દિલ્હીની વાત : મોદી અને ભાગવતની મુલાકાત ભાજપ માટે મહત્વની
નવી દિલ્હી : ૩૦મી માર્ચ ગુડીપડવાના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગપુર જવાના છે. આ મુલાકાત વખતે મોદી પહેલી વખત નાગપુરમાં સરસંઘચાલક મોહન ભાગવતને મળશે. સંઘના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘણા લાંબા સમયથી મોદી અને ભાગવત વચ્ચે અબોલા ચાલી રહ્યા છે. કેટલાક કાર્યક્રમોમાં બંને એક મંચ પર હોવા છતા એકબીજા સાથે વાત કરવાનું ટાળે છે. હવે સંઘના કેટલાક સિનિયર નેતાઓના આગ્રહથી મોદી -ભાગવતના અબોલાનો અંત આવવાનો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની નિયુક્તી જેવી બીૅજી કેટલીક અગત્યની બાબતોનો નિર્ણયો પેન્ડીંગ છે. કેટલાક કિસ્સાઓમાં સંઘ તરફથી ગ્રીન સીગ્નલ નહી મળે ત્યાં સુધી ભાજપ હાઇકમાન્ડ નિર્ણય લઈ શકતો નથી. રીસાયેલા મોહન ભાગવતને મનાવવા મોદી શું કરે છે એ જોવું રહ્યું.
બિહારમાં કોંગ્રેસે 'પલાયન લોકો નોકરી દો' પદયાત્રા શરૂ કરી
બિહારમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે દરેક રાજકીય પક્ષ પોતાની રીતે ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. બિહાર કોંગ્રેસે 'પલાયન લોકો નોકરી દો'ના નામે રાજ્ય આખામાં પદયાત્રા શરૂ કરી છે. બિહારમાં બેરોજગારીની સમસ્યા વધી ગઈ છે. બિહારના યુવાનોએ કામકાજ માટે બીજા રાજ્યોમાં જવુ પડે છે. આ બાબતે લોકોને જાગૃત કરવા માટે કોંગ્રેસ પદયાત્રા દ્વારા પ્રયત્ન કરશે. અભિયાનની શરૂઆત પશ્ચિમ ચંપારણ જિલ્લાના મિતીહરવા આશ્રમથી થઈ છે. ગાંધીજીએ અહીંયા ઐતિહાસીક ચંપારણ સત્યાગ્રહની આગેવાની લીધી હતી. એનએસયુઆઇના રાષ્ટ્રીય પ્રભારી કનૈયાકુમારની આગેવાની હેઠળ કોંગ્રેસ તમામ જિલ્લાઓમાં પદયાત્રા કાઢશે. સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થાય છે, ક્યાં તો કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવે છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે આ પદયાત્રાથી કોંગ્રેસને રાજકીય ફાયદો થઈ શકે છે.
મહિલાઓના રક્ષણ માટે દિલ્હીમાં હવે 'ઇવ ટીઝીંગ સ્કવોડ'
દિલ્હીમાં આજકાલ મહિલાઓની છેડતીના કિસ્સાઓ વધી રહ્યા છે. રસ્તે રખડતા 'રોમિયો'ને પકડવા માટે ઉત્તર પ્રદેશની 'એન્ટી રોમિયો સ્કવોડ'ની જેમ દિલ્હીમાં 'ઇવ ટીઝીંગ સ્કવોડ' બનાવવામાં આવશે. આ સ્કવોડનું નામ 'શિષ્ટાચાર સ્કવોડ' હશે. દિલ્હીના દરેક જિલ્લાઓમાં બે સ્કવોડ બનાવવામાં આવશે. આ સ્કવોડમાં એક એસીપી ઉપરાત એક ઇન્સ્પેક્ટર, એક સબ ઇન્સ્પેક્ટર, ૮ કોન્સ્ટેબલ અને ૧ હેડ કોન્સ્ટેબલ હશે. દરેક સ્કવોડમાં ચાર મહિલા પોલીસ પણ હશે. દરેક સ્કવોડને જીપ અને મોટર સાઇકલ પણ આપવામાં આવશે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં છેડતીના બનાવો વધી ગયા છે એવા વિસ્તારોમાં આ સ્કવોડના પોલીસો સતત ફરતા રહેશે.
