નવીદિલ્હી : એપ્રિલની ૮ અને ૯ તારીખે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટી (એઆઇસીસી)નું મહાઅધિવેશન અમદાવાદ ખાતે મળી રહ્યું છે. આ અધિવેશન પહેલા તૈયારી રૂપે દિલ્હીમાં કોંગ્રેસના મહામંત્રીઓ મળ્યા હતા. આ બેઠકમાં એવું નક્કી થયું હતું કે, મહાઅધિવેશન પહેલા કોંગ્રેસના તમામ જિલ્લા પ્રમુખોને દિલ્હી બોલાવવામાં આવશે. લગભગ ૧૬ વર્ષ પછી આટલા મોટા પાયે કોંગ્રેસે તૈયારી કરી છે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશના કહેવા પ્રમાણે કોંગ્રેસ પક્ષમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર છે. આ ફેરફારો બાબતે કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. રાજકીય સુત્રો કહી રહ્યા છે કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનું ફોક્સ હવે ગુજરાત પર છે. તેઓ કોંગ્રેસને ગુજરાતમાં ફરીથી જીવંત કરવા માંગે છે અને એ માટે શું કરવું જોઈએ એના સૂચનો બીજા નેતાઓ પાસેથી પણ મંગાવવામાં આવ્યા છે.
જિલ્લા ન્યાયાધિશને જામીન આપવા બોમ્બે હાઈકોર્ટનો ઇન્કાર
બોમ્બે હાઈકોર્ટે એક જિલ્લા ન્યાયાધિશને આગોતરા જામીન આપવાનો ઇન્કાર કરી દીધો છે. આ ન્યાયાધિશ સામે લાંચ માગવાનો ગુનો નોંધાયો હતો. હાઇકોર્ટના ન્યાયાધિશ એન આર બોરકરની બેન્ચે આ કેસની સુનાવણી ચેમ્બરમાં કરી હતી. અરજી ફગાવી દેતા બેન્ચે ટીપ્પણી કરી હતી કે, આરોપી કોઈ રાહતને પાત્ર નથી. મહારાષ્ટ્ર ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી)એ છેતરપીંડીના એક કેસમાં જામીન આપવા માટે પાંચ લાખ રૂપિયાની લાંચ માગનાર સતારા જિલ્લાના ન્યાયાધિશ ધનંજય નીકમ સામે કેસ દાખલ કર્યો હતો. નીકમ આગોતરા જામીન માટે હાઇકોર્ટ ગયા હતા અને હાઇકોર્ટને જણાવ્યું હતું કે તેઓ નિર્દોષ છે અને કેસમાં તેમને ફસાવવામાં આવ્યા છે. એક મહિલાએ જિલ્લા ન્યાયાધિશ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી હતી.
સુપ્રીમના જજોની મણિપુર મુલાકાત બાબતે મોદી પર કોંગ્રેસના પ્રહાર
સુપ્રીમ કોર્ટના છ જજો અશાંત રાજ્ય મણિપુરની મુલાકાતે જવાના છે. કોંગ્રેસે ન્યાયાધિશોના આ નિર્ણયને વધાવી લીધો છે. જોકે વડાપ્રધાન મોદી હજી સુધી મણિપુરની મુલાકાતે નથી ગયા એ બાબતે કોંગ્રેસે મોદી પર પ્રહાર કર્યા છે. સુપ્રિમ કોર્ટના જસ્ટીસ બી આર ગવઈ અને બીજા પાંચ ન્યાયાધિશો મણિપુરની રાહત શિબિરોની મુલાકાત લેવાના છે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશનું કહેવું છે કે, ૨૦૨૩ના ઓગસ્ટ મહિનામાં જ સુપ્રિમ કોર્ટે મણિપુરની સ્થિતિ અતિ ગંભીર બતાવી હતી. મણિપુર મામલે મોદી મોઢા પર તાળુ લગાવીને બેઠા છે એની ટીકા પણ રમેશે કરી હતી. જયરામ રમેશનું કહેવું છે કે, નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસે અને આસામ જેવા રાજ્યોની મુલાકાત લે છે ત્યારે મણિપુર શા માટે નથી જતા.
