Get The App

દિલ્હીની વાત : બેઠક વહેંચણીથી ચિરાગ પાસવાન ખુશ નથી

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : બેઠક વહેંચણીથી ચિરાગ પાસવાન ખુશ નથી 1 - image


નવી દિલ્હી : બિહાર વિધાનસભાની ચૂંટણી માટે એનડીએમાં બેઠક વહેંચણી બાબતે હજી સુધી સહમતી સધાય નથી. એમ મનાય છે કે, એનડીએએ બેઠકોની વહેંચણી બાબતની ફોર્મ્યુલા બનાવી છે, પરંતુ છેવટનો નિર્ણય બાકી છે. એનડીએ કો-ઓર્ડીનેશન કમિટિના એક સભ્યના કહેવા પ્રમાણે બેઠક વહેંચણીમાં જેડીયુને ૧૦૨, ભાજપને ૧૦૧, હિન્દુસ્તાની અવામ મોરચાને ૧૦ અને રાષ્ટ્રીય લોક મોરચાને ૧૦ બેઠકો માટે લગભગ સમજૂતી થઈ છે. જોકે લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ને મળેલી ૨૦ બેઠકોથી પ્રમુખ ચિરાગ પાસવાન ખુશ નથી. એમને મનાવવા માટે ભાજપ હાઇકમાન્ડ પ્રયત્ન કરી રહ્યું છે. ચિરાગએ પોતાના પક્ષ માટે ૪૦ બેઠકોની માંગણી કરે છે. આ માટે એનડીએ પર દબાણ લાવવા ચિરાગએ પોતાના બનેવી અને ઝુમઇના સાંસદ અરૂણ ભારતીને આગળ કર્યા છે. અરૂણ ભારતીએ ૪૩ થી ૧૦૩ બેઠકો માંગીને હવે બોલ એનડીએના કોર્ટમાં નાંખ્યો છે.

સીજેઆઇ ગવઇ માટે કોંગ્રેસી નેતાના નિવેદનથી વિવાદ

કોંગ્રેસના નેતા ઉદીત રાજએ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા બી આર ગવઈ માટે એવું નિવેદન આપ્યું છે કે જેને કારણે વિવાદ થયો છે. એસઆઇઆરના કેસની સુનાવણી પોતે નહીં કરી એ બદલ ભૂતપૂર્વ સાંસદ ઉદીત રાજએ કહ્યું છે કે, ગવઇ આંબેડકર બની શકતે, પરંતુ સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે. એમણે ત્યાં સુધી કહ્યું કે સીજેઆઇ ગવઇ ઝડપથી કશું કરશે તો ઠીક છે નહીં તો અંત માયાવતી જેવો જ આવશે. ઉદીત રાજ ભાજપની ટિકિટ પર દિલ્હીથી સાંસદ રહી ચૂક્યા છે. એમણે સોશ્યલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, 'ગવઇજી જ્યારે સીજેઆઇ નહીં બન્યા હતા ત્યારે લોકોને ઘણી અપેક્ષાઓ હતી કે, એક આંબેડકરાઇટ પહેલી વખત મુખ્ય ન્યાયાધીશ બનવા જઈ રહ્યા છે. એમના આવવાથી સુધારો થશે. એમને મીની આંબેડકર બનવાનો મોકો મળ્યો હતો. સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે. એસઆઇઆરના મામલે લોકશાહી બચાવવી જરૂરી છે. હજી પણ તેઓ ઘણુ કરી શકે એમ છે.'

'જો એવું થશે તો હું આરએસએસની વિરૂદ્ધ નથી'

આરએસએસનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે આ સંદર્ભે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ તરફથી હિન્દુ - મુસ્લિમ એકતા પર ભાર આપવામાં આવે છે. બંને પક્ષો વચ્ચેની ગેરસમજ દુર કરવાનો આગ્રહ પણ સંઘના વડા મોહન ભાગવત રાખી રહ્યા છે. દેશના મુસ્લિમ સમાજના મુખ્ય સંગઠન જમીયત ઉલેમા-એ-હિન્દની કાર્યકારી સમીતીની બેઠકમાં મોહન ભાગવતએ કરેલી અપીલની ચર્ચા થઈ હતી. જમીયત પ્રમુખ મૌલાના અરસદ મદનીએ મોહન ભાગવતના નીવેનદને આવકારતા કહ્યું હતું કે, આ બાબતે શરૂઆત થવી જોઈએ અને એમણે કહેલી વાત જમીન પર પણ દેખાવી જોઈએ. જો હિન્દુ - મુસ્લિમ એક થવાની વાત હોય તો તેઓ આરએસએસની વિરુદ્ધ નથી. બેઠકમાં હાજર એક હોદ્દેદારના કહેવા પ્રમાણે બંને પક્ષો વચ્ચે ગેરસમજ દુર કરવાનો પ્રયાસ કરવા પર મદનીએ જોર આપ્યું હતું. બેઠકમાં આસામ સરકાર દ્વારા મુસ્લિમ સમાજના ઘરો તોડવાના કિસ્સાની પણ ટીકા થઈ હતી.

