Get The App

દિલ્હીની વાત : 'નોનસેન્સ-મોદી' હેશ ટેગ ટ્રેન્ડ થયું

Updated: Jul 22nd, 2020

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : 'નોનસેન્સ-મોદી' હેશ ટેગ ટ્રેન્ડ થયું 1 - image


'નોનસેન્સ-મોદી' હેશ ટેગ ટ્રેન્ડ થયું

નવીદિલ્હી, તા.21 જુલાઈ 2020, મંગળવાર

મંગળવારે ટ્વિટર પર 'નોનસેન્સ-મોદી' હેશ ટેગ ટ્રેન્ડ કરતું હતું. મોદીએ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલાં ટ્વિટ કરી હતી કે, ભારતને મજબૂત સરકાર જોઈએ. મોદી મહત્વનો નથી. હું તો પાછો જતો રહીશ ને ટી સ્ટોલ શરૂ કરીશ પણ હવે આ દેશ વધારે સહન નહીં કરે.

મોદીના આ જૂના ટ્વિટની પોસ્ટ મૂકીને યુઝર્સે મોદીના માથે બરાબર માછલાં ધોયાં. લોકોએ જાત જાતનાં મીમ્સ બનાવીને પણ મોદીની બરાબરની ફિરકી લીધી. મોદીએ આપેલાં વચનોને યાદ કરાવીને અને મોદીના જૂના વીડિયો, તસવીરો વગેરે મૂકીને છ વર્ષમાં મોદીએ શું કર્યું એ અંગે પણ લોકોએ ઉગ્ર ભાષામાં કોમેન્ટ્સ લખી છે.

રાજકીય વિશ્લેષકોના મતે, આ ટ્રેન્ડ નવો અને આશ્ચર્યજનક છે. સોશિયલ મીડિયા પર મોદીની વિરૂધ્ધ લોકો બહુ કોમેન્ટ્સ નહોતાં કરતાં પણ છેલ્લા કેટલાક સમયથી મોદી પણ ટ્રોલ થાય છે, તેમની આકરી ભાષામાં ટીકા થાય છે એ નવી વાત છે. આ બધાની પાછળ કોઈ રાજકીય પક્ષ હોવાની શક્યતા છે પણ રાજકીય પક્ષ આયોજનબધ્ધ રીતે મોદીને ટાર્ગેટ કરે એ પણ નવી વાત છે.

માયાવતીએ ગરજ પતતાં 'ભાઈ' ટંડનને ભૂલાવી દીધા

ભાજપના દિગ્ગજ નેતા અને મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું મંગળવારે સવારે નિધન થયું. અટલ બિહારી વાજપેયીના 'દત્તક પુત્ર' ટંડનને માયાવતીએ આપેલી શ્રધ્ધાંજલિએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા.

એક જમાનામાં માયાવતી લાલજી ટંડનને ભાઈ માનતાં અને રાખડી પણ બાંધતાં હતાં. ૧૯૯૫માં માયાવતીએ મુલાયમસિંહ સરકારને ટેકો પાછો ખેંચતાં ઉશ્કેરાયેલા સમાજવાદી પાર્ટી કાર્યકરોએ લખનૌના સરકારી ગેસ્ટ હાઉસમાં માયાવતી પર હુમલો કર્યો હતો. ભાજપના ધારાસભ્ય બ્રહ્મદત્ત ત્રિવેદી અને ટંડને માયાવતીને બચાવ્યાં તેથી માયાવતી ટંડનને ભાઈ માનતાં.

માયાવતીએ શ્રધ્ધાંજલિમાં આ નિકટતાનો ઉલ્લેખ સુધ્ધાં ના કર્યો. તેમણે લખ્યું કે, મધ્ય પ્રદેશના ગવર્નર અને યુ.પી.માં ઘણી વાર વરિષ્ઠ મંત્રી બનેલા શ્રી લાલજી ટંડન અત્યંત સામાજિક, મિલનસાર અને સંસ્કારી વ્યક્તિ હતા. સારવાર દરમિયાન તેમનું લખનૌમાં નિધન થવાના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમના પરિવાર તરફ મારી ઘેરી સંવેદના છે.

