Get The App

દિલ્હીની વાત : રોબર્ટ વાડ્રાની મુશ્કેલી વધી, સંજય ભંડારી કેસ સંદર્ભે પૂછપરછ થશે

Updated: Apr 20th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : રોબર્ટ વાડ્રાની મુશ્કેલી વધી, સંજય ભંડારી કેસ સંદર્ભે પૂછપરછ થશે 1 - image

નવીદિલ્હી : ગુરુગ્રામ જમીન વેચાણ બાબતે રોબર્ટ વાડ્રાની મુશ્કેલી વધી શકે છે. ઇડીના સૂત્રોના કહેવા પ્રમાણે વાડ્રાની પૂછપરછ હમણા પૂરતી તો પુરી થઈ ગઈ છે. જોકે વધારાના સાક્ષીઓ અને બીજા પૂરાવા ભેગા કરવાની તૈયારી થઈ રહી છે. 

આ ઉપરાંત ઇડી હથિયાર ડીલર સંજય ભંડારી સાથે રોબર્ટ વાડ્રાના સંબંધોના પુરાવા ભેગા કરી રહી છે. ત્રણ દિવસ સુધી વાડ્રાની પૂછપરછ કરનાર ઇડીના અધિકારીઓ કહે છે કે હજી તપાસ પુરી થઈ નથી. આવનાર દિવસોમાં બીજી વ્યક્તિઓને પણ નિવેદન માટે બોલાવવામાં આવશે. જો સાક્ષીઓના નિવેદનથી લાગશે કે વાડ્રાને ફરીથી બોલાવવા પડશે તો એમને સમન્સ મોકલવામાં આવશે. જમીનના કેસ ઉપરાંત વાડ્રાના કેટલાક આર્થિક વ્યવહારો બાબતે પણ ઇડી તપાસ કરી રહી છે.

ઉત્તર પ્રદેશ કેડરના બાબુઓની મોટા પાયે બદલી

કેન્દ્ર સરકારે ૧૯૯૫ બેન્ચના યુપી કેડરના આઇએએસ અધિકારી ભુવનેશકુમારને યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ)ના મુખ્ય વડા તરીકે નિમ્યા છે. તેઓ અત્યાર સુધી આઇટી મિનિસ્ટ્રીમાં એડીશનલ સેક્રેટરી તરીકે હતા. બિહાર કેડરના સિનિયર આઇએએસ અધિકારી કેશવકુમાર પાઠકને કેબિનેટ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે નિમવામાં આવ્યા છે. ૧૯૯૦ બેન્ચના આઇએએસ અધિકારી પાઠક હમણા બિહાર રેવન્યુ બોર્ડના અધ્યક્ષ છે. આ સિવાય ૧૯૯૭ બેન્ચના આઇઆરએએસ અધિકારી અમિતેશકુમાર સિંહાને ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે નિમવામાં આવ્યા છે. નાગાલેન્ડ કેડરના ૧૯૯૫ બેન્ચના આઇએએસ અધિકારી અભિષેક સિંહને એનઆઇસીના ડિરેક્ટર જનરલ તરીકે નિમવામાં આવ્યા છે.

'મને લકવો નહીં બેલ્સપાલસી છે' : ધનંજય મુંડે

મહારાષ્ટ્રના કરાડ જિલ્લાના સરપંચની વિવાદાસ્પદ હત્યાને કારણે એનસીપી (અજીત પવાર)ના સિનિયર નેતા ધનંજય મુંડેએ પ્રધાનપદેથી રાજીનામું આપવું પડયું હતું. હવે મુંડેની બિમારી બાબતે પણ વિવાદ થયો છે. મુંડેએ સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'કેટલીક ન્યૂઝ ચેનલો પર એવા સમાચાર આવી રહ્યા છે કે મને લકવો થઈ ગયો છે. અમારા સાથી સહકાર મંત્રી બાબા સાહેબ પાટીલના નિવેદનને કારણે આ ગેરસમજ થઈ છે. મને દોઢ મહિના પહેલા બેલ્સપાલસીની બિમારી હોવાની ખબર પડી હતી. આ બિમારીને કારણે હું બોલી શકતો નથી. મને બેલ્સપાલસી સિવાય બીજી કેટલીક બિમારીઓ પણ છે. જોકે મને લકવો થયો નથી.' મહારાષ્ટ્રમાં ચર્ચાય રહ્યું છે કે મુંડેના સાથી પ્રધાને જ એમની બિમારી બાબતે ફેલાવેલી ખોટી ખબર પાછળ શું કારણ હોય શકે.

