નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાન્ય રીતે દેશ-વિદેશના પત્રકારોને મળવાનું અને એમના સવાલના જવાબો આપવાનું ટાળે છે. નરેન્દ્ર મોદી જ્યારે નોર્વેના પ્રવાસે ગયા હતા ત્યારે સ્થાનિક પત્રકાર હેલા લેંગએ નરેન્દ્ર મોદીને સવાલ પૂછવાનો પ્રયત્ન કર્યો હતો. મોદી જ્યારે નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગાહરે સાથે પ્રેસ બ્રિફીંગ કરીને જઈ રહ્યા હતા ત્યારે હેલાએ એમને કેટલાક સવાલો કર્યા હતા પરંતુ મોદી જવાબ આપ્યા વગર નીકળી ગયા હતા. આ ઘટના પછી આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો વિવાદ થયો હતો. ભારતના વિદેશ મંત્રાલયે પોલો ખુલાસો કર્યો હતો, પરંતુ એનું વજન પડયું નહોતું. હવે હેલા લેંગએ એક નિવેદનમાં કહ્યું છે કે, પત્રકાર તરીકે સવાલ પૂછવાનું એમનું કામ છે. જ્યારે કોઈ તાકાતવર દેશના વડા નાનકડા દેશમાં આવે છે અને સંબંધ મજબૂત કરવા માંગે છે ત્યારે એમને સવાલ પૂછવાની જવાબદારી અમારી છે. મોદીને સવાલ પૂછવાથી હેલા લેંગ સોશ્યલ મીડિયામાં છવાઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એની વાહવાહી થઈ રહી છે. કેટલાક એવી ટીપ્પણી કરી રહ્યા છે કે, છેવટે કોઈ પત્રકારે તો વડાપ્રધાનને સવાલ પૂછવાની હીંમત કરી.
'મારૂ ઘર તોડી નાખો, હું ઝુકીશ નહીં '
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત પછી હવે મુખ્યમંત્રી શુભેંદુ અધિકારી અને ટીએમસીના નેતા અભિષેક બેનર્જી વચ્ચે બરાબરની જામી છે. ટીએમસીના નેતાઓ અને કાર્યકરોના મકાનોનો ગેરકાયદેસર ભાગ બુલડોઝરો તોડી રહ્યા છે. ગુસ્સે થયેલા મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. મમતાએ આત્મવિશ્વાસ સાથે કહ્યું છે કે આવનાર સમયમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સત્તા ગુમાવશે. કાલીઘાટ ખાતે મમતાએ પક્ષના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. બેઠકમાં હાજર રહેલા ટીએમસીના મહામંત્રી અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે, સરકારે જે કરવું હોય તે કરી લે, મારૂ ઘર તોડી નાખે, મને નોટીસ આપે, પરંતુ હું કોઈનાથી ડરતો નથી અને કોઈની સામે ઝુકીશ નહીં. ભાજપ સામે મારી લડાઈ ચાલુ જ રહેશે.
કોંગ્રેસે સરકારની ચીન નીતી પર નિશાન તાક્યું
મોદી સરકારના ચીન પ્રત્યેના વ્યવહારની કોંગ્રેસે ટીકા કરી છે. પક્ષે સરકાર પર '૪-સી' નીતિનું પાલન નહીં કરવાનો આરોપ મૂક્યો છે. જયરામ રમેશના કહેવા પ્રમાણે આનો અર્થ થાય છે કે, ચીન સામે યોજનાબદ્ધ રીતે સમર્પણ કરવું. એમણે ગ્રેટ નિકોબાર ટાપુ પરિયોજના બાબતે પણ સરકારને લબડધક્કે લીધી હતી. જયરામ રમેશે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે, સરકાર ખોટું અભિયાન ચલાવી રહી છે. જે લોકો ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટથી થતા નુકસાન બાબતે સવાલ કરે છે એમને ચીનના ટેકેદાર બતાવવામાં આવે છે. સરકાર મહાદંભી છે. વડાપ્રધાનએ ૨૦૨૦ની ૧૯મી જુને ચીનને ક્લીનચીટ આપી હતી. લદ્દાખમાં શહીદ થયેલા ૨૦ જવાનોનું અપમાન છે. ચીન સાથેની વાતચીતમાં ભારતે લદ્દાખના ઘણા વિસ્તારો કે જ્યાં પશુઓ ચારો ચરતા હતા એમનો કબજો ચીનને સોંપી દીધો છે.
