Get The App

જોસેફ વિજયએ નવો ટ્રેન્ડ શરૂ કર્યો

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
જોસેફ વિજયએ નવો ટ્રેન્ડ શરૂ કર્યો 1 - image

નવીદિલ્હી: દેશના તમામ રાજકારણીઓ પોતાની ખુરશી પર ટોવેલ લટકાવેલો રાખે છે. આ પ્રથા કોણે શરૃ કરી હતી એની ખબર નથી, પરંતુ રાજકારણીઓ જ નહીં. મંત્રાલયના અધિકારીઓ પણ ખુરશી પર ટોવેલ બીછાવેલો રાખે છે. આ બાબતે પર્યાવરણ ચળવળકર્તા લીકાઇપ્રીયા કાંગુજામએ તામિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજયને આ 'ટોવેલ કલ્ચર'નો અંત લાવવા કહ્યું હતું. વિજયએ કોઈપણ પ્રકારની જાહેરાત વગર પોતાની ખુરશી પરનો ટોવેલ હટાવી દીધો છે. કાંગુજામએ સોશ્યલ મીડિયા એક્સ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. ચાલી આવતી જૂની પદ્ધતિનો બદલાવ ભાગ્યે જ કોઈ સત્તાધિશ કરે છે. વિજયએ પહેલ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું છે.

વધેલી કિંમતોની અસર દિલ્હીમાં દેખાઈ

વધેલા પેટ્રોલ - ડિઝલના ભાવ તેમજ ગેસના ભાવોમાં થઈ રહેલો સતત વધારો એમ તો આખા દેશમાં લાગુ પડયો છે. દિલ્હીનો મધ્યમ વર્ગ વધુ બોલકો હોવાથી સોશ્યલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યો છે. પેટ્રોલ, ડિઝલ અને સીએનજીના વધેલા ભાવને કારણે દિલ્હીવાસીનું બજેટ ખોરવાઇ ગયું છે. ફ્યુલ મોંઘુ થતા અનાજ, શોકભાજી -ફળો તેમજ રોજબરોજની જરૃરી ચીજવસ્તુઓના ભાવ દિલ્હીમાં રાતોરાત વધી ગયા છે. આઇટીઓ, લક્ષ્મીનગર, આઇએનએ, દ્વારકા, કરોલબાગ અને મયુર વિહાર સહિત પેટ્રોલ પંપો પર લાઇન લાગી હતી. લોકોને ડર હતો કે બીજે દિવસે પણ કદાચ વધુ ભાવ વધારો લાગુ થાય એટલે ટાંકી ફુલ કરાવી લેવા તેઓ અધીરા બન્યા હતા. સીએનજીના ભાવ વધવાને કારણે દિલ્હીના ઓટો રીક્ષાવાળાઓએ પણ રાતોરાત ભાવ વધારી દીધા છે.

૨૦૨૭થી દિલ્હીમાં ફક્ત ઇલેક્ટ્રીક ઓટો જ ચાલશે

દિલ્હી - એનસીઆરમાં આવતા વર્ષથી ફક્ત ઇલેક્ટ્રીક ત્રણ પેંડાવાળા વાહનોનું જ રજીસ્ટ્રેશન થઈ શકશે. આ વ્યવસ્થા ધીમેધીમે લાગુ થશે. દિવાળી પછીના સમયએ દિલ્હીમાં પ્રદુષણનું પ્રમાણ દેશમાં સૌથી વધુ રહે છે. આ પ્રદુષણ પર કંટ્રોલ રાખવા માટે 'કમિશન ફોર એર ક્વોલીટી મેનેજમેન્ટ' (સીએક્યુએમ)એ આ નિર્ણય લીધો છે. ૨૦૨૭ની પહેલી જાન્યુઆરીથી ફરજિયાત ત્રણ પેંડાવાળા વાહનોનું જ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધનગરમાં આ નિયમ ૨૦૨૮ના જાન્યુઆરી મહિનાથી લાગુ થશે. એનસીઆર અને બીજા જિલ્લાઓમાં આ વ્યવસ્થા ૨૦૨૯ના જાન્યુઆરી મહિનાથી લાગુ કરવામાં આવશે. દિલ્હી સરકાર સહિત હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની સરકારોને કહેવામાં આવ્યું છે કે આ હુકમનું કડકાઈથી પાલન કરે. કમિશનના સભ્ય તરૃણકુમારના કહેવા પ્રમાણે દિલ્હી- એનસીઆરમાં વાહનોથી થતુ પ્રદુષણ ચિંતાનો વિષય છે.

પેટ્રોલ - ડિઝલના ભાવ વધારાથી ગીગ વર્કર્સ ભડક્યા

ફૂડ ડીલીવરીથી જીવન જરૃરિયાતની વસ્તુઓ ૧૦ મીનીટમા પહોંચાડનાર ડીલીવરી બોયને ગીગ વર્કર્સ કહેવાય છે. પેટ્રોલ અને ડિઝલના વધેલા ભાવોને કારણે ગીગ અને એપ આધારીત વર્કર્સ ખુબ નારાજ થઈ ગયા છે. ગીગ અને પ્લેટફોર્મ સેવા સંઘ (જી. આઇ. પી. એસ. ડબ્લ્યુયુ.) એ સરકાર તેમજ ડિજિટલ પ્લેટફોર્મ વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન કરવાની જાહેરાત કરી છે. યુનિયનની માંગણી છે કે, ડીલીવરી અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા એપ વર્કર્સને ન્યુનતમ ૨૦ રૃપિયા પ્રતિ કિલોમીટર વળતર ચૂકવવામાં આવે. યુનિયનના કહેવા પ્રમાણે ચાર વર્ષ પછી થયેલા ફ્યુલની કિંમતના વધારાથી એમની મુશ્કેલી વધી ગઈ છે. દેશમાં લગભગ ૧.૨ કરોડ ગીગ અને પ્લેટફોર્મ વર્કર્સ આ વધારાથી પ્રભાવિત થશે. પેટ્રોલ - ડિઝલની સાથે એલપીજીની વધતી કીંમતોને કારણે પણ વર્કર્સ તકલીફમાં છે.