મમતાની ઇચ્છા વગર રાજ્યપાલ મુર્શિદાબાદના પીડિતોને મળ્યા

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમા થયેલી હિંસા મામલે દેશભરમાં ચર્ચા થઈ રહી છે. મુર્શિદાબાદના પીડિતો શરણાર્થી તરીકે આસપાસના વિસ્તારોમાં પહોંચી ગયા છે. માલદા જિલ્લાના વૈષ્ણવનગર ખાતે આવેલી પરલાલપુર સ્કૂલની રાહત છાવણીમાં બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ પીડિતોની મુલાકાતે ગયા હતા. રાજ્યપાલની સાથે નેશનલ હ્યુમન રાઇટ કમિશન અને રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમના સભ્યો પણ ત્યાં પહોંચ્યા હતા. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યપાલ વચ્ચે બારમો ચંદ્રમા છે. પીડિતોની મુલાકાતે નહીં જવા માટે મમતા બેનર્જીએ રાજ્યપાલને વિનંતી કરી હતી. તૃણમુલ કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે બગડેલી સ્થિતિને વધુ ખરાબ કરવા માટે રાજ્યપાલ પીડિતોને મળ્યા છે.

વિવાદ વચ્ચે અરવિંદ કેજરીવાલ સસરા બન્યા

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુત્રી હસતાના લગ્ન થઈ ગયા છે. લગ્નનો કાર્યક્રમ કપુરઠલા હાઉસમાં રાખવામાં આવ્યો હતો. સંગીતનો કાર્યક્રમ દિલ્હીની લક્ઝુરિયસ ફાઇવસ્ટાર હોટલ શાંગ્રીલામાં રાખવામાં આવ્યો હતો. અરવિંદ કેજરીવાલે કરેલા ભપકાની ટીકા ભાજપના કેટલાક નેતાઓએ કરી હતી. ૨૯ વર્ષની હર્સિતાએ દિલ્હીની આઇઆઇટીમાં અભ્યાસ કર્યો છે. આપના નેતાઓનું કહેવું છે કે કેજરીવાલના શુભ પ્રસંગે પણ ભાજપ રાજકારણ રમે છે એ દુઃખદ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી અરવિંદ કેજરીવાલ પર્દા પાછળ રહેવાનું પસંદ કરે છે એની નવાઈ પણ રાજકીય નીરિક્ષકોને લાગી રહી છે.

ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મેળવવા રાજ ઠાકરે તૈયાર

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ ફિલ્મ દિગ્દર્શક અને અભિનેતા મહેશ માંજરેકરને એક યુ-ટયુબ ચેનલ માટે મુલાકાત આપી હતી. આ મુલાકાત દરમિયાન માંજરેકરે ઠાકરેને પૂછયું હતું કે શું તેઓ ભવિષ્યમાં ઉદ્ધવ ઠાકરે સાથે ગઠબંધન કરી શકે છે? આ સવાલનો જવાબ આપતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે 'કોઈ પણ મોટી વાત સામે અમારા વિવાદ કે ઝગડા બહુ નાના છે. મહારાષ્ટ્ર ખૂબ મોટુ છે. મહારાષ્ટ્રના અસ્તિતત્વ અને મરાઠી લોકોના અસ્તિતત્વ સામે આમારા ઝગડા અને વિવાદ બહુ મામુલી છે. મને નથી લાગતું કે, અમારી બંને વચ્ચે ફરીથી સુમેળ થઈ જાય એમાં કોઈ મુશ્કેલી છે. સવાલ ફક્ત ઇચ્છાનો છે. અમારે દ્રષ્ટિ વિશાળ રાખવી જોઈએ. મારી દ્રષ્ટિ વિશાળ છે. હું તો ઇચ્છું છું કે મહારાષ્ટ્રના તમામ રાજકીય પક્ષોના મરાઠી લોકો એક સાથે આવીને એક પક્ષ બનાવે.'

