નવીદિલ્હી : મધ્ય-પૂર્વનું એરસ્પેસ બંધ થવાથી હજારો મુસાફરો અટવાય ગયા છે. જોકે ધીરે ધીરે મૂળ ભારતના મુસાફરો પરત ફરી રહ્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ૨.૨૦ લાખ યાત્રીઓ ભારત પરત આવ્યા છે. ઇરાનમાંથી ૯૦ ભારતીયોને અઝરબૈજાન મારફતે ભારત લાવવામાં આવ્યા છે. સાઉદી અરેબિયાના અલગ અલગ એરપોર્ટ તેમજ ઓમાનથી ભારતની ફલાઇટ ચાલુ રહી છે. કતરનું એરપોર્ટ કેટલેક અંશે ખુલ્લું છે. કુવેતનું એરપોર્ટ સંપૂર્ણ બંધ છે. કુવેતની જઝીરા એરવેઝની એક કોમર્શિયલ ફલાઇટ સાઉદી અરેબિયાથી ભારત આવી રહી છે. બહેરીન અને ઇરાકની એરસ્પેસ પણ બંધ છે. ત્યાં રહેતા ભારતીય નાગરીકો સાઉદી અરેબિયાના રસ્તે પરત ફરી રહ્યા છે. ઇરાનથી લગભગ ૫૫૦ ભારતીઓને જમીન સરહદથી આર્મીનીયા અને ૯૦ ભારતીઓને જમીન સરહદથી અઝરબૈજાન ખસેડવામાં આવ્યા છે.
હોર્મૂઝ ખાડી ખોલવા માટે ઇરાનની શરતોથી ટ્રમ્પ મુશ્કેલીમાં
મધ્ય-પૂર્વના યુદ્ધને કારણે હોર્મૂઝ ખાડી મારફતે થતો વાહન વ્યવહાર અટકી ગયો છે જેને કારણે આખી દુનિયામાં સંકટ ઉભુ થયું છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે, ઇરાન અને અમેરિકાની નૈસેના વચ્ચે કોઈપણ પ્રકારનો ટકરાવ વૈશ્વિક વ્યાપાર અને ઉર્જાક્ષેત્રો માટે વિનાશકારી સાબિત થઈ શકશે. ઇરાન આ સંઘર્ષનો ફાયદો પોતાના હીત માટે કરી રહ્યો છે. એણે હોર્મૂઝ ખાડી ખોલવા માટે અમેરિકા સમક્ષ કેટલીક શરતો મૂકી છે. શરતો પ્રમાણે અમેરિકા ઇરાન પર મુકેલા પ્રતિબંધો હટાવે, અમેરિકાના લશ્કરને પાછુ બોલાવે, જપ્ત કરવામાં આવેલી સંપત્તીઓ ફરીથી પરત કરવામાં આવે અને બીન ડોલર વ્યવસાયને મંજૂરી આપવામાં આવે. આ શરતો માટે ટ્રમ્પ તૈયાર થાય એમ નથી અને જો યુદ્ધનો અંત જલ્દી નહીં આવે તો ટ્રમ્પ પોતાના દેશમાં જ અલીપ્ત પડી જાય એમ છે.
નેતન્યાહુએ ઇરાનના લોકોને નવરોઝની શુભેચ્છા શા માટે પાઠવી
ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ખુંખાર યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ ઇરાન માટે દુશ્મન નંબર ૧ છે. આમ છતાં નેતન્યાહુએ ઇરાનના નાગરીકોને આવનાર નવરોઝની રજા માટે શુભેચ્છા આપી છે. નવરોઝ પારસી નવા વર્ષની શરૂઆત છે. નેતન્યાહુ પહેલેથી માને છે કે ઇરાનના સામાન્ય લોકો સામે ઇઝરાયલને વાંધો નથી, પરંતુ કટ્ટરવાદી નેતાઓ ઇઝરાયલના દુશ્મન છે. નેતન્યાહુએ ત્યાં સુધી કહ્યું છે કે, 'ઇરાનના બહાદુર લોકો, દર વર્ષની જેમ હું આ વર્ષે પણ તમને શુભેચ્છા આપું છું. આ તહેવારની શરૂઆત રોશનીથી થાય છે. અંધારા પર હંમેશા અજવાળાની જીત થાય છે. આ વર્ષે આ તહેવારનું વિશેષ મહત્ત્વ છે.' ભારતમાં પણ ઇરાનથી આવેલા પારસીઓ નવરોઝની ઉજવણી દર વર્ષે કરે છે.
ચૂંટણી કમિશને ફરીથી સળી કરી, પશ્ચિમ બંગાળના ૧૩ એસપી બદલ્યા
ચૂંટણી કમિશનર અને મમતા બેનર્જી વચ્ચે ભારે ગરમાગરમી ચાલી રહી છે. ચૂંટણી કમિશને જે રીતે કેટલાક અધિકારીઓની બદલી કરી હતી એ મામલે મમતા બેનર્જી નારાજ થયા હતા. હવે ચૂંટણી કમિશને એમની નારાજગીને ધ્યાનમાં લીધા વગર ૧૯ જેટલા સિનિયર પોલીસ અધિકારીઓની બદલીનો હુકમ કર્યો છે. બદલાયેલા અધિકારીઓમાં ઉત્તર, દક્ષિણ બંગાળના એડીજીનો સમાવેશ પણ થાય છે. આ પહેલા રાજ્યના ચીફ સેક્રેટરીની બદલી પણ કરવામાં આવી હતી. આઇપીએસ અધિકારી રાજેશ સિંહને દક્ષિણ બંગાળના એડીજી નિમવામાં આવ્યા છે. જયરામનને ઉત્તર બંગાળના એડીજીની જવાબદારી સોંપવામાં આવી છે. આ બંને ૧૯૯૭ બેચના સિનિયર આઇપીએસ અધિકારીઓ છે. આસનસોલ - દુર્ગાપુર, હાવડા, બરાકપોર અને ચંદનનગર જિલ્લામાં પણ નવા પોલીસ કમિશનર નિમવામાં આવ્યા છે.
