Get The App

દિલ્હીની વાત : દિલ્હીમાં ભાજપ સરકાર સામે મોટુ સંકટ

Updated: Mar 19th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : દિલ્હીમાં ભાજપ સરકાર સામે મોટુ સંકટ 1 - image

નવીદિલ્હી : માર્ચ મહિનામાં દિલ્હી સહિત આખા દેશમાં જબરદસ્ત ગરમી પડી રહી છે. હવામાનના જાણકારો પહેલેથી જ કહી રહ્યા છે કે આ વર્ષે આખા દેશમાં વધુ પ્રમાણમાં ગરમી પડશે. આ વર્ષે દિલ્હીમાં પાણીની માંગ પણ વધવાની સંભાવના છે. દિલ્હીની રેખા ગુપ્તા સરકાર સામે ઉનાળામાં આખા દિલ્હીને ચોખ્ખુ પાણી સપ્લાય કરવાનું કામ ખૂબ અઘરુ છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ બાબતે ચિંતીત થઈને ઉચ્ચ કક્ષાના અધિકારીઓની મીટીંગ પણ બોલાવી હતી. દિલ્હીમાં સામાન્ય રીતે ૧૨૯૦ એમજીડી પાણીની માંગ હોય છે. આ માંગ હવે વધીને ૧૩૫૦ એમજીડી થઈ ગઈ છે. ૧૦૦૦ એમજીડી પાણી દિલ્હીના તળાવો અને બોરવેલ દ્વારા પ્રાપ્ત થાય છે. બાકીના પાણી માટે દિલ્હીએ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ પર આધાર રાખવો પડે છે. પાણીની આ માંગ પુરી કરવાની ચેલેન્જ ભાજપ સરકાર માટે મુશ્કેલ છે.

રોકાણકારો માટે મહારાષ્ટ્રને અપ્રિય બનાવવાની કોશિષ

મહારાષ્ટ્રના નાગપુરમાં ઔરંગઝેબની કબર હટાવવાને મામલે કોમી તોફાનો ફાટી નિકળ્યા છે. આ બાબતે હવે બસપાના પ્રમુખ માયાવતીએ કહ્યું છે કે, કોઈની પણ કબરને નુકશાન પહોંચાડવું ખોટુ છે. આવી માંગણીને કારણે રાજ્યની શાંતિ ખરાબ થઈ રહી છે. સરકારે આવા તોફાની તત્વો સામે કડક પગલા લેવા જોઈએ. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ કોમી હિંસા બાબતે દેવેન્દ્ર ફડણવીસની સરકાર સામે પ્રહાર કર્યા છે. પ્રિયંકાનું કહેવું છે કે, કેટલાક તત્વો મહારાષ્ટ્રની ઇમેજ ખરાબ કરી રહ્યા છે અને આવા તત્વોને કારણે રોકાણકારો મહારાષ્ટ્રથી વિમુખ થઈ જશે. પ્રિયંકાએ ગુજરાતનું નામ લીધા વગર કહ્યું હતું કે, મહારાષ્ટ્રના રોકાણકારોને ગુજરાત તરફ મોકલવા માટે કાવતરા થઈ રહ્યા છે.