થલપતિ વિજયનો મોટો નિર્ણય 

સત્તાપર આવ્યા પછી તામિલનાડુના મુખ્યમંત્રી થલપતિ વિજયએ મોટો નિર્ણય  લીધો છે. જૂના કામચોર અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી છે. આઇએએસ અધિકારીઓને પણ મોટા પાયે બદલવામાં આવ્યા છે. અગત્યના સરકારી વિભાગોમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર થયો છે. આઇએએસ કેડર નિયમ ૧૯૫૪ના નિયમ ૪ (૨) અનુસાર જુદા જુદા અસ્થાયી હોદ્દાઓ માટે એક વર્ષની મુદત બનાવવામાં આવી છે. અપર મુખ્ય સચિવ હેઠળ સુચના પ્રસારણ અને ડિજિટલ સેવાનો વિભાગ રાખવામાં આવ્યો છે. મુખ્ય સચિવ હેઠળ હસ્તકલા, હસ્ત શિલ્પ, વસ્ત્ર અને ખાદી વિભાગ રાખવામાં આવ્યો છે. આઇએએસ પ્રદિપ યાદવને સૂચના અને પ્રસારણ ડિજિટલ સેવાના મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. આ પહેલા તેઓ તત્કાલીન ઉપમુખ્યમંત્રીના સેક્રેટરી હતા. ટીએન વેંકટેશને તામિલનાડુ હસ્તકલા અને વસ્ત્ર વિભાગના મુખ્ય સચીવ બનાવવામાં આવ્યા છે આ પહેલા તેઓ સમુદ્રી બોર્ડના મુખ્ય સચીવ તરીકે હતા.

મહિલા અધિકારીને સસ્પેન્ડ કરવા રાષ્ટ્રપતિએ પણ શા માટે રસ લીધો

કેન્દ્ર સરકારે ભ્રષ્ટાચારના આરોપો હેઠળ આઇપીએસ અધિકારી પદમા જયેસ્વાલ વિરુદ્ધ એક અકલ્પનીય કડક પગલા લીધા છે. ૨૦૦૩ બેચના એજીએમયુટી કેડરના આઇએએસ અધિકારી પદમા જયેસ્વાલને સર્વિસમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આ બરતરફ કરવાનો હુકમ ડીઓપીટી (ડીપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનીંગ)ની ભલામણથી રાષ્ટ્રપતિની આખરી મંજૂરી બાદ લેવામાં આવ્યો છે. ડીઓપીટી વડાપ્રધાન હેઠળ કામ કરે છે અને એજીએમયુટી કેડરના અધિકારીઓના કિસ્સામાં કેન્દ્રીય ગૃહમંત્રાલયની ભલામણોને આધારે નિર્ણય લે છે. આટલી કડક કાર્યવાહી ૧૮ વર્ષ જૂના એક કિસ્સાને કારણે કરવામાં આવી છે. કિસ્સો ૨૦૦૭-૨૦૦૮નો છે. એ વખતે પદમા જ્યેસ્વાલ અરૃણાચલ પ્રદેશના પશ્ચિમ કામેગ જિલ્લામાં ડેપ્યુટી કમિશનર તરીકે કામ કરતા હતા. એ દરમિયાન એમણે પોતાના પદનો દુરઉપયોગ કરીને ગેરકાયદેસર કમાણી કરી હતી.

પટણાની જવાબદારી માથે લેનાર શુભમ કુમાર કોણ છે

બિહાર સરકારે આઇએએસ શુભમ કુમારને પટણાના વિકાસ માટેની જવાબદારી સોંપી છે. બિહાર સરકારે ઘણા અધિકારીઓની બદલી સાગમટે કરી છે. સરકારે શુભમ કુમાર પર મોટો ભરોસો મૂક્યો છે. સમ્રાટ ચૌધરી સરકાર આજકાલ આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં વ્યસ્ત છે. આઇઆઇટી મુંબઈથી ગ્રેજ્યુએશન કરનાર શુભમ કુમારએ યુપીએસસી સીએસસીની પરીક્ષા ૨૦૨૦માં ટોપ રેન્કથી પસાર કરી હતી. બિહાર કેડર મળ્યા પછી તેઓ તત્કાલીન મુખ્યમંત્રી નીતિશકુમારને મળ્યા હતા. શુભમને ત્રીજા પ્રયત્ન સફળતા મળી હતી. નાસીપાસ થયા વગર શુભમે મહેનત ચાલુ રાખી હતી અને તેઓ સફળ થયા હતા. શુભમ કુમારએ એમનું સ્કૂલનું શિક્ષણ પુર્ણયા વિદ્યા વિહાર સ્કૂલમાં લીધું હતું. ત્યાર પછી તેઓ ઝારખંડ ચાલ્યા ગયા હતા અને ત્યા એમનો અભ્યાસ પુરો કર્યો હતો.