ચીફ સેક્રેટરીએ ભ્રષ્ટાચારના પુરાવાનો નાશ કર્યો
Updated: Nov 20th, 2023
નવી દિલ્હી: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે ચીફ સેક્રેટરી નરેશ કુમારને સસ્પેન્ડ કરવાની ભલામણ લેફ્ટનન્ટ ગવર્નર વિજય કુમાર સક્સેનાને કરતાં રાજકીય ઉત્તેજનાનો માહોલ છે. વિજય કુમારે સરકારી હોસ્પિટલનો કોન્ટ્રાક્ટ પોતાના દીકરાની કંપનીને ટેન્ડર વિના બારોબાર આપીને કરોડો રૂપિયાનો ફાયદો કરાવ્યો હોવાનો રીપોર્ટ વિજિલન્સ મિનિસ્ટર આતિશીએ કેજરીવાલને આપ્યો હતો. તેના આધારે કેજરીવાલે સીબીઆઈ તપાસ કરાવવાની માગ કરીને તપાસ પૂરી થાય ત્યાં સુધી સસ્પેન્શનની ભલામણ કરી છે.
આતિશીએ તેના રીપોર્ટમાં આક્ષેપ કર્યો છે કે, નરેશ કુમારના પુત્ર કરણને જે કંપનીનો કોન્ટ્રાક્ટ અપાયો તેની સાથે કોઈ સંબંધ નથી એવું દર્શાવવા માટે વેબસાઈટ્સ પરથી પુરાવા ગાયબ કરી દેવાયા છે. આતિશે નરેશ કુમાર સામે પુરાવાનો નાશ કરવાનો આક્ષેપ પણ મૂક્યો છે.
ભાજપના નેતા પણ નરેશ કુમાર સામેના આક્ષેપોને સમર્થન આપી રહ્યા છે પણ રાજકીય કારણોસર ખુલ્લેઆમ કેજરીવાલની તરફેણ કરી શકાય તેમ નથી. તેમનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર સાથે સીધો સંપર્ક હોવાનો ગેરફાયદો ઉઠાવીને ચીફ સેક્રેટરીએ ભારે લૂંટ ચલાવી છે.
કર્ણાટક ભાજપમાં વિપક્ષ નેતાપદ મુદ્દે ઘમાસાણ
કર્ણાટકમાં ભાજપે પ્રદેશ પ્રમુખપદનું કોકડું માંડ માંડ ઉકેલ્યું ત્યાં હવે વિધાનસભામા વિરોધ પક્ષના નેતાને મુદ્દે ડખો પડયો છે. પ્રદેશ પ્રમુખપદ લિંગાયત સમુદાયને અપાતાં હવે વિધાનસભામા વિરોધ પક્ષના નેતાનું વોક્કાલિંગા સમુદાયને આપવું જોઈએ એવી માગ ઉઠી છે.
સૂત્રોનું કહેવું છે કે, ભાજપ હાઈકમાન્ડ વોક્કાલિંગા સમુદાયને બદલે ઓબીસી નેતાને વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ આપવા માગે છે તેમાં કોકડું ગૂંચવાયું છે. ભાજપ હાઈકમાન્ડનું માનવું છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાન દેવ ગૌડાની જેડીએસ સાથે જોડાણ કર્યું તેથી વોક્કાલિંગા સમાજના મત તો ભાજપને મળવાના જ છે. આ સંજોગોમાં વોક્કાલિંગા સમુદાયને સાચવવાની કોઈ જરૂર નથી. તેના બદલે ઓબીસી નેતાને વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ અપાય તો લોકસભાની ચૂંટણીમાં ઓબીસી મતદારો ભાજપને પડખે રહેશે ને કોંગ્રેસને હરાવવામાં સરળતા રહેશે.
અત્યારે ભાજપની બસવરાજ બોમ્માઈ સરકારના ત્રણ મંત્રી વિધાનસભામાં વિપક્ષના નેતા બનવા થનગની રહ્યા છે. વી. સુનિલ કુમાર, આર. અશોક, ડો. સી.એન. અશ્વથ નારાયણ એમ ત્રણ ભૂતપૂર્વ મંત્રી રેસમાં છે પણ ભાજપ હાઈકમાન્ડ કોથળામાંથી બિલાડુ કાઢીને કોઈ નવા નેતાને જ બેસાડે એવી શક્યતા છે.
તેલંગાણા કોંગ્રેસમાં ભેંસ ભાગોળે, છાસ છાગોળે...