કર્ણાટક ભાજપના ધારાસભ્ય સામે કેસ દાખલ
કન્નડ અભિનેત્રી અને સોનાની દાણચોર રાન્યા રાવ પર અશ્લિલ ટીપ્પણી કરવા માટે ભાજપના ધારાસભ્ય બંસઘોડા પાટીલ યતનાલ સામે હાઇગ્રાઉન્ડ્સ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. બીજાપુર શહેરના ભાજપના ધારાસભ્ય બસંઘ ઘોડાએ રાજ્ય સરકારની ટીકા કરતા કહ્યું હતું કે રાન્યા રાવે આખા શરીર પર સોનું લપેટયુ હતું. આ ટીપ્પણી સાથે એમણે રાન્યા રાવના શરીરના કેટલાક અંગો બાબતે પણ અભદ્ર ટીપ્પણી કરી હતી. રાન્યા રાવ સાથે કોંગ્રેસના કેટલાક મંત્રીઓ પણ સંડોવાયેલા હોવાનો આક્ષેપ ધારાસભ્યએ કર્યો હતો. રાન્યા રાવ જે રીતે દુબઈથી સોનુ લાવતી હતી એની તપાસ સીબીઆઇ કરે છે. ડીઆરઆઇના સૂચન પછી તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી કુમારસ્વામીના ફાર્મહાઉસ પર બુલડોઝર ચાલ્યું
કેન્દ્રીય મંત્રી એચ ડી કુમારસ્વામીના ફાર્મહાઉસ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. કર્ણાટક હાઇકોર્ટના ચુકાદા પછી રામનગર જિલ્લામાં આવેલા મંત્રીના ફાર્મહાઉસ પર કરવામાં આવેલું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. આ બાબતે કુમારસ્વામી લાજવાને બદલે ગાજ્યા છે. એમણે એવી ડંફાસ મારી છે કે તેઓ કોંગ્રેસ સરકારને કોર્ટમાં લઈ જશે. પોતે જિંદગીમાં કોઈ ખોટુ કામ કર્યું ન હોવાની બડાશ પણ એમણે મારી હતી. એમનું કહેવું છે કે, ફાર્મહાઉસની જમીન એમણે ૪૦ વર્ષ પહેલા ખરીદી હતી. પોતે બે વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે આ કેસમાં કુમારસ્વામી બરાબર ફસાયા છે.
તેજસ્વી યાદવનો લેટરબોમ્બ, ગીરીરાજસિંહ બેકફુટ પર
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આરજેડી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે મોટો ધડાકો કર્યો છે. તેજસ્વીએ કરેલા ધડાકાને કારણે કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહે બેકફુટ પર જવું પડયું છે. બિહાર વિધાનસભામાં વિરોધપક્ષના નેતા તેજસ્વી યાદવે, કેન્દ્ર સરકારનો એક પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. આ પત્ર લગભગ એક વર્ષ પહેલા લખવામાં આવ્યો હતો. બિહારના બેગુસરાઈ ખાતે આરજેડીના તત્કાલીન પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પ્રયાસને કારણે શરૂ થયેલા મક્કા અનુસંધાન કેન્દ્રને મંત્રી શિવરાજસિંહ ચૌહાણના હુકમથી કર્ણાટક શિફ્ટ કરવામાં આવવાનો ઉલ્લેખ પત્રમાં હતો. ગીરીરાજસિંહ બેગુસરાઈથી સાંસદ ચૂંટાયા છે. ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે, શિવરાજસિંહ ચૌહાણનો હુકમ રદ કરવામાં આવ્યો છે. જોકે આમ છતાં ગીરીરાજસિંહ કોઈ ખુલાસો આપી શક્યા નહોતા.
આરજીકર કેસની ફેર તપાસની અરજી હાઈકોર્ટમાં કરો : સુપ્રીમ
કલકત્તાના બહુ ચકચારી બળાત્કાર અને હત્યા કેસની ફેરતપાસ કરવા માટે પીડિતાના પિતાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આરજીકર કેસ બાબત સાથે સંકળાયેલી આ અરજી ફગાવી દીધી છે. પીડિતાના કુટુંબીઓની અરજ હતી કે આરજીકર મેડિકલ કોલેજના કિસ્સામાં સીબીઆઇએ કરેલી તપાસ યોગ્ય ન હોવાથી સમગ્ર કેસની ફેર તપાસ કરવામાં આવે. અરજીની સુનાવણી કરનાર ન્યાયાધિશ સી જે આઇ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું હતું કે, અરજીકરતા કલકત્તા હાઇકોર્ટમાં આ અરજી દાખલ કરી શકે છે. આરજીકર કેસનો ચુકાદો આવી ગયા પછી પણ હજી વિવાદ શાંત થયો નથી અને પીડિતાના કુટુંબીઓને લાગી રહ્યું છે કે એમને ન્યાય મળ્યો નથી.
