'સવર્ણો માટે અલગ દેશ...' ભાજપ નેતા બ્રિજભૂષણનું વિવાદાસ્પદ નિવેદન
ભારતીય કુસ્તી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ અને ભૂતપૂર્વ સાંસદ બ્રિજભૂષણ ચરણસિંહે જ્ઞાાતિ આધારીત વસ્તી ગણતરી બાબતે નારાજગી બતાવી છે. એમના કહેવા પ્રમાણે જ્ઞાાતિ આધારીત જનગણના પછી બોમ્બ ફૂટશે અને સવર્ણો આસમાનમાં ચાલ્યા જશે. બ્રિજભૂષણએ કહ્યું હતું કે, આખા દેશને જ્ઞાાતિ આધારીત વસ્તી ગણના જોઈએ છે. આ માંગણી પહેલા બિહાર અને ઉત્તર પ્રદેશથી શરૂ થઈ હતી. કેટલાક લોકો આ બાબતે કાગારોળ મચાવી રહ્યા છે. જ્ઞાાતિ આધારીત વસ્તી ગણતરી થયા પછી જે બોમ્બ ફૂટશે એને કારણે તમામ સવર્ણો દેશની બહાર ચાલ્યા જશે. અમારા માટે નવો દેશ બનશે. અમે આકાશમાં ચાલ્યા જઈશું. એમણે એમ પણ કહ્યું હતું કે એમને રાજપૂત નેતા માનવા નહીં, એનાથી એમને દુખ થાય છે. દરેક સમાજની વાત કરતા હોવાની વાત પણ એમણે રીપીટ કરી હતી.
રાષ્ટ્રપતિને 'પરીચય પત્ર' આપવાનો તૂર્કીયેના રાજદુતનો કાર્યક્રમ મોકુફ રહ્યો
ભારત-પાકિસ્તાન તણાવ વખતે તૂર્કીએ પાકિસ્તાનની તરફેણ કરી હોવાથી હવે ભારત ધીમે ધીમે તૂર્કી સાથેના સંબંધો કાપી રહ્યું છે. દિલ્હી, મુંબઈ અને અમદાવાદ એરપોર્ટો પર તૂર્કીના વિમાનોનું ગ્રાઉન્ડ-હેન્ડલીંગ કરતી કંપની સેલેબી સાથે ભારતએ સંબંધ સમાપ્ત કરી દીધા છે. સેલેબીની સુરક્ષા મંજૂરી પણ રદ કરી દેવામાં આવી છે. હવે દેશના વિદેશ મંત્રાલયે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર કાર્યક્રમ પણ અનિશ્ચિત મુદત સુધી ટાળી દીધો છે. આ કાર્યક્રમમાં તૂર્કીના નવા નિમાયેલા રાજદુત અલિ મુરાત એરસોય ભારતના રાષ્ટ્રપતિ મૂર્મૂને 'લેટર ઓફ ક્રેડેન્સ' (માન્યતા પત્ર) આપવાના હતા. આ કાર્યક્રમમાં થાઇલેન્ડના રાજદૂત અને બાંગ્લાદેશના રાજદૂત પણ પોતપોતાના માન્યતા પત્ર ્રરાષ્ટ્રપતિને આપવાના હતા. લેટર ઓફ ક્રેડેન્સ એક ઔપચારીક દસ્તાવેજ હોય છે. જેના વતી વિદેશના રાજદૂતની નિમણૂક એમની એમ્બેસીમાં કરવામાં આવે છે.
આતંકવાદી તહવ્વુર રાણાના દિવસો તિહાર જેલમાં કઈ રીતે પસાર થાય છે
મુંબઈ પર થયેલા ૨૬/૧૧ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણા આજકાલ દિલ્હીની તિહાર જેલમાં કેદ છે. રાણાને જે વોર્ડમાં રાખવામાં આવ્યો છે ત્યાં એની આસપાસ ખૂંખાર ગેંગસ્ટર કેદી તરીકે છે. જોકે દરેકની સેલ અલગ છે જેને કારણે રાણાનો સામનો બીજા ગેંગસ્ટર સાથે થતો નથી. જેલમાં રાણાનો કેદી નંબર ૧૭૮૪ છે. રાણાને જે વોર્ડમાં રાખવામાં આવ્યો છે ત્યાં સુધી બીજા કોઈ કેદી પહોંચી શકતા નથી. રાણા ફક્ત અંગ્રેેજીમાં વાત કરે છે અને જેલ ઓથોરીટી પાસે એણે પુસ્તકો અને વેસ્ટર્ન ટોઇલેટની માગણી કરી છે. રાણાને છ ધાબળા અને એક પંખો આપવામાં આવ્યો છે. રાણાને સવારે ૭ વાગ્યા ચા - અને બ્રેડ આપવામાં આવે છે. લંચમાં દાળ-ભાત અને શાક તેમ જ સાંજે ચા સાથે નાસ્તો અને રાત્રે દાળભાત અને શાક આપવામાં આવે છે. રાણા પર સીસીટીવી કેમેરાથી સતત નજર રાખવામાં આવે છે.
