Get The App

દિલ્હીની વાત : આપ સરકાર પર વધુ એક ગોટાળાનો આક્ષેપ

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : આપ સરકાર પર વધુ એક ગોટાળાનો આક્ષેપ 1 - image


નવીદિલ્હી : દિલ્હી સરકારના શિક્ષામંત્રી આશિષ સુદએ આમ આદમી પાર્ટીની સરકારને દરેક જગ્યાએ ગોટાળો કરનાર સરકાર ગણાવી હતી. એમણે આક્ષેપ કર્યો છે કે, બાબા સાહેબ આંબેડકરના નામ પર ચલાવવામાં આવેલી જય ભીમ મુખ્યમંત્રી પ્રતિભા વિકાસ યોજનામાં કરોડો રૂપિયાનો ગોટાળો થયો છે. ૨૦૧૮ના વર્ષમાં શરૂ કરવામાં આવેલી આ યોજનાનો ઉદ્દેશ એસસી - એસટી અને નબળા વર્ગના બાળકોને મફતમાં કોંચીગ આપવાનો હતો. જોકે કોરોના મહામારીના સમયે લીકર ગોટાળાની જેમ આ યોજનામાં પણ ગરબડ કરવામાં આવી હતી. કોંચીગ સંસ્થાઓનું બીલ ૧૫ કરોડ રૂપિયાનું હોવું જોઈતું હતું એના બદલે ૧૪૫ કરોડ રૂપિયાનો ખર્ચ બતાવવામાં આવ્યો હતો. કેટલા બાળકોએ કોંચીગ ક્લાસનો લાભ લીધો હતો એ પણ બતાવવામાં આવ્યું નથી.

ગેરકાયદેસર બાંધકામથી દિલ્હીની ચાર કોલોનીમાં લોકોના જીવ જોખમમાં

દિલ્હીના શાહદરા જિલ્લામાં ચાર જે જે ક્લસ્ટર કોલોની છે. કહેવા પુરતું તો અહીં ઝુપડપટ્ટી છે, પરંતુ હકીકતમાં ઉંચા બિલ્ડીંગો બની ગયા છે. અહીં થતા ગેરકાયદેસર બાંધકામને મોટી દુર્ઘટનાની સંભાવના વધી ગઈ છે. જો દુર્ઘટના થઈ તો ઘણા લોકોના મૃત્યુ થઈ શકે છે. હમણા જ વેલકમ સ્થિત જનતા કોલોનીમાં ચાર માળનું ગેરકાયદેસર મકાન તૂટી પડતા ૭ લોકોના મૃત્યુ થયા હતા. શાહદરા એસડીએમએ જનતા કોલોનીમાં થઈ રહેલા બાંધકામ પર સ્ટે આપી દીધો છે. અહીં બંધાઈ રહેલા મકાનોના સ્ટ્રકચરની તપાસ કરવામાં આવી રહી છે. આનંદ વિહાર, જિલમીલ, કલંદર અને જનતા કોલોનીમાં લગભગ દોઢ લાખ લોકો રહે છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે અહીંની ઝુપડપટ્ટીઓમાં ઊંચી ઇમારતો બની રહી છે છતા અધિકારીઓ ધ્યાન આપતા નથી.

હાજર ન થતાં કોર્ટે સોમનાથ ભારતીના પૂર્વ પત્નીને દંડ ફટકાર્યો

આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્ય સોમનાથ ભારતીના પત્ની લીપીકા મિત્રાએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સામે બદનક્ષીનો દાવો કર્યો છે. કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુનાવણી વખતે હાજર નહીં રહેલા ફરિયાદી લીપીકા મિત્રાને કોર્ટે પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વધારાના મુખ્ય જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ પારૂલ દલાલએ કહ્યું હતું કે, 'ફરીયાદ પક્ષ તરફથી કોઈ હાજર નથી. ત્યાં સુધી કે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પણ કોઈએ હાજરી પુરાવી નથી.' ન્યાયાધીશના કહેવા પ્રમાણે છેલ્લી સુનાવણી વખતે બંને પક્ષોની સહમતીથી તારીખ અને સમય નક્કી કરવામાં આવ્યો હતો. કરવામાં આવેલા દંડની રકમ સેન્ટ્રલ દિલ્હી કોર્ટના બાર એસોસીએશનમાં જમા કરાવવી પડશે. ન્યાયાધીશએ મિત્રાને જવાબ રજુ કરવા અને દલીલ કરવા માટે છેલ્લી તારીખ આપી છે.