તમને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી

દિલ્હીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે. આ સંદર્ભે દિલ્હી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા આતિશિ મારલેનાએ મુખ્યમંત્રી રેખા ગુપ્તાને એક પત્ર લખ્યો છે. એમણે લખ્યું છે કે જો તમે દિલ્હીના લોકોને સુરક્ષીત નહી રાખી શકો તો સત્તામા રહેવાનો તમને કોઈ અધિકાર નથી. તમારે રાજીનામું આપી દેવું જોઈએ. દિલ્હીના કાલકાજી વિસ્તારના ધારાસભ્ય આતિશિએ મુખ્યમંત્રીને પત્ર લખીને કાલકાજી મંદિરના એક પુજારીની હત્યાનો ઉલ્લેખ કર્યો હતો. આતિશીના જણાવ્યા પ્રમાણે ભાજપ સરકારના શાસનમાં રાષ્ટ્રીય રાજધાની સુરક્ષીત નથી. દિલ્હીમાં ગુનાખોરી, જબરદસ્તીથી ખંડણી વસુલી અને ગેંગવોર વધી રહ્યા છે. દિલ્હીના રહેવાસીઓ હવે પોતાના ઘરો, બજારો કે પૂજા સ્થળોએ પણ સલામત નથી. ભાજપના નેતાઓએ આતિશિ મારલેના આક્ષેપોનો કોઈ જવાબ આપ્યો નથી. 

પિતાનો રેકોર્ડ તોડવા નીતિન નવીન મેદાનમાં ઉતરશે

બિહારના પટણાનું બાકીપુર વિધાનસભા ક્ષેત્ર ખાસ જુનુ નથી. જોકે આ ક્ષેત્રની મહત્તા ઐતિહાસીક છે. ઐતિહાસીક ગોલઘર અને ગાંધી મેદાન આ વિસ્તારમાં આવ્યા છે. ભૂતકાળમાં આ બેઠક પરથી કોંગ્રેસ, ભાકપા, જનતા દળ, જનક્રાંતિ દળ અને અપક્ષોને જીત મળી છે. જોકે ૧૯૯૫માં અહીંથી નવીન કિશોર પ્રસાદ સિંહા ભાજપ તરફથી જીત્યા ત્યાર પછી બીજા કોઈ ઉમેદવાર જીતી શક્યા નથી. તેઓ સતત ચાર વખત અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ૨૦૦૫માં સિંહાનું મૃત્યુ થયું હતું. ત્યાર પછી થયેલી પેટા ચૂંટણીમાં એમના પુત્ર નીતિન નવીનએ કોંગ્રેસના અજયસિંહને હરાવ્યા હતા. ત્યાર પછી પણ તેઓ જ અહીંથી સતત જીતે છે. જો આવતી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ જીતશે તો પિતાના રેકોર્ડની બરાબરી કરશે.

મુખ્યમંત્રી યોગી પર બિભત્સ ટીપ્પણી, ભાજપના ધારાસભ્યના જ ભાઈ જવાબદાર

સોશ્યલ મીડિયા પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે બિભત્સ ટીપ્પણી કરવામાં આવી હતી. આ બાબતે પીપરાઇચના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાલ સિંહના ભાઈ અને ઇંટ ભઠ્ઠાના માલિક ભાલેન્દ્ર પાલ સિંહ પર ત્રણ પોલીસ સ્ટેશનોમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે. પોલીસની ટીમએ પીપરાઇચ ક્ષેત્રમાં આવેલા ભોલેન્દ્ર પ્રતાપસિંહના ઇંટના ભઠ્ઠા પર દરોડા પાડયા છે. કેટલાક સામાજીક કાર્યકરોએ વિવિધ જિલ્લાઓમાંથી ફરિયાદ કર્યા પછી વાયરલ થયેલી પોસ્ટ ડીલીટ કરી નાખવામાં આવી છે. ભાલેન્દ્ર પાલ સિંહે પોતાની આઇડીવાળા એકાઉન્ટમાંથી પોસ્ટ મુકી હતી. નવાઇની વાત એ છે કે યોગી બાબતે આવી પોસ્ટ મૂકનાર ભાજપના સગા ભાઈ છે. જોકે ધારાસભ્ય મહેન્દ્ર પાલને છેલ્લા ૨૫ વર્ષથી એમના ભાઈ સાથે સંબંધ નથી.

કેન્દ્ર સરકાર સામે મમતા બેનર્જીનું હલ્લાબોલ

પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણી માટે સત્તાપક્ષ ટીએમસી અને ભાજપએ જોરદાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. પશ્ચિમ બંગાળની સરકારે ૧ થી ૪ સપ્ટેમ્બર સુધી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ સત્રમાં ભાજપ શાસિસત રાજ્યોમાં બંગાળીઓ ઉપર થઈ રહેલા અત્યાચાર બાબતે સેન્સર મોશન લાવવામાં આવશે. આ સિવાય સ્પેશિયલ ઇન્ટેનશીવ રીવીઝન (એસઆઇઆર) સામે પણ વિધાનસભામાં પ્રસ્તાવ લાવવામાં આવશે. ચૂંટણી કમિશને બિહારમાં એસઆઇઆર કરાવવાનું નક્કી કર્યા પછી વિરોધપક્ષો મોટા પાયે વિરોધ કરી રહ્યા છે. રાજસ્થાનથી માંડીને ઓડિશા સુધીના રાજ્યોમાં બંગાળીઓ પર થઈ રહેલા અત્યાચારો બાબતે મમતા બેનર્જીએ ભાજપ પર શાબ્દિક હુમલા કર્યા છે. બીજા રાજ્યોમાંથી બંગાળ પરત ફરનારા શ્રમિકો માટે મમતા ખાસ યોજના શરૂ કરવાના છે.

Tags :