Get The App

193 કેસમાંથી ઇડી ફક્ત બે કેસમાં સજા અપાવી શકી

Updated: Mar 21st, 2025

GS TEAM

Google News
Google News
193 કેસમાંથી ઇડી ફક્ત બે કેસમાં સજા અપાવી શકી 1 - image

નવીદિલ્હી : છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર વિરોધીઓને દબાવવા માટે ઇડીનો દુરઉપયોગ કરી રહી છે એ કોઈ નવી વાત નથી. કોઈપણ જાતના આધાર વગર કેટલાક કિસ્સાઓમાં ઇડી કેન્દ્ર સરકાર વિરોધીઓ સામે કેસ દાખલ કરીને હેરાન કરે છે. ઇડીએ ૨૦૧૫ના ફેબુ્રઆરી મહિનાથી ૨૦૨૫ સુધીમાં વિરોધી સાંસદો, ધારાસભ્યો અને નેતાઓ સિવાય બીજા પક્ષો સાથે સંકળાયેલા લોકોની સામે ૧૯૩ કેસ દાખલ કર્યા હતા. જોકે આમાંથી અદાલતમાં ફક્ત બે કેસ પૂરવાર થઈ શક્યા છે. આ જાણકારી રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણામંત્રી પંકજ ચૌધરીએ ખુદ રાજ્યસભામાં આપી છે. ઇડી ફક્ત ઝારખંડના ભૂતપૂર્વ મંત્રી હરીનારાયણ રાય અને ઝારખંડના જ બીજા ભૂતપૂર્વ મંત્રી એનોસ એક્કા સામે ઠોસ પુરાવા રજુ કરી શકી હતી. 

પીડિત બાળકીઓના આંસુઓ ઓળખો : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જાતીય અત્યાચારનો ભોગ બનેલી બાળકીઓના આંસુઓને સમજવા જોઈએ. જાતીય અત્યાચારનો ભોગ બનેલી બાળકી આંસુ સિવાય બીજુ કઈ બોલી શકી નહી હોય તો એને કારણે આરોપીને રાહત આપી શકાય નહીં. આરોપી ગુનેગાર છે કે નહીં એની જાણકારી બીજા પુરાવા, મેડિકલ તપાસ અને સાક્ષીઓને ધ્યાનમાં રાખીને મેળવવી જોઈએ. ઉચ્ચ અદાલતે એમ પણ કહ્યું છે કે એવો કોઈ નિયમ નથી કે, પીડિત બાળકીના નિવેદનના અભાવે આરોપીને છોડી મૂકવામાં આવે. બાળકીના કુમળા ખભે તમામ પુરાવાઓનો બોજ નાખી શકાય નહીં. એક વિદ્યાર્થિનીના થયેલા જાતિય શોષણના કેસ સંબંધે જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ સંજય કરોલની બેન્ચે આ ટીપ્પણી કરી હતી. 

પ્રત્યાર્પણથી બચવા આતંકવાદી તહવ્વુર રાણાની નવી ચાલ

મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ આતંકવાદી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવી ન્યાય તોળવાના રસ્તા ખૂલી ગયા છે. અમેરિકાએ રાણાના પ્રત્યાર્પણ માટે હા કહી છે. જોકે કેટલીક ટેક્નિકલ બાબતો આગળ કરીને તહવ્વુર રાણા વારંવાર પ્રત્યાર્પણની વિધિ લંબાવી રહ્યો છે. હવે રાણાએ પ્રત્યાર્પણ રોકવા માટે છેલ્લી ચાલ ચાલી છે. રાણાએ અમેરિકાના મુખ્ય ન્યાયાધિશ જોન રોબર્ટસને અપીલ કરી છે. અગાઉ તહવ્વુર રાણાએ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એલેના કાગન સામે પણ અપીલ કરી હતી. જોકે જસ્ટીસ એલેનાએ રાણાની અરજી ફગાવી દીધી હતી. હવે અમેરિકાના મુખ્ય ન્યાયાધિશ ૪થી એપ્રિલે તહવ્વુર રાણાની અપીલ સાંભળશે. રાણાને ખબર છે કે ભારત પ્રત્યાર્પણથી લાવશે તો એના હાલ પણ અજમલ કસાબ જેવા થવાના છે એટલે બચવા માટે હવાતિયા મારી રહ્યો છે. 