લાલુની મુશ્કેલી વધી, પૂછપરછ માટે ઇડીએ સમન્સ મોકલ્યું

રાજકીય રીતે લગભગ રીટાયર્ડ થઈ ગયેલા લાલુ પ્રસાદ યાદવને પાછલી ઉંમરે પણ શાંતિ મળે એવા યોગ લાગતા નથી. નોકરીના બદલામાં જમીન મેળવવાના કૌભાંડ બાબતે ઇડીએ લાલુ પ્રસાદ યાદવને પૂછપરછ માટે બોલાવ્યા છે. ૭૬ વર્ષના લાલુ પ્રસાદ યાદવે પટણાની ઇડી ઓફિસમાં હાજર થવું પડશે. ઇડીએ લાલુના કેટલાક કુટુંબીઓને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે. એમના બંને પુત્રો તેજપ્રતાપ યાદવ અને તેજસ્વી યાદવે પણ ઇડી સમક્ષ હાજર રહેવું પડશે. જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાલુ પ્રસાદ યાદવ અને એમનો પરીવાર સમન્સ મળવા છતાં ઇડી સમક્ષ હાજર થવાના નથી. ઇડીએ ગયા વર્ષે આ કેસ સંદર્ભે દિલ્હીની કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. ચાર્જશીટમાં લાલુના પત્ની અને બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી સહિત એમના દિકરી નિશા ભારતી અને હેમા યાદવના નામ પણ આરોપી તરીકે છે.

દેશના 45 ટકા ધારાસભ્યો સામે ફોજદારી કેસ

દેશ આખાના ૪૫ ટકા ધારાસભ્યો સામે ફોજદારી કેસ નોંધાયા છે જ્યારે ૨૯ ટકા ધારાસભ્યો પર હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને મહિલાઓની છેડતી જેવા ગંભીર અપરાધ નોંધાયા છે. એસોસીએશન ઓફ ડેમોક્રેટીક રીફોર્મ્સ (એડીઆર)એ ૨૮ રાજ્ય અને ૩ યુનિયન ટેરીટરીના વિધાનસભાઓના ૪,૧૨૩ ધારાસભ્યોમાંથી ૪,૦૯૨ એફીડેવીટોને આધારે આ તારણ કાઢયું છે. એડીઆરના કહેવા પ્રમાણે ૨૪ ધારાસભ્યોની એફીડેવીટ ખરાબ રીતે સ્કેન થઈ હોવાથી વાંચી શકાય નહોતી. રીપોર્ટ પ્રમાણે ૫૪ ધારાસભ્યો પર હત્યા બાબતે કેસ ચાલી રહ્યા છે. ૨૨૬ જેટલા ધારાસભ્યો સામે આઇપીસી ૩૦૭ અને બીએનએસની કલમ ૧૦૯ હેઠળ હત્યાના પ્રયાસના કેસ છે.

કેવાયસી દસ્તાવેજ માટે બેન્કો વારંવાર ગ્રાહકને હેરાન નહીં કરે

રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ બેન્કોને આદેશ આપ્યો છે કે, ગ્રાહકોને વારંવાર કેવાયસી દસ્તાવેજ જમા કરાવવા માટે ફોન કરવો નહીં. એક વખત ગ્રાહક બેન્કને જરૂરી દસ્તાવેજ આપી દે ત્યાર પછી ફરીથી એજ દસ્તાવેજોની માગણી બેન્કોએ કરવી જોઈએ નહીં. મોટા ભાગની બેન્કો અને એનબીએફસી પોતાની શાખાઓ અને કાર્યાલયોને કેન્દ્રીય ડેટાબેઝ દ્વારા જાણકારી મેળવવાની સગવડ આપતા નથી. આ કારણે ગ્રાહકોને તકલીફ પડે છે. ગ્રાહકોની બિનજરૂરી તકલીફ ઓછી કરવી જોઈએ. સંજય મલ્હોત્રાની આ વાત તો સાચી છે, પરંતુ ભૂતકાળમાં પણ બેન્કોને સૂચના મળી હોવા છતાં કેવાયસી મામલે એમને પરેશાન કરવાના ચાલુ જ છે. આરબીઆઇના ગવર્નરોની સલાહ બેન્કના અધિકારીઓ ગણકારતા નથી.