તેલંગાણામાં કોંગ્રેસમાં ભેંસ ભાગોળે, છાસ છાગોળે ને ઘરમાં ધમાધમ જેવો માહોલ થઈ ગયો છે. કે. ચંદ્રશેખર રાવ સામેના અસંતોષના કારણે પેદા થયેલા એન્ટિ ઈન્કમ્બન્સી ફેક્ટરના કારણે કોંગ્રેસ માટે સારો માહોલ છે પણ કોંગ્રેસ જીતશે એવી ગેરંટી નથી ત્યાં જ મુખ્યમંત્રીપદ માટેની ખેંચતાણ શરૂ થઈ ગઈ છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રેવંત રેડ્ડી અને વિધાનસભામાં કોંગ્રેસના નેતા મલ્લુ ભટ્ટી વિક્રમાર્કના સમર્થકો વચ્ચે અત્યારથી જ મુખ્યમંત્રીપદ પોતાના નેતાને જ મળશે એવા દાવા કરાઈ રહ્યા છે. વિક્રમાર્ક દલિત છે જ્યારે રેવંતે તેલંગાણામાં વગદાર મનાતા રેડ્ડી સમુદાયમાંથી આવે છે તેથી કોંગ્રેસ હાઈકમાન્ડ ચૂપ છે. રેડ્ડી કે વિક્રમાર્ક બંનેમાંથી કોઈની પણ તરફેણ કરાય તો બીજી જ્ઞાાતિના મતદારો નારાજ થઈ જાય એવા ડરના કારણે કોંગ્રેસ હાઈકમાન્ડ તેની જાહેરખબરોમાં રેડ્ડી અને વિક્રમાર્ક બંનેને મહત્વ આપીને દૂધ અને દહીં બંનેમાં પગ રાખી રહી છે. કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે કે, કોંગ્રેસ જીતશે તો કર્ણાટક ફોર્મ્યુલ અપનાવીને વિક્રમાર્કને મુખ્યમંત્રી બનાવાશે કે જેથી લોકસભાની ચૂંટણીમાં આખા દેશમાં દલિતો કોંગ્રેસને મત આપે.
ગેહલોત-પાયલોટ રાજસ્થાનની જોડી નં. ૧ !
અશોક ગેહલોતના પ્રચાર માટે બનાવાયેલા ટ્વિટર હેન્ડલ પર અચાનક જ સચિન પાયલોટ અને અશોક ગેહલોતનો ફોટો 'રાજસ્થાન કી જોડી નંબર વન' ટેગ સાથે મૂકાતાં ગેહલોતના સમર્થકો પણ આશ્ચર્યમાં પડી ગયા છે. કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે કે, ગેહલોતમાં આવેલું આ પરિવર્તન રાહુલ ગાંધીને આભારી છે. રાજસ્થાનમાં અક્કડ વલણ અપનાવીને બેઠેલા અશોક ગેહલોતને ઝૂકાવવામાં રાહલ ગાંધી સફળ થયા છે.
રાજસ્થાનમાં ચૂંટણીની જાહેરાત પછી પહેલી વાર રાજસ્થાન પહોંચેલા રાહુલ ગાંધીએ અશોક ગેહલોતને સચિન પાયલોટની સાથે બેસવાની ફરજ જ ના પાડી પણ સોશિયલ મીડિયા પર પણ સચિનનાં વખાણ કરવાની ફરજ પાડી.
સૂત્રોનું કહેવું છે કે, ગેહલોતના જક્કી વલણથી અકળાયેલા રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં પ્રચાર માટે આવવાનો જ ઈન્કાર કરી દીધેલો. તેના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં શંકા-કુશંકાઓ પેદા થઈ ગયેલી. ગેહલોત માટે આ સ્થિતી સારી ના કહેવાય તેથી છેવટે તેમણે અહમને બાજુ પર મૂકીને રાહુલ ગાંધીને રાજસ્થાન આવવા વિનંતી કરવી પડી.
મુસ્લિમોને રીઝવવા કોંગ્રેસે શમીનું નામ વટાવ્યું
મોહમ્મદ શમીએ ન્યુઝીલેન્ડ સામેની સેમી ફાઈનલમાં કરેલા શાનદાર દેખાવનો ઉપયોગ કોંગ્રેસ તેલંગાણા અને રાજસ્થાનમાં મુસ્લિમ મતદારોને આકર્ષવા કરી રહી છે. ૨૦૨૧ના ટી-૨૦ વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારત હાર્યું ત્યારે મોહમ્મદ શમીને નિશાન બનાવીને સોશિયલ મીડિયા પર ગંદી કોમેન્ટ્સ કરાઈ હતી.
