Get The App

દિલ્હીની વાત : ચાલુ ચૂંટણીએ ઘોષણાઓ : નિયમોનું ધરાર ઉલ્લંધન

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
દિલ્હીની વાત : ચાલુ ચૂંટણીએ ઘોષણાઓ : નિયમોનું ધરાર ઉલ્લંધન 1 - image


નવીદિલ્હી : દેશની પાંચ રાજ્ય વિધાનસભા ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયાઓ યોજાઇ રહી છે એ અરસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી નેતા બિરસા મુન્ડાની જન્મજયંતી ૧૫ નવેમ્બરે ૨૪૦૦૦ કરોડના પીવીટીજી (પ્રધાનમંત્રી વલ્નરેબલ (આક્રમણ થઇ શકે એવું) ટ્રાઇબલ ગૃપ) વિકાસ મિશનનો પ્રારંભ કરાવ્યો. સાથે જ, પીએમ કિસાન સ્કીમ અંતર્ગત ખેડૂતો માટે ૧૮,૦૦૦ કરોડ છૂટા કર્યા. છત્તીસગઢમાં પ્રથમ તબક્કાના મતદાનના બે દિવસ અગાઉ એટલે કે ૪ નવેમ્બરે મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના વિસ્તરણની ઘોષણા કરી હતી. બીજી બાજુ, ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશના મતદારોને નિ:શુલ્ક રામમંદિર યાત્રાની ઓફર કરી છે. ભાજપ આ જાહેરાતોને ચૂંટણી સાથે સંબંધ નહિ હોવાનું જણાવે છે, જ્યારે ચૂંટણી-નિષ્ણાતો નીતિવિષયક જાહેરાતોને ચૂંટણી-નિયમોનો સ્પષ્ટ ભંગ ગણાવે છે. જો કે ચૂંટણીપંચ એમને અટકાવવા માટે લાચાર છે. ચૂંટણી-તજજ્ઞાો સોશ્યલ મીડિયા પર થતા પ્રચારને ય ટાંકીને કહે છે કે ચૂંટણી પંચના નિયમો એને રોકવામાં નિષ્ફળ નીવડયા છે. ચૂંટણી પંચને ચૂંટણી નિયમોના ભંગની ફરિયાદો મળી છે, જેને તપાસાઇ રહી છે.

અન્ય પક્ષોની જીતથી પાકિસ્તાનમાં ઉજવણી થશે

મધ્યપ્રદેશના ગૃહમંત્રી અને ભાજપ ઉમેદવાર નરોત્તમ મિશ્રાએ શુક્રવારે એમના દાતિયા વિધાનસભા મતવિસ્તારમાં મતદાન કર્યા પછી કહ્યું કે ચૂંટણીમાં કમળનું બટન દબાવવાથી ભારતમાં સુખાકારી આવશે. જો કે હાલમાં યોજાઇ રહેલી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં જો ભાજપ સિવાય અન્ય કોઇ પક્ષ જીતશે તો પાકિસ્તાનમાં ઉજવણી થશે. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કમળનું બટન દબાવવાનો અર્થ લશ્કરે સરહદી સુરક્ષાને સંગીન બનાવવી એવો થાય છે. વડાપ્રધાન મોદીના વિજયની શક્યતાએ પાકિસ્તાનને હતાશ કરી નાખ્યું છે. કમળનું બટન, ત્રાસવાદીઓમાં ભય પેદા કરે એવું, એમનામાં ધાક બેસાડે એવું ગણાય છે, એમ મિશ્રાએ અખબારી મુલાકાતમાં જણાવ્યું.

મહુઆ મોઇત્રાની સંભવિત બરતરફીનો વિરોધ

૧૨૦થી વધુ સનદી અધિકારીઓ, માનવ અધિકાર કાર્યકરો અને શિક્ષણવિદોએ તૃણમૂલ કોંગ્રેસી સાંસદ  મહુઆ  મોઇત્રાની સાંસદપદેથી સંભવિત હકાલપટ્ટી સામે હતાશા વ્યક્ત કરી છે. એમણે મોઇત્રાને કોર્પોરેટ જૂથની પ્રવૃત્તિઓ વિષે વ્યાજબીપણે અવાજ ઉઠાવનારાં ગણાવ્યા છે. એમની બરતરફીથી દેશના જાહેર હિતની બાબતો પર દૂરગામી વિપરિત અસર પડી શકે, એમ ઉપરોક્ત અગ્રણીઓના ૧૫ નવેમ્બરના નિવેદનમાં જણાવાયું છે. અગ્રણીઓએ કહ્યું કે મોઇત્રાની હકાલપટ્ટી અગાઉ એમની સામેના આક્ષેપોની સંસદીય અને ન્યાયિક સ્તરે છાનબિન થવી જોઇએ. મોઇત્રાના કેસમાં ઉદભવતી બાબતોને કોર્પોરેટ કક્ષાના આંતરિક હિતોના સંઘર્ષ જેવી સાંકડી દ્રષ્ટિથી મૂલવી શકાય નહિ. એ એક કોર્પોરેટ જૂથ સામે ભારતીયોના સમગ્ર જૂથનો મુદ્દો વધુ છે. આ બાબતોને સમગ્રતયા તપાસાય નહિ ત્યાં સુધી મોઇત્રાને બરતરફ કરવાથી સંસદને પોતાને તથા મોઇત્રાને પણ અન્યાય થશે, એમ ૧૨૦ અગ્રણીઓએ કહ્યું.