દિલ્હીમાં બે આંતરરાષ્ટ્રીય સંમેલનની સુરક્ષા સીએપીએફને હવાલે
દિલ્હીના હવે પછીના બે અઠવાડિયામાં બે મોટા આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાવાના છે. બંને સંમેલનોમાં મોટા પાયે વિદેશી મહેમાનો હાજર રહેશે. ભારત, આફ્રિકા સંઘ આયોગના સહકારથી ૩૧ મેએ દિલ્હીમાં ચોથી ભારત - આફ્રિકા ફોર્મ શિખર સંમેલન યોજાવાનું છે. પહેલી અને બીજી જુને દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય બિગ કૈટ એલાયન્સનું શિખર સંમેલન યોજાશે. આ બંને સંમેલનનું યજમાન ભારત છે. એ વખતે આતંકવાદીઓ કોઈ અટકચાળો નહીં કરે એ માટે કાયદો વ્યવસ્થા સંભાળવાની જવાબદારી સીએપીએફને આપવામાં આવી છે. સીએપીએફની ૨૦૦ કંપનીઓ એટલે કે ૨૦,૦૦૦ જવાનો અને ૫૦૦ કમાન્ડો દિલ્હી આવી ગયા છે. સ્થાનિક પોલીસે કેન્દ્રીય દળોની મદદ માંગી છે. દિલ્હી પોલીસે માગેલા જવાનો કેન્દ્ર સરકારે પુરા પાડયા છે. જ્યારે જ્યારે દિલ્હીમાં મોટા સંમેલનો યોજાય છે ત્યારે ત્યારે કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે સામાન્ય માણસ હેરાન થાય છે.
કર્ણાટકમાં ફરીથી નેતૃત્વ પરિવર્તનની અટકળો
કર્ણાટકમાં થોડા થોડા દિવસે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમાર વચ્ચે ઠંડુયુદ્ધ ચાલુ થાય છે. કર્ણાટકમાં કોંગ્રેસ જ્યારે સત્તામાં આવી હતી ત્યારે એવું નક્કી થયું હતું કે, સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર અઢી - અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે રહેશે. અઢી વર્ષની સમયમર્યાદા પુરી થઈ ગઈ હોવા છતા સિદ્ધારમૈયા ગાદી છોડવા તૈયાર નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગે કર્ણાટક પહોંચ્યા છે. એમણે સિદ્ધારમૈયા, શિવકુમાર અને કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે તિરુવનંતપુરમથી બેંગ્લુરુની યાત્રા કરી છે. ત્યાર પછી રાજ્યના ઉર્જા મંત્રી કે જે જ્યોર્જના રહેઠાણે મીટીંગ પણ કરવામાં આવી હતી. કોંગ્રેસના વર્તુળોમાં ચર્ચા થાય છે કે, આ બેઠકમાં ઘણી ગરમાગરમી થઈ હતી. ખડગેએ ડીકે શિવકુમારને મનાવવા પ્રયત્નો કર્યા છે.
મુખ્યમંત્રી વિજયએ રાજીવ ગાંધીના હત્યારાઓને સમર્થન કર્યું?
તામિલનાડુના રાજકારણમાં આજકાલ દરરોજ વિવાદ થઈ રહ્યો છે. રાજ્યના નવા મુખ્યમંત્રી વિજયની સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટને કારણે મોટો વિવાદ થયો છે. રાજીવ ગાંધીની હત્યા માટે જવાબદાર એલટીટીએના પ્રમુખ વેલુપિલ્લઇ પ્રભાકરન અને મુલ્લીવૈક્કલને સ્મૃતિ દિવસ પર વિજયએ શ્રદ્ધાંજલી આપી હતી. આ મામલે રાષ્ટ્રીય રાજકારણ ગરમાયુ છે. ૨૦૦૯ની ૧૮મી મેએ શ્રીલંકામાં સેના સાથેની અથડામણમાં પ્રભાકરનનું મૃત્યુ થયું હતું. એમની પુણ્યતિથિને દિવસે વિજયે સોશ્યલ મીડિયા પર લાગણીશીલ સંદેશો લખ્યો હતો. ત્યાર પછી ભાજપએ રાહુલ ગાંધીને ટોણો મારતા કહ્યું હતું કે, તમારા ટેકાથી ચાલતી સરકાર તમારા પિતાના હત્યારાઓને શહિદ ગણાવે છે. કોંગ્રેસ સત્તાના સુખ અને સત્તામાં ભાગીદારી માટે કોઈપણ હદે જઈ શકે છે. આ બાબતે વિજયના પક્ષ ટીવીકેએ ખુલાસો કર્યો હતો કે, વિજયએ શ્રદ્ધાંજલિ શ્રીલંકાના તામિલોને આપી હતી.
સિક્કિમના મુખ્યમંત્રી હવે બધે ચાલીને જશે
વડાપ્રધાન મોદીની ઇંધણ બચાવ અપીલ પછી ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ જાતભાતના દેખાડા ચાલુ કર્યા છે. કેટલાક મુખ્યમંત્રીએ કાફલાની મોટરો ઓછી કરી છે, તો કેટલાક મુખ્યમંત્રીઓ સાઇકલ પર ફરતા થયા છે. સિક્કિમના મુખ્યમંત્રીએ બધાથી આગળ વધીને 'ઓડ-ઇવન' વાહન નીતિ લાગુ કરી છે. ત્યાર પછી મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે તેઓ કોઈપણ પ્રકારના વાહનનો ઉપયોગ કરશે નહીં અને ઇંધણ બચાવવા પગપાળા જ પ્રવાસ કરશે. સિક્કિમમાં કયા દિવસે કયા વાહનો વાપરી શકાશે એની નીતિ સરકારે નક્કી કરી છે. જોકે લોકો ચર્ચા કરી રહ્યા છે કે, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ કેટલા દિવસો સુધી ચાલીને જેતે સ્થળે જશે એ જોવું રહ્યું. સિક્કીમના લોકો જોકે આ તમાશો જોઈને મનમાં મલકી રહ્યા છે.