માયાવતીને ભાજપના ટેકાથી મુખ્યમંત્રી બનાવવામાં ટંડને મહત્વની ભૂમિકા ભજવી હતી. માયાવતીએ ગરજ પતી એટલે એ સંબંધને ભૂલાવી જ દીધેલો પણ ટંડનના મૃત્યુ વખતે પણ આ સંબંધ યાદ ના કર્યો.

અયોધ્યામાં ભૂમિપૂજનનું મૂહુર્ત અશુભ હોવાનો વિવાદ

અયોધ્યામાં ૫ ઓગસ્ટે બપોરે બાર વાગ્યે નરેન્દ્ર મોદી રામમંદિરના ભૂમિપૂજનની વિધી કરશે અને સવા વાગ્યે શિલાન્યાસ કરશે એવું મનાય છે. આ તારીખ અને સમય બંનેને કાશીના જ્યોતિષીઓએ અશુભ ગણાવતાં વિવાદ છેડાયો છે. જ્યોતિષીઓએ ભૂમિપૂજનની વિધીના સવા બાર વાગ્યાના સમયને સૌથી અશુભ મુહૂર્ત ગણાવ્યું છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીના શિષ્ય અવિમુક્તેશ્વરાનંદે પણ પોતાના ફેસબુક પેજ પર ૫ ઓગસ્ટને અત્યંત અશુભ દિવસ ગણાવીને વિવાદમાં ઝંપલાવ્યું છે.

મોદીને ૫ ઓગસ્ટનો દિવસ જ અનુકૂળ આવે તેમ હોવાથી તેમને અનુકૂળ થવા માટે રામમંદિર ટ્રસ્ટે અશુભ મુહૂર્તમાં વિધીની તૈયારી બતાવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ભૂમિપૂજનની વિધી કાશીના વિદ્વાનો કરાવવાના છે. કાશી વિદ્વત પરિષદના ત્રણ સભ્યો ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજર રહેવાના છે અને તેમણે આ મુહૂર્ત કાઢયું હોવાનું કહેવાય છે.  પરિષદના  ડો. રામનારાયણ દ્વિવેદીએ બચાવ કર્યો છે કે, શિલાન્યાસ સ્વયં ભગવાન રામના મંદિરનો છે અને શિલાન્યાસ દેશના રાજા કરી રહ્યા છે તેથી મુહૂર્ત મહત્વનું નથી.

અમિત શાહ રાષ્ટ્રપતિને અચાનક કેમ મળ્યા ?

અમિત શાહ સોમવારે અચાનક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળતાં અટકળોનું બજાર તેજ થઈ ગયું છે. ગૃહ મંત્રાલયે દાવો કર્યો છે કે, લોકડાઉન લદાયા પછી શાહ એક પણ વાર રાષ્ટ્રપતિને નહોતા મળ્યા તેથી સૌજન્ય મુલાકાત પર ગયા હતા પણ સૂત્રો અલગ જ વાત કરે છે.

સૂત્રોનો દાવો છે કે, શાહ પશ્ચિમ બંગાળની સ્થિતી અંગે ચર્ચા કરવા ગયા હતા. બંગાળના ગવર્નર જગદીશ ધાનકરે બંગાળની સ્થિતીને અત્યંત ગંભીર ગણાવી છે. ધાનકર શાહને સોમવારે જ મળ્યા હતા. એ પછી તરત જ શાહ રાષ્ટ્રપતિને મળતાં બંગાળ અંગે કશુંક રંધાઈ રહ્યું હોવાનું મનાય છે.

