દિલ્હીની વાત : નડ્ડા ફરી પ્રમુખ, મોદીએ જોખમ લેવાનું ટાળ્યું

Updated: Jan 18th, 2023


નવીદિલ્હી : દિલ્હીમાં ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠક પૂરી થઈ ગઈ. આ બેઠકમાં ભાજપે જે.પી. નડ્ડાને લોકસભાની ૨૦૨૪ની ચૂંટણી પતે ત્યાં સુધી પ્રમુખપદે ચાલુ રાખવાનો નિર્ણય લેતાં ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખ મળશે એ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું. નડ્ડાને ફરી પ્રમુખ બનાવીને ભાજપે સામી લોકસભા ચૂંટણીએ કોઈ જોખમ લેવાનું ટાળ્યું છે.

જે.પી. નડ્ડાને કારોબારીમાં પહેલા દિવસે મળેલા મહત્વ પરથી સ્પષ્ટ હતું કે નડ્ડા જ બીજી ટર્મ માટે પ્રમુખ બનશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત નડ્ડાએ સંબોધન કર્યું તેના પરથી જ નડ્ડાની ફરી વરણીના સંકેત મળી ગયા હતા. એ પછી સત્તાવાર જાહેરાતની ઔપચારિકતા જ બાકી હતી.

મોદીએ પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓને સંગઠનને બૂથ સ્તરે મજબૂત કરવા કહ્યું છે. નડ્ડાએ ભાજપની  સરકારો નથી ત્યાં સંગઠનને મજબૂત બનાવવું જોઈએ એ વાત પર વધારે ભાર મૂક્યો. નડ્ડાનો અભિગમ જોતાં સંગઠનની કમાન તેમના હાથમાં રહેશે એ સ્પષ્ટ હતું.

જજોની નિમણૂક મુદ્દે કેન્દ્રે સમાધાનનો રસ્તો સૂચવ્યો

સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂકને મુદ્દે સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે મોદી સરકારે સમાધાનનો રસ્તો સૂચવ્યો છે.  કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડને લખેલા પત્રમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કોલેજિયમમાં સરકારના પ્રતિનિધિઓને સામેલ કરવાનું સૂચન કર્યું છે. રિજિજુની દલીલ છે કે, પારદર્શકતા અને જાહેર જવાબદારીના યોગ્ય વહન માટે સરકારના પ્રતિનિધી પણ કોલેજિયમમાં હોય એ જરૂરી છે.

બંધારણીય નિષ્ણાતોના મતે, સુપ્રીમ કોર્ટના જજ નિમણૂકોમાં કોઈ પણ પ્રકારની સરકારી દખલગીરી ઈચ્છતા નથી તેથી સુપ્રીમ કોર્ટ આ સૂચનને સ્વીકારશે કે કેમ તે અંગ શંકા છે પણ કેન્દ્ર સરકારનું સૂચન રસપ્રદ છે.  સુપ્રીમ કોર્ટ વિવાદનો અંત લાવવા માટે આ સૂચન સ્વીકારી શકે છે. કોલેજિયમ સિસ્ટમના કારણે સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશો સગાવાંદ ચલાવે છે એવા આક્ષેપો થાય જ છે. સરકારી પ્રતિનિધી કોલેજિયમમાં હશે તો આ પ્રકારના વિવાદોથી પણ બચી શકાશે.

રાજસ્થાનમાંથી વધુ મંત્રીઓ બનાવવા મોદીને રજૂઆત

મોદી  કેબિનેટના વિસ્તરણની શક્યતા વચ્ચે રાજસ્થાનના નેતાઓએ સામૂહિક રીતે વધારે પ્રતિનિધિત્વની માગણી કરી છે. રાજસ્થાનમાં આ વરસે વિધાનસભાની ચૂંટણી છે ત્યારે અશોક ગેહલોત સામે ટકરાવા વધારે પ્રતિનિધિત્વ જરૂરી હોવાની રજૂઆત મોદી સામે કરાઈ છે.

હાલમાં રાજસ્થાનમાંથી ગજેન્દ્ર સિંહ શેખાવત, ભૂપેન્દ્ર યાદવ, અર્જુનરામ મેઘવાલ, કૈલાશ ચૌધરી એમ ચાર કેન્દ્રીય પ્રધાનો છે. રાજસ્થાનમાંથી લોકસભા અને રાજ્યસભા બંનેમાં ભાજપના કુલ ૨૮ સાંસદો છે પણ માત્ર ૪ કેન્દ્રીય મંત્રી છે. આ પૈકી શેખાવત રાજપૂત છે પણ એ સિવાય બ્રાહ્મણ, વૈશ્ય વગેરે વગદાર સમાજમાંથી કોઈ મંત્રી નથી તેથી સવર્ણોને વધારે પ્રતિનિધિત્વ અપાય એવી રજૂઆત કરાઈ છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા વૈશ્ય છે પણ મંત્રી નથી. આ રજૂઆતને ગણતરીમાં લઈને ચિત્તોડગઢના સાંસદ સી.પી. જોશીને તક મળે એવી શક્યતા છે. આ સિવાય એસટી કેટેગરીમાંથી ડો.કિરોરીલાલ મીણા (અને ચુરુના સાંસદ રાહુલ કાસવાન (જાટ-ઓબીસી) પણ મંત્રી પદના પ્રબળ દાવેદારો  કહેવાય છે.

