mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

'વન નેશન વન ઈલેક્શન' ખરડાનો છેદ ઉડયો

Updated: Sep 18th, 2023

'વન નેશન વન ઈલેક્શન' ખરડાનો છેદ ઉડયો 1 - image


નવીદિલ્હી : સરકાર સંસદના વિશેષ સત્રમાં વન નેશન, વન ઈલેક્શનને લગતો ખરડો લાવશે એવી અટકળોનો અંતે છેદ ઉડી ગયો છે કેમ કે સરકારે બનાવેલી સમિતીની બેઠક સંસદનું વિશેષ સત્ર પૂરું થાય પછી મળવાની છે.  સરકારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વડપણ હેઠળ સમિતિની રચના કરી છે. આ સમિતિની પ્રથમ બેઠક ૨૩ સપ્ટેમ્બરે યોજાશે જ્યારે સંસદનું વિશેષ સત્રવ ૨૨ સપ્ટેમ્બરે તો પૂરું થઈ જશે એ જોતાં વન નેશન, વન ઈલેક્શનને લગતો ખરડો આવવાની કોઈ શક્યતા નથી.

આ  કમિટીમાં અમિત શાહ અને કોંગ્રેસના અધીર રંજન ચૌધરીનો સમાવેશ કરવામાં આવ્યો છે પણ ચૌધરીએ સમિતીમાં રહેવાનો ઈન્કાર કરી દેતાં તેમના સ્થાને નવા સભ્યની નિમણૂક પણ બાકી છે. સરકાર જગન મોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ કે નવિન પટનાઈકની બીજેડીમાંથી કોઈ સાંસદની ચૌધરીના સ્થાને નિમણૂક કરશે એવું મનાય છે.

કમલનાથે પૂછયા વિના 'ઈન્ડિયા' રેલી રદ કરી

ભાજપ વિરોધી મોરચા ઈન્ડિયાની પહેલી રેલી ભોપાલમાં યોજાશે એવી જાહેરાત કરાઈ હતી પણ આ રેલી રદ કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, આ રેલી રદ કરાયાની જાહેરાત ઈન્ડિયાની કો-ઓર્ડિનેશન કમિટીના કોઈ સભ્યે નહીં પણ મધ્ય પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કમલનાથે કરી છે. કમલનાથે એક પ્રેસ કોન્ફરન્સમાં એલાન કર્યું કે, ઈન્ડિયાની આ રેલી હવે ભોપાલમાં નહીં થાય અને આ  કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે કે, મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે જ વિપક્ષી નેતાઓ આવીને માહોલ ના બગાડે એટલે કમલનાથે કોઈને પૂછયા વિના આ જાહેરાત કરી નાંખી છે. ઉદયનિધી સ્ટાલિને સનાતન ધર્મને કોરોના સાથે સરખાવ્યો તેના કારણે વિવાદ થયો છે. ઈન્ડિયાની રેલીમાં આવા લવારા થાય તો કમલનાથની મહેનત પર પાણી ફરી વળે તેથી કમલનાથ કોઈને ઈચ્છતા નથી. તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડને પણ આ વાત કહી દીધી છે.

બઘેલ સરકાર આંગણવાડી સ્ટાફ પર બરાબર રીઝી

છત્તીસગઢની કોંગ્રેસ સરકારે આંગણવાડી કાર્યકરો અને સહાયકોનની નિવૃત્તિ વય મર્યાદા વધારીને ૬૫ વર્ષ કરી દેતાં આંગણવાડી કાર્યકરો અને સહાયકો ખુશખુશાલ છે.  અત્યાર સુધી નિવૃત્તિ વય ૬૨ વર્ષ હતી ને તેમાં ત્રણ વર્ષનો વધારો કરીને ૬૫ વર્ષ કરવામાં આવી છે. આ પહેલાં બઘેલ સરકારે ૨૦૨૩-૨૪ના બજેટમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકોનું માનદ વેતન વધાર્યું હતું. ૧ એપ્રિલ, ૨૦૨૩ થી તેનો અમલ પણ કરી દેવાયો છે. હવે આંગણવાડી કાર્યકરોને ૧૦,૦૦૦ રૂપિયા જ્યારે આંગણવાડી સહાયકોને રૂપિયા ૫,૦૦૦ મળે છે.  મીની આંગણવાડી કાર્યકરોનું માનદ વેતન ૭,૫૦૦ પ્રતિ માસ કરવામાં આવ્યું છે.

વિશ્લેષકોના મતે, બઘેલ સરકારે લીધેલા નિર્ણયના કારણે વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો થશ તેમાં બેમત નથી પણ આ નિર્ણય જરૂરી હતો. આંગણવાડી કાર્યકરો અને સહાયકોની મહેનતના પ્રમાણમાં તેમને બહુ સામાન્ય વળતર મળે છે ત્યારે નોકરીનાં વરસો લંબાતાં રાહત થશે.