સૂત્રોના મતે, મોદી સરકાર બાબરી મસ્જિદ ધ્વંશ કેસ પાછો ખેંચવા માગે છે. ૫ ઓગસ્ટે શિલાન્યાસ પહેલાં આ કેસ પાછો ખેંચી લેવાની સરકારની યોજના છે. અડવાણી, મુરલી મનોહર જોશી સહિતના નેતાઓને તેના કારણે રાહત મળશે. આ માટે રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે તેથી શાહે કોવિંદ સાથે આ મુદ્દે પણ ચર્ચા કરી છે.

અમુધા પીએમઓમાં, શ્રીધરની ભલામણથી લોટરી લાગી

મોદીએ ફરી એક વાર બદલીનો ગંજીપો ચીપીને ૧૬ સીનિયર અધિકારીઓની બદલી કરી નાંખી. આ બદલીમાં ૧૯૯૪ની તમિલનાડુ બેચનાં આઈએએસ અધિકારી પી. અમુધાને પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ)માં જોઈન્ટ સેક્રેટરી બનાવાયાં છે. અમુધા હાલમાં મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં પ્રોફેસર છે. આ એકેડમીમાં સિવિલ સર્વીસીસની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને આઈએએસ બનવાની તાલીમ અપાય છે.

અમુધાની ગણના કડક અધિકારી તરીકેની છે. આ કારણે ૨૫ વર્ષની કારકિર્દીમાં તેમની ૧૫ વાર બદલી થઈ છે. છેલ્લે તે તમિલનાડુમાં ફૂડ સેફ્ટી અને ડ્રગ્સ કમિશનર હતાં પણ એઆઈએડીએમકે સરકાર સાથે ના ફાવતાં સામેથી તે એકેડમીમાં જતાં રહ્યાં હતાં.

અમુધાને મોદી પીએમઓમાં સી. શ્રીધરની સલાહથી લાવ્યા છે. સી. શ્રીધરને બે મહિના પહેલાં જ પીએમઓમાં જોઈન્ટ સેક્રેટરી બનાવાયા હતા. શ્રીધર પણ પહેલાં શાસ્ત્રી એકેડમીમાં ડિરેક્ટર હતા. અમુધાએ વન નેશન, વન ફૂડ સહિતની યોજનાઓ તમિલનાડુમાં અમલી બનાવી હતી. તેનાથી પ્રભાવિત શ્રીધરે મોદીને ભલામણ કરતાં અમુધાને લોટરી લાગી ગઈ.

બંગાળીઓને રીઝવવામાં ભાજપના મુખ્યમંત્રી ભાન ભૂલ્યા

ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબે બંગાળીઓને ખુશ કરવા હરિયાણાના જાટ અને પંજાબી સીખો વિશે કરેલી કોમેન્ટ અંગે હોહા થતાં તેમણે માફી માંગવી પડી છે. દેબે કોમેન્ટ કરી હતી કે, સરદાર કોઈનાથી ડરે નહીં પણ તેમનામાં મગજ ઓછું હોય છે. જાટ પણ ઓછી બુધ્ધિ ધરાવે છે પણ શરીરે સ્વસ્થ હોય છે. તમે કોઈ જાટને પડકારશો તો એ ઘરમાંથી બંદૂક લઈ આવશે. બંગાળી બહુ બુધ્ધિશાળ હોય છે ને તેમની બુધ્ધિમત્તાને કોઈ પડકારી જ ના શકે.

દેબે આ વાતો બંગાળીમાં કરી હતી પણ તેમની ટીપ્પણીઓ વાયરલ થતાં સીખો અને જાટ ઉકળી ઉઠયા. દેબ અને ભાજપ સામે આક્રોશ ઠલવાતાં છેવટે દેબને હાઈકમાન્ડે માફી માગવા ફરમાન કરવું પડયું. હાઈકમાન્ડે તમામ નેતાઓને સૂચના પણ આપી છે કે, કોઈ પણ સમાજ માટે ઘસાતું બોલવું નહીં. બંગાળમાં વિધાનસભાની ચૂંટણી જીતીને સરકાર રચવા માટે આતુર ભાજપ બંગાળીઓને રીઝવવામાં કોઈ કસર નથી છોડી રહ્યો. આ મથામણના અતિ ઉત્સાહમાં આવા ભાંગરા નહીં વાટવા પણ હાઈકમાન્ડે કહેવું પડયું છે.