પિતાને કોહલી સાથે સરખાવતાં સંસદસભ્ય કવિતા

ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ના વિધાન પરિષદ સભ્ય અને તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવના પુત્રી કે.કવિતાએ, બુધવારે ક્રિકેટ વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ન્યુઝિલેન્ડની ટીમ સામે કારકિર્દીની, વિક્રમસર્જક ૫૦મી સદી કરનાર વિરાટ કોહલીની તુલના પોતાના પિતા સાથે કરતા એક્સ પર લખ્યું કે મુખ્યમંત્રી કેસીઆરની જેમ જ વિરાટ કોહલીને પરાસ્ત કરી શકાય એમ નથી. જ્યારે નિષ્ણાતો સક્રિય હોય છે ત્યારે જાદુ થતા હોય છે. કોંગ્રેસે કવિતાની ટીકા કરતા એક્સ પર જણાવ્યું કે દેશ માટે રમવું અને કમિશન ખાવા રમવું એ બેમાં ફેર છે. કોહલી ક્રિકેટમાં અતુલનીય છે, તો કાલેશ્વરમ કૌભાંડમાં કેસીઆર બેજોડ છે, એમ કોંગ્રેસે જણાવ્યું.

હોસ્પિટલમાં સર્જરી કરતા ટેકનિશિયનો : બે મોત

દિલ્હી પોલીસે શહેરના ગ્રેટર કૈલાસ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર ચલાવતા અને યોગ્ય પદવીઓ વિના દર્દીનું સર્જરી-કાર્ય કરવાના કામમાં સંડોવાયેલા બે ડોકટરો તથા બે ટેકિનશિયનોને ઝડપી લીધા છે. આ આરોગ્ય કેન્દ્ર અગરવાલ મેડિકલ સેન્ટર ચલાવનાર ડો. નીરજ અગરવાલ, એમના પત્ની અને પૂર્વ - ટેકિનશિયન પૂજા અગરવાલ, ડો. જસપ્રીત સિંઘ અને લેબ ટેકિનશિયન મહેન્દ્ર સિંઘને ઝડપી લેનાર પોલીસે જણાવ્યું કે અસગ્ગર અલી (૪૫) નામના દર્દીના મોતના કેસમાં પોતાનો રિપોર્ટ આપનાર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ), દિલ્હીના મેડિકલ બોર્ડના રિપોર્ટના આધારે ઉપરોક્ત ચાર વ્યક્તિઓની ધરપકડ કરાઇ છે. આ દર્દીની સર્જરી, એ માટેની શૈક્ષણિક યોગ્યતા નહિ ધરાવતા સ્ટાફના હાથે થઇ હોવાના પુરાવાને પણ અટકાયત માટેનો આધાર બનાવાયો હતો, એમ પોલીસે ઉમેર્યું.

સૂરજેવાલાએ ભાજપને જીતાડયો હતો : પ્રમોદ ક્રિષ્ણમ

કોંગ્રેસી નેતા અને જાતે બની બેઠેલા ધાર્મિક મોભી આચાર્ય પ્રમોદ ક્રિષ્ણમે હવે પક્ષના મહામંત્રી રણદીપસિંઘ સૂરજેવાલાને નિશાન બનાવતા કહ્યું કે ૨૦૧૬ની રાજ્યસભા ચૂંટણીમાં રણદીપે ઝી ટીવીના સ્થાપક એવા ભાજપ સમર્થિત ઉમેદવાર સુભાષ ચંદ્રને જીતાડવામાં મદદ કરી હતી. રણદીપે એક ગંદી સીડી લોકોમાં પહોંચે નહિ માટે સુભાષચંદ્રને ટેકો કર્યો. અનેક લોકો પાસે રહેલી આ સીડીને યોગ્ય સમયે બહાર પડાશે. વળી કોંગ્રેસી ઉમેદવારો આર.કે. આનંદ ૨૦૧૬માં, જ્યારે અજય માકેન ૨૦૨૨માં રાજ્યસભામાં કેમ હારી ગયા એનો જવાબ સૂરજેવાલા પહેલા આપે, એમ પણ ક્રિષ્ણમે બુધવારે એક અખબારી મુલાકાતમાં જણાવ્યું.

- ઇન્દર સાહની


Google NewsGoogle News