નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનીતા પ્રોજેક્ટ વંદે ભારત ટ્રેન બાબતે વિવાદ થયો છે. વંદે ભારત ટ્રેનને કાશ્મીર સુધી લંબાવવાની તારીખ ફરીથી લંબાવવામાં આવી છે. છેલ્લા ચાર મહિનામાં ત્રીજી વખત ટ્રેનના ઉદ્ધાટનની તારીખ બદલવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના લોકો સિવાય સામાન્ય પ્રવાસીઓ પણ આ ટ્રેન શરૂ થાય એની રાહ જોઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમઓ સાથે ચર્ચા કર્યા પછી વંદે ભારત ટ્રેનના ઉદ્ઘાટનની નવી તારીખ જાહેર થશે. ૧૯મી એપ્રિલે વડાપ્રધાન મોદી જમ્મુ-કાશ્મીર જઇને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવાના હતા. ખરાબ હવામાનનું બહાનુ આગળ કરીને ઉદ્ઘાટનની તારીખ લંબાવી દેવામાં આવી હતી. કાશ્મીર સુધી વંદે ભારત એક્સપ્રેસ દોડાવવામાં કયું કારણ નડી રહ્યું છે એના ભેદ હજી સુધી કોઈ ઉકેલી શક્યું નથી.
બિહારમાં બેઠકો માટે એનડીએમાં ખેંચતાણ
બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે બિહારના તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે ચૂંટણી માટે તૈયારી કરી રહ્યા છે. કોંગ્રેસ - આરજેડીનું મહાગઠબંધન બેઠકની વહેચણી બાબતે ચર્ચા કરી રહ્યું છે. ભાજપ એવો દેખાડો કરે છે કે જેડીયુ સાથેના એનડીએ ગઠબંધનમાં કોઈ વિવાદ નથી. એનડીએના નેતૃત્વ બાબતે પણ કોઈ વિવાદ નહીં હોવાનું ભાજપના નેતાઓ કહે છે. જોકે જમીની હકીકત જુદી છે. બિહાર ભાજપના નેતાઓ અને જેડીયુના નેતાઓ વચ્ચે હજી સુધી બેઠકની વહેચણી બાબતે સમજુતી થઈ શકતી નથી. હમ પાર્ટીના નેતા જીતનરામ માઝી પણ ભાજપને પરેશાન કરી રહ્યા છે. એનડીએના સાથી પક્ષોને ખુશ કરવાની મથામણમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પાછળ પડી રહ્યા છે.
પક્ષોને તોડવા માટે અને બદલો લેવા માટે પોલીસનો ઉપયોગ થાય છે ઃ ઉદ્ધવ ઠાકરે
શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકાર પર આક્ષેપ કર્યો છે કે, વિરોધ પક્ષોને તોડવા માટે અને એમની સામે થયેલા જુના કેસો ફરીથી ખોલવા માટે પોલીસનો દુરઉપયોગ થઈ રહ્યો છે.
મહારાષ્ટ્રમાં પોલીસને કામ કરવાની આઝાદી નથી. કોંગ્રેસના શાસન દરમિયાન પોલીસ શિવસૈનિકોને ધમકી આપતી હતી કે કોંગ્રેસમાં જોડાઈ જાવ નહીં તો તમારી સામે ગંભીર કલમ હેઠળ ગુનાઓ નોંધવામાં આવશે.
આ જ વાતનું પુનરાવર્તન હવે થઈ રહ્યું છે. પોલીસનો દુરઉપયોગ કયારે બંધ થશે? પોલીસ જો પોતાના રાજકીય માલિકોનું જ કહ્યું માનશે તો રાજ્યમાં અરાજકતા ફેલાઈ જશે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના કાર્યકરોને વિરોધ પ્રદર્શન કરવાની છૂટ પણ આપવામાં આવતી નથી.
ભૂતપૂર્વ સીજેઆઇ ચંદ્રચૂડ વિરુદ્ધ રાષ્ટ્રપતિને ફરિયાદ
દેશના ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ વિરુદ્ધ રાષ્ટ્રપતિને ફરિયાદ કરીને સીબીઆઇ તપાસની માંગ કરવામાં આવી છે. ફરિયાદ કરનાર પટણા હાઇકોર્ટના નિવૃત્ત જજ રાકેશકુમારનો આરોપ છે કે ચંદ્રચૂડે એક કેસની સુનાવણી બાબતે વધુ પડતી સક્રિયતા બતાવી હતી. કયો કેસ કયારે અને કંઈ બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવશે એ નક્કી કરવાનું કામ ચીફ જસ્ટીસનું હોય છે. કેસની અરજન્સી હોય તો રજાના દિવસે પણ કેસની સુનાવણી કરવામાં આવે છે. જસ્ટીસ રાકેશકુમારે ૨૦૧૯ના ઓગસ્ટ મહિનામાં તેઓ હાઇકોર્ટના જજ હતા ત્યારે ભ્રષ્ટાચારના એક કેસમાં ચૂકાદો આપ્યો હતો. આ ચૂકાદા પછી થયેલા વિવાદને કારણે એમની બદલી આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં કરી નાખવામાં આવી હતી. જસ્ટીસ રાકેશનો આક્ષેપ છે કે ચંદ્રચૂડે આરોપી તિસ્તા શેતલવાડની જામીન અરજીની સુનાવણી માટે એક જ દિવસમાં બે વખત ખાસ બેન્ચની રચના કરી હતી.
