Get The App

દિલ્હીની વાત : શું ઉત્તર પ્રદેશમાં સપા કોંગ્રેસ સાથે ચૂંટણી લડશે?

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : શું ઉત્તર પ્રદેશમાં સપા કોંગ્રેસ સાથે ચૂંટણી લડશે? 1 - image

નવીદિલ્હી : ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭ વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. બંગાળમાં ભાજપની જીત પછી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી કયા આયોજન સાથે મેદાનમાં ઉતરશે એના પર બધાની નજર છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીનો દેખાવ ખુબ સારો રહ્યો હતો. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પોતાની રણનીતિ અત્યારથી ખુલ્લી કરવા માંગતા નથી. એક નિવેદનમાં એમણે કહ્યું હતું કે અમારા વિરોધી ખુબ શક્તિશાળી છે એટલે અમારે રણનીતિ જાહેર કરવી જોઈએ નહીં. એમને જ્યારે પૂછવામાં આવ્યું કે વિધાનસભાની આવતી ચૂંટણીમાં તેઓ રાહુલ ગાંધી સાથે પ્રચાર કરતા જોવામાં આવશે કે નહીં ત્યારે તેઓએ ખુલીને જવાબ આપ્યો નહોતો. કેટલાક રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે અખિલેશ યાદવ જો કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે તો ગુમાવવાનું અખિલેશ યાદવે છે, કોંગ્રેસે નહીં. ઉત્તર પ્રદેશમાં પણ કોંગ્રેસની સ્થિતિ બંગાળ જેટલી જ નબળી હોવાનું મનાય છે. અખિલેશ યાદવ ચાલાક રાજકારણી છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાથી સપાને થયેલું નુકશાન એમને યાદ હશે જ.

તામિલનાડુમાં અમ્મા કેન્ટીન ફરીથી શરૂ

તામિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયએ અગત્યનો નિર્ણય કર્યો છે. વિજયએ સંપૂર્ણ રાજ્યમાં અમ્મા ઉનાવગમ (અમ્મા કેન્ટીન)નું આધુનિકરણ કરીને ફરીથી શરૂ કરવાનો હુકમ કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણયને કારણે સામાન્ય માણસને સસ્તુ અને પોષ્ટીક ભોજન મળતું થશે. જયલલીતા જ્યારે તામિલનાડુના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે અમ્મા કેન્ટીનની શરૂઆત કરાવી હતી. હમણા ગ્રેટર ચેન્નાઇ નગર નિગમ હેઠળ ૩૮૩ અમ્મા કેન્ટીનનું સંચાલન થાય છે. જ્યારે નગર પાલિકાઓ અને નગર નિગમો હેઠળ ૨૩૭ અમ્મા કેન્ટીન ચાલી રહી છે. મુખ્યમંત્રી પાસે ફરિયાદ આવી હતી કે આ કેન્ટીનોમાં પિરસાતા ૨૦,૦૦૦ પ્રકારના ભોજનની ગુણવત્તા યોગ્ય નથી અને સ્વાદ પણ સંતોષકારક નથી. આ ફરિયાદ પછી વિજયએ અધિકારીઓને સૂચના આપી છે કે અમ્મા કેન્ટીનનું સંચાલન ઉચ્ચ કક્ષાનું હોવું જોઈએ. એના માટે જે કોઈ સાધન ખરીદવા પડે એ ખરીદો અને લોકોને સ્વાદિષ્ટ અને ચોખ્ખુ ખાવાનું ઉપલબ્ધ કરાવો.

આઇઆરએસ નિષા ઉરાવએ ધર્માંતરણ વિરુદ્ધ મોર્ચો ખોલ્યો

ઝારખંડના આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓનું ધર્માંતરણ થતું હોવાની ફરિયાદ વ્યાપક બની છે. આ ધર્માંંતરણ વિરુદ્ધ વૈચારીક અભિયાન કેટલાક ચલાવે છે. આ અભિયાનનું નૈતૃત્વ ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (આઇઆરએસ)ના અધિકારી નિષા ઉરાવ કરી રહ્યા છે. તેઓ ગામે ગામ ફરીને આદિવાસીઓને એમની સમૃદ્ધ સંસ્કૃતિ, ગીત- સંગીત અને ગૌરવશાળી ઇતિહાસ બાબતે જાગૃત કરે છે. નિષા ઉરાવએ એક સભામાં કહ્યું હતું કે, આ મોટા વૃક્ષને જુઓ, એની મજબૂતાઈ એના મૂળિયામાં છે. જુઓ આપણે મૂળિયાઓમાં પૂજા અને વિશ્વાસરૂપિ ખોરાક અને પાણી નાખશું તો આપણો સમાજ હંમેશા હર્યોભર્યો રહેશે, પરંતુ જો વૃક્ષના મૂળમાં મીઠુ નાખવામાં આવશે તો વૃક્ષ કસમયે મરી જશે. જો કોઈ વ્યક્તિ લાલચ અથવા બીજા કોઈ કારણે ધર્મ અને વિશ્વાસ છોડી દે છે તો એ વ્યક્તિ સંસ્કૃતિના મૂળમાં મીઠુ નાખવાનું કામ કરે છે. એમણે પોતાના સમાજના લોકોને અપીલ કરી હતી કે, લોકોએ એમના પૂર્વજો, દેવી - દેવતાઓ અને લોક ગીતો કદી ભૂલવા જોઈએ નહીં.