ભાજપના સરપંચની હત્યા કરનાર આતંકવાદી શાહિદ કોણ હતો
૨૦૨૪માં ભાજપના સરપંચ એજાઝ અહમદની હત્યા કરનાર આતંકવાદી શાહિદ અહમદ કુટ્ટેનું થોડા દિવસો પહેલા કાશ્મીરના સોપિયામાં એન્કાઉન્ટર થયું છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી કાશ્મીરમાં સુરક્ષા દળો સચેત થઈ ગયા હતા અને છૂપાઈ રહેલા આતંકવાદીઓ લાંબા સમયથી બહાર નીકળ્યા નહોતા. આતંકવાદીઓએ એક મહિનાનું રેશન, ડ્રાઇફ્રુટ અને જીવનજરૂરી તમામ વસ્તુઓ એકત્રીત કરી રાખી હતી. આતંકવાદી પાસેથી રેશનની યાદીની ઘણી સ્લિપ મળી છે. મળેલી માહિતીને કારણે સુરક્ષા દળોએ શાહિદને ઘેરી લઈ મારી નાખ્યો ત્યારે એની સાથે બીજા બે આતંકવાદીઓ પણ હતા. શાહિદ લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી સંગઠન પીઆરએફનો ચીફ ઓપરેશન કમાન્ડર અને એ કેટેગરીનો આતંકવાદી હતો. આ કેટેગરીના આતંકવાદી સુરક્ષા દળોની હીટ લિસ્ટમાં સૌથી ઉપર હોય છે.
અર્ધસૈનિક દળોમાં શારીરિક ફિટનેશ જરૂરી છે : દિલ્હી હાઇકોર્ટ
સિવિલ સર્વિસ અને અર્ધસૈનિક દળોની નોકરી વચ્ચે અંતર સ્પષ્ટ કરતા દિલ્હી હાઇકોર્ટે કહ્યું છે કે, અર્ધસૈનિક દળમાં વ્યક્તિ માટે આવશ્યક શારીરિક તાકાત જરૂરી છે. દળોમાં સંપૂર્ણ શારીરિક સ્વસ્થતા પ્રાથમિકતા નહીં, પરંતુ અનિવાર્ય છે. દળોના કર્મચારીઓ શ્રેષ્ઠ શારીરિક સ્થિતિમાં હોય એ આવશ્યક છે. ન્યાયમૂર્તિ સી હરી શંકર અને અજય દિગપાલની બેન્ચે એક આઇટીબીપી ઉમેદવાર અનફીટ હોવાને કારણે દુર કરવામાં આવ્યો હોવાની ઘટનામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરીને આ ટીપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, ભારતીય અર્ધસૈનિક દળે પહાડી વિસ્તારો, રણ અને અન્ય મુશ્કેલ જગ્યાઓએ કામ કરવાનું હોય છે. એમણે ખરાબ મોસમનો સામનો કરવો પડે છે અને શારીરિક તાણ તેમ જ સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સંજોગોનો સામનો પણ કરવો પડે છે. અરજી કરનારનું એક અંડકોશ દુર કરવામાં આવ્યું હોવાથી એમની પસંદગી થઈ નહોતી એ સંદર્ભે અરજી કરવામાં આવી હતી.
ભાજપના એક પછી એક નેતાઓ શાહી ઇમામને ગળે મળી રહ્યા છે
ટોચની નેતાગીરીના કહેવાથી ભાજપના નેતાઓ દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામ મૌલાના શાબાન બુખારીને એક પછી એક મળી રહ્યા છે. બદલામાં શાહી ઇમામ પણ ભાજપની સરકારના વખાણ કરી રહ્યા છે. હમણા જ ભાજપના સાંસદ મનોજ તિવારી શાહી ઇમામની મુલાકાતે ગયા હતા. આ મુલાકાતનો વિડિયો મૌલાના શાહબાન બુખારીએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. વિડિયોમાં મનોજ તિવારી ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. તેઓ તસવીરકારને કહી રહ્યા છે કે, 'અમે મજામા છીએ... અહીં ફોટો લો. બાકી બધુ તો ઠીક છે ને?' આ વિડિયોમાં તિવારી અને શાહી ઇમામ સગા ભાઈની જેમ જોશભેર ભેટતા દેખાય છે. આ વિડિયો શેર કરતી વખતે બુખારીએ લખ્યું છે કે મનોજ તિવારીને મળતા મને હંમેશા આનંદ થાય છે.
