Get The App

દિલ્હીની વાત : વિપક્ષ મોદીને પત્ર લખશે

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : વિપક્ષ મોદીને પત્ર લખશે 1 - image

નવીદિલ્હી : વિરોધ પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખવાની તૈયારીમાં છે. આ પત્રમાં જૂના મહિલા અનામત બિલને લાગુ કરવાની માંગણી કરવામાં આવશે. સૂત્રોના કહેવા પ્રમાણે આ બાબતે ઇન્ડિયા ગઠબંધનના પક્ષો દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કરવામાં આવશે કે વિરોધ પક્ષો મહિલા સમર્થનને પુરુ સમર્થન કરે છે, પરંતુ એની આડમાં દેશનો રાજકીય નકશો બદલવાની કોશિષ કરવામાં આવે છે. હમણા જ મળેલી એક બેઠકમાં સોનિયા ગાંધીએ તમામ સાથી પક્ષોનો આભાર માન્યો હતો. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારને કહ્યું છે કે સોમવારે જ જૂનુ મહિલા અનામત બિલ સંસદમાં રજુ કરે. જે બિલ બાબતે તમામ પક્ષોની સહમતી હતી એ તરત રજુ કરવું જોઈએ. જો સરકાર એમ કરશે તો વિરોધ પક્ષો સરકારને પૂરો ટેકો આપશે.

ઉદયનીધિએ કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા

તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી ૨૩મી એપ્રિલે છે. ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. તામિલનાડુના ઉપમુખ્યમંત્રી ઉદયનીધિ સ્ટાલીનએ કેન્દ્ર સરકાર પર આક્ષેપો કર્યા છે. સ્ટાલીનનો આક્ષેપ છે કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ફંડ આપતી નથી. તામિલનાડુના અધિકારો ઝૂટવી લેવામાં આવ્યા છે. કેન્દ્રએ શિક્ષણ માટે ત્રણ હજાર કરોડ રૂપિયાનું ફંડ રીલીઝ કર્યું નથી. મુખ્યમંત્રી એમ કે સ્ટાલીન દેશના પહેલા વ્યક્તિ છે જેમણે નવા સિમાંકન બાબતે કેન્દ્ર સરકાર સામે અવાજ ઉઠાવ્યો હોય. લોકસભામાં જે રીતે મહિલા અનામત બિલ પસાર નથી થયું એ ગઠબંધન માટે મોટી જીત છે. પૂર્વ મુખ્યમંત્રી કે પલાનીસ્વામી છઠ્ઠી વખત એડપ્પાડી વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડશે. ડીએમકેના નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે કે પલાનીસ્વામી આ બેઠક પરથી હારી જાય.

'મહિલાઓના મસિહા બનવાનું સહેલું નથી'

લોકસભામાં મહિલા અનામત સુધારણા બિલ પસાર નહીં થયા પછી કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી - વાડ્રાએ સરકારની ટીકા કરી છે. એમના કહેવા પ્રમાણે જે કઈ થયું એ લોકશાહી અને બંધારણની મોટી જીત છે. પ્રિયંકા ગાંધીનો આરોપ છે કે સરકારે લોકશાહીને નુકસાન કરવા માટે કાવતરૂ કર્યું હતું. જોકે વિરોધપક્ષોએ ભેગા થઈને આ કાવતરાને નિષ્ફળ કર્યું છે. આ જીત વિરોધપક્ષોના સંપની જીત છે. સત્તાધારી પક્ષના નેતાઓના હતાશ થયેલા ચહેરા આ વાતની ચાડી ખાય છે. સરકારે કોઈપણ હિસાબે સત્તા ટકાવી રાખવી છે અને એ માટે મહિલાઓના મુદ્દાનો ઉપયોગ કરવામાં આવે છે. સરકાર વિચારતી હતી કે જો બિલ પાસ થઈ જશે તો એનો રાજકીય ફાયદો મળશે અને બિલ પાસ નહીં થાય તો બીજા પક્ષોને મહિલા વિરોધી જાહેર કરીને પોતાને મહિલાઓના મસિહા બતાવી શકાશે.

બંગાળ ચૂંટણી માટે હાઇકોર્ટે સહાયક પ્રોફેસરોની નિમણૂક રદ કરી

પશ્ચિમ બંગાળમાં ૨૩મી એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન થશે. કલકત્તા હાઇકોર્ટે ચૂંટણી કમિશનનો એક નિર્ણય રદ કર્યો છે. ચૂંટણી કમિશન ચૂંટણી માટે કેટલાક સહાયક પ્રોફેસરોનો ચૂંટણી અધિકારી તરીકે ઉપયોગ કરવા માંગતું હતું. પશ્ચિમ બંગાળ સરકારી કોલેજ શિક્ષક સંઘે આ બાબતનો વિરોધ કર્યો હતો. આવેદનપત્ર આપવા ઉપરાંત એમણે જાહેર કર્યું હતું કે સહાયક પ્રોફેસરો પોતાની ફરજ નિભાવી રહ્યા છે, પરંતુ એમના પગાર વિશે વિચાર્યા વગર એમને બીજી કામગીરી સોપાય છે. આ બાબતે હાઇકોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. જસ્ટીસ કૃષ્ણા રાવે પ્રોફેસરોની ચૂંટણી અધિકારી તરીકે કરવામાં આવેલી નિમણૂક રદ કરી દીધી હતી.