બિહારમાં બેઠકો માટે કોંગ્રેસ અને ડાબેરીઓ સાથે આરજેડીની મીટીંગ

બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે દરેક રાષ્ટ્રીય પક્ષ ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. દરેક પક્ષ રાજકીય સમીકરણની ગણતરી પણ કરી રહ્યો છે. કેટલાક રાજકીય પક્ષોએ તો પ્રચાર પણ શરૂ કરી દીધો છે. મહાગઠબંધનના પક્ષોએ બેઠકો બાબતે રાષ્ટ્રીય જનતા દળ પર દબાણ શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીપીઆઇ, સીપીએમ અને સીપીઆઇએમએલ જેવા ડાબેરી પક્ષો આ વખતે ગઈ ચૂંટણી કરતા વધુ બેઠકો માંગી રહ્યા છે. કોંગ્રેેસ ૫૦ કરતા વધુ બેઠકો પર ચૂંટણી લડી શકે છે. જોકે આરજેડી વધુ વિચારીને નિર્ણય કરશે. ૨૦૨૦ બિહાર વિધાનસભાની ચૂંટણીના મહાગઠબંધનમાં આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પાર્ટીઓ હતી. સૌથી વધુ બેઠકો આરજેડીને મળી હોવા છતાં તે સરકાર બનાવી શકી નહોતી.

જજો સામે એફઆઇઆરની માંગણી, સુપ્રીમ કોર્ટ લાલચોળ

સુપ્રિમ કોર્ટમાં એક અરજીની સુનાવણી વખતે વાતાવરણ ગરમ થઈ ગયું હતું. અરજી કરનારે દિલ્હી હાઇકોર્ટના જજો સામે એફઆઇઆર દાખલ કરવાની માંગણી કરી હતી. આ વિચિત્ર માગણી પર જસ્ટીસ સૂર્યકાંત અને જસ્ટીસ જોય માલ્યા બાગચીની બેન્ચે નારાજગી બતાવી હતી અને અરજી કરનારના વકીલને પ્રશ્નો કર્યા હતા. કોર્ટે સખ્તાઇથી પૂછયું હતું કે, કયા કાયદા હેઠળ જજો સામે કેસ ચલાવવાની વાત કરો છો. દિલ્હી હાઇકોર્ટના કેટલાક જજો સામે એફઆઇઆર દાખલ કરવાની સૂચના આપવા માંગણી કરવામાં આવી હતી. અરજી કરનાર હાઇકોર્ટે આપેલા કેટલાક ચુકાદાથી નારાજ હતા. અરજી કરનારના વકીલએ જેવી દલીલો શરૂ કરી કે તરત જ કોર્ટનું વલણ કડક થઈ ગયું હતું.

દિલ્હીમાં કૂતરાઓનો આંતક, નિયમોમાં ફેરફાર માટે એમસીડી તૈયાર

શેરીઓમાં રખડતા કૂતરાઓ બાબતે સૂપ્રીમ કોર્ટની ટીપ્પણી પછી દિલ્હીમાં આ સમસ્યાનું કાયમી ઉકેલ લાવવાની માંગણી થઈ રહી છે. આરડબ્લ્યુએથી માંડીને માર્કેટ એસોસીએશન ઉકેલ માટે માંગણી કરી રહ્યા છે. એમસીડીની સ્થાયી સમિતિની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠયો હતો. કોર્પોરેટરોએ સુપ્રિમ કોર્ટની ટીપ્પણીનું સ્વાગત કરીને રખડતા કૂતરાઓની સમસ્યા દુર કરવા સૂચનો આપ્યા હતા. કોર્પોરેટરોનું કહેવં  હતું કે, સમસ્યા ખૂબ ગંભીર છે એટલા માટે કમિટિ બનાવીને ડોગ સેલ્ટર બનાવવા જોઈએ. નિયમોમાં પણ ફેરફાર થવા જોઈએ. સ્ટેન્ડીંગ કમિટિના ચેરપર્સન સત્યા શર્માએ નિયમોમાં ફેરફાર માટે કેન્દ્ર  સરકારના સૂચનો માંગવાની વાત કહી હતી. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી શેરીના કૂતરાઓ નાના બાળકો પર હુમલો કરી રહ્યા હતા જે બાબતે સુપ્રિમ કોર્ટ નારાજ છે.