કેરળ સરકારને હાઇકોર્ટે આંચકો આપ્યો

કેરળમાં મૂનબમ જમીન વિવાદ મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે. આ વિવાદ મામલે કેરળ હાઇકોર્ટે રાજ્યની વિજયન સરકારને મોટો આંચકો આપ્યો છે. હાઇકોર્ટે મૂનબમ જમીન વિવાદની તપાસ માટે રાજ્ય સરકારે નીમેલા કમિશનને રદ કરી દીધો છે. સુનાવણી દરમિયાન કોર્ટે ટીપ્પણી કરી હતી કે રાજ્ય સરકારે યોગ્ય વિચાર કર્યા વગર ઉતાવળમાં કમિશનની નિમણૂક કરી હતી. રાજ્ય સરકારે કમિશનના સભ્યોની નિમણૂક કરવા માટે કેટલીક મહત્વની બાબતોનો વિચાર કર્યો નહોતો. વકફ બોર્ડની ટીપ્પણીઓ, વકફના કાયદાનો અમલ અને તપાસ કમીટીના જૂના રીપોર્ટને અવગણવામાં આવ્યા હતા. તપાસ કમીટીના રીપોર્ટમાં કોઈ સ્પષ્ટતા નથી કે આ કિસ્સો સાર્વજનીક મહત્વનો કઈ રીતે બની ગયો.

'એક દેશ એક ચૂંટણી' બાબતે જેપીસીમાં મતભેદ

સંસદની સ્થાયી સમિતિ સમક્ષ 'એક રાષ્ટ્ર એક ચૂંટણી' બિલ પર બે પ્રતિષ્ઠિત કાયદા નિષ્ણાંતોએ વિપરીત અભિપ્રાયો આપ્યા છે. જાણીતા વકીલ હરીશ સાલ્વેએ આ બિલને બંધારણીય રીતે સક્ષમ બતાવ્યું હતું, જ્યારે દિલ્હી હાઇકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધિશ એપી શાહે આ બિલને બંધારણ અને લોકતંત્ર વિરૂદ્ધનું ગણાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપના સાંસદ પીપી ચૌધરીની અધ્યક્ષતાવાળી કમીટીએ આ બિલ પર લગભગ પાંચ કલાક ચર્ચા કરી હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી ઉચ્ચસ્તરની સમિતિના સભ્ય રહેલા સાલ્વેએ દલીલ કરી હતી કે આ બીલ મતદાનના અધિકાર કે બંધારણીય નિયમોનો ભંગ કરતું નથી. એમ કહેવાય છે કે આ બેઠકમાં ઘણી ગરમા ગરમી પણ થઈ હતી.

મોદીએ મહાકુંભના વખાણ કરીને યોગીના વિરોધીઓને મેસેજ આપ્યો

લોકસભાની ચૂંટણીના પરિણામો પછી ઉત્તર પ્રદેશમાં યોગી સામે વિરોધનો વંટોળ ઉઠયો હતો. પોતાને યોગીના હરીફ ગણતા કેશવ પ્રસાદ મૌર્યએ આડકતરો મોરચો જ ખોલી નાખ્યો હતો. યુપીમાં સપા-કોંગ્રેસના ગઠબંધનને ૮૦માંથી ૪૩ બેઠકો જીતી લીધી એટલે યોગી પર હારનું ઠીકરું ફોડવામાં આવ્યું હતું. જોકે, ટિકિટ વહેંચણીમાં યોગીનું ચાલ્યું ન હતું અને હાઈકમાન્ડના કેટલાક નેતાઓએ પોતાનું ધાર્યું કર્યું હતું એટલે અપેક્ષિત પરિણામ મળ્યું ન હતું. એ પછી યોગીએ પેટાચૂંટણીમાં પરિણામ બતાવવાનો પડકાર ઉપાડી બતાવ્યો હતો. એ જ અરસામાં મહાકુંભનું આયોજન પણ કર્યું. હવે મોદીએ લોકસભાના ભાષણમાં મહાકુંભના આયોજનના ભરપેટ વખાણ કર્યા એનાથી યોગી વિરોધીઓને ક્લિયર અને લાઉડ મેસેજ ગયો હતો કે પીએમ યુપીના સીએમ યોગીના કામથી ખુશ છે.

