Get The App

ઇરાન યુદ્ધ બાબતે અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે મતભેદ

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
ઇરાન યુદ્ધ બાબતે અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે મતભેદ 1 - image

નવીદિલ્હી: ઇરાનના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર ઇઝરાયલે કરેલા હુમલા પછી અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકાને ઇઝરાયલના આ હુમલા બાબતે કોઈ જાણકારી નહોતી. ઇઝરાયલે ગેસ ફિલ્ડ પર કરેલા હુમલાથી વિશ્વ આખામાં ચિંતા ફેલાઈ ગઈ છે. ટ્રમ્પના નિવેદન અને ઇઝરાયલના મીડિયામાં છપાતી માહિતી વિપરીત છે. અખબાર યેદીઓથ અહરોનોથના રીપોર્ટ પ્રમાણે આ હુમલા બાબતે અમેરિકા સાથે પહેલેથી વાતચીત કરવામાં આવી હતી. આ બાબતે વડાપ્રધાન નેતન્યાહુ અને ટ્રમ્પ વચ્ચે સહમતી પણ થઈ હતી. બીજા અખબાર ઇઝરાયલ હાયોમના અહેવાલ પ્રમાણે ટ્રમ્પે ગયા અઠવાડિયાના અંતમાં ફારસની ખાડીના ત્રણ દેશના નેતાઓ સાથે ઇરાન પર કરવામાં આવનાર હુમલા વિશે ચર્ચા કરી હતી. ટ્રમ્પ હંમેશા બોલીને ફરી જતા હોય છે એને કારણે ટ્રમ્પની વાત પર હવે ઇઝરાયલ પણ ભરોસો કરતું નથી.

ગંગા નદીમાં ઇફતાર પાર્ટી બાબતે કોર્ટ નારાજ

વારાણસી ખાતે ગંગા નદીમાં કરવામાં આવેલી ઇફતાર પાર્ટીનો કિસ્સો ચર્ચાએ ચડયો છે. કોર્ટે ૧૪ આરોપીઓને ૧૪ દિવસ જ્યુડિશિયલ જેલમાં મોકલ્યા છે. કોર્ટે આ તમામ ૧૪ જણાનો ક્રિમિનલ રેકોર્ડ મંગાવ્યો છે. આરોપીઓએ કોર્ટમાં માફી માંગી હતી, પરંતુ એમના પર લાગુ કરવામાં આવેલી ગંભીર કલમોને કારણે કોર્ટે જામીન આપ્યા નહોતા. વારાણસીમાં ગંગા નદી પર હોડીમાં સવાર થઈને ઇફતાર પાર્ટીમાં બીનશાકાહારી ખાવાનું ખાવા બાબતે હિન્દુ સંગઠનો નારાજ થયા હતા. ચિકન બિરયાની ખાધા પછી વધેલા હાડકાઓ ગંગા નદીમાં ફેકતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યાર પછી પોલીસે કાર્યવાહી કરી હતી. આરોપીઓ સામે ગંભીર કલમો લગાડવામાં આવી છે. હોડી ચલાવનાર અનીલ સહાની અને એના સાથીદાર રંજન સહાનીએ આરોપીઓ સામે અપહરણ કરીને ધમકી આપવાની ફરિયાદ પણ નોંધાવી છે.

સ્ટાલીને પલાનીસ્વામીના દિલ્હી પ્રવાસ પર સવાલ કર્યા

તમીલનાડુમાં વિધાનસભા ચૂંટણીની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. તમીલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકેના પ્રમુખ એમ કે સ્ટાલીનએ વિરોધપક્ષના નેતા એડપ્પાદી કે પલાનીસ્વામીની આકરી ટીકા કરી છે. એમણે કહ્યું હતું કે, પલાનીસ્વામી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ગઠબંધન પર ચર્ચા કરવા માટે દિલ્હી ગયા હતા. સ્ટાલીને ટીકા કરી હતી કે, વિરોધપક્ષના નિર્ણયો હવે તમીલનાડુના બદલે દિલ્હી બહારથી લેવામાં આવે છે. પક્ષના કાર્યકરોને લખેલા એક પત્રમાં સ્ટાલીને ઇપીએસની દિલ્હી યાત્રાના મકસદ વિશે ગંભીર પ્રશ્નો કર્યા હતા. એમણે કટાક્ષમાં પૂછયું હતું કે, શું તેઓ તમીલનાડુ માટે ફંડ માંગવા ગયા હતા? શું તેઓ રાજ્યના અટકી ગયેલા પ્રોજેક્ટ્સ પુરા કરવા માટે દિલ્હી ગયા હતા? કે પછી તેઓ રાજ્યના અધિકારોની રક્ષા કરવા માટે દિલ્હી ગયા હતા? સ્ટાલીને આગળ લખ્યું હતું કે, એવું કઈ નથી. રાજ્યની પ્રજા બધુ જાણે છે. તમીલનાડુના લોકો કયારે પણ દિલ્હીની દખલગીરી સ્વીકાર કરશે નહીં.

