નવીદિલ્હી : એક જમાનામાં ઉત્તર પ્રદેશમાં બસપા લાંબા સમય સુધી સત્તામાં રહી હતી. કાંશીરામ અને માયાવતીએ પક્ષની સ્થાપના કર્યા પછી દલીત અને ઓબીસીના સમર્થનને કારણે બસપા અને માયાવતી છવાઈ ગયા હતા. ધીમે ધીમે માયાવતીની પકડ ઓછી થતી ગઈ. એમની સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો અને ભેગી કરેલી મિલકતને કારણે તેઓ લોકોની નજરમાંથી ઉતરતા ગયા. હમણા બસપા નેશનલ પાર્ટી છે, પરંતુ ગમે ત્યારે આ દરજ્જો ગુમાવી શકે એમ છે. હમણા દેશમાં છ નેશનલ પાર્ટીઓ, ભાજપ, કોંગ્રેસ, બસપા, સીપીઆઇ (એમ) અને એનપીપી છે. બસપાને બંગાળ, તામિલનાડુ અને કેરળ વિધાનસભા ચૂંટણીમાં ફક્ત ૧ ટકો મત મળ્યા છે. બસપાનો એક પણ સાંસદ લોકસભામાં નથી. રાજ્યસભામાં એક માત્ર સાંસદ છે. ત્રણ રાજ્યોમાં બસપાને ફક્ત ૨.૦૪ લાખ મત મળ્યા છે. રાષ્ટ્રીય પક્ષ બનવા માટે ચાર રાજ્યોમાં સ્ટેટ પાર્ટીનો દરજ્જો હોવો જરૂરી છે. લોકસભામાં ઓછામાં ઓછી ૧૧ બેઠકો અને ત્રણ રાજ્યોના સાંસદો હોવા જોઈએ. ચાર રાજ્યોમાં ૬ ટકા વોટ શેર પણ જરૂરી છે અને લોકસભામાં ચાર બેઠકો હોવી જોઈએ.
કાફલાને કારણે ટ્રાફિક નહીં રોકાય એ માટે વિજયના પગલા
તામિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયએ અધિકારીઓને કહ્યું છે કે એમના કાફલાને કારણે લોકોને તકલીફ પડવી જોઈએ નહીં. જોસેફ વિજય ચેન્નઇના નિલંકરાય નિવાસસ્થાનેથી નિકળીને દરરોજ સચીવાલય જાય છે. આ રસ્તો લગભગ ૧૭ કિલોમીટરનો છે. વિજયને એવા રીપોર્ટ મળ્યા કે એમના કાફલાને કારણે ટ્રાફિક જામ થાય છે અને જનતા પરેશાન થાય છે. આ જાણીને વિજયે અધિકારીઓને કહ્યું કે લોકોને તકલીફ નહીં પડે એવી વ્યવસ્થા કરવામાં આવે. આ આદેશ પછી વૈકલ્પિક ટ્રાફીક વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. વિજયનું ઘર નિલંકરાય વિસ્તારમાં કૈસુઆરીના ડ્રાઇવ પર આવ્યું છે. આ વિસ્તાર સમુદ્ર કિનારે આવેલો પોશ એરિયા ગણાય છે. તામિલનાડુના મુખ્યમંત્રીનું સરકારી નિવાસ્થાન ચેન્નઇના ગ્રીનવેઝ રોડ પર આવ્યું છે. સામાન્ય રીતે રાજ્યના મુખ્યમંત્રીઓ આ બંગલામાં રહે છે.
લિકર સ્કેમનો કેસ હવે મનોજ જૈન સાંભળશે
દિલ્હી લિકર સ્કેમનો કેસ જસ્ટીસ સ્વર્ણ કાંતા શર્માએ નોટ બીફોર મી કરતા હવે નવી બેચ સમક્ષ ટ્રાન્સફર થયો છે. કેસની સુનાવણી હવે જસ્ટીસ મનોજ જૈન કરશે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત આપના છ નેતાઓ વિરુદ્ધ કન્ટેમ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી શરૂ કર્યા પછી જસ્ટીસ સ્વર્ણ કાંતા શર્માએ કેસની સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. અવમાનનાના કેસની સુનાવણી જસ્ટીસ નવીન ચાવલા અને રવિન્દ્ર દુડેજાની બેચ કરશે. દિલ્હીમાં થતી ચર્ચા પ્રમાણે અરવિંદ કેજરીવાલ અને એમના સાથીઓ કેસના ટ્રાન્ફરને પોતાની જીત ગણાવી રહ્યા છે. જોકે ન્યાયતંત્રમાં થતી ચર્ચા પ્રમાણે સામાન્ય રીતે હાઇકોર્ટના જજો આવી ઘટનાથી દબાણમાં આવતા નથી. અરવિંદ કેજરીવાલને એવી અપેક્ષા છે કે નવા જજ જો એમના કેસની સુનાવણી કરશે તો એમને ફાયદો થઈ શકે એમ છે.