ભાજપની ડબલ એન્જિન સરકાર પર અખિલેશ યાદવના પ્રહાર
કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોય એને ભાજપના કેટલાક નેતાઓ 'ડબલ એન્જિનની સરકાર' ગણાવે છે. આ બાબતે અખિલેશ યાદવે કટાક્ષ કરતા કહ્યું છે કે, ઉત્તર પ્રદેશ અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે, પરંતુ એનો કોઈ ફાયદો ઉત્તર પ્રદેશના લોકોને થયો નથી. આ ડબલ એન્જિનની સરકાર નથી, પરંતુ ડબલ દ્વિધાવાળી સરકાર છે. આ સરકાર ભૂલો પણ ડબલ કરે છે. સરકારને ખેડૂતોની ખુશીની પરવા નથી અને એટલે જ ખેતી ઉત્પાદનના લઘુત્તમ મૂલ્યો નક્કી કરવામાં આવતા નથી. શેરડીનો પાક લણતા ખેડૂતો ખૂબ નારાજ છે. મગફળીની ખેતી કરનારા ખેડૂતો સાથે છેતરપીંડી કરવામાં આવી છે. સરસવનું તેલ વેચીને વેપારીઓ તગડુ કમાય છે, પરંતુ સરસવનો પાક ઉગાડનાર ખેડૂતોને કઈ મળતું નથી.
પવન કલ્યાણે જનસેના પક્ષને 'આંધ્ર સાંપ્રદાયિક પાર્ટી' બનાવી દીધો છે
આંધ્રપ્રદેશ કોંગ્રેસ કમિટી (એપીસીસી)ના પ્રમુખ વાયએસ શર્મીલાએ જનસેના પ્રમુખ પવન કલ્યાણ પર ગંભીર આક્ષેપો કર્યા છે. શર્મીલાના કહેવા પ્રમાણે પવન કલ્યાણએ પોતાના પક્ષને (આંધ્ર સાંપ્રદાયીક પાર્ટી) બનાવી દીધો છે. પવન કલ્યાણએ પક્ષની સ્થાપના જનસેવાને નામે કરી હતી, પરંતુ હવે તેઓ ફક્ત એક ધર્મનો એજન્ડા સલાવી રહ્યા છે. થોડા દિવસો પહેલા પવન કલ્યાણએ બનાવટી ધર્મનીરપેક્ષતા બાબતે તેમ જ ભાષા વિવાદ અને કેન્દ્ર - રાજ્યોના સંબંધ બાબતે વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા. શર્મીલાના કહેવા પ્રમાણે આંધ્રપ્રદેશમાં વિવિધ ધર્મના લોકો શાંતિથી રહે છે ત્યારે પવન કલ્યાણ એમની વચ્ચે ભેદભાવ ઉભો કરવાનું કામ કરી રહ્યા છે.
ગોવાના પ્રધાને જમીન મામલામાં કરોડો બનાવ્યા
ગોવા આમ તો નાનું રાજ્ય છે. વિશાળ દરિયા કિનારાને કારણે ગોવા ટૂરીસ્ટ સ્પોટ બની ગયું છે. ગોવામાં કેટલાક સ્થળે મિલકતના ભાવ લગભગ મુંબઈ જેટલા છે. અહીંની મોકાની જમીનો સોનાની લગડી જેવી છે. ગોવા કોંગ્રેસના એક નેતાએ ભાજપ સરકારના મંત્રી પર જમીન ફેરબદલીનો ગોટાળો કરીને તગડી રકમ બનાવી હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતા ગીરીશ ચોડાનકરએ આક્ષેપ કર્યો છે કે ગોવામાં જમીનનો હેતુ ફેર કરવા માટે કરોડો રૂપિયાની લાંચ લેવામાં આવી છે. કેટલાક જમીન માલિકોએ પોતાની જમીન પર વન વિભાગનું રીઝર્વેશન દુર કરવા માટે વર્ગમીટર દીઠ એક હજાર રૂપિયા ટેબલ તળે આપ્યા છે. આખી બાબતની તપાસ જો તટષ્ઠ કમિટિ દ્વારા કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવી શકે એમ છે.
