દિલ્હીની વાત : મોદી 3.0 માટે નજીકના ભવિષ્યમાં મુશ્કેલીઓ વધશે
નવીદિલ્હી : ત્રીજી વાર સત્તામાં આવ્યા પછી પણ નરેન્દ્ર મોદીની સરકારે ૧૦૦ દિવસ પુરા કર્યા, પરંતુ સરકારની મુશ્કેલી વધી રહી છે. કોમન સિવિલ કોડ, વક્ફ બોર્ડ બિલ પરની ચર્ચા તેમ જ એક દેશ એક ચૂંટણી બાબતે નરેન્દ્ર મોદી આગળ વધી શક્યા નથી. વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકારની મુશ્કેલીમાં વધારો કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં વધી રહેલા આતંકી હુમલા, મણિપુરની હિંસા, તેમ જ મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાના મુદ્દે વિરોધ પક્ષે ભાજપને બેકફૂટ પર મૂક્યો છે. ભાજપ પાસે બહુમતિ નહીં હોવાથી સાથી પક્ષો મોદી અને શાહ પર સતત પ્રેશર લાવી રહ્યા છે. રાજકીય નીરિક્ષકોનું માનવું છે કે, મોદી ૩.૦ સરકાર પોતાનું ધારેલું કરી શકે એમ નથી. મોદીની નબળાઈ પારખી ગયેલા વિરોધીઓ આ વખતે સરકારને બરાબર ઘેરી રહ્યા છે. નજીકના ભવિષ્યમાં સરકારની મુશ્કેલીમાં વધારો થવાનો છે.
કર્ણાટક ભાજપના પ્રમુખ વિજયેન્દ્રને પાડી દેવા ભાજપના જ નેતાઓ સક્રિય
છેલ્લા કેટલાક દિવસોથી કર્ણાટક ભાજપના પ્રમુખ બી. વાય. વિજયેન્દ્ર સામે કર્ણાટક ભાજપના કેટલાક આગેવાનોએ જ મોરચો ખોલ્યો છે. વિજયેન્દ્ર ભાજપ હાઇકમાન્ડના નેતાઓને વિશ્વાસમાં લીધા વગર નિર્ણયોે લેતા હોવાનો આક્ષેપ થતો હતો. પૂર્વમુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાના પુત્ર હોવાને કારણે તેમના વર્તનમાં એક પ્રકારની તોછડાઈ જોવા મળતી હતી. બંસનગૌડા પાટીલ યતનાલ અને રમેશ જારકી હોલી જેવા વરિષ્ઠ નેતાઓ ખુલ્લે આમ વિજયેન્દ્રની ટીકા કરી રહ્યા છે. આ બંને નેતાઓનું કહેવું છે કે વિજયેન્દ્રને કારણે કર્ણાટકમાં ભાજપને નુકશાન થઈ રહ્યું છે. કર્ણાટક ભાજપનો ભવાડો જોતા લાગે છે કે રાજ્યમાં પક્ષનું ભાવી અંધકારમય છે.
હરિયાણાની આદમપુર બેઠક સાથે ભજનલાલના કુટુંબનો ખાસ સંબંધ
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આદમપુર બેઠકનું મહત્ત્વ ખૂબ છે. આદમપુર બેઠક પર ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભજનલાલ અને એમના પરિવારનું વર્ચસ્વ રહ્યું છે. આદમપુર બેઠક પરથી ફક્ત ભજનલાલ નહી પરંતુ એમના પત્ની, પુત્ર, વહુ અને પૌત્ર પણ જીતીને ધારાસભ્ય બન્યા છે. ૧૯૬૮માં પહેલી વખત ભજનલાલ ફક્ત ૩૭ વર્ષની ઉંમરના હતા ત્યારે આ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. શરૂઆતમાં ભજનલાલ કોંગ્રેસ તરફથી વિધાનસભ્ય તરીકે ચૂંટાતા હતા, પરંતુ કટોકટી પછી ૧૯૭૭માં તેઓ જનતા પાર્ટીમાં જોડાયા હતા અને પ્રથમવાર હરિયાણાના મુખ્યમંત્રી બન્યા હતા. ભજનલાલની ગણના હરિયાણાના ચાણક્ય તરીકે થાય છે. ૨૦૧૪ અને ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણીમાં ભજનલાલના પુત્ર કુલદિપ બિશ્નોય આસાનીથી જીતી ગયા હતા. ૨૦૨૨માં આદમપુર બેઠકની પેટા ચૂંટણીમાં કુલદિપ બિશ્નોયના પુત્ર ભવ્ય બિશ્નોય ભાજપ તરફથી લડીને જીત્યા હતા.
