નવીદિલ્હી: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક મહત્વની ગણાય છે. આ વખતે નંદીગ્રામમાં ઉત્તેજના કરતા શાંતિ વધારે છે. ક્યારેક સામ્યવાદી શાસનના મૂળિયા ઉખેડનાર આ રણક્ષેત્ર હવે એકાએક શાંત થઈ ગયું છે. છેલ્લી ચૂંટણીમાં મમતા વિરુદ્ધ શુભેંદુનો હાઇપ્રોફાઇલ સંઘર્ષ આ બેઠક પરથી જોવા મળ્યો હતો. આ વખતે મમતા અને બીજા કોઈપણ સિનિયર નેતાઓ અહીં જોવા મળતા નથી. શુભેંદુ સામે એમના જ એક માણસને ઉભો રાખીને કોંગ્રેસે જુગાર રમ્યો છે. જોકે શુભેંદુનું પલડુ ભારે લાગે છે. ૨૦૨૪ લોકસભાની ચૂંટણીના આંકડા પ્રમાણે અહીંથી ભાજપને ૬ હજાર મતની લીડ મળી હતી. અહીં ભાજપનું પ્રભુત્વ છે. તામલુક સંસદીય ક્ષેત્રની સાત બેઠકોમાંની એક નંદીગ્રામ છે. અહીં તૃણમુલ કોંગ્રેસે પણ હિન્દુ મત મેળવવા માટે કટ્ટરવાદી હિન્દુને ટિકિટ આપી છે.
સ્માર્ટ ફોન પર આધારને ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ સરકારે પાછો લીધો
કેન્દ્ર સરકારે સ્માર્ટ ફોન પર રાષ્ટ્રીય આઇડીએફ આધારને પહેલેથી ઇન્સ્ટોલ કરવાનો પ્રસ્તાવ પાછો લીધો છે. એપલ, સેમસંગ, ગુગલ જેવી કંપનીઓએ આ બાબતે વિરોધ કર્યો હતો. સુરક્ષા સંબંધે એમની ચિંતા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુઆઇડીએઆઇએ આ વર્ષે જાન્યુઆરીમાં સ્માર્ટ ફોન ઉત્પાદકોને સલાહ આપી હતી કે નવા ફોનોમાં આધાર એપ્લીકેશન પહેલેથી જ ઇન્સ્ટોલ કરવામાં આવે. કારણ એ આપવામાં આવ્યું હતું કે આના લીધે નાગરીકો માટે સરકારની સેવાઓ સરળ બનશે. આધાર ૧૨ આંકડાનો ઓળખ નંબર છે. આ નંબર કોઈ વ્યક્તિના ફિંગરપ્રિન્ટ કે આઇરીસ સ્કેન સાથે જોડાયેલો હોય છે. આધાર નંબર આશરે ૧.૩૩ અરબ લોકો પાસે છે. આ નંબરનો ઉપયોગ બેંકીંગ અને ટેલીકોમ સેવા ઉપરાંત એરપોર્ટ પર પ્રવેશ મેળવવા માટે પણ જરૂરી હોય છે.
પશ્ચિમ બંગાળમાં લોટરી વિરુદ્ધ વાતાવરણ
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અલીપુરદ્વાર જિલ્લાના ફાલાકાંટા વિસ્તારમાં લોટરી સિસ્ટમ વિરુદ્ધ લોકોનો ગુસ્સો ફાટયો છે. અહીંના લોકો હવે જાહેરમાં લોટરી સિસ્ટમ બંધ કરવાની માંગણી કરી રહ્યા છે. એમનું કહેવું છે કે લોટરીને કારણે ગરીબ લોકો બરબાદ થઈ રહ્યા છે. લોટરીનું વ્યસન ગરીબને વધુ ગરીબ કરે છે. ફાલાકાંટા વિસ્તારમાં રહેનારા ઘણા લોકોએ કહ્યું હતું કે લોટરીથી એમને કોઈ ફાયદો થયો નથી, પરંતુ નુકસાન જ થયું છે. એમનું કહેવું છે કે તેઓ દરરોજ ૮૦૦-૯૦૦ રૂપિયાની ટિકિટ વેચે છે, પરંતુ કમાણી થતી નથી. જો કોઈને ઇનામ લાગે તો થોડો ફાયદો થાય છે, પરંતુ કોઈ વળતર મળતું નથી. લોટરીના કામમાં મોટે ભાગે ગરીબ અને બેરોજગારો જોવા મળે છે. લોટરી વેચનારાઓ ઉપરાંત લોટરી ખરીદનારાઓ પણ બરબાદ થઈ રહ્યા છે. લોટરીનો સૌથી મોટો ગ્રાહક દુકાનદાર બની જાય છે. કારણ કે એની ટિકિટ નહીં વેચાય તો એણે ટિકિટ ખરીદવી પડે છે.