નાગપુર હિંસા ફેલાવવામાં સોશિયલ મીડિયાનો મોટો હાથ

મહારાષ્ટ્રના નાગપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોમી તણાવ વધી રહ્યો છે. અફવાને કારણે નાગપુરમાં કોમી હિંસા ભડકી ઉઠી હતી. પોલીસનું માનવું છે કે, હિંસા માટે સોશિયલ મીડિયામાં ફેલાવવામાં આવેલી અફવા કારણભૂત છે. હવે મહારાષ્ટ્રના સાયબર વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ૧૪૦ થી વધુ પોસ્ટ અને વીડિયો માર્ક કર્યા છે. આ ૧૪૦ પોસ્ટ પર વાંધાજનક સામગ્રી મુકવામાં આવી હતી. કોમવાદી અશાંતિ ફેલાવવા માટે જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આવા વીડિયો ફેસબુક, ઇન્ટાગ્રામ, એક્સ અને યુ-ટયુબ પર મૂકવામાં આવ્યા હતા. હવે મહારાષ્ટ્રના સાયબર સેલે આ તમામ પોસ્ટ મૂકનારાઓ સામે ફરીયાદ દાખલ કરી છે અને એમની શોધ ચાલુ કરી છે. 

આજથી બેંગ્લુરુમાં સંઘની બેઠક, શું રંધાશે તેની અટકળો

બેંગ્લુરુના જનસેવા વિદ્યા કેન્દ્ર ખાતે આજથી આરએસએસની ત્રણ દિવસની બેઠક શરૂ થઈ રહી છે. અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં ખાસ કરીને બાંગ્લાદેશની પરિસ્થિતિ અને શતાબ્દિવર્ષ બાબતે પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. સંઘ પ્રમુખ મોહન ભાગવત અને સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલે સંયુક્ત રીતે બેઠકનું ઉદઘાટન કરશે. બેઠકમાં શું નિર્ણય લેવાશે એની જાણકારી સામાન્ય રીતે મીડિયાને આપવામાં આવતી નથી. જોકે આ વખતે સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે કહ્યું છે કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ અને બીજા લઘુમતિઓ પર થઈ રહેલા અત્યાચાર બાબતે કેવા પગલા લેવા અને ભવિષ્યમાં કંઈ યોજના તૈયાર કરવી એ બાબતે વિચારણા થવાની છે. સંઘ આ વર્ષે વિજયાદશમીથી પછીના વર્ષની વિજયાદશમી સુધી શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી કરી રહ્યો છે.

વકીલાત પત્ર વગર વકીલો સુપ્રીમ કોર્ટમાં પ્રવેશ નહીં કરી શકે

સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે જ્યાં સુધી અસીલ તરફથી વકીલને કોર્ટમાં હાજર થવા માટેનો અધિકાર પત્ર કે વકીલાત પત્ર આપવામાં નહીં આવે ત્યાં સુધી વકીલ સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ શકશે નહીં જે વકીલ પાસે એડવોકેટ - ઓન - રેકોર્ડ (એઓઆર) હશે એમને જ સુપ્રીમ કોર્ટમાં દાખલ થવાની પરવાનગી મળશે. આનો મતલબ એમ થાય કે અસીલ વતી રજુઆત કરવા સિવાયના કામે વકીલ સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ શકશે નહીં. સિનિયર વકીલો માટે પણ એઓઆર જરૂરી બનશે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટે બાર એસોસીએશન અને સુપ્રીમ કોર્ટ એડવોકેટ - ઓન - રેકોર્ડ એસોસીએશન દ્વારા થયેલી અરજીઓ સંદર્ભે જાહેર કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે એક ચુકાદામાં પણ આ મતલબનું કહ્યું હતું જેનો અમલ હવેથી થશે. 

