દિલ્હીની વાત : જૂની પેન્શન યોજના લાગુ કરવાનો મુદ્દો કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક પૂરવાર થશે
નવી દિલ્હી : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બીજા સ્થાનિક મુદ્દાઓની સાથે જૂની પેન્શન યોજનાનો મુદ્દો મુખ્ય બની ગયો છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં જૂની પેન્શન યોજના વિશે ઉલ્લેખ કર્યો નહોતો. હવે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. આ બાબતે ભાજપ હજી અંધારામાં છે. ભાજપના સ્થાનિક નેતાઓને આ બાબતે પૂછવામાં આવે છે તો તેઓ એમ કહીને વાત ટાળી દે છે કે, આ બાબતનો નિર્ણય તો કેન્દ્ર સરકારે કરવાનો છે. થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી નાયક સૈનિએ સરકારી કર્મચારીઓને ધમકાવતું નિવેદન પણ આપ્યું હોવાથી સરકારી કર્મચારીઓ ભાજપથી નારાજ છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાનો મુદ્દો કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક પૂરવાર થશે.
ભારત - મ્યાનમાર સરહદે કેન્દ્ર સરકારનું દળીદળીને ઢાંકણીમાં
ભારત અને મ્યાનમાર વચ્ચેની બોર્ડરેથી હથિયારો અને ડ્રગ્સની મોટા પાયે દાણચોરી થાય છે એ વાત નવી નથી. હવે મોડે મોડેથી જાગેલી સરકારે ભારત - મ્યાનમારની ૧,૬૪૩ કિલોમીટર લાંબી બોર્ડર પર ફેન્સીંગ કરવા માટે નક્કી કર્યું છે. આ માટે કેન્દ્ર સરકાર ૩૧,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના જણાવ્યા પ્રમાણે બોર્ડર પર ૩૦ કિલોમીટર જેટલા ક્ષેત્રમાં ફેન્સીંગ કરવાનું કામ પૂરું થયું છે. આ સરહદેથી ચીનના દાણચોરો મોટા પ્રમાણમાં હથિયારો અને ડ્રગ્સ દેશમાં ઘૂસાડે છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય છેલ્લા ૧૦ વર્ષથી આ બાબતે ફક્ત વાતોના વડા જ કરે છે. હવે ૩૧,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચીને પણ સરકાર ઘૂસણખોરી અને દાણચોરી રોકવામાં સફળ થાય એ બાબતે ઘણાને શંકા છે.
વન કન્ટ્રી વન ઇલેક્શન બાબતે વિરોધ પક્ષની શંકા વ્યાજબી છે
વન નેશન વન ઇલેક્શનનું બિલ રજુ કરવા માટે કેબિનેટની મંજૂરી મળી એને વિપક્ષ ફક્ત પબ્લિસીટી સ્ટંટ માની રહ્યો છે. ખૂદ એનડીએના સાથી પક્ષો પણ ખાનગીમાં કહી રહ્યા છે કે, ભાજપનો આ નિર્ણય ફક્ત દેખાડો છે. વાત તો એવી થઈ રહી છે કે, ૨૦૨૯ની લોકસભાની ચૂંટણીથી આ નિર્ણયનો અમલ થશે. જોકે આ શેખચલ્લીના વિચારો છે. આ નિર્ણય અમલી કરવા માટે બંધારણમાં સુધારો કરવો પડે એમ છે. જો લોકસભા કે કોઈ રાજ્યની વિધાનસભા અચાનક જ ભંગ થઈ જાય તો એક સાથે ચૂંટણી યોજવાનો ક્રમ જાળવી શકાય નહીં. આ સિવાય પણ બીજી ઘણી મુશ્કેલીઓ છે જેને કારણે આ નિર્ણય અમલી બનવાનો નથી.
કર્ણાટક ભાજપના ધારાસભ્ય સામે બળાત્કારની ફરિયાદ
કર્ણાટકના રાજરાજેશ્વરી શહેરના ભાજપના ધારાસભ્ય મુનીરત્ન સામે છેડતી અને બળાત્કારની ફરિયાદ દાખલ થઈ છે. રામ નગર જિલ્લાના કગ્ગલીપુરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ એક ખાનગી રિસોર્ટમાં મહિલા સાથે દુશ્કર્મ કરવામાં આવ્યું હતું. મુનીરત્ન સિવાય બીજી છ વ્યક્તિઓ સામે પણ ગુનો દાખલ થયો છે. ભાજપના ધારાસભ્ય સામે જુદી જુદી ૭ કલમો હેઠળ કેસ દાખલ થયા છે. આ ધારાસભ્ય ભાજપ શાસન વખતે મંત્રી પણ હતા. થોડા દિવસો પહેલા પણ છેડતીના બીજા એક કેસમાં પોલીસે એમની ધરપકડ કરી હતી. ફક્ત કર્ણાટક જ નહીં દેશના બીજા રાજ્યોમાં પણ ભાજપના નેતાઓ સામે બળાત્કારની ફરિયાદો થઈ રહી છે.
બિહારમાં જંગલ રાજ હોવાનો વધુ એક પુરાવો
બિહારના નવાદા જિલ્લામાં જમીન વિવાદને કારણે કેટલાક ગુંડા તત્ત્વોએ દલિતોના ઘરો સળગાવી દીધા હતા. આ ગુંડાઓએ ફાયરીંગ કર્યા પછી ૮૦ ઘરોને આગ ચાંપી દીધી હતી. આ બાબતે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે, નવાદામાં મહા દલિતો ઉપર સરકારી ગુંડાઓએ હુમલો કર્યો છે. રાતના અંધારામાં ગરીબ પરિવારો બેઘર થઈ ગયા છે. ભાજપ અને સાથી પક્ષો દલિતો અને ગરીબો વિરોધી છે એ આના પરથી પુરવાર થાય છે. આ બાબતે મોદી હંમેશની જેમ મૌન છે અને નિતિશકુમાર સત્તાની લાલચે બેફીકર બની ગયા છે.