હવે ઝડપથી કાર ચલાવવા માટે કડક સજા થશે

બેફામ ઝડપે ચલાવવામાં આવતી કારોને કારણે દેશમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે હવે આ બાબતે કડક થવાનું નક્કી કર્યું છે. હવે વાહનની ગતિ માપવા માટે અત્યાધુનિક રડાર સિસ્ટમનો ઉપયોગ થશે. આ બાબતે જુલાઈથી નવા નિયમો પણ બનાવવામાં આવશે. રસ્તા પર વાહનોની સ્પીડ માપવા માટે 'માઇક્રોવેવ ડોપલર રડાર ઉપકરણ'નો ઉપયોગ વધારવામાં આવશે. સ્પીડ માપવાના યંત્રોનું પણ પરીક્ષણ કરવામાં આવશે. ઓવર સ્પિડીંગ કરનાર કાર ચાલક પાસે એવું બહાનું રહેશે નહીં કે, સ્પીડ માપનાર સાધન ખામિયુક્ત હતું. ઓવર સ્પિડીંગ કરનારને સજા રૂપે આર્થિક દંડ ઉપરાંત લાયસન્સ રદ કરવા જેવા પગલા પણ લેવાશે.

મસ્ક-ટ્રમ્પની મદદથી મહત્વાકાંક્ષી મેલોની યુરોપની સૌથી શક્તિશાળી મહિલા બનશે

ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીની રાજકીય કરિયર એક રોલર કોસ્ટર રાઈડ જેવી છે. એક સામાન્ય કાર્યકરમાંથી મેલોની ઈટાલીના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવા સુધી પહોંચ્યા છે. તેમને દેશમાં સફળતા મળી એ પછી ગયા વર્ષે યુરોપિયન સંઘની ચૂંટણીમાં પણ તેમની પાર્ટીનો દબદબો વધ્યો છે. મેલોનીના તાજેતરમાં ટ્રમ્પે ખૂબ વખાણ કર્યા અને તેમને અમેઝિંગ વિમેન ગણાવ્યા. ટ્રમ્પે કહ્યું, આઈ લવ હર! વળી, મસ્ક-મેલોનીની દોસ્તી ખૂબ ચર્ચામાં રહે છે. મહત્ત્વાકાંક્ષી મેલોની ટ્રમ્પ-મસ્કની મદદથી યુરોપની સૌથી શક્તિશાળી મહિલા નેતાના રૂપમાં ઉભરી રહ્યા છે. આગામી સમયમાં યુરોપિયન સંઘમાં પણ તેમનો દબદબો વધશે. અત્યાર સુધી યુરોપિયન સંઘમાં જર્મની અને ફ્રાન્સનો દબદબો રહેતો આવે છે. હવે સમીકરણો ઝડપભેર બદલાઈ રહ્યા છે.

બિહારમાં કોંગ્રેસનો 80 બેઠકોનો દાવો, આરજેડીની ૧૬૦ની ડિમાન્ડ

બિહાર વિધાનસભાની ચૂંટણી તો દિવાળી આસપાસ થવાની છે, પરંતુ બંને ગઠબંધનમાં અત્યારથી તેની તૈયારી શરૂ થઈ ચૂકી છે. બિહારમાં ઈન્ડિયા ગઠબંધનની એક બેઠક યોજાઈ ચૂકી છે. હવે બીજી બેઠક આવતા સપ્તાહે મળશે. તે પહેલાં હવે સીટ શેટિંગ ફોર્મુલા પર કામ ચાલી રહ્યું છે. ૨૦૨૦માં કોંગ્રેસે ૭૦ બેઠકો પર ચૂંટણી લડી હતી. આ વખતે કોંગ્રેસની ડિમાન્ડ ૮૦-૮૫ બેઠકો છે. આરજેડીએ ગત ચૂંટણીમાં ૧૪૫ બેઠકો પર ચૂંટણી લડી હતી. આ વખતે આરજેડીને ૧૬૦ બેઠકો જોઈએ છે. વળી, ગઠબંધનમાં જોડાયેલા ડાબેરીપક્ષોએ પણ બે ડઝન જેટલી બેઠકો માગી છે. લોકસભામાં કઈ પાર્ટીને ક્યાંથી વધુ મતો મળ્યા હતા એના આધારે બેઠકો આપવાની ફોર્મુલા નક્કી થઈ રહી છે. ગઠબંધને એના અભ્યાસ માટે એક સંયુક્ત સમિતિ પણ બનાવી છે.

