નવીદિલ્હી : દેશ આખામાં ડીજીટલ એરેસ્ટ કરીને ઠગાઈ કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. નિવૃત્ત બેંક અધિકારીઓથી માંડીને નિવૃત્ત શિક્ષકોને દિવસો સુધી ડીજીટલ એરેસ્ટ કરીને કરોડો રૂપિયા પડાવવામાં આવે છે. નવાઇની વાત એ છે કે, દરેક પ્રકારના મીડિયામાં ડીજીટલ એરેસ્ટના સમાચાર આવતા રહે છે અને સરકાર પણ કહે છે કે કાયદામાં કોઇને ડીજીટલ એરેસ્ટ કરવાની જોગવાઈ જ નથી. છતાં પણ બેન્કના કર્મચારીઓ કે શિક્ષકો જેવી વ્યક્તિ આ છેતરપીંડીનો ભોગ બને એની નવાઈ ઘણાને લાગે છે. હવે સુપ્રિમ ર્કોર્ટે પણ આ બાબતે નુકતેચીની કરી છે. સુનાવણી દરમિયાન સીજેઆઇ સૂર્યકાંતે કહ્યું છે કે, પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. કઈ રીતે ભણેલાઓ સાયબર ગુનેગારોનો શિકાર બને છે એ ખબર પડતી નથી. સીજેઆઇ ઉપરાંત જસ્ટીસ જોય માલ્ય બાગચીની બેન્ચ ડીજીટલ એરેસ્ટના પીડિતો સાથે જોડાયેલી સુઓ મોટો સાંભળી રહ્યા હતા. દેશના એટર્ની જનરલ આર વેંકટારમાનીએ કોર્ટને કહ્યું હતું કે, આ બાબતે સરકાર ઝડપથી પગલા લઈ રહી છે.
પવન ખેડાના આગોતરા જામીન પર બધાની નજર
કોંગ્રેસના સિનિયર નેતા અને પ્રવક્તા પવન ખેડા થોડા દિવસોથી અંડરગ્રાઉન્ડ છે. એમની સામે આસામ પોલીસે વિવિધ ગુનાઓ હેઠળ કેસ દાખલ કર્યા છે. હવે પવન ખેડા આગોતરા જામીન માટે ગૌહટ્ટી હાઇકોર્ટ પહોંચ્યા છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમાના પત્ની રીનીકી ભૂઇયા સરમાએ નોંધાવેલી એફઆઇઆર પછી પવન ખેડા સંકટમાં મુકાયા છે. કોંગ્રેસના મોટા નેતાઓ વિવિધ રાજ્યોની ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી પવન ખેડા એકલા પડી ગયા હોવાનું મનાય છે. સમગ્ર કિસ્સો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે પવન ખેડાએ આસામના જ્યુરીડીકશનની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવી જોઈએ. આસામ પોલીસ આ મામલે સક્રિય છે ત્યારે જો હાઇકોર્ટ ખેડાના આગોતરા જામીન મંજૂર નહીં કરે તો ગમે ત્યારે એમની ધરપકડ થઈ શકે એમ છે.
અકળાયેલા કેજરીવાલે જસ્ટીસને કહ્યું ન્યાયનો ગર્ભપાત થઈ જશે
દિલ્હી હાઇકોર્ટના જસ્ટીસ સ્વર્ણકાંતા શર્મા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે જસ્ટીસ સ્વર્ણ કાંતાએ લિકર્સ સ્કેમના કેસની સુનાવણીથી પોતાને અલગ કરી લેવા જોઈએ. આ બાબતે કેજરીવાલ ફરીથી હાઇકોર્ટ ગયા હતા અને સીબીઆઇના લેખીત જવાબ સામે પોતાનો રીજોઇડર સ્વીકારવાની અપીલ કરી હતી. કોર્ટે કેજરીવાલને પ્રક્રિયાની યાદ અપાવીને એમનો જવાબ સ્વીકારી લીધો છે. કેજરીવાલે કહ્યું હતું કે 'મેડમ તમે રીજોઇડર ફાઇલ કરી દો. રજીસ્ટર એનો સ્વીકાર કરતા નથી. અમારો રીજોઇડર રેકર્ડ પર લેવામાં આવતો નથી. જો આમ જ ચાલ્યુ તો ન્યાયનો ગર્ભપાત થઈ જશે.' જસ્ટીસે જોકે કેજરીવાલને નિયમોની યાદ અપાવતા કહ્યું હતું કે, 'રજીસ્ટર તમારી અરજીનો સ્વીકાર એટલા માટે નથી કરતા કે તમારો કેસ તમે પોતે લડી રહ્યા છો.'
'સુપ્રિમ કોર્ટમાં ઘૂસવા નહીં દઈએ...'
નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફોજ સાથે જોડાયેલી એક જાહેર હીતની અરજી ફગાવી દેતા સુપ્રિમ કોર્ટે અરજી કરનારને ઝાટકી નાખ્યા છે. કોર્ટે કહ્યું હતું કે, વારંવાર એક જ પ્રકારની અરજીઓ દાખલ કરીને કોર્ટનો સમય બરબાદ કરો નહીં. પીનાકપાણી મોહન્તી નામની વ્યક્તિએ આ અરજી દાખલ કરી હતી. અરજીમાં માંગણી કરવામાં આવી હતી કે નેતાજી સુભાષચંદ્ર બોઝને ભારતની આઝાદીના મુખ્ય નાયક જાહેર કરવામાં આવે. સુનાવણી વખતે જસ્ટીસ સૂર્યકાંત અને જસ્ટીસ જોય માલ્ય બાગચીની બેન્ચે કહ્યું હતું કે, આ પ્રકારની અરજી ફક્ત પ્રસિદ્ધિ માટે કરવામાં આવે છે. અગાઉ પણ અરજી કરનારે આ પ્રકારની માંગણી કરતી અરજી દાખલ કરી હતી જેને ફગાવી દેવામાં આવી હતી. વારંવાર એક જ પ્રકારની અરજી કોર્ટમાં કરવામાં આવતા બેન્ચે નારાજગી જાહેર કરી હતી. સીજેઆઇએ અકળાઈને અરજી કરનારને ચેતવણી આપીને કહ્યું હતું કે, 'સુપ્રિમ કોર્ટમાં તમારી એન્ટ્રી બંધ કરાવી દઈશું.'
ચૂકાદો આવે એ જ દિવસે અપલોડ કરવાનો હુકમ
ન્યાયતંત્રમાં પારદર્શિતા વધારવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બોમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્ર અને ગોવાના તમામ ન્યાયાધિશોને એક હુકમ કર્યો છે. આ હુકમ પ્રમાણે હવે કોર્ટ જે દિવસે ચૂકાદો આપે એ જ દિવસે કેસ ઇન્ફોર્મેશન સિસ્ટમ (સીઆઇએસ)ના સરવર પર એને ફરજીયાત અપલોડ કરવો પડશે. હાઇકોર્ટના રજીસ્ટાર જનરલ સ્વપ્નીલ સી ખાટી દ્વારા બહાર પડાવામાં આવેલા સરક્યુલરમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, ડેડલાઇનનું પાલન નહીં કરવાને એક ગંભીર ભૂલ ગણવામાં આવશે. કોર્ટની કાર્યવાહી અને ચુકાદો મેળવવામાં ખૂબ મોડું થતું હતું. હાઇકોર્ટે આ નિર્ણયને ન્યાયતંત્રની સત્યનિષ્ઠા સાથે જોડયો છે. જો કોઈ ચુકાદો એજ દિવસે અપલોડ નહીં કરવામાં આવશે તો એ માટેનું કારણ જે તે ન્યાયાધીશે આપવું પડશે.
નંદીગ્રામમાં ચૂંટણી કમિશને કાપેલા નામોમાં 95 ટકા મુસ્લિમ
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામના મતદારો ૨૩મી એપ્રિલે મતદાન કરશે. જોકે નંદીગ્રામ મતવિસ્તારમાં જેમના નામ મતદાર યાદીમાંથી કપાય ગયા છે તેઓ મતદાનથી વંચિત રહેશે. એક અહેવાલ પ્રમાણે જેમના નામ મતદાર યાદીમાં કાપવામાં આવ્યા છે એમાંથી ૯૫ ટકા મુસ્લિમ છે. એક મુસ્લિમ રહેવાસીએ કહ્યું હતું કે એમના પિતાએ બે લગ્ન કર્યા હતા અને એમને ૧૦ બાળકો છે. ચૂટણી કમિશન નોટિસ આપીને કહે છે કે, અમારા પિતાને છ થી વધુ લોકોએ પિતા ગણાવ્યા છે એ માટે તપાસ કરવામાં આવી હતી. સ્થાનિક મુસ્લિમોનું માનવું છે કે સામાન્ય રીતે બંગાળી મુસ્લિમોને ૮ થી ૧૦ બાળકો હોય છે તો ફક્ત એજ કારણસર એમના નામ મતદાર યાદીમાં બાકાત રાખી શકાય નહીં. નંદીગ્રામમાં ૩,૪૬૧ મતદારોના નામ કાપવામાં આવ્યા છે એમાંથી ૩,૨૭૦ મુસ્લિમ મતદારો છે.
ડીજીસીએના અધિકારીની ધરપકડ, રોહિત પવારને શંકા
અજીત પવારના વિમાન અકસ્માત બાબતે એનસીપી (શરદ પવાર)ના ધારાસભ્ય રોહિત પવાર વારંવાર શંકા વ્યક્ત કરતા રહ્યા છે. વિમાન અકસ્માતના કેસમાં સીબીઆઇએ કરેલી ધરપકડ પર શરદ પવારે સવાલ કર્યા છે. સીબીઆઇએ ડાયરેક્ટર જનરલ ઓફ સીવીલ એવિએશન (ડીજીસીએ)ના એરવર્થનેસ વિભાગના ઉપપ્રમુખની ધરપકડ કરીને એફઆઇઆર દાખલ કરી છે. આ ધરપકડ પછી ડીજીસીએના ભ્રષ્ટ તંત્રની ચર્ચા શરૂ થઈ છે. રોહિત પવારના કહેવા પ્રમાણે જેની ધરપકડ કરવામાં આવી છે એ એક સામાન્ય વ્યક્તિ છે. ડીજીસીએમાં મોટા કૌભાંડીઓની કમી નથી. રોહિત પવારે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'હું વારંવાર કહેતો આવ્યો છું કે ડીજીસીએના ઘણા અધિકારીઓ ભ્રષ્ટ છે. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે એ તો નાની માછલી છે. દાદાના અકસ્માતની તપાસ સીબીઆઇને સોંપવાની ભલામણ કર્યાને બે મહિના થઈ ગયા છે. સીબીઆઇએ આમ છતાં આ તપાસ હાથમાં નથી લીધી.'