તેજસ્વી અને નિશાંત, રાજકીય પ્રતિસ્પર્ધી પરંતુ અંગત જિંદગીમાં ભાઈ ભાઈ
બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારના પુત્ર નિશાંત બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે એ નક્કી છે. નિતિશકુમાર પર જ્યારે વિરોધીઓ પ્રહાર કરે છે ત્યારે નિશાંત એમના બચાવમાં પ્રતિઆક્રમણ કરે છે. જોકે તેજસ્વી યાદવની વાત જુદી છે. તેજસ્વી યાદવ જ્યારે પણ નિતિશકુમારની કાર્યપદ્ધતિ કે તબિયત બાબતે નિવેદન કરે છે ત્યારે નિશાંત કોઈ કોમેન્ટ કરતા નથી. નિશાંત એમ કરીને વાત વાળી લે છે કે તેજસ્વી તો એમના નાના ભાઈ જેવો છે. નિશાંતનું માનવું છે કે, નિતિશકુમારની તબિયત એકદમ સારી છે અને હજી પણ આવતા પાંચ વર્ષ સુધી તેઓ બિહારની 'સેવા' કરી શકે એમ છે.
સીઇટી પરીક્ષામાં વિદ્યાર્થીઓની જનોઈ ઉતરાવનાર સુપરવાઇઝર સામે એફઆઈઆર
કર્ણાટકના શિવમોગા જિલ્લાના શરાવતી નગર ખાતે આવેલી આદીચૂનચનગીરી સ્કૂલમાં કોમન એન્ટરન્સ ટેસ્ટ (સીઇટી) પરીક્ષાનું આયોજન થયું હતું. પરીક્ષા લેનાર સુપરવાઇઝર સામે એક વિચિત્ર કારણસર એફઆઇઆર દાખલ થઈ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પરીક્ષા લેનાર સુપરવાઇઝરે વિદ્યાર્થીઓને એમણે પહેરેલી જનોઈ ઉતારવા માટે કહ્યું હતું. આ બાબતે સુપરવાઇઝર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે વિવિધ કલમો હેઠળ સુપરવાઇઝર સામે ફરિયાદ દાખલ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે, કયા કારણો હેઠળ વિદ્યાર્થીઓની ધાર્મિક લાગણી દુભાવવામાં આવી હતી. કર્ણાટકના શિક્ષા મંત્રી ડો. એમ સી સુધાકરે પણ આ કિસ્સાની ટીકા કરી છે. કર્ણાટકના બીજા કેટલાક કેન્દ્રો પરથી પણ આ પ્રકારની ફરિયાદ મળી છે.
દુબઈ કોર્ટ દ્વારા બાળકના પ્રવાસ પર પ્રતિબંધ માનવ અધિકારનો ભંગ છે : સુપ્રિમ કોર્ટ
લગ્ન જીવનના વિવાદીત કિસ્સામાં એક સગીર બાળકને પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂકનાર દુબઈ કોર્ટની કડક ટીકા ભારતની સુપ્રિમ કોર્ટે કરી છે. દુબઈ કોર્ટના આ નિર્ણયને સુપ્રિમ કોર્ટે અત્યાચારી અને માનવ અધિકારનો ભંગ ગણાવ્યો છે. જસ્ટીસ સુર્યકાંત અને જસ્ટીસ એન કોટેશ્વરસિંહની બેન્ચે બાળકના પિતાને નોટીસ મોકલી છે. કેસની સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું છે કે લગ્નજીવનના વિવાદમાં કોર્ટે બાળકના પ્રવાસ પર પ્રતિબંધ લગાડવાની સરખામણી ઘરમા નજર કેદ સાથે થઈ શકે છે. બાળકના પિતા ઘાનાના નાગરીક છે અને દુબઈમાં રહે છે. પિતાએ કોર્ટ સમક્ષ બાળકની કસ્ટડી માંગી છે. પિતાનો આરોપ છે કે બેંગલુરુ રહેતી એમની ભૂતપૂર્વ પત્નીી એમની જાણકારી વગર અને દુબઈની કોર્ટનો હુકમ હોવા છતા બાળકને એમના ઘરેથી લઈ ગઈ છે.