મહારાષ્ટ્રમાં મરાઠી નહીં શીખવનાર સ્કૂલો સામે કાર્યવાહી થશે

મહારાષ્ટ્ર સરકારે રાજ્યની તમામ સ્કૂલોમાં ૧ થી ૧૦ ધોરણ સુધી મરાઠી ભાષા ફરજીયાત કરી છે. જે કોઈ સ્કૂલ આ નિયમનું પાલન નહીં કરે એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સ્કૂલ શિક્ષા વિભાગે આ બાબતે એક વિસ્તૃત સરકારી હુકમ બહાર પાડયો છે. આ હુકમમાં કહેવામાં આવ્યું છે કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧થી રાજ્યની તમામ સ્કૂલોમાં મરાઠી વિષય ફરજીયાત છે. નિયમ ભંગ કરનાર સ્કૂલોને પહેલા નોટીસ આપવામાં આવશે. સ્કૂલ મેનેજમેન્ટે ૧૫ દિવસની અંદર સ્પષ્ટતા કરવી પડશે. જો સ્કૂલનો જવાબ સંતોષકારક નહીં હોય તો એની પાસેથી એક લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. એ સાથે જ સ્કૂલને આગલા શૈક્ષણિક વર્ષથી મરાઠી ભાષા ફરજીયાત શીખવવાનો આદેશ કરવામાં આવશે.

'છોકરીઓ શોર્ટસ પહેરીને યૌન શોષણને આમંત્રણ આપે છે'

તામિલનાડુ રાષ્ટ્રીય વિધિ વિશ્વ વિદ્યાલય (ટીએનએનએલયુ)ના કુલપતિ વી નાગરાજએ હાફ પેન્ટ પહેરનાર યુવતીઓ યૌન શોષણને આમંત્રણ આપે છે એ પ્રકારનું નિવેદન આપ્યું હતું. આ નિવેદન પછી મોટો વિવાદ થયો છે. કુલપતિના આ નિવેદન પછી ગુસ્સે થયેલા વિદ્યાર્થીઓએ આખી રાત વિરોધ પ્રદર્શન કરીને નાગરાજ પાસે માફી મંગાવવાનો આગ્રહ રાખ્યો હતો. જોકે મામલો શાંત કરવા માટે ટીએનએનએલયુના એક વરિષ્ઠ અધિકારીએ વીસીએ આપેલું આ નિવેદનને પિતા તરીકેની સલાહ ગણાવ્યું હતું. એક ભાષણમાં વીસી નાગરાજે એમ પણ કહ્યું હતું કે, આવા કપડા પહેરવાથી બીજા વિદ્યાર્થીઓનું ધ્યાન પણ વિચલીત થાય છે. વિરોધ કરનાર વિદ્યાર્થીઓએ કેટલાક સ્લોગનો લખીને પણ વહેચ્યા હતા. 'વિચાસરણીને દોષિત ગણો, કપડાને નહીં' જેવા લખાણવાળા પ્લાઇકાર્ડ પણ વિદ્યાર્થીઓએ બતાવ્યા હતા.

તામિલનાડુના રાજકારણમાં હંમેશા ફિલ્મસ્ટાર્સનો દબદબો

તામિલનાડુમાં મોટા ફિલ્મસ્ટાર્સ સફળતા પછી રાજકારણનો રસ્તો પકડે છે. ફિલ્મોમાં બોલાતા ડાયલોગ્સ તેઓ મત મેળવવા માટે જાહેર રેલીમાં બોલે છે. બોક્સ ઓફિસ બેલેટ બોક્સ બની જાય છે. ચેન્નઇના રસ્તાઓ ઉપર બારે દિવસ મોટી સાઇઝના કટઆઉટ જોવા મળે છે. આખુ વર્ષ રાજકારણીઓના બેનર્સ દેખાતા હોય છે, પરંતુ ચૂંટણી સમયે ચૂંટણી લડી રહેલા ફિલ્મસ્ટાર્સના મોટા કદના કટઆઉટ દરેક ગલીએ જોવા મળે છે. તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચા સી જોસેફ વિજય ઉર્ફ થલાપતી વિજયની થઈ રહી છે. વિજયની ગણના ટોચના ફિલ્મસ્ટાર તરીકે થાય છે અને એણે સ્થાપેલા પક્ષે વિધાનસભાની ચૂંટણીમાં ઝુકાવ્યું છે. રાજ્યના પાંચ મુખ્યમંત્રીઓના સંબંધો કોઈને કોઈ રીતે ફિલ્મો સાથે રહ્યા હતા. અન્ના દુરઇ ફિલ્મોના ડાયલોગ લખતા હતા તો કરૂણાનિધિ સ્ક્રીપ્ટ રાઇટર હતા. એમજીઆર એક્ટરમાંથી સીએમ બન્યા હતા.