Get The App

મોદી વસુંધરાને સાચવવા શેખાવતને દૂર કરશે ?

Updated: Jul 20th, 2020

GS TEAM

Google News
Google News
મોદી વસુંધરાને સાચવવા શેખાવતને દૂર કરશે ? 1 - image


નવીદિલ્હી, તા.19 જુલાઈ 2020, રવિવાર

ગેહલોત સરકાર ગજેન્દ્રસિંહ શેખાવત પાછળ હાથ ધોઈને પડી છે ત્યારે ભાજપમાં પણ શેખાવતના મામલે ધમાસાણ મચ્યું છે.  રાજસ્થાનમાં કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાના ઓપરેશન અંગેની ઓડિયો ટેપમાં કેન્દ્રીય પ્રધાન શેખાવતનો અવાજ હોવાનો દાવો કરીને ગેહલોત સરકારે શેખાવત તથા કોંગ્રેસના બે બાગી ધારાસભ્યો સામે રાજદ્રોસનો કેસ ઠોકી દીધો છે.

શેખાવત વોઈસ સેમ્પલ આપવાથી દૂર ભાગી રહ્યા છે. શેખાવત અમિત શાહના ખાસ માણસ ગણાય છે તેથી મોદી સરકાર શેખાવતને બચાવવામાં પડી છે. બીજી તરફ વસુંધરા રાજે કેમ્પ આ કેસના બહાને શેખાવતને પતાવી દેવા પૂરી તાકાત સાથે મચી પડયો છે. ભાજપને ગેહલોત સરકારને ઉથલાવવાના કાવતરા સાથે કંઈ લેવાદેવા નથી એવું સાબિત કરવા શેખાવતને બલિનો બકરો બનાવી દેવા વસુંધરાનું જોરદાર દબાણ છે.  

ભાજપ વસુંધરાને અવગણી શકે તેમ નથી કેમ કે બહુમતી ધારાસભ્યો તેમની સાથે છે. વસુંધરાના વધતા દબાણને જોતાં મોદી ભાજપની આબરૂ સાચવવા શેખાવતને કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી રાજીનામું આપવાનું પણ કહી શકે એવું ભાજપનાં સૂત્રો કહે છે.

ભાજપ સાંસદના પતિને લાભ ખટાવવા દબાણ

દિલ્હી સરકાર વતી દિલ્હીનાં કોમી તોફાનોનો કેસ કોણ લડે એ મુદ્દે લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ અને કેજરીવાલ સરકાર સામસામે આવી ગયાં છે. દિલ્હી પોલીસે કેજરીવાલ સરકારને રમખાણોના કેસ લડવા છ વકીલોની પબ્લિક પ્રોસીક્યુટર તરીકે નિમણૂક કરવા પત્ર લખ્યો હતો. આ વકીલોમાં તુષાર મહેતા અને અમન લેખી પણ છે.

કાર્યકારી ગૃહ મંત્રી મનિષ સિસોદિયાએ સરકારી વકીલ રાહુલ મહેરા જ દલીલો કરશે એવું સ્પષ્ટ કરી દીધું.  બૈજલે સિસોદિયાને બોલાવીને સમજાવવા પ્રયત્ન કર્યો પણ સિસોદિયા મક્કમ રહેતાં બૈજલે કેજરીવાલને લાંબો કાગળ લખ્યો છે.

બંધારણીય નિષ્ણાતોના મતે, બૈજલ ગેરબંધારણીય રીતે વર્તી રહ્યા છે અને વકીલોની નિમણૂક જેવી બાબતમાં પણ માથું મારે એ આઘાતજનક છે. જો કે તેમાં બૈજલનો વાંક નથી કેમ કે બૈજલે તો ઉપરથી આવેલા આદેશનું પાલન કરાવનું છે. તુષાર મહેતા ભાજપની નજીક છે જ્યારે અમન લેખી તો ભાજપના જ છે કેમ કે તેમનાં પત્ની મીનાક્ષી લેખી ભાજપનાં પ્રવક્તા અને સાંસદ છે. આ બંનેને ફાયદો કરાવવાના આ ઉધામા કરાય છે અને દબાણ પેદા કરાઈ રહ્યું છે.   

કુખ્યાત વીરપ્પનની પુત્રી ભાજપ યુવા મોરચાની ઉપપ્રમુખ

ભાજપે તમિલનાડુમાં ચંદન ચોર વિરપ્પનની પુત્રી વિદ્યાને ભાજપ યુવા મોરચાની ઉપપ્રમુખ બનાવી એ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. ઘણાંના મતે ભાજપ તમિલનાડુમાં પોતાના પગ જમાવવા બેબાકળો બન્યો છે તેથી વિરપ્પનનું નામ વટાવવાની હદે જતો રહ્યો એવી કોમેન્ટ કરી રહ્યા છે.