કોલકત્તાના સીપી બદલાયા છતાં ડોક્ટરો હડતાળ પાછી ખેંચતા નથી
કોલકત્તામાં આંદોલન કરી રહેલા જુનિયર ડોક્ટર્સને મનાવવા માટે મમતા બેનર્જીએ પોલીસ કમિશનર તરીકે મનોજકુમાર વર્માને મુક્યા છે. આમ છતાં જુનિયર ડોક્ટર્સ પોતાનું આંદોલન પાછુ ખેંચતા નથી. ડોક્ટરોનું કહેવું છે કે જ્યાં સુધી એમની તમામ માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ આંદોલન પાછું નહીં ખેંચે. ડોક્ટરોની માંગણી છે કે રાજ્યના આરોગ્ય સચીવ એન એસ નિગમને હટાવવામાં આવે. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ડોક્ટરોની સુરક્ષા વધારવામાં આવે. મેડિકલ કોલેજોમાં મુખ્ય સચિવના અધ્યક્ષ પદે એક ટાસ્કફોર્સ બનાવવામાં આવે. આ બધી માંગણીઓ પુરી નહી થાય ત્યાં સુધી ડોક્ટરો હડતાળ પાછી ખેંચવાના મૂડમાં નથી.
આતિશીને મુખ્યમંત્રી બનાવી કેજરીવાલે એક કાંકેર ઘણા પક્ષી માર્યા
આતિશી મારલેનાને દિલ્હીના મુખ્યમંત્રી બનાવીને અરવિંદ કેજરીવાલે દેશના ૪૭.૧ કરોડ મતદારોને ખૂશ કર્યા છે. હરિયાણાની વિધાનસભા ચૂંટણીને તો કેજરીવાલે ધ્યાનમાં રાખી જ છે, પરંતુ દેશના ૪૭ કરોડ મહિલા મતદારોને પણ ખુશ કરવાનો પ્રયત્ન કર્યો છે. મુખ્યમંત્રીપદની રેસમાં કુલદિપ કુમારનું નામ એટલા માટે આગળ હતું કે કુલદિપ કુમાર દલિત છે અને એમને મુખ્યમંત્રી બનાવીને દલિત મતો અંકે કરી શકાય એમ હતું. જોકે આતિશીની કાર્યપદ્ધતીથી કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ ઘણા પ્રભાવિત છે. અરવિંદ કેજરીવાલના જેલમાં ગયા પછી પત્ની સુનીતાને આતિશી મારલેનાએ ઘણી હુંફ આપી હતી. આતિશીનો રેકોર્ડ પણ ચોખ્ખો છે. શિક્ષણ ક્ષેત્રે એમણે કરેલી કામગીરીને કારણે દિલ્હીના મતદારો ખૂશ છે. આતિશી એક સારા વહીવટકર્તા છે આમ આતિશીને મુખ્યમંત્રી બનાવીને કેજરીવાલે એક કાંકરે ઘણા પક્ષી માર્યા છે.
સોરેનની ભૂલનું પુનરાવર્તન ન કરીને કેજરીવાલે રાજકીય પરીપક્વતા બતાવી
દિલ્હીના રાજકીય નીરિક્ષકો અરવિંદ કેજરીવાલની સૂઝબુઝની પ્રશંસા કરી રહ્યા છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન જ્યારે જેલમાં ગયા ત્યારે એમણે બીન ભરોસાપાત્ર ચંપઇ સોરેનને મુખ્યમંત્રી બનાવ્યા હતા. હેમંત સોરેન જેલમાંથી છૂટયા પછી ચંપઇ સોરેને પદ છોડવું પડયું હતું. દુભાયેલા ચંપઈ સોરેન ત્યાર પછી બળવો કરીને ભાજપ સાથે જોડાયા હતા. હેમંત સોરેને કરેલી ભૂલ અરવિંદ કેજરીવાલ રીપીટ કરવા માંગતા નહોતા. કેજરીવાલે પોતાના કૌટુબીક મિત્ર અને ઘરના એક સભ્ય જેવા જ આતિશી મારલેનાને મુખ્યમંત્રી બનાવીને બળવાની ચિંતામાંથી મુક્ત થઈ ગયા છે.