સંસદમાં ઘ્વજારોહણ, ખડગેની ગેરહાજરીની ટીકા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નવા સંસદ ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશને સમર્પિત કર્યું એ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. હૈદરાબાદમાં ચાલી રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં હાજરી આપવાની હોવાથી ખડગે આ કાર્યક્રમમાં હાજર નહોતા રહ્યા. ખડગેએ રાજ્યસભા સચિવાલયને પત્ર લખીને પહેલાં જ તેની જાણ કરી દીધી હતી પણ ખડગેએ દેશ માટે મહત્વના કાર્યક્રમને બદલે પક્ષને મહત્વ આપ્યું એ બદલ તેમની ટીકા થઈ રહી છે.

ભાજપના નેતાઓનું કહેવું છે કે, નવી સંસદ ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ ઐતિહાસિક છે પણ ખડગેને એ કાર્યક્રમ મહત્વનો ના લાગ્યો. કોંગ્રેસ દેશ અંગે શું વિચારે છે તેનું આ ઉદાહરણ છે.

કોંગ્રેસનું કહેવું છે કે, કોંગ્રેસના નેતા હાજર ના રહી શકે એટલે છેલ્લી ઘડીએ રવિવારે આ કાર્યક્રમ રખાયો હતો. સીડબ્લ્યુસીની બેઠક તો પહેલેથી નક્કી હતી.

નીતિશે કોંગ્રેસને મૂંઝવણમાં મૂકી દીધી

ભાજપ વિરોધી વિપક્ષી મોરચા ઈન્ડિયા દ્વારા ૧૪ ટીવી એન્કર્સનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો પણ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ નિર્ણયને ફગાવી દીધો છે. નીતિશ કુમારે સાફ શબ્દોમાં કહ્યું કે, પોતે કોઈ એન્કરની વિરૂધ્ધ નથી કે કોઈના બહિષ્કારની તરફેણ પણ કરતા નથી. નીતિશે કેટલાક પત્રકારો દબાણના કારણે સરકારતરફી વલણ લેતા હશે એવી ટીકા કરી પણ તેના કારણે બહિષ્કાર ના કરી શકાય એ પણ સ્પષ્ટ કર્યું.

નીતિશની જાહેરાતે કોંગ્રેસને મૂંઝવણમાં મૂકી દીધી છે. કોંગ્રેસ હવે ન્યુઝ એન્કર્સનો બહિષ્કાર પાછો ખેંચે તો લોકોની નજરમાં હાસ્યાસ્પદ બને. માનો કે બહિષ્કારના નિર્ણયને વળગી રહે તો ઈન્ડિયામાં એકતા નથી એવો મેસેજ જાય. નીતિસના પગલે અખિલેશ યાદવ અને આમ આદમી પાર્ટી પણ બહિષ્કારના નિર્ણયાંથી ખસી જશે એવું લાગે છે. આ સંજોગોમાં એકલી કોંગ્રેસ બહિષ્કાર કરે તેનાથી કોઈ ફરક નહીં પડે.

***

પત્રકારો પરના પ્રતિબંધ વિષે નીતિશ અજાણ

નવા વિપક્ષી મોરચા ઇન્ડિયાના પાયારૂપ ઘટક જેડી(યુ)ના અગ્રણી અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે પત્રકારો પરના પ્રતિબંધને વખોડતા કહ્યું કે તેઓ પત્રકારો પરના પ્રતિબંધના વિરોધી છે. નવા ઇન્ડિયા મોરચાએ પત્રકારોના કરેલા બહિષ્કાર વિષે તેઓ અજાણ છે. જ્યારે બધાને સંપૂર્ણ આઝાદી છે ત્યારે પત્રકારો એમને ફાવશે એ લખશે શું તેઓ સ્વતંત્ર  નહિ? મેં ક્યારે ય એમના પર નિયંત્રણ મૂક્યા છે? પત્રકારોને ચાહે તે લખવાનો અધિકાર છે. હું કોઇનો વિરોધી નથી, એમ કુમારે ઉમેર્યું.

પત્રકારોનો બહિષ્કાર કરાયો નથી ઃ પવન ખેરા

કોંગ્રેસી નેતા પવન ખેરાએ શનિવારે સ્પષ્ટતા કરી કે ઇન્ડિયા મોરચાએ ૧૪ પત્રકારોનો બહિષ્કાર કર્યો નથી. એ અસહકારનું  આંદોલન છે. કશું કાયમી નથી. જો આવતીકાલે ઇન્ડિયાની યાદીમાં સામેલ પત્રકારોને ખ્યાલ આવે કે તેઓ જે કંઇ કરી રહ્યા હતા એ ભારત દેશ માટે સારૂં નથી, તો ઇન્ડિયા મોરચાના નેતાઓ ફરીથી એમના (પત્રકારોના) કાર્યક્રમોમાં હાજર રહેશે. ઇન્ડિયા મોરચાએ કોઇ પત્રકારનો ના તો બહિષ્કાર કર્યો છે કે ના એમના પર પ્રતિબંધ મૂક્યો છે કે ના એમને બ્લેક લિસ્ટેડ કર્યા છે, એમ ખેરાએ ઉમેર્યું.

