Get The App

દિલ્હીની વાત : મહાભિયોગ પ્રસ્તાવ બાબતે મમતા બેનર્જીની રાજકીય ચાલ

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : મહાભિયોગ પ્રસ્તાવ બાબતે મમતા બેનર્જીની રાજકીય ચાલ 1 - image

નવીદિલ્હી : તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જીની આગેવાની હેઠળ વિરોધ પક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશકુમારને એમના પદ પરથી હટાવવા માટે સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવની નોટીસ આપી છે. બધા જાણે છે કે મહાભિયોગ પ્રસ્તાવ તાત્કાલીક પસાર થતો નથી. રાજ્યની ચૂંટણીઓ પહેલા આ પ્રસ્તાવ પસાર થાય તે પહેલા તપાસ સમીતી નિમવામાં આવે છે. તપાસ સમિતિના રીપોર્ટ આપવાને કોઈ સમયની મર્યાદા નથી. ત્યાર પછીની પ્રોસીજર પણ ખૂબ લાંબી છે. તો પછી મમતા બેનર્જી શા માટે જ્ઞાાનેશકુમારને હટાવવા માટે આતુર છે? મમતા બંગાળના મતદારોને સંદેશો આપવા માંગે છે કે, ભાજપ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જીતી શકે એમ નથી તેથી જ એસઆઇઆર અભિયાન દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિ કરીને ચૂંટણી જીતવા માંગે છે. મમતા એવું નેગેટીવ સેટ કરવા માંગે છે કે તેઓ જનતા વતી એસઆઇઆર વિરુદ્ધ સુપ્રિમ કોર્ટથી માંડીને કેન્દ્ર સરકાર સુધી લડી રહ્યા છે.

પશ્ચિમ એશિયા સંકટની અસર ભારતીય એરલાઇન્સ પર કેવી થઈ

છેલ્લા ૧૯ દિવસોથી પશ્ચિમ એશિયામાં યુદ્ધનું વાતાવરણ છે આની અસર ઇંધણની અછત ઉપરાંત વિમાન સેવા પર પણ થઈ રહી છે. પશ્ચિમ એશિયામાં વધેલા તણાવને કારણે ભારતીય એરલાઇન્સે અત્યાર સુધીમાં ૪૩૩૫ અને વિદેશી એરલાઇન્સે ૧૧૮૭ ફલાઇટ રદ કરી છે. અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પશ્ચિમ એશિયાનું હવાઇક્ષેત્ર બંધ થઈ ગયું છે. સરકારના કહેવા પ્રમાણે હમણાના સમયમાં સૌથી મહત્વની પ્રાથમિકતા યાત્રીઓ અને એરલાઇન્સ કર્મચારીઓની સુરક્ષાની છે. એરસ્પેસ બંધ થવાને કારણે એ જગ્યાએ ફલાઇટ ચાલુ રાખવાનું કોઈ કારણ નથી. આમ છતાં જ્યારે પણ ફલાઇટ ઉડવા માટેની પરવાનગી મળે છે ત્યારે ભારતીય એરલાઇન્સ ઓપરેટ કરે છે. સંકટના આ સમયમાં લગભગ ૨,૧૯,૭૮૦ લોકોએ સુરક્ષીત યાત્રા કરી છે.