બેરોજગારી કાબુ કરવામાં કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી છે : જયરામ રમેશ
કોગ્રેેસે ફરીથી એકવાર નરેન્દ્ર મોદી સામે ખુલીને શાબ્દિક હુમલો કર્યો છે. મોદી સરકારમાં બેરોજગારીનો દર વધી રહ્યો છે. પક્ષના મહામંત્રી જયરામ રમેશે કહ્યું છે કે, બાયોલોજીકલ પીએમ અને એમના અર્થશાસ્ત્રીઓએ સતત જોબલેસ ગ્ર્રોથના વિચાર પર આક્રમણ કર્યું છે. દેશ આજે બેરોજગારીને કારણે અસ્થિર થઈ ગયો છે. ચીનથી વધેલી આયાતને કારણે ભવિષ્યમાં પણ બેરોજગારી વધતી જ જવાની છે. નોટબંધી, જીએસટી તેમ જ લોકડાઉનના નિર્ણયને કારણે દેશ ગંભીર સંકટમાં મુકાઈ ગયો છે.
બિહારમાં નીતિશ કુમારના જમીન સર્વેથી ભાજપ ચિંતામાં
બિહારમાં લેન્ડ સર્વેનો પ્રોજેક્ટ ચર્ચાનું કારણ બન્યો છે. આ સર્વેક્ષણથી નીતિશ કુમાર રાજકીય રીતે ખરેખર શું ઈચ્છે છે તે અકળ છે. એક દલીલ એવી છે કે જમીન સર્વેક્ષણ કરાવીને જે લોકો પાસે ડોક્યુમેન્ટ્સ નથી અને જમીન પર કબજો છે. તેમને જમીન મળી જશે. બીજી તરફ ગેરકાયદે દબાવી રાખેલી સરકારી જમીનો ખાલી થશે. એવી જમીનો દબાવી લેવામાં નેતાઓ મોખરે છે. આવી વિચિત્ર સ્થિતિ વચ્ચે ભાજપ ટેન્શનમાં એટલે છે કે આવતા વર્ષે બિહારમાં ચૂંટણી છે. બિહાર ભાજપની ઈચ્છા નથી કે જમીન સર્વેનું કામ ઝડપી થાય. એ કારણે ભાજપના નેતા અને બિહાર સરકારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ એક નિવેદન આપ્યું હતું કે જમીન સર્વે માટે સરકારે કોઈ ડેડલાઈન જાહેર કરી નથી. કોઈ ઉતાવળથી કામ થશે નહીં.
ઝારખંડમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો ચૂંટણીમાં ગાજશે
ઝારખંડના સંથાલ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો વારંવાર સપાટી પર આવે છે. ઝારખંડ હાઈકોર્ટ સુધી આ મુદ્દો પહોંચ્યો છે. રાજ્ય સરકાર પર આરોપ લાગ્યો છે કે સરકાર બાંગ્લાદેશના ઘૂસણખોરોની માહિતી જાહેર કરતી નથી. તેમને છાવરે છે. બીજી તરફ હેમંત સોરેનની સરકાર બચાવ કરે છે. ભાજપ સહિતના વિપક્ષો માને છે કે બાંગ્લાદેશના ઘૂસણખોરોને જે રીતે ઝારખંડમાં પનાહ મળે છે તેનાથી રાજકીય સમીકરણ બદલાઈ જશે. ભાજપમાં જોડાયેલા હેમંત સોરેનના પૂર્વ સાથીદાર ચંપઈ સોરેન આ મુદ્દે બહુ મુખર થઈને બોલી રહ્યા છે. ભાજપે એ મુદ્દે રીતસર ચંપઈ સોરેનને જ મેદાનમાં ઉતાર્યા છે. વર્ષના અંતે થનારી ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દો ગાજે એવી પૂરી શક્યતા છે.
- ઈન્દર સાહની