નીચ ચારિત્ર્ય, નીચ જાતી અને મણીશંકર ઐયર
કોંગ્રેસના સિનિયર નેતા મણીશંકર ઐયર આજકાલ સમાચારમાં ચમકી રહ્યા છે. થોડા વર્ષો પહેલા મણીશંકર ઐયરે લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી માટે નીચ શબ્દનો ઉપયોગ કર્યો હતો જેનો લાભ મોદીએ ભરપુર લીધો હતો. હવે આ બાબતે મણીશંકર ઐયરે ખુલાસો આપ્યો છે. ઐયરે કહ્યું છે કે મોદી એવું કહેતા હતા કે મે એમને નીચ કહ્યા. જોકે મે એમને 'નીચ જાતીના માણસ' કહ્યા નહોતા. મારૂ કહેવું હતું કે એમનું ચારિત્ર્ય નીચ છે. ઐયરે રામ મંદિરના ઉદ્ધાટન બાબતે પણ સવાલો કર્યા છે. ઐયરે કહ્યું હતું કે, 'આપણા વડાપ્રધાન બધા શંકરાચાર્યોને એક તરફ મુકીને રામ મંદિરનું ઉદ્ધાટન કરી રહ્યા છે. શું આ ધર્મનિરપેક્ષતા છે? ભારતના વડાપ્રધાનનો કોઈ ધર્મ હોવો જોઈએ નહીં. તેમણે રામ મંદિરમાં હાજરી આપીને આ નિયમનો ભંગ કર્યો. ખોટી અફવાઓ ફેલાવીને વડાપ્રધાન બન્યા.'
સસ્પેન્ડ થયેલા આઇએએસ અભિષેક પ્રકાશ ફરીથી નોકરીમાં
એક વર્ષ પહેલા લાંચ માંગવાના આરોપસર સસ્પેન્ડ થયેલા ૨૦૦૬ બેચના આઇએએસ અધિકારી અભિષેક પ્રકાશને ઉત્તર પ્રદેશની સરકારે ફરીથી નોકરીએ લઈ લીધા છે. રાજ્યપાલે આઇએએસ અધિકારીને ફરીથી નોકરી પર લેવાનો હુકમ જાહેર કર્યો છે. આ જાણીને ઉત્તર પ્રદેશમાં કેટલાકને આંચકો લાગ્યો છે. સરકાર જોકે એવું બહાનુ કાઢે છે કે એમની સામે ચાલી રહેલી તપાસ ચાલુ જ રહેશે. તપાસ દરમિયાન એમની સામેના પુરાવાઓ ભેગા કરવામાં આવશે. અલ્હાબાદ હાઇકોર્ટે પુરતા પુરાવાના અભાવે અભિષેક પ્રકાશ સામે દાખલ થયેલી ચાર્જશીટ રદ કરી હતી. એમ લાગે છે કે સરકાર હાઇકોર્ટના આ હુકમની રાહ જોતી હતી. ૨૦૨૫માં ૨૦મી માર્ચે અભિષેક પ્રકાશને લાંચ માંગવાના ગંભીર આરોપ સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એક સોલર કંપનીને મંજૂરી આપવા માટે એમની સામે લાંચ માંગવાનો આરોપ હતો. કંપનીએ કરેલી ફરિયાદ પછી એમની સામે પગલાં લેવામાં આવ્યા હતા.
'પહેલા દાદાગીરી કરી, હવે ભીખ માંગે છે'
રશિયન તેલ બાબતે અમેરિકાના વલણની આકરી ટીકા ઇરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ કરી છે. એમનું કહેવું છે કે અમેરિકા હવે ભારત સહીત દુનિયાના ઘણા દેશોને રશિયા પાસેથી ઓઇલ ખરીદવા માટે ભીખ માંગી રહ્યું છે. મધ્ય-પૂર્વના યુદ્ધને કારણે અમેરિકાએ કામચલાઉ રીતે મુકેલા પ્રતિબંધોને હળવા કર્યા છે. ભારત જેવા દેશ સમુદ્રમાં રહેલા રશિયન ટેન્કરોમાંથી ઓઇલ ખરીદી શકે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકાના નાણામંત્રાલયની વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે ૧૧ એપ્રિલ સુધી રશિયા પાસેથી કાચું તેલ અને પેટ્રોલિયમનો જથ્થો ખરીદી શકાશે. અરાગચીએ સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે, 'અમેરિકા મહિનાઓ સુધી ભારત પર દાદાગીરી કરતું રહ્યું અને દબાણ કર્યું કે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરે. જોકે ઇરાન સાથેના બે મહિના યુદ્ધ પછી હવે વ્હાઇટ હાઉસ ભારત સહિત દુનિયાના બીજા કેટલાક દેશોને રશિયા પાસેથી ઓઇલ ખરીદવા માટેની ભીખ માગી રહ્યું છે.


