નવીદિલ્હી : સુપ્રિમ કોર્ટના જસ્ટીસ બેલા ત્રિવેદી નિવૃત્ત થયા પછી સુપ્રિમ કોર્ટ બાર એસોસીએશનએ પરંપરા મુજબ એમનો વિદાય સમારંભ રાખ્યો નહોતો. હવે દિલ્હીના ન્યાય વર્તુળમાં આ બાબત ચર્ચાઈ રહી છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (બીસીઆઇ)ના પ્રમુખ મનનકુમાર મિશ્રાએ સુપ્રિમ કોર્ટ બાર એસોસીએશન (એસસીબીએ) અને સુપ્રિમ કોર્ટ એડવોકેટ્સ -ઓન - રેકોર્ડ એસોસીએશન (એસસીએઓઆરએ) ના પ્રમુખો અને મંત્રીઓને ચિઠ્ઠી લખીને એવી વિનંતી કરી છે કે, જસ્ટીસ બેલા ત્રિવેદીનો વિદાય સમારંભ નહીં રાખવાના નિર્ણય પર તેઓ ફેરવિચાર કરે. મનન મિશ્રાએ પોતાના પત્રમાં લખ્યું છે કે બેલા ત્રિવેદીએ પોતાના કાર્યકાળ દરમિયાન ન્યાય, ઇમાનદારી અને આદર્શોનું સુંદર ઉદાહરણ પૂરુ પાડયું છે. જસ્ટીસ ત્રિવેદી માટે વિદાય સમારંભ નહીં રાખીને લાંબા સમયથી ચાલી આવતી પરંપરાનો ભંગ થયો છે.
મોદીનો થરૂર પ્રેમ, કોંગ્રેસે અપાવી 'લક્ષ્મણ રેખા'ની યાદ
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના સાંસદ શશી થરૂર સતત બીજેપી સરકારના વખાણ કરી રહ્યા છે. કોંગ્રેસ હાઇકમાન્ડે એમને પાર્ટી લાઇનથી વિરુદ્ધમાં જઈ નિવેદનો નહીં આપવા સૂચના આપી હતી. દિલ્હીમાં તો એવી પણ અફવા ચાલે છે કે ટૂંક સમયમાં જ શશી થરૂર વાજતે ગાજતે ભાજપમાં જોડાઈ જશે. હવે કેન્દ્ર સરકાર શશી થરૂરને મોટી જવાબદારી આપી રહી છે. ભારત પર થતા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી બાબતે ભારતનું એક ડેલીગેશન વિશ્વના અલગ અલગ દેશોમાં જઈને પાકિસ્તાનને ઉઘાડું કરવાનું છે. આ ડેલીગેશનમાં દરેક મોટા વિરોધ પક્ષના સભ્યો પણ હશે. આ ડેલીગેશનનું નેતૃત્વ શશી થરૂરને આપવામાં આવશે એવું મનાય છે. સરકારે આ માટે થરૂરનો સંપર્ક પણ કર્યો છે. આ વાતથી નારાજ થયેલા કોંગ્રેસે થરૂરને ફરીથી 'લક્ષ્મણ રેખા'ની યાદ અપાવી છે.
ગજબ ચૂકાદો, કેસ દાખલ કરનાર વકીલને જ કોર્ટે ફટકારી 10 વર્ષની કેદ
લખનૌ કોર્ટના વિશેષ ન્યાયાધિશ વિવેકાનંદ શરણ ત્રિપાઠીએ ઐતિહાસીક ચૂકાદો આપ્યો છે. ખાસ ન્યાયાધિશે એસસી એસટી એક્ટ હેઠળ ખોટો રીપોર્ટ ફાઇલ કરનાર લાખનસિંહને સખત સજા કરી છે. ખોટી એફઆઈઆર દાખલ કરીને કોર્ટની પ્રક્રિયાનો દુરઉપયોગ કરવા માટે લાખનસિંહને ૧૦ વર્ષ ૬ મહિનાની કેદ અને ૨.૫૧ લાખ રૂપિયાના દંડની સજા કરવામાં આવી છે. વકીલે ખોટો કેસ દાખલ કરીને કોર્ટનો સમય ખરાબ કરવાથી નારાજ થયેલા જજે કહ્યું છે કે તમે વકીલ જેવા ઉમદા વ્યવસાયને કલંકીત કર્યો છે. જજે વધુમાં ઠપકો આપ્યો હતો કે, તમે તો જૂઠા કેસોની ફેક્ટરી ચલાવો છો. પોતાના ચૂકાદામાં વિવેકાનંદ શરણ ત્રિપાઠીએ લખ્યું છે કે, તમારા જેવા વકીલો ન્યાય પ્રણાલીની વિશ્વસનીયતા ઘટાડી રહ્યા છે.
શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને રાજ ઠાકરે વચ્ચેના ગઠબંધનની ચર્ચા બાબતે સંજય રાઉતનો ચોકાવનારો દાવો
મહારાષ્ટ્રમાં આજકાલ એવી ચર્ચા ચાલે છે કે એમએનએસ પ્રમુખ રાજ ઠાકરે હવે શું કરશે. તેઓ કાકાના દીકરા ઉદ્ધવ ઠાકરે સાથે જશે કે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે હાથ મેળવશે. આ ચર્ચા વચ્ચે શિવસેના (ઉદ્ધવ ઠાકરે) ગુ્રપના સાંસદ સંજય રાઉતે ચોકાવનારો ખુલાસો કર્યો છે. ગઠબંધન વિશે રાઉતે કહ્યું છે કે, 'આ બાબતે કંઈ મોડું નથી થયું. બધું યોગ્ય રીતે થઈ રહ્યું છે. એમએનએસ સાથેના ગઠબંધન બાબતે અમે હકારાત્મક છીએ. કોઈને ખબર નથી કે પર્દાની પાછળ શું થઈ રહ્યું છે. ઘણી બધી વાતો લખાઈ રહી છે, પરંતુ સત્ય હકીકત હજી બહાર આવી નથી.' મહારાષ્ટ્રમાં આવનાર દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે ત્યારે એમએનએસ ફરીથી રાજકીય રીતે પોતાનું વર્ચસ્વ બતાવવા માંગે છે.
હિન્દુઓને નહીં અમને ગાળો આપો, જાવેદ અખ્તર ભડક્યા
જાણીતા લેખક અને કવિ જાવેદ અખ્તરએ પાકિસ્તાન સન્યના વડા અસીમ મુનીર પર આકરા પ્રહાર કર્યા છે. અસીમ મુનીરએ હિન્દુઓ વિશે ખૂબ જ અપમાનજનક નિવેદનો આપ્યા હતા. જાવેદ અખ્તર અસીમ મુનીરને અસંવેદનશીલ અને વિકૃત માનસીકતાવાળા ગણાવ્યા હતા. જાવેદએ કહ્યું છે કે, મે અસીમ મુનીરનું ભાષણ સાંભળ્યું છે. જો એમને ભારતીય પસંદ નહીં હોય તો તેઓ અમને ગાળો આપી શકે છે. અમને કોઈ વાંધો નથી. પરંતુ તેઓ હિન્દુઓને શા માટે ભાંડી રહ્યા છે? તમારા દેશમાં પણ હિન્દુઓ રહે છે, ભલે તેઓ ઓછી સંખ્યામાં હોય. શું તમારે પાકિસ્તાનની લઘુમતિને માન આપવું જોઈએ કે નહીં?'
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ ભાજપ પર ભડક્યા
મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી વિજય શાહએ કર્નલ સોફિયા કુરેશી માટે કરેલા વિવાદાસ્પદ નિવેદનથી મોટો વિવાદ થયો છે. વિજય શાહએ કર્નલ સોફિયાને આતંકવાદીઓની બહેન ગણાવ્યા હતા. આ બાબતે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ પ્રતિઉત્તર આપ્યો છે. એમણે ભાજપ પર કટાક્ષ કર્યો છે. શંકરાચાર્યના કહેવા પ્રમાણે ભાજપના નેતાઓના મનમાં જે હતું એ હવે સામે આવી ગયું છે. ભાજપ આવી વર્તણૂક પહેલેથી જ કરે છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું છે કે, 'જે પક્ષના પ્રવક્તા મુસલમાન હોય છે અને જે પક્ષ મુસલમાન પ્રવક્તાઓ જ પસંદ કરે છે એમના મનમાં પણ મુસલમાનો માટે સારા વિચાર નથી. ભાજપના મનમાં કંઈક છે અને બતાવે છે કંઈક બીજું જ. આપણી સેનાએ કોઈકને ઉચ્ચ હોદ્દા પર બેસાડયા છે તો એ બાબતે વિવાદ હોવો જોઈએ નહીં.'
જેડીયુની બેઠકમાં આરએસએસની ચર્ચા થવા માંડી
બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે જનતાદળ યુનાઇટેડ (જેડીયુ)ના રાજકીય સલાહકાર સમિતિની બેઠક મળી. બેઠકમાં આરએસએસની ચર્ચા પણ થઈ હતી. ભાજપમાં આરએસએસનું કેટલું મહત્ત્વ છે એનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું. જોકે તરત જ એવી નૂકતેચીની કરવામાં આવી હતી કે, જેડીયુના કાર્યકર્તાઓની સરખામણી સંઘના કાર્યકરો સાથે થઈ શકે નહીં. કંઈક બફાઇ ગયું હોવાનું લાગતા જેડીયુના નેતાઓએ કહ્યું હતું કે, આપણા કાર્યકરો પણ સમર્પિત છે. કોઈ સ્વાર્થ વગર મુખ્યમંત્રી નિતિશકુમારના નૈતૃત્વને મજબૂત કરી રહ્યા છે. પાર્ટીના ખજાનચી અને વિધાનપરિસદના સભ્ય લલન સરાફએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે રાજકીય સલાહકાર સમિતિના સભ્યોની ખૂબ અગત્યતા છે અને તમે બધા તો જેડીયુની કરોડરજ્જુ છો. જે રીતે ભાજપ માટે આરએસએસ છે એ રીતે તમો છો.