પાંચ વર્ષમાં બિહારનું રાજકારણ કેટલું બદલાયું
બિહાર વિધાનસભાની ચૂંટણીને હવે છ મહિના બાકી રહ્યા છે. થોડા દિવસો પહેલા રાજ્યના મંત્રીમંડળમાં ખાલી રહેલી જગ્યા પર ભાજપએ પોતાના મંત્રીઓ ગોઠવી દીધા છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાતિય સમીકરણો પ્રમાણે મંત્રીપદ આપવામાં આવ્યા છે. બીજી તરફ ચૂંટણીમાં જો એનડીએ જીતે તો નીતિશકુમારને મુખ્યમંત્રી બનાવવા કે નહીં એ બાબતે પણ ચર્ચા ચાલી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં બિહારની રાજનીતિમાં ઘણા ફેરફારો થયા છે. નીતિશકુમારે વારંવાર ગઠબંધનો બદલ્યા છે. ગઠબંધનો બદલાવા છતાં નીતિશકુમાર મુખ્યમંત્રી તરીકે ચાલુ રહ્યા છે. રાજ્યની ત્રણ મુખ્ય પાર્ટીઓમાં જેડીયુની બેઠકો સૌથી ઓછી હોવા છતાં નીતિશકુમારની ખુરશી સલામત રહી છે. જોકે એમ મનાય રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ જીતશે તો પણ નીતિશકુમારની ખુરશી બચવી મુશ્કેલ છે.
પંજાબમાં ડ્રગ્સ ડીલર્સના ઘર પર બુલડોઝર ફેરવવાની તૈયારી
અરવિંદ કેજરીવાલે પંજાબમાં વિપશ્યના પૂરી કરીને પછી એક સભા સંબોધી હતી. એ દરમિયાન આપના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીમાં ભગવંત માનની સરકાર પાંચ વર્ષ પૂરા કરશે. કેજરીવાલે આપની સરકારના કામ ગણાવ્યા હતા ને સાથે એવુંય કહ્યું હતું કે અગાઉની સરકારોએ રાજ્યને નશાના દલદલમાં ફસાવ્યું હતું. હવે આપની સરકાર નશામુક્તિ માટે કામ કરી રહી છે. રાજ્યના યુવાનો નશામાં ન સપડાય તે માટે આપની સરકાર ટૂંક સમયમાં ડ્રગ્સ ડીલર્સના ઘર પર બુલડોઝર ફેરવશે. કેજરીવાલે પંજાબમાં બુલડોઝર ન્યાયના સંકેત આપીને આક્રમક પગલાંનો ઈશારો કર્યો છે. ભગવંત માનની સરકારના બાકી રહેલાં બે વર્ષમાં કેજરીવાલ કંઈક નવાજૂની કરીને જનાધાર જાળવવાની કોશિશ કરશે.
નવીન પટનાયકે ચૂંટણીપંચ સમક્ષ પ્રતિનિધિ મંડળને મોકલ્યું
નવીન પટનાયકની બીજુ જનતા દળનું એક પ્રતિનિધિ મંડળ ચૂંટણીપંચને મળ્યું હતું. ખાસ તો ચૂંટણીમાં ગેરરીતિ થતી હોવાનો વિપક્ષો જે આરોપ મૂકે છે તેમાં બીજેડીએ પણ સમર્થન આપીને તેની નિષ્પક્ષ તપાસ કરાવવાની માગણી કરી હતી. બીજેડીએ ચૂંટણીપંચને રજૂઆત કરી હતી કે ચૂંટણી પ્રક્રિયાનું અલગ ઓડિટ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. અત્યાર સુધી બીજેડી આ મુદ્દે ખાસ સક્રિય ન હતી, પરંતુ પહેલી વખત ઈન્ડિયા ગઠબંધનના સૂરમાં સૂર મિલાવ્યો હતો.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોનિયા-મમતાનો આભાર માન્યો
પાંચ દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ રાજ્યસભામાં હાજર રહેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું હતું કે વડાપ્રધાન તો હોસ્પિટલમાં ખબર જોવા માટે આવ્યા હતા. એ સિવાય સોનિયા ગાંધી અને મમતા બેનર્જીએ સતત તેમની તબિયતની ચિંતા કરતા ફોન કોલ્સ કર્યા હતા. એ માટે એ બંનેનો આભાર. જગદીપ ધનખડ જ્યારે પશ્વિમ બંગાળના રાજ્યપાલ હતા ત્યારે મમતા બેનર્જી અને ધનખડ વચ્ચે સતત સંઘર્ષ રહેતો હતો. એ પછીય મમતા બેનર્જીએ ખાસ ધનખડની તબિયતની ચિંતા કરી એ વાત જાણીીને લોકોએ કહ્યું હતું કે આને જ માનવતા કહેવાય. રાજકીય મતભેદો સાઈડમાં રાખીને પણ એકબીજા તરફ રિસ્પેક્ટ હોય તેનાથી લોકશાહી મજબૂત રહે છે.