હવે વ્યવસાયીક નામોથી કોઈને સંબોધી શકાશે નહીં

આપણા સમાજમાં કોઈને વાળંદ, ધોબી કે મોચી જેવા સંબોધન સામાન્ય છે. જોકે હવે ઉદ્યોગ અંગેની સંસદીય સ્થાયી સમિતિએ એક મહત્વની ભલામણ કરી છે. દેશમાં પીએમ વિશ્વકર્મા યોજના અમલમાં છે, પરંતુ કેટલાક લોકો તેમાં રજીસ્ટ્રેશન કરવાનું ટાળે છે. એમ કહેવાય છે કે, આનું કારણ એ છે કે વાળંદ, કુંભાર કે મોચી જેવા શબ્દો સાથે એક ચોક્કસ જાતીની ઓળખ જોડાયેલી છે. આ સમસ્યાના ઉકેલ માટે સમિતિએ એવું સૂચન કર્યું છે કે આવા વ્યવસાય કરનારાઓને આધુનિક નામ આપવામાં આવે તો આ સંકોચ દુર થાય. હવે મોચીને ફુટવેર મેકર, કુંભારને માટી અને સીરામીકની વસ્તુઓ બનાવનાર, વાળંદને પર્સનલ ગ્રુમીંગ સર્વિસ પ્રોવાઇડર કહેવું પડશે. હમણા જોકે વ્યવસાયીક નામો બોલવા પર પ્રતિબંધ નથી પરંતુ આ નામોનો ઉપયોગ જો કોઈને અપમાનીત કરવા માટે કરવામાં આવે તો ગુનો બને છે. હવે જોવાનું એ રહે છે કે આ નવા ફેન્સી નામોનો ઉપયોગ કેટલો થશે.

હોર્મૂઝથી ભારતના ટેન્કરો કઈ રીતે પસાર થયા

ખાડી યુદ્ધને કારણે જ્યારે ઇરાનની હોર્મૂઝ ખાડીથી બીજા જહાજો પસાર થઈ શકતા નહોતા ત્યારે ભારતના બે જહાજો સલામત રીતે પસાર થઈને ભારત પહોંચ્યા હતા. આ બાબતે ભારતના વિદેશ મંત્રી જયશંકરે ખુલાસો કર્યો છે. જયશંકરના કહેવા પ્રમાણે ઇરાન સાથે એમની વાતચીત ચાલુ હતી. ભારતીય ધ્વજ વાળા બે ગેસ ટેન્કર હોર્મૂઝની ખાડીમાંથી પસાર થયા હતા. જયશંકરના કહેવા પ્રમાણે તેઓ ઇરાન સાથે વાતચીત કરી રહ્યા છે અને વાતચીતના પરિણામો પણ જોવા મળ્યા છે. ભારતીય ધ્વજવાળા જહાજો પસાર થવા દેવા માટે કોઈ કાયમી સમજૂતી નથી થઈ. ભારતીય જહાજ પસાર કરવા દેવા માટે ઇરાને ભારત પાસેથી કઈ મેળવ્યું નથી. ભારતના જહાજોની પાછળ ઇરાનના અધિકારીઓએ ઇરાની તેલ ભરેલા બીજા કેટલાક ટેન્કરોને પણ પસાર થવા દીધા હતા. ઇસ્લામીક રીવોલ્યુન્સનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી)ની નવસેનાના કમાન્ડર અલી રેઝા ટંગસીરીએ સોશ્યલ મીડિયા પર ભારતનું નામ લીધા વગર લખ્યું હતું કે, સમુદ્રની અંદર ચાલી રહેલી લડાઈમાં ઇરાનની નેવીની ઇચ્છાથી કેટલાક પરિણામો મળ્યા છે.

ચર્ચાસ્પદ ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે

ઓડિસાની ચાર રાજ્યસભાની બેઠકો માટે વોટીંગ થયું એમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યંિ હતું. જે ત્રણ ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યું હતું એમના નામ રમેશ જેના, દશરથી ગોવાંગો અને સોફિયા ફિરદોસ. આ બધામાંથી સૌથી વધુ ચર્ચા સોફિયા ફિરદોસની થઈ રહી છે. સોફિયાએ બે દિવસ પહેલા જ રાજ્યસભાની ચૂંટણીમાં બીજુ જનતા દળ (બીજેડી)ના ઉમેદવારને સમર્થન કરવા માટે પક્ષે આપેલા આદેશ પર સવાલ કર્યો હતો. એમણે પાર્ટીલાઇનથી વિરુદ્ધ જઈને ભાજપના સમર્થનમાં વોટીંગ કર્યું હતું. સોફિયાએ કહ્યું હતું કે, 'જ્યારે કહેવામાં આવ્યું હતું કે કયા ઉમેદવારને ટેકો આપવાનો છે ત્યારે અમારી સલાહ કે સહમતી પણ માંગવામાં આવી નહોતી. કોંગ્રેસે ઉમેદવારને પોતાનું સમર્થન ત્યારે આપ્યું જ્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકએ પોતાના સમર્થનની જાહેરાત કરી દીધી હતી. બીજેડીના ઉમેદવારને કોંગ્રેસના ઉમેદવાર માની શકાય નહીં. આજે ઓડીસામાં કોંગ્રેસ પક્ષની જે હાલત છે એને માટે બીજેડી જવાબદાર છે. બીજેડીએ હંમેશા બીજેપીને સમર્થન આપ્યું છે. સોફિયા ઓડિસાની સોપ્રથમ મુસ્લિમ મહિલા ધારાસભ્ય છે. સોફિયાના પિતા પણ ધારાસભ્ય હતા. રાજકારણમાં આવતા પહેલા સોફિયા જાણીતા બિઝનેસ વુમન હતા.'