ઈડી સામેના વિરોધ પ્રદર્શનોમાં યુપી કોંગ્રેસમાં જ એકતાનો અભાવ

ઈડીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશિટ દાખલ કરી તેની સામે કોંગેસે દેશભરમાં વિરોધ પ્રદર્શનો કરવાની જાહેરાત કરી હતી. ઘણાં રાજ્યોમાં કોંગ્રેસે રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે પ્રદર્શનો શરૂ થયા છે. એમાં યુપી કોંગ્રેસમાં એકતાલ જોવા મળ્યો નથી. બધા નેતાઓ પોત-પોતાની રીતે બ્યૂગલ બજાવી રહ્યા છે. મુરાદાબાદમાં તો કોંગ્રેસના નેતાઓમાં એટલા મતભેદો છે કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે અલગ પ્રદર્શન યોજ્યું તો શહેર કોંગ્રેસ પ્રમુખે પણ જુદું વિરોધ પ્રદર્શન કર્યું. બંને નેતાઓએ એરબીજાના પ્રદર્શનમાં ભાગ ન લીધો કે પોતાના સમર્થકોને પણ ભાગ લેવા ન દીધો.

અનુરાગ કશ્યપ અને કેન્દ્રીય મંત્રી સતિષ દૂબે ઓનલાઈન બાખડયા

અનુરાગ કશ્યપે પોતાની સુધારાવાદી જ્યોતિબા ફૂલે પર બનેલી એક લેટેસ્ટ ફિલ્મના સંદર્ભમાં બ્રાહ્મણો પર કરેલી વિવાદાસ્પદ ટીપ્પણીથી વિવાદ સર્જાયો હતો. બ્રાહ્મણ સંગઠનોએ અનુરાગ કશ્યપ માફી માગે એવી માગણી કરી હતી. સોશિયલ મીડિયામાં પણ અનુરાગ કશ્યપ સામે સંખ્યાબંધ પોસ્ટ થઈ હતી. આ વિવાદ વચ્ચે કેન્દ્રીય મંત્રી સતિષ દૂબેએ પણ અનુરાગ કશ્યપની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. દૂબેએ અનુરાગને ગટર સમાન કહીને નવો વિવાદ છેડયો. અનુરાગ કશ્યપની ફિલ્મના સમર્થકો અને દૂબેના સમર્થકો પણ એકબીજાની ભાષા પર બાખડયા હતા. વિવાદ વધતા અનુરાગે માફી માગી હતી, પણ કહ્યું હતું કે તે એની ટીપ્પણી બદલ માફી નથી માગતો, પરંતુ એ ટીપ્પણી રેફરન્સ વગરની હતી એટલે માફી માગું છું.

અમૃતપાલને વધુ એક વર્ષ જેલમાં રાખવા પંજાબ સરકારનો નિર્ણય

અલગતાવાદી અમૃતપાલ સિંહ આસામના દિબુ્રગઢની જેલમાં બંધ છે. નેશનલ સિક્યુરિટી એક્ટ અંતર્ગત કાર્યવાહી થઈ પછી લોકસભાની ચૂંટણી લડીને સાંસદ બનેલા અમૃતપાલ સિંહને છેલ્લાં બે વર્ષથી જેલમાં જ બંધ રખાયો છે. ૨૨મી એપ્રિલે એના ડિટેન્શનની મર્યાદા પૂરી થવાની છે. તે પહેલાં પંજાબ સરકારે વધુ ત્રણ માસ કે પછી એક વર્ષ માટે એ અવધિ વધારી દીધી છે. પંજાબ સરકારના સૂત્રોના કહેવા પ્રમાણે પંજાબની સરકારે ઉચ્ચ અધિકારીઓ અને એનએસએના અધિકારીઓ સાથે લાંબી ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. તેને પંજાબથી દૂર રાખવાની ભલામણ અધિકારીઓએ કરી હતી.

- ઈન્દર સાહની