Get The App

દિલ્હીની વાત : ભાજપ શા માટે રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી કરી શકતો નથી

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ભાજપ શા માટે રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી કરી શકતો નથી 1 - image


નવીદિલ્હી : છેલ્લા કેટલાક મહિનાઓથી વારંવાર એવી ચર્ચા થતી રહે છે કે, જેપી નડ્ડાને સ્થાને ભાજપ હવે થોડા સમયમાં જ રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી કરશે. આરએસએસ અને ભાજપના ટોચના નેતાઓ વચ્ચે આ બાબતે સમાધાન થઈ ગયું હોવાનું પણ કહેવાતું હતું. આરએસએસના પ્રમુખ મોહન ભાગવત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે પણ આ બાબતે વાતચીત થઈ હોવાનું કહેવાય છે. હવે એવી વાત બહાર આવી છે કે સંઘ અને ભાજપ વચ્ચે એક નામ પર સહમતી થતી નથી. આ બાબતે જ્યારે પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ અને મોદી સરકારના મંત્રી નિતિન ગડકરીને પૂછવામાં આવ્યું ત્યારે એમણે મજેદાર જવાબ આપ્યો. ગડકરીએ કહ્યું હતું કે 'તમારો સવાલ સાચો છે, પરંતુ તમે ખોટી વ્યક્તિને આ સવાલ પૂછયો છે. તમારે આ સવાલ જેપી નડ્ડાને પૂછવો જોઈએ.'

સીજેઆઇની ટીપ્પણીથી વિવાદ

સુપ્રિમ કોર્ટમાં એક કેસની સુનાવણી વખતે ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા બી આર ગવઈએ કરેલી ટીપ્પણીને કારણે મોટો વિવાદ થયો છે. મધ્યપ્રદેશમાં આવેલા ખજુરાહો મંદિરમાં ક્ષતિગ્રસ્ત ભગવાન વિષ્ણુની મૂર્તિનું પુન:સ્થાપન કરવાની માગણી કરતી અરજી નામંજૂર કરતા સીજેઆઇ બી આર ગવઈએ કરેલી ટીપ્પણીને કારણે વકીલો નારાજ થઈ ગયા છે. એમણે માંગણી કરી છે કે જસ્ટીસ ગવઇ એમની ટીપ્પણી પરત લે. સીજેઆઇ ગવઇની અધ્યક્ષતાવાળી બેન્ચે ખજુરાહો મંદિરના કમ્પાઉન્ડમાં આવેલા જાવરી મંદિરમાં ભગવાન વિષ્ણુની ૭ ફૂટ ઊંચી પ્રતિમાને ફરીથી સ્થાપિત કરવા માટેની અરજી ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ અરજી ફક્ત પ્રચાર માટે કરવામાં આવી છે. રાકેશ દલાલ નામની વ્યક્તિએ કરેલી અરજી સંદર્ભે જસ્ટીસ ગવઇએ કેટલીક ટીપ્પણી કરી હતી. એમણે કહ્યું હતું કે, તમે જો વિષ્ણુ ભગવાનના આટલા મોટા ભક્ત છો તો ભગવાનને જ કહો કે કંઈક કરે.

આંદોલનમાં ભાગ લેનારા નેપાળના યુવાનો હવે પસ્તાઈ રહ્યા છે

નેપાળમાં જેન ઝી એ શરૂ કરેલું આંદોલન હિંસક બન્યું અને હવે કામચલાઉ સરકારની નિમણૂક થતા પરિસ્થિતિ થાળે પડી રહી છે. હમણા એવું લાગે છે કે પરિસ્થિતિ કાબુમાં છે, પરંતુ આંદોલન હિંસક બન્યું એને કારણે દેશને ખૂબ મોટુ નુકશાન થયું છે. વિરોધ પ્રદર્શન દરમિયાન જેલમાંથી કેટલાક રીઢા કેદીઓને પણ છોડાવવામાં આવ્યા હતા. કેટલીક દુકાનોમાંથી મોટાપાયે લૂટફાટ કરવામાં આવી હતી. જોકે હવે પરિસ્થિતિ થાળે પડતા નેપાળના યુવાનો કહી રહ્યા છે કે, સત્તાનું પરિવર્તન કરવા માટે એમનો ઉપયોગ હાથા તરીકે કરવામાં આવ્યો હતો. જેન ઝીમાંથી કેટલાક કહી રહ્યા છે કે, તત્કાલીન સરકાર સામેનો વિરોધ હિંસક બનવાનું કારણ કેટલાક સ્વાર્થી તત્વો છે. આંદોલન દરમિયાન ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ પણ હવે માની રહ્યા છે કે નેપાળમાં કોઈનું પણ શાસન આવે પરિસ્થિતિ બદલાવાની નથી.