***

પાંચમી ઓગસ્ટની રાજકીય અસરો

કોરોનાવાઇરલની મહામારી વચ્ચે અયોધ્યામાં શિલા પુજનની તારીખ નક્કી કરતાં પાટનગરના રાજકીય વર્તુળોમાં એની ભારે ચર્ચા શરૂ થઇ હતી. પાંચમી ઓગસ્ટે રામ મંદિર ભૂમિ પુજન કરાશે. આ એ તારીખ છે જ્યારે જમ્મુ-કાશ્મીરના ખાસ દરજ્જાને નાબુદ કરાયો હતો અને બંધારણની કલમ ૩૭૦ નાબુદ કરાઈ હતી જેના આરઆરએસ લાંબા સમયથી માગ કરતું હતું. આ તારીખે જ રામ જન્મભૂમિની ચળવળ પણ શરૂ કરાઇ હતી.

આમ બે પ્રસંગોને ધ્યાનમાં રાખીને તારીખ ન નક્કી કરાઇ હતી.ભવ્ય ભૂમિ પુજન માટે ૩ અને પાંચ તારીખની કરાયેલી ભલામણ પછી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોએ આ બંને દિવસોને શુભ ગણાવ્યા હતા.ભૂમિપુજનના રાજકીય લાભને ઇનકાર કરી શકાય નહીં, એમ જાણકારો કહે છે. કોઇ પણ પ્રસંગમાં ભીડ જમા નહીં કરવાની તેમજ ૬૫ વર્ષથી ઉપરની વયન વ્યક્તિઓએ બહાર નહીં નીકળવાની સલાહ આપવા છતાં લોકો આ વિધીમાં ભાગ લેશે એવું કેટલાક લોકોનું માનવું છે. આ પ્રસંગે જે એક સો અથવા દોઢ સો લોકોને આમંત્રિત કરાયા છે તેમાં વડા પ્રધાન મોદીની વય ૬૯ વર્ષ, રાજનાથ સિંહની વય પણ ૬૯ વર્ષ છે છતાં તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે.ભાજપ માને છે કે ભૂમિ પુજનથી બિહાર અને બંગાળની ચૂંટણીમાં અમને ફાયદો થશે.   

બઘેલે ઉમર સામે તીર તાકતા ઉમર નારાજ

ઉમર અબ્દુલ્લાહ અને ફારૂક અબ્દુલ્લાહને એટલા માટે નજરકેદમાંથી છોડવામાં આવ્યા હતા કે તેઓ રાજસ્થાનના બળવાખોર સચિન પાયલોટના સબંધી છે, એવું છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે કહેતા બંને બાપ-બેટા ગુસ્સે ભરાયા હતા.'સચિન પાયલોટ જે કંઇ કરે છે તેને મારી સાથે અથવા મારા પિતા સાથે સાંકળવાથી હું કંટાળી ગયો છું'એમ ઉમર અબ્દુલ્લાહે ટ્વિટ કર્યું હતું.નેશનલ કોન્ફરન્સના નેતા અબ્દુલ્લાહે કહ્યું હતું કે બઘેલે ટુંક સમયમાં મારો વકીલ નોટીસ મોકલશે.

એક ઇન્ટરવ્યુમાં બઘેલે અબ્દુલ્લાહ બાપ-બેટાની વહેલી છોડી દેવામાં આવતા તેની પર સવાલ કર્યો હતો જ્યારે મેહબુબા મુફતીને હજુ છોડવામાં આવી નથી.'અબ્દુલ્લાહ અને મેહબુબાને એક જ ધારા હેઠળ અટકાયતમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ ઉમેર અને ફારૂકને છોડી મૂકાયા, અન્યોને છોડયા નથી. શું એટલા માટે કે અબ્દુલ્લાહ અને સચિન પાયલોટ વચ્ચે પારિવારિક સબંધો છે? એમ બઘેલે કહ્યું હતું.ઉલ્લેખનીય છે કે ઉમર અબ્દુલ્લાહની બહેન સાથે પાયલોટે લગ્ન કર્યા હતા.