બીજી તરફ ઘણાં ભાજપના પગલાને વખાણી પણ રહ્યા છે. વિરપ્પને કરેલા અપરાધો માટે તેની દીકરીને અન્યાય ના કરી શકાય એવી તેમની દલીલ છે. ભાજપે વિદ્યાને તક આપીને સારું કામ કર્યું છે એવું તેમનું માનવું છે.

વિદ્યા ૨૯ વર્ષની છે અને લો ગ્રેજ્યુએટ છે. વિદ્યાગીરીમાં પોતાની સ્કૂલ ચલાવતી વિદ્યાની સામાજિક કાર્યકર તરીકે આ વિસ્તારમાં ખ્યાતિ છે. વિદ્યા લાંબા સમયથી ભાજપના કાર્યક્રમોમાં હાજર રહેતી પણ વિરપ્પનનાં કૃત્યોના કારણે વિદ્યાને આગળ કરાશે તો તેની નકારાત્મક અસર પડશે એમ માનીને ડરતો હતો. હવે ભાજપે તમામ સંકોચ છોડી દીધો છે અને વિરપ્પનના નામનો રાજકીય ફાયદો લેવા કમર કસી છે.

સુપ્રીમનાં જજે ન્યાયતંત્રની વાસ્તવિકતા છતી કરી

સુપ્રીમ કોર્ટનાં જજ જસ્ટિસ ભાનુમતી રવિવારે નિવૃત્ત થઈ ગયાં. નિર્ભયા બળાત્કાર કેસમાં ચાર હવસખોરોને ફાંસીની સજા આપનારાં જસ્ટિસ ભાનુમતીએ નિવૃત્તિ પહેલાં ન્યાયતંત્રની વાસ્તવિકતાને છતી કરીને અરીસો દેખોડયા તેની ચર્ચા થઈ રહી છે. જસ્ટિસ ભાનુમતીએ વિદાય વખતે કહ્યું કે, ભારતમાં નીચલી અદાલતથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી બધે અવરોધો જ અવરોધો છે અને દેશમાં ન્યાય મળવામાં થતો વિલંબ મોટી સમસ્યા છે.

જસ્ટિસે સ્વીકાર્યું કે, જટિલસ કાનૂની પ્રક્રિયાના કારણે પોતાનો પરિવાર પણ ભોગ બનેલો છે. તેમના પિતાનું બસ અકસ્માતમાં નિધન થયું પછી વળતર માટે વરસો લગી કેસ લડવો પડેલો. કોર્ટે આ દાવાને માન્ય રાખ્યો પણ કાનૂની પ્રક્રિયાના કારણે વળતરની રકમ કદી ના મળી. વિધવા માતા અને બે બહેનો સાથેના  જસ્ટિસ ભાનુમતીના પરિવારને કદી ન્યાય ના મળ્યો.

જસ્ટિસ ભાનુમતીની કબૂલાતને ઘણાંએ નિખાલસ ગણાવી છે તો કેટલાંકે તેની ટીકા પણ કરી છે. લોકો સવાલ કરી રહ્યાં છે કે, જાત અનુભવ છતાં સિસ્ટમને બદલવા તેમણે શું કર્યું ?

ધનખડને મોદીનું  'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ફળ્યું

હરિયાણામાં અંતે ભાજપે ઓ.પી. ધાનખડને પ્રદેશ પ્રમુખ બનાવી દીધા. પ્રદેશ પ્રમુખ મુદ્દે ભારે ધમાસાણ મચ્યું હતું. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને અમિત શાહ કેપ્ટન અભિમન્યુને પ્રદેશ પ્રમુખ બનાવવા માગતા હતા પણ ભાજપના સાથી જેજેપીના દુષ્યંત ચૌટાલાને કેપ્ટન સામે વાંધો હતો. ચૌટાલાએ કેપ્ટનને પ્રદેશ પ્રમુખ બનાવાય તો ટેકો પાછો ખેંચી લેવાની ધમકી આપી પછી મામલો મોદી પાસે પહોંચ્યો હતો.

મોદીએ વચલો રસ્તો કાઢીને ધનખડના નામ પર મંજૂરીની મહોર મારીને એક કાંકરે બે પક્ષી માર્યાં છે. મોદીએ ચૌટાલાને પણ રાજી રાખ્યા અને ધનખડને પોતાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને સારી રીતે પાર પાડવાનો બદલો વાળી આપ્યો. મોદીના સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટના રાષ્ટ્રીય સંયોજક તરીકે ધનખડે સમયસર પ્રોજેક્ટ પૂરો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કારણે ધનખડ મોદીની ગુડ બુકમાં હતા પણ ધનખડ માટે કશુંક કરવાની તક નહોતી મળતી. ચૌટાલાના આકરા તેવરના કારણે એ તક મળી ગઈ ને ધનખડને લોટરી લાગી ગઈ.