ભૂતપૂર્વ એફબીઆઇ ચીફનો ખુલાસો પ્રમુખ ટ્રમ્પે ફગાવ્યો
અમેરિકાની જાસુસી સંસ્થા એફબીઆઇના ભૂતપૂર્વ ડિરેક્ટર જેમ્સ ટોમીએ ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી એક વિવાદાસ્પદ પોસ્ટને કારણે અમેરિકામાં ચકચાર મચી ગઈ છે. જેમ્સ ટોમીએ ઇન્સ્ટાગ્રામ પર '૮૬૪૭' લખ્યું હતું. વિવાદ થતા એમણે આ પોસ્ટ ડીલીટ કરી નાખી છે. આ પોસ્ટમાં એક ફોટોગ્રાફ હતો જેમાં સમુદ્ર કિનારે પડેલા છીપલાઓ દ્વારા ૮૬૪૭ લખવામાં આવ્યું હતું. અમેરિકામાં ૮૬નો મતલબ હિંસા કે હુમલો થાય છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ૪૭માં પ્રમુખ હોવાથી આ પોસ્ટનો મતલબ એમ થાય છે કે ટ્રમ્પ પર હુમલો કરીને હાંકી કાઢો. ટોમીએ ખુલાસો આપ્યો છે કે, મે તો ફક્ત છીપલાનો ફોટો પાડી મૂક્યો હતો. મારો ઇરાદો ખોટો નહોતો. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે ટોમીનો આ ખુલાસો માનવનો ઇન્કાર કરી કહ્યું છે કે એક જમાનાના એફબીઆઇ ચીફ રહી ચૂકેલા ટોમીને ખબર હોવી જોઈએ કે એમના લખાણનો મતલબ શું થાય છે.
વિવાદ બાબતે ભાજપનો કોંગ્રેસને સવાલ, થરુર પ્રત્યે આટલી નફરત કેમ?
ભારતના રાજનીતિક સંપર્ક મિશન માટે નેતાઓની પસંદગી બાબતે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભાજપના નેતા ગૌરવ વલ્લભે કોંગ્રેસ પર પોતાના જ સાંસદ શશિ થરુરની અવગણના કરવાનો આરોપ લગાવતા સવાલ કર્યો કે કોંગ્રેસ પોતાના જ નેતાઓ પ્રત્યે આટલી નફરત શા માટે કરે છે? કોંગ્રેસે જણાવ્યું કે તેણે શશિ થરુરનું નામ ન સૂચવ્યું હોવા છતાં સરકારે તેમને અમેરિકા અને અન્ય દેશોમાં જનારા સાંસદોના જૂથના નેતા બનાવ્યા. કોંગ્રેસે કેન્દ્ર પર લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીના સામેલ ન કરીને વિપક્ષની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો. એના જવાબમાં ભાજપ નેતાએ જણાવ્યું કે કોંગ્રેસમાં યોગ્યતાને દબાવી દેવામાં આવે છે અને ચમચાગીરીને પ્રોત્સાહન આપવામાં આવે છે.
સંસદીય મંડળમાં પોતાનો એક જ પ્રતિનિધિ પસંદ થતા કોંગ્રેસ નારાજ
ઓપરેશન સિંદૂર પછી વિશ્વને ભારતનો આતંક વિરોધી અભિગમ સમજાવવા વિશ્વની રાજધાનીઓમાં જનારા પ્રતિનિધિમંડળમાં પોતાના ચાર નામાંકિતોમાંથી માત્ર એકની પસંદગી થવા બદલ કોંગ્રેસે સરકાર પર અપ્રમાણિકતા અને સસ્તુ રાજકરણ રમવાનો આરોપ લગાવ્યો છે. જો કે કોંગ્રેસે સ્પષ્ટતા કરી કે ડેલિગેશનમાં સામેલ કરાયેલા પોતાના ચાર નેતા પૂરી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવશે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું કે તેમનો પક્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની દયનીય સ્તરે નહિ ઉતરે. જો કે જયરામ રમેશે જણાવ્યું કે કોંગ્રેસ વિશેષ સંસદીય સત્રની માગ પર અડગ રહેશે. તેમણે જણાવ્યું કે સંસદીય મંડળ મોકલવાની વાતથી વિશેષ સત્રની માગણીની ઉપેક્ષા ન થવી જોઈએ.
- ઈન્દર સાહની