'ડોગ બાઇટ ચિંતાનો વિષય'

સુપ્રિમ કોર્ટે રખડતા કૂતરાઓ પર મોટો નિર્ણય લીધો છે. સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો, રેલવે સ્ટેશનો અને બસ સ્ટેન્ડ જેવી સાર્વજનિક જગ્યાએથી રખડતા કૂતરાઓને હટાવવાના સુપ્રિમ કોર્ટના હુકમને બદલવા માટે ડોગ લવર્સે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રિમ કોર્ટે આ બધી અરજીઓ ફગાવી દીધી છે. સુપ્રિમ કોર્ટે ૭ નવેમ્બર ૨૦૨૫માં કૂતરાઓના પુનર્વસન અને નસબંધી માટે કરેલો હુકમ યથાવત રાખ્યો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે એનીમલ વેલફેર બોર્ડએ સુપ્રિમ કોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂર નથી. કોર્ટે ટીપ્પણી કરતા કહ્યું હતું કે હકીકત ભૂલાવી જોઈએ નહીં કે, એનીમલ બર્થ કન્ટ્રોલ (એબીસી) નિયમ ૨૦૦૧ના વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી પણ રખડતા કૂતરાઓની વધતી વસ્તી પ્રમાણે નિયમનો યોગ્ય અમલ થયો નહીં.

ચીકન નેક કોરીડોર કેન્દ્રને સોંપવાના ફાયદા

ભારતના નકસા પર આવેલો એક નાનો હિસ્સો દેશની રણનીતિ માટે જીવનરેખા બરાબર છે. આ દેશનો આ ભાગ 'ચીકન નેક' કહેવામાં આવે છે જેને સીલીગુડી કોરીડોર તરીકે પણ કેટલાક ઓળખે છે. પશ્ચિમ બંગાળની નવી બનેલી સરકારે મોટો નિર્ણય લઈને આ વિસ્તારના ૭ મહત્વપૂર્ણ હાઇવેનું નિયંત્રણ સીધુ કેન્દ્ર સરકારના હાથોમાં સોંપી દીધું છે. આ નિર્ણય ફક્ત રસ્તાઓની દેખરેખ સાથે જોડાયેલો નથી, પરંતુ એનો સીધો સંબંધ ભારતની અખંડીતા, રાષ્ટ્રીય સુરક્ષા અને ઉત્તર - પૂર્વ રાજ્યો સાથે આપણો સંપર્ક અભેદ્ય બનાવવાથી છે. આ ચાર હાઇવે પહેલા પીડબ્લ્યુડી પાસે હતા. વહીવટ અને તાલમેલના અભાવને કારણે આ રસ્તાઓનો વિકાસ લાંબા સમય સુધી અટકી રહ્યો હતો. હવે આ રસ્તાઓનું કામ ઝડપથી પૂરુ થશે.

કેજરીવાલને એમના જૂના સાથીની સલાહ

ભારતમાં વધતી પેટ્રોલ - ડિઝલની કિંમતો વચ્ચે વડાપ્રધાન મોદીએ ભાજપના નેતાઓને એમનો કાફલો નાનો કરવાની અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. મોદીની સલાહ વચ્ચે હવે આપના ભૂતપૂર્વ નેતા અને પત્રકાર આસુતોષએ આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલને ખાસ અપીલ કરી છે. આસુતોષે સોશ્યલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકીને કેજરીવાલને કહ્યું છે કે, 'હું આશા રાખુ કે અરવિંદ કેજરીવાલ હવે મેટ્રોમાં મુસાફરી કરશે. કેજરીવાલ જ્યારે મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે એક વખત મેટ્રોમાં મુસાફરી કરી હતી. હવે આપના નેતાઓ મોટી મોટી ગાડીઓમાં ફરે છે. આ મોટી ગાડીઓ પેટ્રોલ અને ડિઝલનો ભારે માત્રામાં ધૂમાડો કરે છે.' વડાપ્રધાન મોદી ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવએ પોતાનો કાફલો ઘટાડયો હતો.

યુટયુબર-વકીલને શા માટે સજા થઈ

દિલ્હી હાઇકોર્ટે યુટયુબર અને વકીલ ગુલસન પાહુજાને ન્યાયતંત્રને બદનામ કરવા માટે તેમજ ન્યાયાધીશોને ટાર્ગેટ કરતો વિડિયો બનાવવા માટે અને કોર્ટની ઓર્થોરીટી ઓછી કરવા માટે ક્રિમિનલ કન્ટેમ્પ કેસમાં છ મહિનાની જેલની સજા કરી છે. જસ્ટીસ નવીન ચાવલા અને જસ્ટીસ રિવંદર દુડેજાની ડિવિઝન બેચે નોંધ્યું હતું કે કન્ટેમ્પ કેસમાં ગુનેગાર ઠરેલા પાહુજાએ કોઈ અફસોસ કે સુધારો દેખાડયો નહોતો. કોર્ટે નોંધ્યું હતું કે સજાની સુનાવણી દરમિયાન પાહુજાએ ફરીથી ન્યાયંત્ર વિરુદ્ધ નિંદાજનક કોમેન્ટ કરી હતી. આરોપીએ એમ પણ કહ્યું હતું કે એને ભારતીય કોર્ટ પાસે ન્યાયની કોઈ અપેક્ષા નથી. વકીલે ભારતના ન્યાયતંત્રની સરખામણી સરમુખ્યારશાહી સાથે કરી હતી. બેચે કહ્યું હતું કે જો આવી વ્યક્તિને સજા નહીં મળે તો ભવિષ્યમાં આ પ્રકારના કામો ફરીથી કરી શકે એમ છે અને એમની હિંમત પણ વધી શકે.