અન્ય પત્રકારોને સ્મૃતિ ઇરાની સાવધ કરે છે

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ મધ્યપ્રદેશના સિહોરમાં ભાજપે યોજેલી જન આશીર્વાદ યાત્રાના ભાગરૂપે રેલીને સંબોધતા કહ્યું કે વિપક્ષો પત્રકારોના પ્રશ્નોથી ગભરાય છે. વિપક્ષી ઇન્ડિયા મોરચાએ ૧૪ ટીવી ન્યુઝ એન્કરોના કરેલા બહિષ્કાર છતાં અહીં ઉપસ્થિત પત્રકારોની હું આભારી છું. કોંગ્રેસે બહિષ્કૃત કરેલા ૧૪ પત્રકારોની યાદીમાં તમારૂં નામ પણ તેઓ (વિપક્ષ) નહિ ઉમેરે એવી આશા છે. ગાંધી પરિવાર પત્રકારોના પ્રશ્નોથી ડરી જાય એટલું બીકણ હોવાની અગાઉ જાણ નહોતી. નોંધનીય છે કે ઇન્ડિયા મોરચાએ ગુરૂવારે વિપક્ષના કવરેજમાં પક્ષપાત કરવા બદલ ઇન્ડિયા મોરચા દ્વારા જેનો બહિષ્કાર કરાશે એવા ૧૪ ન્યુઝ અન્કરોની યાદી પ્રસિધ્ધ કરી છે.

નીતિશ સરકાર ફરી એક વાર શોભજનક પરિસ્થિતિમાં

બિહારની નીતિશકુમાર સરકારના શિક્ષણમંત્રી ચંદ્રશેખરે હિંદુ ધર્મગ્રંથ રામચરિતમાનસને પોટેશ્યમ સાઇનાઇડ સાથે સરખાવીને એમની રાજ્ય સરકાર માટે ફરી એકવાર ક્ષોભજનક પરિસ્થિતિ ઊભી કરી છે. વિપક્ષે આ ટિપ્પણીને સનાતન ધર્મનું અપમાન ગણાવી છે. રાષ્ટ્રીય જનતા દળ  (આરજેડી)ના નેતા ચંદ્રશેખરે નવ માસમાં આ બીજીવાર હિંદુ ધર્મવિરોધી ઝેર ઓક્યું છે. સાથી-પક્ષો પર જેનું ભાવિ નિર્ભર છે એ મુખ્યમંત્રી નીતિશકુમારે આવી પરિસ્થિતિમાં લાચાર બની રહેવા સિવાય છૂટકો નથી. ભાજપે મંત્રી ચંદ્રશેખરના રાજીનામાની માગણી કરી છે.

મમતાના સાંસદનો વિદેશ મંત્રાલયને પત્ર

હાલમાં વિદેશપ્રવાસ ખેડી રહેલાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દુબઇ એરપોર્ટ ખાતે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમાસિંઘેને મળ્યાં. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષી નેતા એવા ભાજપના ધારાસભ્ય સુવેન્દુ અધિકારીએ આ મુલ્કાતની ઠેકડી ઉડાડતા, મમતાના પક્ષ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રિએને શનિવારે વિદેશમંત્રી એસ. શંકરને પત્ર પાઠવી, અધિકારીની નુકતેચીની સામે નારાજગી વ્યક્ત કરી. અધિકારીએ શ્રીલંકાની સરકાર તથા પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચેના આર્થિક સહકારને અવરોધવાની કોશિશ કરી હોવાનો ડેરેકે પત્રમાં આક્ષેપ કર્યો છે. 

કોટા એરપોર્ટ અંગે ગેહલોતને ઝાટકતા સિંધિયા

રાજસ્થાનના કોટા શહેરમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર થઇ રહ્યું છે. આ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ૪૪૦ હેકટર જમીનની જરૂર છે, જેની સામે રાજ્યની અશોક ગેહલોત સરકારે એને ૩૩.૪ હેકટર જમીન પૂરી પાડી છે. આમ છતાં ગેહલોતે કેન્દ્ર સરકારને એરપોર્ટના બાંધકામમાં થઇ રહેલા વિલંબ બદલ દોષિત ગણાવતા, નાગરિક ઉડ્ડયન મંત્રીએ ગેહલોતની વાતને ગેરમાર્ગે દોરનારી અને હકીકતોને ધ્યાનમાં લીધા વિનાની કહી.

- ઇન્દર સાહની


Gujarat