Get The App

દિલ્હીની વાત : મોદી કોંગ્રેસને સંભળાવતા રહ્યા, ઓડિયન્સમાં થરૂર ખુશ થતા રહ્યા

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : મોદી કોંગ્રેસને સંભળાવતા રહ્યા, ઓડિયન્સમાં થરૂર ખુશ થતા રહ્યા 1 - image


નવીદિલ્હી : દિલ્હીના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થાય છે કે કોઈપણ ક્ષણે શશી થરૂર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે એમ છે. છેલ્લા કેટલાક સમયથી શશી થરૂર એકાએક નરેન્દ્ર મોદીના ચાહક બની ગયા છે અથવા તો કોંગ્રેસ હાઇકમાન્ડને સંકેત આપવા માટે એવો દેખાડો કરે છે. એક કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર મોદીએ ગુલામીની માનસિકતાનો ઉલ્લેખ કરતા કોંગ્રેસની આકરી ટીકા કરી હતી. એમણે કહ્યું હતું કે કોંગ્રેસ સરકારે અર્બન નક્સલીઓને ઉચ્ચ પદ પર બેસાડયા હતા. મુસ્લિમ લિગવાળી માઓવાદી કોંગ્રેસ હજી પણ દેશ હિતને અવગણી રહી છે. મોદીના સંબોધન દરમિયાન ઓડિયન્સમાં કોંગ્રેસના સાંસદ શશી થરૂર પણ બેઠા હતા. થરૂરએ ત્યાર પછી નરેન્દ્ર મોદીના ભાષણનો કેટલોક હિસ્સો સોશ્યલ મીડિયા પર મૂકીને નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા હતા.

મહાવિકાસ અઘાડીમાં ગરબડ, સાથીપક્ષે કોંગ્રેસને ટોણો માર્યો

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા મહાવિકાસ અઘાડીમાં ખટપટ શરૂ થઈ ગઈ છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ બિહાર ચૂંટણીના પરિણામ સંદર્ભે કોંગ્રેસ પર નીશાન તાંક્યું છે. એનું કહેવું છે કે, બિહાર ચૂંટણીમાં રાજ ઠાકરે નહીં હોવા છતાં કોંગ્રેસે ખરાબ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસને ૬૧માંથી ફક્ત ૬ બેઠકો મળી છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસએ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી એકલે હાથે લડવાની જાહેરાત કરી હતી. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)નું માનવું છે કે, કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાથી નુકશાન એમને જ છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના મુખપત્ર સામનામાં લખવામાં આવ્યું છે કે, 'બિહારના પરિણામો પછી કોંગ્રેસે જાહેરાત કરી છે કે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી તે એકલે હાથે લડશે. બિહારના પરિણામ પછી કોંગ્રેસના આત્મવિશ્વાસ વધ્યો છે એના વખાણ કરવા જોઈએ. મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ એક માત્ર રાષ્ટ્રીય પાર્ટી હોવાથી પોતે રાષ્ટ્રીય પાર્ટી છે એવો દેખાડો એણે વારંવાર કરવો પડે છે.'

અનમોલ બિશ્નોઇ સહિત 200 ભારતીયો ડિપોર્ટ થયા

અમેરિકાએ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના ભાઈ અને મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અનમોલ બિશ્નોઇને ભારત ડીપોર્ટ કરી દીધો છે. અનમોલ બિશ્નોઇને પંજાબના બે વોન્ટેડ ગુનેગારો અને ૧૯૭ ઘુસણખોરો સહિત ૨૦૦ ભારતીય નાગરીકો સાથે ભારત મોકલવામાં આવ્યો છે. આ બધાને લઈને નિકળેલું વિમાન દિલ્હીના ઇન્દીરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ થયું હતું. અનમોલ બિશ્નોઇને ભારતની સોંપણી ભારતીય એજન્સીઓની મોટી સફળતા મનાય છે. એનઆઇએને ઘણા સમયથી અનમોલ બિશ્નોઇની જરૂર હતી. ભારતમાં કમસેકમ ૧૮ જેટલા ગંભીર ગુનાઓ અનમોલ બિશ્નોઇએ કર્યા છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા ઉપરાંત અભિનેતા સલમાન ખાનના ઘર પર ફાયરીંગ તેમ જ પંજાબના ગાયક સિધ્ધુ મુસેવાલની હત્યા માટે પણ અનમોલને જવાબદાર ગણાય છે. સુરક્ષાના કેટલાક નિષ્ણાતો એક તબક્કે એવું માનતા હતા કે અમેરિકાસ્થિત કટ્ટર ખાલિસ્તાની આતંકવાદીઓને ધાકમાં રાખવા ભારતીય એજન્સી અનમોલનો ઉપયોગ કરી રહી હતી.