રાન્યા રાવનું અપમાનજનક કવરેજ રાજ્ય સરકાર રોકે

સોનાની દાણચોરી મામલે જેલવાસ ભોગવી રહેલી કન્નડ અભિનેત્રી રાન્યા રાવ સામે છેલ્લા કેટલાક દિવસોથી મીડિયામાં સતત સમાચારો આવી રહ્યા છે. કેટલીક અંગત ટીપ્પણીઓને કારણે રાન્યા રાવએ કર્ણાટક હાઇકોર્ટમાં જઈને દાદ માગી હતી. કર્ણાટક હાઇકોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને કહ્યું છે કે, રાન્યા રાવ અને એના પિતા રામચંદ્ર રાવ વિશે ફેલાવવામાં આવતી ખોટી ખબરો તેમ જ અપમાનજનક સામગ્રીને પ્રસારીત કે પ્રકાશિત કરતી રોકવા તમામ પગલા લે. રાન્યા રાવના માતા એચ પી રોહીણીએ પણ સિવિલ કોર્ટમાં આ બાબતે કેસ કર્યો છે. કોર્ટે બીજી જુન સુધી અભિનેત્રી વિરુદ્ધ કોઈપણ ટીપ્પણી કરવા પર સ્ટે આપ્યો છે. રાન્યાના કુટુંબીઓનું કહેવું છે કે, કોર્ટના સ્ટે છતા પણ કેટલાક મીડિયા હાઉસ એના વિરૂદ્ધ લખી રહ્યા છે.

સાંસદો સૂત્ર લખેલા ટી-શર્ટ પહેરીને આવતા ઓમ બિરલા ભડક્યા

વિપક્ષના ઘણાં સાંસદો લોકસભામાં સૂત્ર લખેલા ટી-શર્ટ પહેરીને આવ્યા હતા. તમિલનાડુ ફાઈટ કરશે. તમિલનાડુની સંસ્કૃતિ બચાવો, તમિલનાડુ જીતશે - એવા સૂત્રો લખેલા ટી-શર્ટ ડીએમકેના સાંસદોએ પહેર્યા હતા. એ જોઈને સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે આવું બધું નહીં ચાલે. લોકસભાના નિયમ ૩૪૯ પ્રમાણે ગૃહમાં પ્રતિષ્ઠા જળવાય એવા કપડાં પહેરીને આવવું જોઈએ. જો તમે ટી-શર્ટ પહેરીને આવશો, નારા લગાવીને આવશો તો ગૃહની કાર્યવાહી ચાલશે નહીં. એવું કહીને તેમણે ગૃહને ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી દીધું હતું.

યુપીમાં ભાજપ સરકારના આઠ વર્ષ : યોગીની સ્માર્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજી

યોગી આદિત્યનાથે ૧૯ માર્ચ, ૨૦૧૭માં સીએમપદના શપથ ગ્રહણ કર્યા હતા. એ પછી ૨૦૨૨માં બીજી વખત પણ સત્તા સંભાળી હતી. યોગીના શાસનના આઠ વર્ષ પૂરા થયા છે. પહેલી વખત કેટલાય નજીકના રાજકીય હરીફો સામે દિવસો લાંબી મડાગાંઠ પછી સત્તા મેળવવામાં યોગીને સફળતા મળી હતી. બીજી વખત પોતાના બળે ચૂંટાયા હતા. હવે બે વર્ષ પછી ચૂંટણી છે ત્યારે યોગીએ સ્માર્ટ માર્કેટિંગ વ્યૂહ ઘડયો છે. ભાજપની સરકારના આઠ વર્ષની ઉજવણીમાં યોગી એટલા છવાયા છે કે ઉપમુખ્યમંત્રી સહિતના કોઈ નેતાઓના કામની ખાસ ચર્ચા થતી નથી. ભાજપ યુનિટના નેતાઓની પણ ચર્ચા ચાલતી નથી. હાઈકમાન્ડના અમુક નેતાઓના સક્રિય પ્રયાસો છતાં યોગીનું કદ યુપીમાં સ્પષ્ટ રીતે વધી રહ્યું છે.  

