Get The App

દિલ્હીની વાત : બંગાળની ચૂંટણીમાં ટીએમસી- ભાજપ વચ્ચે જોરદાર ટક્કર

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : બંગાળની ચૂંટણીમાં ટીએમસી- ભાજપ વચ્ચે જોરદાર ટક્કર 1 - image

નવીદિલ્હી : પશ્ચિમ બંગાળમાં છેલ્લા ૧૫ વર્ષોથી તૃણમુલ કોંગ્રેસ સત્તા પર છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અત્યાર સુધી અજય રહ્યા છે. મમતા બેનર્જી એમના આક્રમક સ્વભાવને કારણે જાણીતા છે. હવે આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં સતત ચોથી વખત જીત મેળવવા માટે મમતા બેનર્જી તમામ કોશિષ કરે છે. ટીએમસી આ વખતની ચૂંટણીમાં કલ્યાણકારી યોજનાઓને આધારે સામાજીક ગઠબંધન, મજબૂત સંગઠન અને મમતા બેનર્જીની લોકપ્રિયતા પર મદાર રાખે છે. બીજી તરફ ભાજપની આક્રમક રણનીતિ અને એસઆઇઆર અભિયાનને કારણે મમતા બેનર્જી થોડા નરવસ પણ છે. લક્ષ્મી ભંડાર, કન્યાશ્રી અને સ્વાસ્થ્ય સાથી જેવી યોજનાઓએ મહિલાઓ, ગ્રામ્ય વિસ્તાર તેમજ આર્થિક રીતે નબળા વર્ગોમાં પકડ મજબૂત બનાવી છે. બંગાળની અસ્મિતાનો મુદ્દો પણ અગત્યનો બન્યો છે. ભાજપ આ વખતે પોતાના સંગઠનની તાકાત પર આધાર રાખે છે. ભાજપે બૂથ સ્તર સુધી મેનેજમેન્ટ કર્યું છે અને એન્ટી ઇન્કમબન્સીનો ફાયદો પણ તેને મળી શકે એમ છે.

કંગનાના ટપોરીવાળા નિવેદન પર કોંગ્રેસનો વળતો પ્રહાર

હિમાચલ પ્રદેશના મંડી વિસ્તારના સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે રાહુલ ગાંધી વિશે અપમાનજનક ટીપ્પણી કરી હતી. કંગનાનું કહેવું હતું કે રાહુલ ગાંધી જે રીતે લોકસભાની બહાર ઓટલા પર બેસીને ચા - સમોસાનો નાસ્તો કરે છે એ અશોભનીય છે. જ્યારે ભાજપના કોઈ નેતા પત્રકારો સાથે વાતચીત કરતા હોય છે ત્યારે ગૃહની બહાર રાહુલ ગાંધી દોડી આવીને હો-હા કરે છે. રાહુલ ગાંધીનું વર્તન ટપોરી જેવું છે. એમણે એમના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પાસેથી કઈક શીખવું જોઈએ. પ્રિયંકા ગાંધી વાડ્રા કદી આવું છીછરૃં વર્તન કરતા નથી. રાહુલ ગાંધી આસપાસ હોય છે ત્યારે મહિલાઓને અસલામતી લાગે છે. કોંગ્રેસના નેતા રાશીદ આલ્વીએ કંગનાની આ ટીપ્પણીનો વળતો જવાબ આપ્યો હતો. એમણે કહ્યું હતું કે, આ પ્રકારનું નિવેદન કોઈ અશિક્ષિત વ્યક્તિ આપી શકે. આ પ્રકારની ભાષાનો ઉપયોગ રાજકારણમાં થતો નથી. કોણે કંગનાને કહ્યું છે કે, તે રાહુલ ગાંધીનું નિરીક્ષણ કરે. આ રાજકારણ છે. રાજકારણ અને ફિલ્મી દુનિયામાં મોટો તફાવત છે.

વિધાનસભાના ઉમેદવાર નક્કી કરવા ભાજપ ચૂંટણી સમિતિની બેઠક

આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. દરરોજ મોડી રાત સુધી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકો દિલ્હીમાં મળે છે. આ બેઠકોમાં ઉમેદવારોના નામ નક્કી થાય છે. છેલ્લે મળેલી બેઠકના પ્રમુખપદે પાર્ટી પ્રમુખ નીતિન નવીન હતા. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત સંગઠનના મહામંત્રી બી એલ સંતોષ પણ હતા. વિવિધ રાજ્યોમાંથી સંભવીત ઉમેદવારોના નામ દિલ્હી મોકલવામાં આવ્યા હતા. આ બેઠકમાં આસામ અને પુંડુચેરી સહિત ઘણા રાજ્યોના સંભવિત ઉમેદવારોના નામ બાબતે વિસ્તારથી ચર્ચા થઈ હતી. મીટીંગમાં કેન્દ્રીય મંત્રી પરમાનંદ સનવાલ અને આસામ ભાજપના પ્રમુખ દીલીપ સૈકિયા પણ હાજર રહ્યા હતા. બેઠકમાં કેરળ અને પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીના સંભવિત ઉમેદવારો વિશે પણ ચર્ચા થઈ હતી. પશ્ચિમ બંગાળના ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, સહ પ્રભારી અમિત માલવિયા અને પ્રદેશ પ્રમુખ સમીક ભટ્ટાચાર્ય પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