'પાંચ વર્ષ સુધી ભારતના ગેસ સપ્લાય પર અસર'

એલપીજી ગેસની સમસ્યા બાબતે ભારત સરકાર બધુ ઠીક હોવાની ગુલબાંગ પોકારે છે. હકીકત કઈક જુદી જ છે. ઇરાનના હુમલાઓએ કતરની એલએનજી એક્સપોર્ટ કેપેસીટીનો ૧૭ ટકા હિસ્સો નષ્ટ કર્યો છે. આ કારણે ભારતમાં લાંબા સમય સુધી ગેસનો સપ્લાય સંકટમાં મુકાઈ શકે છે. કતર એનર્જીના સીઇઓ અને ઉર્જા બાબતોના રાજ્યમંત્રી સાદ અલ-કાદીએ કહ્યું છે કે, ઇરાનના હુમલાઓને કારણે સંકટ પેદા થયું છે. લગભગ ૨૦ અબજ ડોલર સુધીનું વાર્ષિક નુકસાન થયું છે. અલ-કાદીના કહેવા પ્રમાણે સમારકામને કારણે ત્રણ થી પાંચ વર્ષ સુધી દર વર્ષે ૧૨.૮ મીલીયન ટન એલએનજીનું ઉત્પાદન થઈ નહીં શકે. આ કારણે ચીન અને ભારત સહિત યુરોપ અને એશિયાના બીજા દેશો માટે ગેસનો સપ્લાય પુરો નહીં પાડી શકાય. અલ-કાદી આ પ્રમાણે કહે છે, પરંતુ ભારત સરકાર હજી ઉંઘમાં હોય એમ લાગે છે.

પાકિસ્તાનના સૈન્ય અને આઇએસઆઇ વચ્ચે તકરાર

પાકિસ્તાનના સૈન્ય અને જાસુસી સંસ્થા આઇએસઆઇ વચ્ચે તડ પડી હોવાનું મનાય છે. આ કારણે સૈન્ય પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરએ આઇએસઆઇના ટોચના અધિકારીઓને બદલી નાખ્યા છે. કેટલીક બાબતોની જાણકારી આઇએસઆઇ મેળવી શક્યું નહોતું જેને કારણે આસિમ મુનીર નારાજ હતા. પૂરતી ઇન્ટેલિજન્સના અભાવને કારણે પાકિસ્તાનના સૈન્યએ ઘણુ નુકસાન સહન કરવું પડયું હતું. આતંકવાદીઓના હુમલાઓમાં ઘણા સૈનીકોના મૃત્યુ થયા હતા. અફઘાનીસ્તાન સાથે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન આઇએસઆઇની કામગીરી નબળી રહી હતી. પાકિસ્તાનના સેન્ય અને આઇએસઆઇ સાથે મળીને હંમેશા કામ કરે છે. આ બંને સંગઠનો પાકિસ્તાનમાં સરકારની દિશા નક્કી કરે છે. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ છે. પાકિસ્તાનના સૈન્યને ઘણા કિસ્સાઓમાં નીચા જોણું થયું છે. કટ્ટરવાદી સંગઠન ટીટીપી અને બલુચના લડવૈયાઓએ પાકિસ્તાનના સૈન્યનું નાક બરાબર દબાવ્યું છે.

યુપીના આઇપીએસ અધિકારીના બોડી શેમિંગના કિસ્સાની ચર્ચા

છેલ્લા થોડા દિવસોથી સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઉત્તર પ્રદેશ મિર્ઝાપુર જિલ્લાના એસપી અપર્ણા રજત કૌશિક પ્રેસને સંબોધન કરતા નજરે પડે છે. એસપી કયા બાબતે બ્રીફિંગ કરી રહ્યા છે એના પર ચર્ચા થવાને બદલે લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, એસપી કેવા દેખાઈ રહ્યા છે. કોઈક ધરપકડની જાણકારી આપવા માટે મિર્ઝાપુર પોલીસે અપર્ણા કૌશિકના બ્રીફિંગનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ વીડિયો ૪૭ લાખ વાર જોવામાં આવ્યો અને ૬૫ હજાર લોકોએ વીડિયો પર કોમેન્ટ કરી છે. મોટા ભાગના લોકોએ પોલીસની કામગીરી પર કોમેન્ટ કરવાને બદલે એસપીના વધુ વજનવાળા શરીર વિશે ગંદી કોમેન્ટો કરી છે. આઇપીએસના બોડી શેમિંગને કારણે પોલીસે આ પોસ્ટનું કોમેન્ટ સેક્સન બંધ કરી દેવું પડયું છે. આ પછી સોશ્યલ મીડિયામાં બોડી શેમિંગ બાબતે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઘણા ઉચ્ચ અધિકારીઓએ ટીપ્પણી કરી છે કે, કોઈ પણ સ્ત્રી પછી ભલે તે આઇપીએસ ઓફિસર હોય, એમના શરીરના બાંધા વિશે અભદ્ર ટીપ્પણી કરવી જોઈએ નહીં.

રાહુલ ગાંધીની નાગરીકતા બાબતે હાઇકોર્ટે ખુલાસો માંગ્યો

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની નાગરીક્તાને પડકારતી અરજી પર લખનૌ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે કેન્દ્રીય ગૃહમંત્રાલય પાસે જવાબ માંગ્યો છે. સુનાવણી પછી કોર્ટે કેન્દ્ર સરકારને આ મામલે પક્ષકાર બનાવવા અને એફીડેવીટ દાખલ કરવાનો હુકમ કર્યો છે. ગૃહમંત્રાલય આ બાબતે કોઈ દખલ કરવા માંગતુ નહોતું, પરંતુ હવે કોર્ટના હુકમને કારણે ગૃહમંત્રાલય તકલીફમાં મુકાશે. કોર્ટમાં ગૃહમંત્રાલય કયા દસ્તાવેજ રજુ કરે છે એ પણ અવઢવમાં છે. અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચના જસ્ટીસ રાજીવ સિંહ આ બાબતે સુનાવણી કરી રહ્યા છે. કિસ્સો હાઇપ્રોફાઇલ હોવાને કારણે કોર્ટની કાર્યવાહી પર ઘણાની નજર છે. પક્ષકારે કોર્ટમાં કેટલાક દસ્તાવેજો રજુ કર્યા હતા, જે વાંચીને કોર્ટે આ બાબતે કેન્દ્ર સરકારના નિર્ણયને પણ અગત્યનો માન્યો છે.