મમતા બેનર્જીએ બંગાળમાં ભાજપ પાસેથી ઓબીસીનો મુદ્દો ઝૂંટવી લીધો

પશ્વિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીમાં સીધી ટક્કર થશે. ભાજપને આ ચૂંટણીમાં મોટી આશા છે. ભાજપે ધાર્મિક મુદ્દા ઉઠાવવા ઉપરાંત ઓબીસીને પોતાની તરફ વાળવાની કોશિશ શરૂ કરી હતી, પરંતુ મમતા બેનર્જીએ ઓબીસી અનામત માટે જાતિગત સર્વેનું કામ શરૂ કરાવ્યું છે એટલે ભાજપ માટે આ મુદ્દો ઉઠાવવો અઘરો બનશે. મમતા બેનર્જીએ નવી જ્ઞાાતિઓને ઉમેરવાની વાત કરી એનો કેસ સુપ્રીમમાં પહોંચ્યો છે. સુપ્રીમમાં એની સુનાવણી ત્રણ માસ પછી થશે એટલે મમતા બેનર્જીએ ચૂંટણી પહેલાં એનો બરાબર ફાયદો ઉઠાવે તો નવાઈ પામવા જેવું નહીં હોય.

નીતિશના પુત્ર નિશાંતની રાજકીય તાલીમ માટે પૂર્વ આઈએએસની પસંદગી

નીતિશ કુમાર આગામી ત્રણ-ચાર મહિનામાં તેમના દીકરા નિશાંતને બિહારના રાજકારણમાં લોંચ કરવા ધારે છે. અત્યાર સુધી પરિવારવાદના રાજકારણની ટીકા કરતા નીતિશ કુમારે જ હવે નિશાંતને પાર્ટીમાં મહત્ત્વની જવાબદારી સોંપવાનું મન બનાવી લીધું છે. જદયુના રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ આઈએએસ મનિષ વર્મા નીતિશ કુમારના ખૂબ વિશ્વાસુ ગણાય છે. નીતિશે તેમને નિશાંતને રાજકીય તાલીમ આપવાની જવાબદારી સોંપી છે. ભવિષ્યમાં તેજસ્વી અને ચિરાગ સામે ટક્કર લેવા કેવા દાવપેચ જરૂરી છે એના પાઠ મનિષ વર્મા નિશાંતને શીખવી રહ્યા છે.

રેખા ગુપ્તા કરતાં દિલ્હીની સરકારમાં પ્રવેશ વર્મા વધુ સક્રિય

દિલ્હીના ભાજપના વર્તુળોમાં ચર્ચા એવી ચાલી રહી છે કે દિલ્હીની સરકારમાં પ્રવેશ વર્માનું પ્રભુત્વ પહેલા દિવસથી જ દેખાઈ રહ્યું છે. રેખા ગુપ્તા ભલે સત્તાવાર સીએમ હોય, પરંતુ પ્રવેશ વર્માનો દબદબો અધિકારીઓ પર અને ધારાસભ્યો પર વધુ જોવા મળી રહ્યો છે. પ્રવેશ વર્મા સતત એક્ટિવ રહીને મીટિંગ્સ કરતા રહે છે. દિલ્હીના મુખ્યમંત્રી પદે રેખા ગુપ્તાએ શપથ લીધા એને હજુ એક મહિનો થયો નથી. એ દરમિયાન પ્રવેશ વર્માએ ધારાસભ્યોને સૌથી વધુ વખત તેડું મોકલ્યું હતું. પ્રવેશ વર્માએ તાજેતરમાં પણ ભાજપના ધારાસભ્યોને બોલાવીને ૧૦૦ દિવસમાં દિલ્હીની સરકાર શું કરશે એની રૂપરેખા જણાવી હતી.

- ઈન્દર સાહની