મોદીએ અયોધ્યા અપાવ્યું તો દિલ્હી-મથુરા પણ અપાવી દે

દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રાએ ફરી વિવાદ ઉભો કર્યો છે. મિશ્રાએ એક લેખ લખ્યો છે જેનું ટાઈટલ છે, રામમંદિરઃ બાબર ને તુડવાયા, મોદીને બનવાયા. મિશ્રાએ આ લેખમાં દાવો કર્યો છે કે, રામમંદિરનું મોદી દ્વારા પુનર્નિર્માણ આધુનિક વિશ્વની સૌથી યાદગાર ઘટના છે અને લોકો તેને યુગો સુધી યાદ રાખશે. મિશ્રાએ લોહિયાળ સંઘર્ષ અને લાંબી કાનૂની લડાઈ પછી હિંદુઓએ રામમંદિર મેળવ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

સુપ્રીન કોર્ટના ચુકાદાનો યશ મોદીને આપવાની ચાપલૂસી સામે લોકો તૂટી પડયા છે. મિશ્રાના દાવા સામે લોકોએ સવાલ કર્યો છે કે, રામમંદિરની જમીન સુપ્રીમ કોર્ટે મોદીના કહેવાથી આપી છે ? મોદી સુપ્રીમ કોર્ટ કરતાં પણ મોટા છે ? કેટલાક લોકોએ એવો સવાલ પણ કર્યો છે કે, મોદી છ વર્ષથી સત્તામાં છે છતાં રામસેતુ પ્રોજેક્ટમાં કેમ વિલંબ થઈ રહ્યો છે ? યુઝર્સે  એવો કટાક્ષ પણ કર્યો છે કે, મોદીમાં એટલી તાકાત હોય તો કાશી-મથુરા પણ અપાવી દો.

***

બિહારમાં એનડીએની તિરાડ વધી

બિહારમાં કોવિડ મહામારીને સામનો કરવામાં એનડીએના મુખ્ય સાથીદાર અને પ્રદેશનાં મુખ્યમંત્રી નીતીશ કુમારની ભારે ટીકા કરવામાં આવી રહી છે ત્યારે એનડીએના એક અન્ય ભાગીદાર લોક જનશક્તિ પાર્ટીના વડા ચિરાગ પાસવાને કેન્દ્રના બિહારમાં એક ટીમ મોકલવાના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે એક ટ્વિટમાં કહ્યું હતું કે આ મહામારીનો સામનો કરવામાં પ્રદેશની સરકાર નિષ્ફળ રહી છે ત્યારે કેન્દ્રનો એક ટીમ મોકલવાનો નિર્ણય આવકાર્ય છે.જો કે પાસવાને ટ્વિટ કરવાનો જે સમય પસંદ કર્યો હતો તેની સામે સવાલ ઊભા થઇ રહ્યા છે.

આમ પણ નીતીશ કુમારને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ લાવવા બદલ તેમની ટીકા તો થતી જ રહે છે.  કેન્દ્રની ટીમનું બિહારમાં આગમન એ વાત સાબીત કરે છે કે પ્રદેશની સરકાર મહામારીને ટેકલ કરવામાં નિષ્ફળ રહી છે, એવા વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે કરેલી ટીપ્પણીના થોડા કલાકો પછીજ પાસવાને આ ટ્વિટ કર્યું હતું.બે ક્ષેત્રિય પક્ષો વચ્ચેની તિરાડ એ વખતે વધુ પહોંળી થઇ હતી કે જ્યારે પાસવાને પણ તેજસ્વી યાદવના ચૂંટણી યોજવા સામે  નારાજગી વ્યકત કરવાના વિચારની જેમ વાત કરી હતી.

રાજેના નિવેદન કોંગ્રેસ વિરૂધ્ધ હળવું

લાંબા ગાળાના મૌન પછી કોગ્રેસની આંતરિક જુથ બંધીના કારણે રાજ્યની પ્રજાને સહન કરવું પડે છે એવા પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના નિવેદનથી તેમના વિરોધીઓ થોડા શાંત જરૂર થયા હતા, પરંતુ કોંગ્રેસ વિરૂધ્ધ જે તેજાબી અને અત્યંત કઠોર નિવેદનો કરવા જોઇએ એ ના કરતા તેમની સામે સવાલો ઊભા થઇ રહ્યા છે.