દુષ્યંત ચૌટાલાએ દાખલો બેસાડયો

રાજસ્થાનનું પરિમામ શું આવે છે તે જોવા થોડી રાહ જોવી પડશે, પરંતુ સત્ય એ છે કે  રાજસ્થાનમાં પાયલોટ, બિહારમાં મોદી, મહારાષટ્રમાં અને ઉત્તર પ્રદેશમાં પણ નાયબ મુખ્યમંત્રીઓ તેમના રાજકીય અસ્તીત્વને ટકારી રાખવા સંઘર્ષ કરે છે ત્યારે હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ ખાનગી ક્ષેત્રમાં સ્થાનિકોને નોકરીઓમાં ૭૫ ટકા અનામત આપવાનું વચન પાળી બતાવ્યા હતું અને જાટના આક્રોશને શાંત પાડયો હતો. ઉપરાંત પોતાના તમામ ધારાસભ્યોને એક જુથમાં રાખી શક્યા છે. આ તમામ કાર્ય હરિયાણાના મુખ્યમંત્રીને નારાજ કર્યા વગર કરીને બતાવ્યા હતા.

નાયબ મુખ્યમંત્રીનો પદ અસંતુષ્ઠોને શાંત પાડવાનું સાધન

પરંપરાગત રીતે નાયબ મુખ્યમંત્રીનું પદ પક્ષના અસંતુષ્ઠોને શાંત પાડવા અથવા તો તેમની સાથે સમાધાન કરવા માટે તેમજ કેટલાક ચોક્કસ સમુદાયને ખુસ કરવા માટે જ હોય છે.પરંતુ કેટલીક વખતે આ પદ જોખમ પણ ઊભા કરે છે. આપણે રાજસ્થાનમાં જોયું છે.મહારાષ્ટ્રમાં એક જ દિવસ માટે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.ઉત્તર પ્રદેશમાં વિવિધ સમુદાયોને શાંત રાખવા એક નહીં પણ બબ્બે નાયબ મુખ્યમંત્રીઓ બનાવવા પડયા હતા. દિનેશ શર્મા અને કેશવ  પ્રસાદ.વિવિદ સમુદાયો વચ્ચે સંતુલન જાળવવા આવું કરવું પડે છે.

સંસદના સત્રમાં અલગ અલગ શીડયુલ જોવા મળશે

 કોવિડ-૧૯ના કારણે ઊભી થયેલી સ્થિતિ જોતાં સામાજીક અંતર રાખવાની જરૂર ઊભી થતાં સંસદના બેને ગૃહોમાં વધુમાં વધુ સંખ્યામાં સાંસદો સત્રમાં હજારી આપે એ માટે રાજ્યસભા અને લોકસભામાં આ વખતે અલગ અલગ નિયમો અને શીડયુલ જોવા મળશે.આ બાબત સાથે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું હતું કે  એક  ગૃહની કાર્યવાહી સવારે ૧૧ વાગે શરૂ થશે તો બીજાની બપોર પછી શરૂ થવાની શક્યતા છે. લોકસભામાં હાલની સભ્યોની સંખ્યા ૫૪૨ અને રાજયસભામાં ૨૪૨ છે. જો આવું બનશે તો આવું કંઇ પહેલી જ વખત નહીં હોય.૧૯૬૨માં યુધ્ધ વખતે અને ૧૯૭૧માં કટોકટી વખતે બંને ગૃહોની કાર્યવાહીને મોડી શરૂ કરાઇ હતી. 

'આ પણ એક જાતની કટોકટી છે'એમ  એક અધિકારીએ કહ્યું હતું.

- ઇન્દર સાહની

Tags :