કોરોના રસીની આડઅસરો

કેન્દ્ર સરકારની બે સંસ્થાઓએ કોરોનાની રસીની વ્યાપક આડઅસરો હોવાનું સ્વીકારતાં સરકાર નારાજ છે. આ કબૂલાત બદલ બંને સંસ્થાના ટોચના અધિકારીઓ પર તવાઈ આવી શકે છે.

પુણેના એક બિઝનેસમેન દ્વારા આરટીઆઈ એક્ટ હેઠળ કરાયેલી અરજીના જવાબમાં ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR)ના ડૉ. લિયાના સુસાન જ્યોર્જ અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCOS)ના ડો. સુશાંત સરકારે કોરોનાની રસીથી થતી અનેક પ્રકારની આડ અસરો વિશે માહિતી આપી છે. કેન્દ્ર સરકાર અત્યાર સુધી કોરોનાની રસીની આડઅસરો વિશે ચૂપકીદી સાધીને બેઠી હતી પણ બંને સંસ્થાએ વટાણા વેરી નાંખ્યા છે એવું આરોગ્ય મંત્રાલયનાં સૂત્રોનું કહેવું છે.

સરકારનાં બંને સંગઠને સ્વીકાર્યું છે કે કોરોનાને નાબૂદ કરવા માટે વપરાતી વેક્સીનની એક નહીં પરંતુ અનેક આડઅસર છે. સરકારનું માનવું છ કે, આ કબૂલાતના કારણે લોકોમાં ડર વધશે તેથી સંસ્થાના અધિકારીઓનું વર્તન જાહેર હિતમાં નથી અને સંપૂર્ણપણે બેજવાબદારીભર્યું છે.

રાણેનો નિર્મલાથી અલગ સૂર, જૂનથી દેશમાં મંદી

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન દેશનું અર્થતંત્ર જોરદાર આગળ વધી રહ્યું હોવાના દાવા કરી રહ્યા છે ત્યારે કેન્દ્રીય સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી નારાયણ રાણેએ જુદો સૂર છેડયો છે. રાણેએ આશંકા વ્યક્ત કરી છે કે, જૂન મહિનાથી દેશમાં મંદી આવી શકે છે.

રાણેનું કહેવું છે કે, વૈશ્વિક આર્થિક મંદીથી નાગરિકો પ્રભાવિત ન થાય એ માટે કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદી પ્રયત્ન કરી રહ્યા છે પણ એ હકીકત છે કે, હાલમાં વિકસિત દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા છે. આ સંજોગોમાં ભારતમાં પણ જૂન મહિનાથી મંદી આવી શકે છે. દેશના નાગરિકો પર મંદીની અસર ન થાય એ માટે સરકાર પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે.

રાણેનું કહેવું છે કે, મોદી અમને મંદીને ખાળવા વિશે સતત સૂચનો આપે છે. તેનો મતલબ એ થયો કે, મોદીને પણ દેશમા મંદી આવશે એવી આશંકા છે.

સિક્કિમમાં વધારે બાળકો પેદા કરનારને રાહતો

ભારતમાં વસતી વધારો મોટી સમસ્યા છે ત્યારે સિક્કિમમાં ચોક્કસ સમુદાયનાં લોકોને વધારે બાળકો પેદા કરવા માટે સહાય જાહેરાત કરતાં વિવાદ સર્જાયો છે. મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગનો દાવો છે કે, સિક્કિમમાં પ્રજનન દર હાલના વર્ષોમાં સૌથી ઓછો છે. દેશમાં પ્રતિ મહિલા એક બાળકનો સૌથી ઓછો વૃધ્ધિ દર હોવાથી આદિવાસી જાતિય સમુદાયોની વસ્તી ઘટી ગઈ છે. આ કારણે મહિલાઓને વધારે બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવી જરૂરી છે.

તમાંગની સરકારે પહેલા જ સરકારી કર્મચારી મહિલાઓને ૩૬૫ દિવસની મેટરનિટી લીવ અને પુરુષ કર્મચારીઓને ૩૦ દિવસની પેટરનિટી લીવ આપવાની જાહેરાત કરી ચુકી છે. આ ઉપરાંત મહિલા કર્મચારીઓને બીજુ બાળક થાય તો એક ઈન્ક્રીમેન્ટનો પગાર વધારો અને ત્રીજું બાળક થાય તો બે ઈન્ક્રીમેન્ટનો પગાર વધારો આપવાની જાહેરાત કરી છે. સિક્કિમની હોસ્પિટલોમાં આઈવીએફ સુવિધાનો લાભ લેનારી તમામ માતાઓને ત્રણ લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે.

    Sports

    RECENT NEWS