લિકર સ્કેમ મામલે કેજરીવાલ અને સિસોદિયાને રાહત

દિલ્હી હાઇકોર્ટે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદિયા અને બીજા ૨૧ આરોપીઓને સીબીઆઇએ કરેલી અરજી પર જવાબ આપવા માટે સમય આપ્યો છે. જસ્ટીસ સ્વર્ણ કાંતા શર્માએ ટ્રાયલ કોર્ટના હુકમને ચેલેન્જ કરનાર અરજી બાબતે આ હુકમ કર્યો છે. સીબીઆઇએ નીચલી કોર્ટે આપેલા ચુકાદાને હાઇકોર્ટમાં ચેલેન્જ કર્યો છે. નીચલી કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી દેવાનો હુકમ કર્યો હતો. કોર્ટે કેસની ગંભીરતા જોતા હવે પછીની સુનાવણી છઠ્ઠી એપ્રિલે નક્કી કરી છે. આરોપીઓએ પોતાનો પક્ષ રજુ કરવા માટે સમય માગ્યો હતો. સુનાવણી વખતે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સીબીઆઇ તરફે દલીલ કરીને ટ્રાયલ કોર્ટના હુકમને ખોટો ગણાવ્યો હતો. એમના કહેવા પ્રમાણે આ પ્રકારનો હુકમ રેકોર્ડ પર એક સેંકડ પણ રહેવો જોઈએ નહીં. પ્રતિવાદીને જવાબ આપવા માટે એક અઠવાડિયાથી વધુનો સમય આપી શકાય નહીં.

સોનમ વાંગચૂક છૂટતા જ લદ્દાખમાં પ્રદર્શન ચાલુ

કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ માટે રાજ્યના દરજ્જાની માંગણી અને છઠ્ઠા સિડયુલની માંગણી બાબતે હજારો લોકો રસ્તા પર આવી રહ્યા છે. પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચૂકને ૨૦૨૫ની બીજી સપ્ટેમ્બરે પકડી લેવામાં આવ્યા ત્યાર પછી લદ્દાખમાં હિંસક પ્રદર્શનો બંધ થઈ ગયા હતા. જોકે હવે સોનમ વાંગચૂક છૂટતા જ ફરીથી રસ્તા પર લોકો ભેગા થઈ રહ્યા છે. લેહના સિંઘે નામગ્યાલ ચોકથી સવારે પીસ રેલીની શરૂઆત થઈ હતી. લદ્દાખની જૂની માંગણીઓ બાબતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. લેહ સાથે કારગીલમાં પણ રેલી કાઢવામાં આવી હતી. એ વખતે દ્રાસના લોકોએ પણ માગણીના સમર્થનમાં બંધ પાળ્યો હતો. રેલીનું આયોજન લેહ એપેક્સ બોડી અને કારગીલ ડેમોક્રેટીક એલાયન્સે કર્યું હતું. ફરીથી શરૂ થયેલા પ્રદર્શનો કેન્દ્ર સરકાર માટે ચિંતાજનક છે.