શમી મુસલમાન હોવાથી પાકિસ્તાનને મદદ કરી હોવાના આક્ષેપો પણ કરાયા હતા. એ વખતે રાહુલ ગાંધીએ મોહમ્મદ શમીના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવીને જાહેર કરેલું કે, શમી અમે બધા તમારી સાથે છીએ. આ લોકો નફરતથી ભરેલા છે કેમ કે તેમને કોઈએ પ્રેમ નથી આપ્યો. તેમને માફ કરી દેજો.
યુથ કોંગ્રેસે રાહુલની આ જૂની ટ્વિટને વાયરલ કરી છે. હિંદુવાદીઓએ શમી સાથે કેવો વ્યવહાર કરેલો તેના ટ્વિટ્સ પણ મૂકીને કોંગ્રેસ મુસ્લિમોને એ સમજાવવા મથી રહી છે કે, કોંગ્રેસના શાસનમાં જ મુસ્લિમો સલામત છે. તેલંગાણા અને રાજસ્થાન બંનેમાં મુસ્લિમોની વસતી નોંધપાત્ર હોવાથી આ રણનીતિ કામ કરી જશે એવો કોંગ્રેસનો દાવો છે.
બિહારને સ્પેશિયલ સ્ટેટસ મુદ્દે નીતિશની ચીમકી
લોકસભાની ચૂંટણી પહેલાં મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે નીતિશ કુમાર એક પછી એક દાવ ખેલી રહ્યા છે. તેના ભાગરૂપે હવે તેમણે બિહારને સ્પેશિયલ સ્ટેટસનો મુદ્દો ઉપાડયો છે. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, નિતીશની જ્ઞાાતિ આધારિત વસતી ગણતરીના કારણે હવામાં આવી ગયેલા નીતિશની હવા કાઢવા માટે મોદી સરકાર લોકસભાની ચૂંટણી પહેલાં આ માગ સ્વીકારી લેશે.
નીતિશે કેન્દ્ર સરકારને ચીમકી આપી છે કે, બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો નહીં મળે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. નીતિશની દલીલ છે કે, બિહારમાં લોકો ગરીબ છે અને પછાતપણું વધારે છે એ જોતાં વિશેષ રાજ્યનો દરજ્જો આપીને વધારાની સહાય આપવી જરૂરી છે. આ સહાય વિના બિહાર વિકાસ નહીં કરી શકે.
નીતિશની બિહારને સ્પેશિયલ સ્ટેટસ આપવાની માગ નવી નથી. લાંબા સમયથી નીતિશ આ માગ કરી રહ્યા છે પણ ભાજપ સાથે જોડાણ હતું ત્યારે તેમણે આ માગ બાજુ પર મૂકી દીધેલી. હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે લડવાનું છે ત્યારે સ્પેશિયલ સ્ટેટસના હથિયારનો ઉપયોગ ભાજપ સામે જ કરવાનું નક્કી કરી લીધું છે.
* * *
ઇઝરાયેલી વડાપ્રધાનને ઠાર મારો ઃ કોંગ્રેસી સાંસદ
કેરળના કાસારગોડ લોકસભા મતવિસ્તારના કોંગ્રેસી સાંસદ રાજમોહન ઉન્નિથાને પેલેસ્ટાઇનીઓના સમર્થનમાં પોતાના મતવિસ્તારમાં એક રેલીને સંબોધતા કહ્યું કે દ્વિતીય વિશ્વયુધ્ધ (૧૯૩૯-૪૪) પછી યુધ્ધના ગુનેગારો એવા નાઝીઓ સાથે ન્યાય કરવા માટે ન્યુરેમ્બર્ગ ટ્રાયલના નામે જાણીતી બનેલી કોર્ટ-ટ્રાયલમાં હકીકતમાં કેસ ચલાવ્યા વિના યુધ્ધના ગુનેગારોને ઠાર મરાયા હતા. આજે હવે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ સામે ન્યુરેમ્બર્ગ મોડેલ અપનાવવાનો સમય પાકી ગયો છે. એમના દળો ગાઝા પટ્ટી સહિતના પેલેસ્ટાઇનમાં જે રીતે નરસંહાર કરી રહ્યા છે એને ધ્યાનમાં રાખીને બેન્જામિન નેતાન્યાહૂને કેસ ચલાવ્યા વિના ઠાર કરવાનો સમય પાકી ગયો છે, એમ ઉન્નિથાને ઉમેર્યું. રાજમોહન ઉન્નિથાનના આ ઉચ્ચારણોથી રાજકીય વિવાદ ઊભો થયો છે.