ઈન્ડી બ્લોકની બેઠકમાં ટીએમસી અને આપની બાદબાકી

આગામી અઠવાડિયે શરૂ થતા સંસદના ચોમાસુ સત્ર અગાઉ એકતા સિદ્ધ કરવા ઈન્ડી બ્લોકની બેઠક મળી રહી છે. જો કે તેમાં ટીએમસી અને આપની હાજરી નહિ હોય. શરૂઆતમાં બેઠક કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેના ઘરે યોજાવાની હતી પણ પછી પાર્ટીના જનરલ સચિવ વેણુગોપાલે સ્પષ્ટતા કરી કે મીટિંગ ઓનલાઈન યોજાશે. ટીએમસીએ કોંગ્રેસને જાણ કરી કે તેના નેતાઓ વ્યસ્તતાને કારણે મીટિંગમાં હાજરી નહિ આપી શકે. વાસ્તવમાં પ.બંગાળની ચૂંટણીમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો ગઠબંધન કરવાના હોવાથી ટીએમસી તેમની સાથે મંચ શેર કરવા નથી માગતી. દરમ્યાન આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે જાહેર કરી દીધુ છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપના મત ઓછા કરીને ઈન્ડી ગઠબંધને પોતાનો હેતુ સિદ્ધ કરી દીધો છે. દિલ્હીમાં સત્તા ગુમાવ્યા પછી આપ હવે કોંગ્રેસ અને ભાજપને સમકક્ષ રીતે ભ્રષ્ટ અને દેશના ભાવિ માટે કોઈપણ વિઝન રહિત તરીકે જોવાના પોતાના અગાઉના અભિગમ તરફ પાછી વળી છે.

ડીએમકેના સાંસદના દાવાથી કોંગ્રેસ નારાજ

ડીએમકે રાજ્ય સભા સાંસદ તિરુચી સિવાએ એવો દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ સીએમ કે.કરૂણાનિધિએ એક સમયે તેમને  કહ્યું હતું કે કોંગ્રેસી અગ્રણી નેતા કે. કામરાજને ઊંઘવા માટે એસી રૂમ ન મળે તો તેમને એલર્જી થતી. સિવાના આવા દાવાથી કોંગ્રેસ અને ડીએમકે વચ્ચે અસ્વસ્થતા સર્જાઈ છે. તમિલનાડુ કોંગ્રેસ પ્રમુખ કે.સેલવાપુરેનથગાઈ અને કોંગ્રેસ સાંસદ જોઠીમનીએ ડીએમકેના સાસંદના નિવેદનોની ટીકા કરી છે ત્યારે વિપક્ષી એઆઈએડીએમકે અને ભાજપે આ નિવેદન દ્વારા બંને વચ્ચે તિરાડ સર્જવાના પ્રયાસ શરૂ કર્યા છે. ભાજપના ભૂતપૂર્વ રાજ્ય પ્રમુખ કે.અન્નામલાઈએ જણાવ્યું કે ડીએમકે મહાન નેતા કામરાજને અપમાનિત કરવાનો પ્રયાસ કરે તેમાં કોઈ આશ્ચર્ય નથી. કામરાજ જીવિત હતા ત્યારે પણ કરૂણાનિધિ તેમની અપમાનજનક શબ્દોમાં ટીકા કરતા અને સમગ્ર દેશને તેની જાણ છે.

હરિયાણામાં દલિત કિશોરના મોત મુદ્દે વ્યાપક રોષ

હરિયાણાના હિસ્સરમાં દલિત કિશોરના શંકાસ્પદ મોતના મુદ્દે સમગ્ર રાજ્યમાં વ્યાપક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. કિશોરના પરિવારના સભ્યોએ બાર કલાકમાં અંતિમ ક્રિયા કરવાની ડેડલાઈનની અવગણના કરી. ૭ જુલાઈની રાત્રે બનેલા હિસ્સર પ્રકરણ બાબતે કોંગ્રેસ નેતા અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ભાજપની ટીકા કરીને તેને બંધારણની હત્યા તરીકે ગણાવ્યું. સોશિયલ મીડિયા પર લખેલી એક લાંબી પોસ્ટમાં રાહુલે મોદી સરકાર પર પોલીસને વંચિત સુમદાય માટે અત્યાચારી યંત્રણા બનાવવાનો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું કે મૃતકના પરિવારે ન્યાય માગ્યો હોવાથી તેમની સતામણી ભાજપ-આરએસએસનો અસલી મનુવાદી ચહેરો દેખાડે છે. મૃતક ગણેશ વાલ્મિકીના પરિવાર અને હિસ્સર પોલીસના ઘટના બાબતે અલગ ખુલાસા છે. પોલીસે જણાવ્યું કે તેમને એક જન્મદિવસની પાર્ટીમાં મોડી રાત્રે સંગીતનો શોર બંધ કરવાનું કહેવામાં આવ્યું હતું જેના પરિણામે ગણેશ અને તેના મિત્રો સાથે તેમની અથડામણ થઈ.

- ઈન્દર સાહની

Tags :