા પક્ષોનું વર્ચસ્વ રહે

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ૨૫ નવેમ્બરે મતદાન થશે. પ્રતિસ્પર્ધીઓ પોતાના વિજયના ઢોલ પીટી રહ્યા છે ત્યારે રાજ્યનું ચૂંટણી-ચિત્ર સમાન્ય કરતાં નીરસ વધુ જણાય છે. અહીંનો માહોલ અગ્રણી હરીફોને ઓળખવા માટે સાનુકૂળ નથી. મતદારોની દ્વિધા મૂંઝવણ વધારી રહી છે. ભાજપ અને કોંગ્રેસના મુખ્ય ટેકેદારો જ બોલકણા છે. મુખ્ય પ્રતિસ્પર્ધીઓએ આપેલી મફતિયા લ્હાણી મેળવવા અંગે કે એ વિષે વચન મેળવવા અંગે શંકાશીલ રહેનારો બિનઆધાર સમૂહ કંઇ બોલતો નથી. ચૂંટણીના મેદાનમાં કાગળ પર ૫૮ રાજકીય પક્ષો છે. આ પૈકીનાં મોટાભાગના ચૂંટણીના વરસાદમાં ફૂટી નીકળેલા અળસિયાં છે કે જેઓ ૨૫ નવેમ્બર પછી ભોંયમાં ભંડારાઇ જશે. ભાજપ અને કોંગ્રેસ બંને બળવાખોરીની સમસ્યાથી એકસરખા પીડાઇ રહ્યા છે. બળવાખોરો મોસમી રાજકીય ફસલ કરતાં વધુ નુકસાન કરી શકે એમ છે.

છઠ પૂજા માટે યમુનાના ઝેરી ફીણમાં ભાવિકો ઊભા

કેટલાક ભાવિકોએ સોમવારે સવારે રાજધાનીમાં છઠપૂજાની ઉજવણીના ભાગરૂપે પ્રદૂષિત યમુના નદીના કાંઠે વહેતા ઝેરી ફીણવાળા પાણીમાં ઊભા રહીને ઊગતા સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યું. સોશ્યલ મીડિયી પર મૂકાયેલા આ સંબંધી ચિત્રો અને વિડિયોમાં, ભક્તો, નદીમાં વહેતા ઝેરી ફીણના ગોટેગોટાવાળા ઘૂંટણસમાણા પાણીમાં ઊભેલા જણાય છે. નદીના પાણીમાં ફોસ્ફેટનું પ્રમાણ વધુ હોવાથી ઝેરી ફીણ થાય છે. આનાથી ચામડી અને શ્વસનની સમસ્યાઓ પેદા થાય છે.

મોટી સંખ્યામાં ઉજળિયાતો કેમ બિહાર છોડી રહ્યા છે?

નીતિશકુમાર સરકાર દ્વારા બિહાર વિધાનસભામાં રજૂ કરાયેલા બિહાર સામાજિક-આર્થિક મોજણીના અહેવાલમાંથી જણાય છે કે  ૯.૯૮ ટકા હિંદુ ઉજળિયાતો બિહાર છોડી ગયા છે. હકીકતમાં, પ્રચલિત માન્યતા એવી છે કે અન્ય પછાત વર્ગો (ઓબીસી) અને અત્યંત પછાત વર્ગો (ઇબીસી)ના લોકો મોટાભાગે સ્થળાંતર કરતા રહ્યા છે. બિહારમાં આ માન્યતાથી ઊંધું બની રહ્યું છે. રાજ્યમાં ઓબીસી દ્વારા કરાતું સ્થળાંતર ૫.૩૯ ટકા, જ્યારે ઇબીસી દ્વારા કરાતું સ્થળાંતર ૩.૯ ટકા જેટલું છે. ઉજળિયાતો રાજ્ય બહાર જતા રહે એ કંઇ નવી વાત નથી. એ માટે અનેક પરિબળો જવાબદાર હોઇ શકે છે.

- ઇન્દર સાહની

Gujarat