24 કલાકમાં દેશ છોડવા ઇરાનના અધિકારીઓને કતરનો હુકમ

ઇરાનના હુમલા વિરુદ્ધ હવે મિડલ ઇસ્ટના દેશોએ કાર્યવાહી શરૂ કરી છે. હવે કતરએ ઇરાનના સૈન્ય અને સુરક્ષા અધિકારીઓને પોતાના દેશ છોડી દેવા હુકમ કર્યો છે. આ માટે એમને ૨૪ કલાકનો સમય આપવામાં આવ્યો છે. અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં ઇરાને ખાડી દેશો પર હુમલા કર્યા હતા. સાઉદી અરબની રાજધાની રીયાદમાં મુસ્લિમ દેશોની બેઠક મળવાની છે. કતરના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, 'કતરના વિદેશ મંત્રાલયે ઇરાનની એમ્બેસીના અધિકારીઓને એક નોટ આપી છે. એમાં કહેવામાં આવ્યું છે કે, એમ્બેસીમાં કામ કરનારાઓ ઇરાનના અધિકારીઓને પર્સોના નોન ગ્રાટા જાહેર કરવામાં આવે છે. ડિપ્લોમેસીની વ્યાખ્યામાં જ્યારે કોઈ વિદેશી અધિકારીઓને રહેવાની પરવાનગી આપવાની મનાઈ કરવામાં આવે છે ત્યારે એવી વ્યક્તિઓને પર્સોના નોન ગ્રાતા કહેવામાં આવે છે.'

યુએસ રીપોર્ટમાં ફરીથી પહલગામની ચર્ચા

અમેરિકાએ એક અહેવાલમાં ચેતવણી આપી છે કે, ચીન, રશિયા, ઉત્તર કોરિયા અને ઇરાન સાથે મળીને પાકિસ્તાન માટે આધુનિક મિસાઈલ સિસ્ટમ બનાવે છે. આ મિસાઇલ સિસ્ટમ બહારના ટાર્ગેટસ પર હુમલો કરવા માટે સક્ષમ હશે. અમેરિકાના રાષ્ટ્રીય જાસુસી તંત્રના વડા તુલસી ગબાર્ડએ કહ્યું છે કે પાકિસ્તાનની આ નવી સિસ્ટમ અમેરીકા સુધી મિસાઇલ હુમલો કરી શકે એમ છે. યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટ ઇન્ટેલિજન્સ કમિટિના અહેવાલ પ્રમાણે વિવિધ દેશો સાથે મળીને પાકિસ્તાન પરમાણુ હથિયારો બાબતે પણ નવી મારક સિસ્ટમ તૈયાર કરશે. રીપોર્ટ પ્રમાણે આ તમામ દેશો પોતાના પરમાણુ હથિયારોને એડવાન્સ બનાવી રહ્યા છે. આ રીપોર્ટમાં ભારત - પાકિસ્તાન વચ્ચેના સંબંધો અને પહલગામ હુમલા પછી બંને દેશો વચ્ચે વધેલા તણાવનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

કતરના પેટ્રોલિયમ પ્લાન્ટ પર ઇરાનનો જવાબી હુમલો

દુનિયાના સૌથી મોટા નેચરલ ગેસ ફિલ્ડ સાથે જોડાયેલા ઇરાનના સાઉથ પાર્સ પર ઇઝરાયલના હુમલા પછી ઇરાને કતરના રાસલાસાન ઔદ્યોગિક ક્ષેત્રો પર હુમલો કરીને કતરને મોટુ નુકસાન પહોંચાડયું છે. કતરની સરકારી પેટ્રોલિયમ કંપનીએ બહાર પાડેલા એક નિવેદનમાં કહ્યું છે કે, ઇરાને કરેલા હુમલામાં એના મુખ્ય ગેસ પ્લાન્ટમાં આગ લાગી હતી. સાઉથ પાર્સ પરના હુમલા પછી ઇરાને ધમકી આપી છે કે ગલ્ફના અન્ય દેશો પર પણ હુમલા કરશે. એક બેલિસ્ટિક મિસાઇલનો ભંગાર રીયાદના દક્ષિણમાં આવેલી એક રીફાઇનરી પાસે પડયો હતો. ટ્રમ્પે પણ આ બાબતે એમના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં લખ્યું હતું કે, 'મધ્ય પૂર્વમાં બનેલી ઘટનાઓને કારણે ગુસ્સે ભરાયેલા ઇઝરાયલએ ઇરાનના દક્ષિણ ભાગમાં આવેલા પાર્સ ગેસ ફિલ્ડ નામના એક ઠેકાણે હુમલો કર્યો હતો. આ હુમલાને કારણે ક્ષેત્રનો એક નાનો હિસ્સો પ્રભાવીત થયો છે. અમેરિકાને આ હુમલાની કોઈ જાણકારી નથી.'

કેસીઆર પર મુખ્યમંત્રી રેડ્ડીનો આક્રમક હુમલો

તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ વિધાનસભામાં કહ્યું હતું કે, ડીઆરએસ પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવને ડિસેમ્બર ૨૦૨૩થી ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી વિરોધપક્ષના નેતા તરીકે  ૧,૦૬,૫૬,૦૦૦ નો પગાર અને ભથ્થા મળ્યા હતા. આમ છતા તેઓ વિધાનસભામાં હાજર રહેતા નથી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વિધાનસભામાં ગવર્નરના ભાષણ દરમિયાન કેસીઆરની ગેરહાજરી લોકશાહીનું અપમાન છે. તેલંગાણાના ચાર કરોડ લોકોની ઇચ્છા હતી કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવા ગવર્નરના ભાષણમાં એમણે શુભકામના આપવા ઉપસ્થિત રહેશે. રેવંત રેડ્ડીએ વિધાનસભામાં કહ્યું હતું કે, 'વિરોધપક્ષના નેતાએ સતત પોતાની જવાબદારીઓથી દુર રહેવા માટે કોઈ ઉપાય કરવાની જરૂર છે. કોઈપણ સરકારી હોદ્દા પર બેઠેલી વ્યક્તિએ કામ કર્યાવગર પગાર લેવો જોઈએ નહીં.'