'કોકરોચ જનતા પાર્ટી' શા માટે સ્થાપવામાં આવી
સીજેઆઇ સૂર્યકાંતના એક નિવેદન પછી વિવાદ થયો છે. એમણે એવું કહ્યું હોવાનું કહેવાય છે કે દેશના બેકારો કોકરોચ એટલે કે વાંદાઓની માફક કયારેક મીડિયા તો કયારેક આઇટીઆઇ એક્ટીવીસ્ટ બનીને દેશને ખોતરે છે. હવે એક પેરોડી પક્ષ 'કોકરોચ જનતા પાર્ટી' બનાવવામાં આવી છે. ખરેખર આ રાજકીય પક્ષ નથી, પરંતુ ટીખળ કરવા માટે ખાસ વિચારધારાના યુવાનોએ આ પક્ષનું ગઠન કરીને સભ્યો બનાવવાના શરૂ કર્યા. છે. ટીએમસીના બે સાંસદોએ આ પક્ષમાં સભ્ય તરીકે નોંધણી કરી છે. સોશ્યલ મીડિયા પર આ પેજની લોકપ્રિયતા વધતી જાય છે. સોશ્યલ મીડિયા એક્સ પર આ પક્ષની સ્થાપના કરવામાં આવી છે અને ૨૪ કલાકમાં જ ૧૫,૦૦૦ ફોલોઅર્સ મળ્યા છે.
બંગાળમાં હાર પછી વિવાદાસ્પદ સાયાની ઘોષ જ્ઞાાન વહેંચે છે
બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીના સાંસદ અને એક જમાનાના અભિનેત્રી સાયાની ઘોષ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. કાબા - મદીનાના વખાણ કરતું ગીત ગાયને તેઓ સમાચારમાં ચમક્યા હતા. હવે એકાએક એમને જ્ઞાાન લાદ્યુ છે. સોશ્યલ મીડિયા એક્સ પર પોસ્ટ મૂકીને એમણે કહ્યું છે કે જીતની ઇચ્છાથી વધુ કઈ હોઈ શકે નહીં. ખામીઓ પર વિજય મેળવીને બીજાને પાછળ રાખી દેવા ખૂબ જરૂરી છે. ચૂટણી પછી ભાજપના નેતા ઉમા ભારતીએ કહ્યું હતું કે સાયાની ઘોષનું મક્કા - મદીના ગીત ટીએમસીની હારનું મૂખ્ય કારણ છે. ચૂંટણી પ્રચાર વખતે સાયાનીની સભામાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હતા. સાયાની બાંગ્લા ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે અને ૨૦૨૧માં ટીએમસીમાં જોડાઈ હતી. ત્રિપુરામાં કેટલાક વિવાદને કારણે એની ધરપકડ પણ થઈ હતી. નુક્કડ સભા પાસેથી પસાર થતી વખતે એણે 'ખેલા હોબે'નો નારો પોકાર્યો હતો.
કર્ણાટકમાં હિજાબ - ધાર્મિક પ્રતિકોની છૂટ પછી પડકાર
કર્ણાટકમાં ચાર વર્ષ પછી હિજાબ પહેરવાની છૂટ મળવાને કારણે જે વિદ્યાર્થિનીઓએ અભ્યાસ છોડયો હતો એમને રાહત થઈ છે. હવે આવી વિદ્યાર્થિનીઓએ ફરીથી અભ્યાસ શરૂ કરવાનું નક્કી કર્યું છે. થોડા વર્ષો પહેલા હિજાબનો વિરોધ થતો હતો ત્યારે 'અલ્લાહ - હુ - અકબર'નો સૂત્રોચ્ચાર કરનાર મુસ્કાન ખન્ના 'હિજાબ ગર્લ' તરીકે ઓળખાઈ હતી. હવે એ ફરીથી અભ્યાસ શરૂ કરશે. જોકે સરકાર સમક્ષ સૌથી મોટો પડકાર એ છે કે, સ્કૂલોમાં યુનીફોર્મ જરૂરી છે ત્યારે વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને આવશે તો યુનીફોર્મ ફરજિયાતના નિયમનો ભંગ થશે કે નહીં. સરકારે એક તરફ એમ પણ કહ્યું છે કે ધાર્મિક પ્રતિકોની છૂટ આપવામાં આવે છે, પરંતુ સ્કૂલના શિસ્તની વિરુદ્ધ હોવા જોઈએ નહીં.
સરકાર બદલાતા જ ઇમામ ધરતી પર આવી ગયા
પશ્ચિમ બંગાળમાં સરકાર બદલાતા જ કોલકત્તાના ઇમામ હવે અલગ વાત કરતા થઈ ગયા છે. કોલકત્તાની જાણીતી નાખોદા મસ્જિદના ઇમામ મૌલાના મોહમદ સફીક કાસ્મીએ આપેલા નિવેદનની ચર્ચા થઈ રહી છે. ઇમામે જાહેર મંચ પરથી મુસ્લિમોને સંબોધીને કહ્યું છે કે, 'મુસલમાનોએ ગાયનું બલીદાન આપવાથી દુર રહેવું જોઈએ.' મૌલાનાએ સાદા શબ્દોમાં સમજાવ્યું હતું કે ભારત એક બહુ સાંસ્કૃતિક સમાજ છે. અહીં રહેતા દરેકે બીજા ધર્મનું સન્માન કરવું જોઈએ. ગાયને બદલે બકરીનું બલીદાન આપી શકાય. સત્તામાં આવ્યા પછી નવી સરકારે પશુ બલી માટે કડક કાયદા બનાવ્યા છે. કોઈપણ જાનવરનું બલીદાન ફીટ સર્ટિફીકેટ વગર નહીં આપી શકાય. પહેલા જાનવરની ઉંમર, તબિયતની તપાસ થશે અને પછી જ બલીદાન માટે પરવાનગી આપવામાં આવશે. જે જાનવરો ૧૪ વર્ષથી મોટી ઉંમરના હોય અને લાચાર સ્થિતિમાં હોય એમનું જ બલીદાન આપી શકાશે.