બિહારને વિશેષ દરજ્જાની નીતિશની માગણી ઃ ભાજપને ગુસ્સો
બિહારી મુખ્યમંત્રી નીતિશકુમારરે જો બિહારને વિશેષ દરજ્જો આપવાની એમની માગણીને કેન્દ્ર સરકાર સંતોષે નહિ તો રાજ્યવ્યાપી ચળવળ હાથ ધરવા માટે કરેલા આહવાનના બીજા દિવસસે ભાજપ સાંસદ અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ કહ્યું કે મુખ્યમંત્રી કુમાર ૨૦૦૬થી રાજ્ય માટે વિશેષ દરજ્જાની માગણી કરતા રહ્યા છે, પરંતુ રઘુરામ રાજન સમિતિ અને ૧૪મા નાણાપંચે વિશેષ રાજ્યના દરજ્જાનો અભિગમ જ કાઢી નાખ્યો છે. કોઇપણ રાજ્ય વિશેષ દરજ્જા માટે ગમે એટલા વિરોધ-આંદોલન કરે તો પણ એને વિશેષ દરજ્જો મળશે નહિ, એમ મોદીએ ઉમેર્યું. નોંધનીય છે કે ભારત સરકારે નાણા ક્ષેત્રના સુધારા માટે રઘુરામ રાજન સમિતિની રચના કરી હતી. બિહાર વિધાનસભાના વિપક્ષી નેતા વિજયકુમાર સિંહાએ નીતિશને પડકાર ફેંક્યો કે પહેલાં રાજ્ય વિધાનસભાનું વિસર્જન કરો અને પછી રાજ્યના વિશેષ દરજ્જાની માગણી કરો.
ડીજીસીએ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો
ડીજીસીએ (ડિરેકટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન)ના વરિષ્ઠ, ડિરેકટર કક્ષાના અધિકારી અનિલ ગિલ સામે એમના આઠ વર્ષના કાર્યકાળમાં ભ્રષ્ટાચારના ત્રણવાર આક્ષેપ થયા છે. એમના દ્વારા પોતાના સત્તા-સ્થાનના કરાતા દુરૂપયોગથી ઉડ્ડયન નિયામકની પ્રક્રિયાઓની પવિત્રતા સામે મહત્ત્વપૂર્ણ પ્રશ્નો ઉઠયા છે. વર્તમાન અને પૂર્વ ત્રણ અધિકારીઓએ અખબારી મુલાકાતમાં પ્રાથમિક તપાસ અહેવાલોને ટાંકીને જે કહ્યું એ સૂચવે છે કે જો ગિલ સામેના આક્ષેપો સાચા હોય તો એનાથી ડીજીસીએના અધિકારીઓને લગતા સૌથી વધુ આઘાતજનક કેસો પૈકીનો એક કેસ પ્રકાશમાં આવશે કે જેમાં ડીજીસીએના અધિકારી લાંચ લેતા હોય, નિયમભંગને અવગણતા હોય તથા નિયમોની તોડ-મરોડ કરતા હોય.
સાયબર ફ્રોડ રિપોર્ટિંગ સિસ્ટમની નોંધપાત્ર કામગીરી
મની લોન્ડરિંગ તથા ટેરર ફાયનાન્સિંગ વિરોધી વૈશ્વિક વોચડોગ ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)એ ગઇ તા.૯ નવેમ્બરના એના રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતની યુનિક સાયબર ફ્રોડ રિપોર્ટિંગ સિસ્ટમે ૬૦૦ કરોડ રૂપિયા, ઓનલાઇન ઠગોના હાથમાં જતા અટકાવ્યા છે. વોચડોગે જણાવ્યું કે સાયબર ફ્રોડ થકી આવતા ગેરકાયદે નાણાકીય પ્રવાહને રોકવાની ભારતીય રિપોર્ટિંગ સિસ્ટમની ક્ષમતા, સભ્ય-દેશો માટે અનુકરણીય એવી સારી કામગીરીનું પરિણામ છે. એપ્રિલ, ૨૦૨૧માં સિટિઝન ફાયનાન્સિયલ ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમનો પ્રારંભ થયો ત્યારથી ઠગાઇસંબંધી નાણાને રોકાતા રહ્યા છે.
- ઇન્દર સાહની