નીતિશના પુત્ર નિશાંતની રાજકીય એન્ટ્રીને લઈને પાર્ટીમાં વિરોધનો સૂર

નીતિશ કુમાર તેમના દીકરા નિશાંતને લોંચ કરવાની કોશિશમાં પડયા છે. નીતિશ કુમારે નિશાંત માટે દરવાજા ઓપન કરવા તેને જાહેરમાં લાવવાનું શરૂ કર્યું છે. એટલું જ નહીં, નિશાંત પિતા માટે વોટ માંગી રહ્યા છે. નીતિશ કુમારે તેમના વિશ્વાસુઓને નિશાંતની રાજકીય ટ્રેનિંગનું કામ પણ સોંપી દીધું છે. આ બધા વચ્ચે હવે ચર્ચા એવીય છે કે જદયુમાં નીતિશના આ નિર્ણય સામે વિરોધનો ગણગણાટ શરૂ થયો છે. જદયુના નેતાઓ કહી રહ્યા છે કે નીતિશ કુમાર લાલુ યાદવના પરિવારવાદની ટીકા કરતા આવ્યા છે. નિશાંત સક્રિય થાય તો એ નૈતિક ગ્રાઉન્ડને જ ફટકો પડી શકે છે. 

આપના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સામે સીસીટીવી કૌભાંડનો આરોપ

અરવિંદ કેજરીવાલની સરકારમાં પીડબલ્યુડી મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈન સામે સીસીટીવી કૌભાંડના આરોપમાં ફરિયાદ દાખલ થઈ છે. આ મુદ્દે એસીબીની તપાસ ચાલતી હતી. તપાસના આધારે ૫૭૧ કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. વિધાનસભા ક્ષેત્રમાં ૧.૪ લાખ કેમેરા લગાવવાના હતા. જે કંપનીને એનો કોન્ટ્રાક્ટ અપાયો હતો તેણે સમયસર કામ પૂરું કર્યું ન હોવાથી અગાઉ નક્કી થયેલી શરત પ્રમાણે ૧૬ કરોડનો દંડ ફટકારાયો હતો. પરંતુ કોઈ જ કારણ દર્શાવ્યા વગર પછીથી એ દંડ માફ કરી દેવાયો હતો. એમાં ગોટાળો થયાની ફરિયાદ એસીબી સુધી પહોંચી હતી. એમાંથી સત્યેન્દ્ર જૈને ૭ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ છે. એની સામે આપે દાવો કર્યો છે કે આ ફરિયાદ ફસાવવા માટે થઈ રહી છે. આપે કહ્યું કે આ વિવાદ ભાજપે ઉપજાવી કાઢ્યો છે.

હરભજન સિંહને પાર્ટીલાઈનમાં રહેવાની આપની તાકીદ

ક્રિકેટર હરભજન સિંહ આપના રાજ્યસભાના સાંસદ છે. હરભજન સિંહને રાજ્યસભાના સાંસદ બનાવીને આપને જે રાજકીય ગણિત સેટ કરવા હતા એ ખાસ થયા નથી. હરભજન સિંહ આપના કોઈ મુદ્દે ખાસ બોલતા નથી અને બહુ જ ધ્યાન રાખીને રાજકીય વર્તન કરી રહ્યા છે, પરંતુ બે દિવસ પહેલાં પંજાબના સીએમ ભગવંત માને ડ્રગ્સ ડીલરના ઘર પર બુલડોઝર ફેરવ્યું એ બાબતે હરભજન સિંહે કહ્યું કે કોઈના ઘર પર બુલડોઝર ફેરવવું યોગ્ય નથી. એ પછી આપમાં જ ભારે વિરોધ થયો હતો. અંતે હરભજન સિંહે યુટર્ન લઈને પોસ્ટ મૂકી કે હું સરકારની કાર્યવાહીની સાથે છું. ડ્રગ્સની બદી દૂર કરવા માટે આ જરૂરી પગલું છે. જોકે, ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. કોંગ્રેસ અને ભાજપે આ મુદ્દે આપને ઘેરવાની તક ઝડપી લીધી હતી. હવે આપ નેતા સોમનાથ ભારતીએ હરભજન સિંહને સલાહ આપી છે કે આપના સાંસદ હોવાથી હરભજન સિંહે પાર્ટીલાઈન ક્રોસ કરવી ન જોઈએ.

- ઈન્દર સાહની