દિલ્હીની આઠ ટકા મહિલાઓ માટે ફ્રી બસ સેવા ઉપયોગી નીવડી
વર્લ્ડ રિસોર્સ ઈન્સ્ટિટયૂટના એક સેમ્પલ સર્વેમાં જણાયું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ શરૂ કરેલી ફ્રી બસ સર્વિસના કારણે કેટલીય મહિલાઓને નવી નોકરી મળી, અથવા તો તેમને નોકરી શરૂ રાખવામાં આ સર્વિસ ઉપયોગી થઈ પડી. સર્વેમાંથી આઠ ટકા મહિલાઓએ સ્વીકાર્યું કે ફ્રી બસ સર્વિસના કારણે નોકરી કરવાનું સરળ બન્યું ને નવી નોકરીની તક પણ એ કારણે સર્જી શકાઈ. આ બચતના કારણે તેમનું જીવન ધોરણ બહેતર બન્યું અને પરિવારને મદદરૂપ બની શકાયું. ખાસ તો ખૂબ ઓછી આવક ધરાવતા પરિવારની યુવતીઓ-મહિલાઓએ આ ફ્રી બસ સર્વિસનો લાભ ભણવા માટે કે નોકરી માટે કર્યો હતો. આમ આદમી પાર્ટીએ આ સર્વેના આધારે પોતાની સરકારની ઉપલબ્ધિની ક્રેડિટ લીધી હતી અને મહિલાઓ માટે આપની સરકાર બહુ જ ઉપયોગી હતી એવો દાવો કરીને ભાજપ પર કટાક્ષ કર્યો હતો કે ભાજપે મહિલાઓને કરેલા વાયદાઓ હજુ પૂરા કર્યા નથી.
કનૈયા કુમારની પદયાત્રાથી કોંગ્રેસના નેતાઓનું સલામત અંતર
કનૈયા કુમાર વિદ્યાર્થી નેતામાંથી કોંગ્રેસના યુવા નેતા બન્યા છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખની જવાબદારી અત્યારે કનૈયા કુમારને સોંપવામાં આવી છે. કનૈયા કુમાર એનએસયુએઆઈના ઈનચાર્જ છે. રાહુલ ગાંધીને કનૈયા કુમાર પર ભરોસો છે, પરંતુ કોંગ્રેસના ઘણાં નેતાઓને કનૈયા કુમારનું વલણ પસંદ નથી. સિનિયર નેતાઓને કનૈયા કુમાર ઓવરસ્માર્ટ લાગે છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીએ કનૈયા કુમારને બિહારમાં સરકારી ભરતી અને વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવીને પદયાત્રા કરવાનું કામ સોંપ્યું છે. કોંગ્રેસ કનૈયાને પોસ્ટર બોય બનાવે તે બિહારના સિનિયર નેતાઓને ખૂંચે છે. કનૈયા કુમારે પલાયન રોકો, નોકરી દો નામથી જે પદયાત્રા શરૂ કરી છે એમાં બિહાર કોંગ્રેસના એકેય મોટા નેતાએ હાજરી આપી નથી. કોંગ્રેસના નેતાઓ આ પદયાત્રાથી સલામત અંતર રાખે છે એની ચર્ચા છે.
કેરળમાં હિન્દી ભાષાના શિક્ષણ સામે તમિલનાડુ જેટલો વિરોધ નથી
દક્ષિણના રાજ્યોમાં તમિલનાડુ એક એવું રાજ્ય છે, જ્યાં હિન્દી સામે દાયકાઓથી વિરોધ છે. ૧૯૬૨ પછી જ્યારે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે દેશભરમાં માન્યતા મળવાની હતી ત્યારે સૌથી વધુ વિરોધ તમિલનાડુમાં જ થયો હતો. અત્યારે ત્રણ ભાષાના શિક્ષણ મોડલની સામે સૌથી વધુ તમિલનાડુમાં જ વિરોધનો સૂર ઉઠયો છે. એની સરખામણીમાં દક્ષિણના અન્ય રાજ્યોમાં એટલો વિરોધ નથી. ખાસ તો ઘણાં સમયથી જ્યાં ડાબેરી પક્ષની સત્તા છે એ કેરળમાં પણ હિન્દીનો એવો વિરોધ નથી. રાજ્યના શિક્ષણ મંત્રી આર. બિન્દુએ કહ્યું હતું કે કેરળ હંમેશા ત્રણ ભાષાની પૉલિસીને સમર્થન કરે છે. ઐતિહાસિક રીતે પણ કેરળમાં હિન્દી સમર્થનના ઉલ્લેખો છે, પરંતુ રાજ્યમાં હિન્દી થોપવામાં આવવી ન જોઈએ. એક વ્યવસ્થિત પ્રોસેસના ભાગરૂપે અન્ય ભાષાઓની જેમ એની જગ્યા થવી જોઈએ.
- ઈન્દર સાહની