તેમના નિવેદનના બે દિવસ પહેલાં જ એનડીએના એક સાથીદાર પક્ષ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના વડા અને સાંસદ હનુમાન બેનીવાલે રાજે પર ગેહલોતને મદદ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.રાજેના ૩ઃ૨૫ ના ટ્વિટમાં બેનીવાલના  નિવેદનનો કોઇ જ ઉલ્લેખ નહતો. ત્યાર પછી સાંજે સાડા છ વાગે ફરીથી કરેલા ટ્વિટમાં તેમણે અસ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો.'કેટલાક લોકો વાસ્તવિકતા જાણ્યા વિના જ રાજસ્થાનની રાજકીય સ્થિતિ અંગે ઝેર ફેલાવવાનો પ્રયાસ કરે છે. છેલ્લા ત્રણ દાયકાથી હું એક વફાદાર કાર્યકરની જેમ પ્રદેશના લોકોની સેવા કરતી આવી છું. હું હમેંશા પક્ષ અને તેની વિચારધારાની સાથે જ ઊભી હતી.

મધ્ય પ્રદેશમાં એક વધુ કોંગ્રેસીએ રાજીનામું આપ્યુ, પદ મળ્યો

રાજસ્થાનમાં રાજકીય સ્થિતિ થાળે પડી નથી ત્યાં જ મધ્ય પ્રદેશમાં સત્તા મેળવવાની લાલચમાં કોંગ્રેસના નેપાનગરના  ધારસભ્ય સુમિત્રા દેવી કાસ્ડેકરે પણ રાજીનામું આપ્યું હતું. તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. કાસ્ડેકર કોંગ્રેસના એઆઇસીસીના વડા અરૂણ યાદવની નજીક મનાયા છે. રાજીનામું આપ્યા પછી તેઓ ભાજપમાં જોડાયા હતા.

અગાઉ બડા માલહેરાના ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ લોધી પણ કોંગ્રેસ છોડી ગયા હતા અને તેમને નાગરિક પુરવઠા નિગમના વડા બનાવવામાં આવ્યા હતા. અત્યારે મુખ્યમંત્રી ચૌહાણે ૧૪ કોંગ્રેસીઓને પોતાની સરકારમાં ગોઠવ્યા છે જેઓ સિંધીયાની સાથે કોંગ્રેસને છોડીને આવ્યા હતા. આમ કુલ ૨૪ કોંગ્રેસી ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના પ્રવ કતા ભુપેન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે ભાજપે દેશના રાજકારણને 'મંડી'માં ફેરવી દીધું હતું. તેમની આ હરકતને ના તો પ્રજા કે ન તો લોકશાહી માફ કરશે.

દિલ્હીમાં કોરોનાના કારણે મૃત્ય પામેલાઓની સંખ્યામાં તફાવત

૧૭ જુલાઇ સુધીમાં દિલ્હીની ત્રણ મ્યુ.કોર્પો.માં ૪૧૫૫ મૃત્ય નોંધાયા હતા.પરંતુ દિલ્હીની સરકારે આંકડો ૩૫૭૧ બતાવ્યો હતો.આમ ૫૮૪ મૃત્ય ઓછા બતાવ્યા હતા.આમ દિલ્હીની ત્રણે મ્યુ.કોર્પો.ના આંકડા કરતાં સરકારના આંકડા અલગ હતા.દિલ્હી સરકારના વરિષ્ઠ નેતાએ  નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે  

દસમી જુલાઇ સુધીના મૃત્યના આંકડા કન્ફર્મ છે. આ આંકડા દિલ્હીના આરોગ્ય મંત્રાલયને આપી દેવામાં આવ્યા હતા. પરંતુ દરેક મ્યુ.કોર્પો.ના આંકડા હજુ અમને મળ્યા નહીં હોવાથી તફાવત હોઇ શકે છે.

લોકડાઉનના કારણે મનરેગા નોકરીમાં સંખ્યા વધી, પણ હજુ બેકારી છે જ

દેશમાં લોકડાઉનના કારણે અનેક લોકોની નોકરી છુટી જતાં તેઓ ગામડાઓમાં જતા રહ્યા હતા જ્યાં તેમને મનરેગામાં નોકરી મળી ગઇ હતી. તેમ છતાં સાત જુલાઇ સુધી અરજદારો પૈકીના ૨૨ ટકા લોકોને એ નોકરી પણ મળી નહતી.નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટના નવા રેકોર્ડ અનુસાર,અપ્રિલ અને જૂન વચ્ચે ૭.૬૨ કરોડ લોકોને રાજગાર મળ્યો હતો.પરંતુ ઉત્તર પ્રદેશમાં ૩૦ ટકાને નોકરી મળી નહતી. ત્યાર પછી બીજા ક્રમે બિહાર હતો જ્યાં ૨૪ ટકા લોકોને નોકરી મળી નહતી.

- ઇન્દર સાહની

Tags :