દિલ્હીમાં જીત છતાં ભાજપ સંગઠનમાં મોટું પરિવર્તન કરશે
ભાજપને અઢી દશકા બાદ દિલ્હીમાં સત્તા મળી એટલે દિલ્હી પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવનું સંગઠનમાં કદ વધ્યું છે. દિલ્હીમાં ધારણા પ્રમાણે વિજય મળ્યો હોવાથી હવે બહુ ફેરફાર થશે નહીં એવી ધારણા હતી, પરંતુ ભાજપે લાંબાંગાળાના આયોજનોને ધ્યાનમાં રાખીને દિલ્હીના સંગઠનમાં ફેરફાર કરવાનો વ્યૂહ બનાવ્યો છે. વીરેન્દ્ર સચદેવના કહેવા પ્રમાણે સંગઠન મહોત્સવ યોજાવાના જઈ રહ્યો છે. એમાં બૂથ કમિટી, મંડલ કમિટી, ડિસ્ટ્રિક્ટ કમિટી અને રાજ્ય સ્તરની કમિટી બનાવીને આપને દરેક વિસ્તારમાં ટક્કર આપવામાં આવશે. રાજ્યના સંગઠનમાં વીરેન્દ્ર સચદેવને વધુ સત્તા આપીને તેમની પસંદગીના નેતાઓને તક અપાશે.
ઉત્તરાખંડમાં ધામીએ વિવાદના નામે પ્રેમચંદને સાઈડમાં કરી દીધા
પ્રેમચંદ અગ્રવાલ હજુ ગઈકાલ સુધી ઉત્તરાખંડના નાણામંત્રી હતા. બજેટ વખતે જીભ લપસી જતાં મંત્રીપદ હાથમાંથી ગયું હતું. તેમના નિવેદનમાં પહાડી શબ્દનો ઉપયોગ થતાં એને અપમાનજનક ગણાવીને ચારેબાજુથી પ્રેમચંદ અગ્રવાલની ટીકા થતી હતી. કોંગ્રેસે પ્રેમચંદ અગ્રવાલના રાજીનામાની માગણી સાથે દેખાવો કર્યા હતા. આખરે પ્રેમચંદ અગ્રવાલે ભાવુક થઈને વિધાનસભામાં જ મંત્રીપદેથી રાજીનામું આપી દીધું હતું અને ખેદ સાથે કોઈનું નામ લીધા વગર કહ્યું હતું કે મેં ઉત્તરાખંડના આંદોલનમાં લાકડી ખાધી છે. મારા જેવા આંદોલનકારીની વાતને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી તેનું દુખ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી દિલ્હી ગયા હતા અને ત્યાંથી પ્રેમચંદ અગ્રવાલના રાજીનામાની પરવાનગી લઈ આવ્યા હતા. ઉત્તરાખંડમાં ચર્ચા છે કે પ્રેમચંદનું ભાજપમાં કદ વધતું હતું એટલે આ વિવાદના નામે તેમને સાઈડમાં કરી દેવાયા છે.
- ઈન્દર સાહની