સપા કાર્યાલયની ફાળવણી રદ

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં સમાજવાદી પાર્ટીને ઓફિસની ફાળવણી કરવામાં આવી હતી. જોકે આ ફાળવણી એકાએક રદ કરવામાં આવી છે. ઓફિસ ખાલી કરવા માટે પક્ષના જિલ્લા પ્રમુખને ૧૫ દિવસનો સમય આપવામાં આવ્યો છે. નોટીસ સામે જિલ્લા પ્રમુખએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે. જોકે શાસકોએ એમની રજૂઆત માન્ય રાખી નથી. શાસકોના કહેવા પ્રમાણે સરકારે ફાળવેલી કોઈપણ મિલકતનો ઉપયોગ જો વાણીજ્ય  કારણસર થતો હોય તો એનો ઉપયોગ ૧૫ વર્ષથી વધુ સમય સુધી કરી શકાય નહીં. સપા ઓફિસનો ઉપયોગ ૩૧ વર્ષથી થતો હતો. સુપ્રિમ કોર્ટે પીલીભીટ કોર્પોરેશન દ્વારા ફક્ત ૧૧૫ રૂપિયાના ભાડે અપાયેલા કાર્યાલય સંદર્ભે ઠપકો આપ્યો હતો. પીલીભીટ જેવું જ મોડેલ મુરાદાબાદમાં પણ હતું.

પપ્પુ યાદવ મોદી સાથે એક મંચ પર શા માટે બેઠા

બિહારના માથાભારે રાજકારણી અને સાંસદ પપ્પુ યાદવનો ઝોક કોંગ્રેસ તરફથી છે. તેઓ અપક્ષ ચૂટાતા હોવા છતાં લાલુ પ્રસાદ યાદવ અને કોંગ્રેસની નજીક રહેવાનો પ્રયત્ન કરે છે. પપ્પુ યાદવ એકાએક નરેન્દ્ર મોદી સાથે એક મંચ પર દેખાતા બિહારના રાજકારણમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જોકે આ બાબતે હવે પપ્પુ યાદવએ ખુલાસો કર્યો છે. પપ્પુ યાદવના કહેવા પ્રમાણે પૂર્ણિયાના વિકાસ માટે તમામનો સાથ લેવો જરૂરી છે. વિકાસના કામની વચ્ચે રાજકારણ લાવવું જોઈએ નહીં. વિકાસ પ્રજાના ટેક્સના પૈસે થાય છે. પુર્ણિયા એરપોર્ટ બાબતે તમામ લોકો મોટા દાવા કરે છે, પરંતુ એમના સંસદીય કાર્યકાળ દરમિયાન જ એરપોર્ટ માટે જમીનનું સંપાદન થયું છે. એમણે કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન સાથે એક મંચ પર એટલા માટે બેઠા હતા કે એમના મત વિસ્તારના વિકાસ વિશે વાત થઈ શકે.

લાલુ પરિવારમાં સંજય યાદવનો વિરોધ વધ્યો

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) અને તેજસ્વી યાદવને લાલુ પ્રસાદ યાદવના પડછાયામાંથી બહાર કાઢનાર મુખ્ય સૂત્રધાર આરજેડીના સાંસદ સંજય યાદવ સામે પક્ષમાં જ હવે વિરોધ વધી રહ્યો છે. લાલુ યાદવના કુટુંબમાંથી મિસા ભારતી અને તેજપ્રતાપ યાદવ પહેલેથી જ સંજયના વિરોધી ગણાય છે. હવે રોહીણી આચાર્યાએ ફેસબુક પોસ્ટ પર સંજય યાદવ વિરૂદ્ધ ટીપ્પણી કરી છે. તેજપ્રતાપ યાદવ ઘણી વખત કુટુંબના 'જયચંદો'ની વાત કરતા રહે છે. લોકોનું માનવું છે કે આ 'જયચંદ' એટલે સંજય યાદવ. આરજેડીમાં સંજય યાદવનો દબદબો છે. એમ મનાય છે કે તેજસ્વી યાદવ એમને પૂછયા વગર પાણી પણ પીતા નથી. પ્રચાર યાત્રાની બસમાં ઘણી વખત સંજય યાદવ તેજસ્વીની બેઠક પર બેઠેલા દેખાય છે.

પડદા પાછળ લિકર કૌભાંડનો સૂત્રધાર ભૂતપૂર્વ મુખ્યમંત્રીનો પુત્ર હતો

છત્તીસગઢના લિકર કૌભાંડની તપાસ ઇડી કરે છે. ઇડીએ મૂકેલા ચાર્જ પ્રમાણે છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલના પુત્ર ચૈતન્ય બધેલ લિકર કૌભાંડનો સૂત્રધાર હતો. આ ગોટાળામાંથી એણે ૧ હજાર કરોડ રૂપિયા બનાવ્યા છે. ઇડીએ જિલ્લા કોર્ટમાં ચોથી પૂરક ચાર્જશીટ દાખલ કરી છે. ઇડીના દાવા પ્રમાણે ચૈતન્ય બધેલએ જાણી જોઈને ગેરકાયદેસર રીતે મેળવેલી આવક છૂપાવી છે. આ પૈસા મેળવવા માટે તેમજ એનો ઉપયોગ કરવા માટે પણ એણે મદદ કરી છે. આ કૌભાંડના બીજા આરોપીઓ સાથે એને નજીકના સંબંધો હતા. આ લીકર કૌભાંડ ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન થયું હતું. આ ગોટાળાને કારણે રાજ્યને ખૂબ મોટું નુકશાન થયું છે.

Tags :