કેદીઓ માટે હવે માસ્ટર કલાસ
દેશની જેલોમાં કેદ કેદીઓને શિક્ષણ તેમજ આત્મવિકાસ સાથે જોડવા માટે 'તીનકા જેલ પાઠશાલા' નામના કાર્યક્રમની શરૂઆત થઈ છે. આ યોજના હેઠળ કેદીઓને રેકોર્ડ કરવામાં આવેલા માસ્ટર કલાસ આપવામાં આવશે. યોગ્ય માધ્યમ દ્વારા હિન્દી અને અંગ્રેજી ભાષામાં આ માસ્ટર કલાસનો ઉપયોગ કેદીઓ કરી શકશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ઇન્ડિયા હેબીટેટ સેન્ટરના પ્રોફેસર કેજી સુરેશએ કર્યું હતું. એમના કહેવા પ્રમાણે જેલનો ઉદ્દેશ ફક્ત સજા આપવાનો નહીં, પરંતુ કેદીઓની સુધારણા માટે પણ હોવો જોઈએ. કેદીઓને સમાજની મુખ્ય ધારાથી જોડવા માટે આ પ્રકારના શિક્ષા અભિયાન જરૂરી છે. વિવિધ જેલોમાં પહેલાથી ચાલી રહેલા કાર્યક્રમો બીબાઢાળ બની ગયા છે ત્યારે હવે વધુ વ્યવહારીક અને જરૂરી કલાસનો ઉપયોગ કેદીઓ કરી શકશે.
દિલ્હીના ઉપરાજ્યપાલે એમસીડીના અધિકારીઓનો કલાસ લીધો
દિલ્હીના ઉપરાજ્યપાલ તરણજીત સિંહ સંધુ દિલ્હીની સફાઇ કામગીરીથી ખુશ નથી. ગંદકી ઉપરાંત અતિક્રમણ તેમજ પાર્કિંગ બાબતે પણ તેઓ નારાજ છે. ઉપરાજ્યપાલે હવે કડક થવાનું નક્કી કર્યું છે. એમણે એમસીડીના સિનિયર અધિકારીઓ સાથે બેઠક કરી હતી. એમણે કડક શબ્દોમાં કહ્યું હતું કે નક્કી કરેલી સમય મર્યાદામાં કામ પુરૂ કરો. કામમાં મોડુ થશે એ ચલાવી લેવામાં નહીં આવે. લોકોને સારી સેવા મળવી જોઈએ. એમસીડીમાં જે લાલિયાવાડી ચાલી રહી છે એની માહિતી પણ એમણે મેળવી હતી. લોકો એમસીડીની કામગીરીથી સખત નારાજ છે. દિલ્હી કેપીટલ સીટી હોવાને કારણે એને વિશ્વસ્તરનું બનાવવાની જવાબદારી એમસીડીની છે.
દિલ્હીમાં ગરીબોમાં વધતી નશાની આદત
દિલ્હીના દ્વારકા જિલ્લા એન્ટી નાર્કોટિક્સ સેલએ મજૂરો, ફેરિયાઓ, ઇ-રીક્ષા ચાલકોને હેરોઇન સપ્લાયર કરનાર મહિલા સ્મગલર તેમજ એક સપ્લાયરની ધરપકડ કરી છે. મહિલા દાણચોરની ઓળખ પૂજા અને સપ્લાયરની ઓળખ નદીમ તરીકે થઈ છે. નદીમ ૨૦૨૫ના ડિસેમ્બર મહિનામાં જેલમાંથી બહાર નીકળ્યો હતો. પૂજાનો પતિ લૂંટના કેસમાં જેલમાં છે. દિલ્હીમાં જોવા મળી રહ્યું છે કે ગરીબ રીક્ષાવાળા, કુલીઓ અને ફેરી ફરવાવાળાઓમાં હેરોઇનની લત વધી રહી છે. ડ્રગ વેચનારને પોલીસ પકડે છે, પરંતુ નશો કરનારાઓ ગમે ત્યાંથી નશાનો પદાર્થ મેળવી લેતા હોય છે. દિલ્હીની વસ્તી જે રીતે વધી રહી છે એ જોતા ડ્રગ્સ વિરુદ્ધ કામ કરી શકે એવા વધુ એનજીઓની દિલ્હીમાં જરૂર છે. બંધાણીઓને બંધાણમુક્ત કરનાર સંસ્થાઓની કમી પણ દિલ્હીમાં દેખાઈ રહી છે.
સમ્રાટ ચૌધરીએ ગમછો સ્વીકાર્યો, ટોપીનો ઇન્કાર કર્ર્યો
ભાજપએ સમ્રાટ ચૌધરીને બિહારના મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા ત્યારે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ હતી કે, ભાજપને હવે સંઘની વિચારધારાના મુખ્યમંત્રી કરતા બિનસંઘી મુખ્યમંત્રી વધુ પસંદ આવે છે. આ ટીકાકારોને જવાબ આપતા હોય એમ સમ્રાટ ચૌધરીએ એક કાર્યક્રમમાં મુસ્લિમ કાર્યકરે આપેલી ટોપી પહેરવાનો ઇન્કાર કર્યો હતો. જોકે આ કાર્યકરે આપેલો ગમછો એમણે સ્વિકારી લીધો હતો.
સમ્રાટ ચૌધરી એમની ઇમેજ સુધારવા માંગે છે અને જાળીવાળી ટોપી પહેરવાનો ઇન્કાર કરીને તેઓ બિનસંઘી હોવાની ઇમેજ નાબુદ કરવા માંગતા હતા. આ પહેલા નીતિશકુમારે પણ જાહેર કાર્યક્રમમાં ટોપી પહેરવાનો ઇન્કાર કર્યો હતો. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સદભાવના કાર્યક્રમમાં એમણે પણ મુસ્લીમ કાર્યકરે આપેલી ટોપી સ્વીકારી નહોતી.