સરજીલ અને ખાલિદના જામીનનો વિરોધ કરતા દિલ્હી પોલીસે શું કહ્યું

દિલ્હી પોલીસે સુપ્રિમ કોર્ટમાં કહ્યું છે કે, ૨૦૨૦માં થયેલા દિલ્હીના કોમવાદી હુલ્લડો એકાએક નહોતા થયા. આ હુલ્લડો કરાવવા પાછળ એક વ્યવસ્થિત કાવતરૂ થયું હતું. સુપ્રિમ કોર્ટમાં આરોપી સરજીલ ઇમામ, ઉમર ખાલિદ, મીરાન હૈદર, ગુલફીસા ફાતિમા અને શિફા ઉર રહેમાનની જામીન મામલે અરજી પર સુનાવણી થઈ હતી. જસ્ટીસ અરવિંદકુમાર અને જસ્ટીસ એન વિ અંજારીયાની બેન્ચ સમક્ષ આવેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જામીનનો વિરોધ કર્યો હતો. તુષાર મહેતાએ કહ્યું હતું કે સીએએના વિરોધમાં થયેલા દેખાવો પછી કોમવાદી હુલ્લડો થયા હતા. આ હુલ્લડોની તૈયારી પહેલેથી કરવામાં આવી હતી. પોલીસના કહેવા પ્રમાણે જાહેર કરવામાં આવેલું ચક્કાજામ ફક્ત દિલ્હી માટે નહોતું, પરંતુ જ્યાં મુસ્લિમોની વસ્તિ વધુ હોય એવા શહેરોમાં પણ આ આયોજન કરવામાં આવ્યું હતું. વોટ્સએપ ચેટ જોતા પુરવાર થયું હતું કે, માલ મિલ્કતને નુકશાન પહોચાડવા અને પૈસા ભેગા કરવાનું આયોજન પહેલા જ થયું હતું.

બંગાળમાં એસઆઇઆરની અસર, 300 ઘૂસણખોરો પકડાયા

પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીની સુધારણા માટે એસઆઇઆરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એસઆઇઆરને કારણે બંગાળમાં ઘૂસેલા ગેરકાયદેસર બાંગ્લાદેશી તેમજ રોહિગ્યા ટેન્શનમાં છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના સરહદી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ઘૂસણખોરો આંતરરાષ્ટ્રીય બોર્ડર પસાર કરીને ફરીથી બાંગ્લાદેશ ભાગવાની કોશિષ કરે છે. ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં ભારત - બાંગ્લાદેશ બોર્ડર પર આવેલા હકીમપુર સીમા ચોકી વિસ્તારમાંથી બાંગ્લાદેશ જવાની કોશિષ કરનારા લગભગ ૩૦૦ બાંગ્લાદેશી નાગરીકોની ધરપકડ બીએસએફએ કરી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જેમની ધરપકડ થઈ છે એમાં પુરુષો અને મહિલાઓ ઉપરાંત બાળકો પણ છે. એમની પૂછપરછ કરવામાં આવી ત્યારે એમણે કહ્યું કે ચાલી રહેલી એસઆઇઆરની કાર્યવાહીથી ડરીને તેઓ પરત બાંગ્લાદેશ જતા હતાં. છેલ્લા સાડા ત્રણ મહિના દરમિયાન ભારત - બાંગ્લાદેશ બોર્ડર પરથી બીએસએફએ ૧૨ હજારથી વધારે ઘુસણખોરોને પકડયા છે.

છાપેલા કાટલા જેવા નિવૃત્ત જજ સહિતનાનો રાહુલ ગાંધીને ખુલ્લો પત્ર

લોકસભાની ચૂંટણી પહેલા કેટલીક ખાસ રાજકીય વિચારધારા ધરાવતા નિવૃત્ત ન્યાયાધીશો, અધિકારીઓ, બૌદ્ધીકો, પ્રોફેસરો... કયાં તો સત્તાધિશોને ક્યાં તો વિરોધ પક્ષોને ખુલ્લો પત્ર લખે છે. આ બંને બાજુએથી કોઈ તટસ્થ હોતું નથી. આ બધા પ્લાન્ટેડ પત્રો ત્યાર પછી જાહેર કરવામાં આવે છે. હવે ભારતના કેટલાક નિવૃત્ત ન્યાયાધિશો અને અધિકારીઓએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ટાર્ગેટ કર્યા છે. આવા ૨૦૦થી વધુ સભ્યોએ રાહુલ ગાંધીની એટલા માટે ટીકા કરી છે કે એમણે ચૂંટણી કમિશન પર આક્ષેપો કર્યા હતા. પત્રમાં લખવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી પોતાની રાજકીય હતાશા છૂપાવવા માટે સંવિધાનીક સંસ્થાઓને નિશાન બનાવે છે. કોંગ્રેસે ચૂંટણી કમિશન પર ભાજપનો હાથો બનીને કામ કરવાનો આક્ષેપ કર્યો હતો.

મીટિંગમાં સંજય યાદવ માટે 'હરિયાણા પરત જાઓ'ના નારા 

આરજેડીના નેતા તેજસ્વી યાદવ એમના સલાહકાર સંજય યાદવ કહે એટલું જ કરે છે એવી ટીકા વારંવાર થાય છે. સંજય યાદવને કારણે જ લાલુ પ્રસાદ યાદવના કુટુંબમાં તડ પડી છે. તેજપ્રતાપ યાદવ અને રોહિણી આચાર્ય લાલુ પ્રસાદ યાદવનું ઘર છોડી ગયા છે. એવો આક્ષેપ થાય છે કે સંજય યાદવના નિર્ણયને કારણે તેજસ્વી યાદવના જૂના વફાદાર સાથીદારો એમને છોડી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં હાર માટે ચર્ચા કરવા તેજસ્વી યાદવના ઘરે મિટિંગ ગોઠવવામાં આવી હતી. એ વખતે પણ સંજય યાદવનો મુદ્દો ચગ્યો હતો. આરજેડીના કેટલાક કાર્યકરોએ સંજય યાદવ વિરુદ્ધ સૂત્રો પણ પોકાર્યા હતા. સંજય યાદવ 'હરિયાણા પરત જાઓ'ના નારા લાગ્યા હતા. જોકે એજ વખતે તેજસ્વી યાદવ સંજયના બચાવમાં આવી ગયા હતા અને એમણે કહ્યું હતું કે પક્ષ માટે સંજયે ખૂબ મહેનત કરી છે. આખા વિવાદ દરમિયાન સંજય યાદવ ચૂપચાપ બેસી રહ્યા હતા.

Tags :