રાજીનામા પછી હવે કેજરીવાલની રણનીતિ
દિલ્હીના મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલે રાજીનામું આપ્યા પછી હવે તેઓ હળવાશ મહેસુસ કરી રહ્યા છે. મુખ્યમંત્રીપદની જવાબદારી આતીશી મારલેનાને સોંપ્યા પછી હવે અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીનું સંગઠન મજબુત કરવા પ્રયાસો કરશે. જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એ રાજ્યો પર કેજરીવાલ ફોકસ કરશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી પણ નજીક છે ત્યારે આપના કાર્યકરોનો ઉત્સાહ વધારવા કેજરીવાલે ખાસ આયોજન કર્યું છે. લાંબા સમય સુધી કેજરીવાલ જેલમાં હોવાથી આપના કાર્યકરોનું મોરલ તૂટયું હતું. હવે કેજરીવાલ ફરીથી વિવિધ વિસ્તારોમાં ફરીને કાર્યકર્તાઓ સાથે રૂબરૂ મુલાકાત કરવાના છે.
હરિયાણામાં કોંગ્રેસ - આપ વચ્ચે જોડાણ કેમ નહીં થયું
હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ઘણા પ્રયત્નો પછી પણ જોડાણ નહીં થયું હોવાનું કારણ કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ જાહેર કર્યું છે. હુડ્ડાના કહેવા પ્રમાણે કોંગ્રેસે તો આપ સાથે જોડાણ કરવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ આપની કેટલીક માંગણીઓ વધુ પડતી હતી. હરિયાણામાં અગાઉ પણ આપ સાથે જોડાણ શક્ય બન્યું નહોતું. રાષ્ટ્રીયસ્તરે આપ સાથે જોડાણ છે, પરંતુ રાજ્યોમાં વાત અલગ છે. અમને કેટલીક બેઠકો આપને આપવા સામે વાંધો નહોતો. અમે સીપીએમને એક બેઠક આપી પણ છે. કોંગ્રેસ દરેક બેઠક પર ચૂંટણી લડીને જીતવા માટે સક્ષમ છે. અમારા કાર્યકરોની ઇચ્છા પણ એકલે હાથે ચૂંટણી લડવાની હતી.
અજીત પવારના કપડાંના રંગ બાબતે શિંદેનો કટાક્ષ
અજીત પવારે લાડલી બહેન યોજનાના કાર્યક્રમમાં ગુલાબી જેકેટ પહેરવાનું શરૂ કર્યું છે. ગુલાબી રંગ મહિલાઓનો પસંદગીનો રંગ કહેવાય છે, અજીત પવારે એ સંદર્ભમાં આ કલર પહેર્યો હતો. એ બાબતે હવે શિંદેએ કટાક્ષ કર્યો છે. એકનાથ શિંદેને પૂછવામાં આવ્યું કે તમે ગુલાબી રંગ કેમ નથી પહેરતા? શિંદેએ કટાક્ષમાં કહ્યું કે મારે કોઈ રંગની જરૂર નથી. હું સફેદ કલર પહેરું છું. એમાં કોઈ રંગ ચડતો નથી. ગઠબંધનના સંદર્ભમાં આ કટાક્ષ કર્યાની ચર્ચા છે. અજીત પવારે અગાઉ ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું અને પછી ફેરવી તોળ્યું હતું. પછી ફરીથી કાકા શરદ પવારની પાર્ટી તોડીને ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. રંગ બદલવાના રેફરન્સને અજીતના પાર્ટી બદલવા સાથે જોડવામાં આવી રહ્યો છે.
ખરાબ કામ કરનારા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરી દઈશ : ગડકરી
એક તરફ કેટલાય કોન્ટ્રાક્ટરોના ભોપાળાં બહાર આવી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિર સુધીનો રસ્તો ગણતરીના મહિનાઓમાં ધોવાઈ ગયો એની ટીકા થઈ. કેટલાય ફ્લાયઓવર તૂટવાની ઘટનાઓ બને છે. એમાં કોન્ટ્રાક્ટરો અને ભાજપ શાસિત સરકારોના કેટલાય નેતાઓની સંડોવણીના આરોપો પણ થાય છે. એવા સમયે ગડકરીનું એક નિવેદન ભારે વાયરલ થયું છે. ગડકરી રોડના કોન્ટ્રાક્ટરોને ધમકી આપતા કહે છે કે જો બાંધકામમાં ગરબડ કરી, રસ્તો ખરાબ બનાવ્યો તો યાદ રાખજો, હું તમને બ્લેક લિસ્ટ કરી દઈશ. પછી કોઈ સરકારી કોન્ટ્રાક્ટ નહીં મળે એવી હાલત કરી દઈશ. ગડકરીના આ નિવેદન પછી લોકોએ ટીપ્પણી કરી હતી કે એક આ નેતા છે, જે કોન્ટ્રાક્ટરોની ધોલાઈ કરે છે અને એક તરફ બીજા નેતાઓ છે તે ગરબડો કરીને કોન્ટ્રાક્ટરોને બચાવવા ભલામણો કરે છે.
- ઈન્દર સાહની