નવીદિલ્હી : દિલ્હીમાં વધતા પ્રદુષણથી બધા ચિંતીત છે. આમ આદમી પાર્ટી જ્યારે દિલ્હીમાં સત્તા પર હતી ત્યારે પ્રદુષણ બાબતે ભાજપ હંમેશા આપ પર આક્ષેપ કરતો હતો. હવે દિલ્હીમાં ભાજપની સરકાર છે ત્યારે આમ આદમી પાર્ટી સ્વાભાવીક રીતે જ વળતો હુમલો કરે છે. આપના નેતાઓ અલગ અલગ પ્રકારથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હીના આપ નેતા સૌરભ ભારદ્વાજની આગેવાની હેઠળ આપના બીજા નેતાઓએ થાળી અને ચમચી વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ દરમિયાન આપ નેતાઓએ સૂત્રો પોકાર્યા હતા કે, પોલ્યુશન તુમે જાના હોગા. વિરોધ કરનારાઓએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની પણ આકરી ટીકા કરી હતી. રેલીમાં પુરુષો ઉપરાંત મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. દિલ્હીમાં વધેલા પ્રદુષણને કારણે ફક્ત આપ જ નહીં, બાકીના તમામ બીન રાજકીય સંગઠનો પણ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.
વકીલો હડતાલ પર ગયા તો અમૃતપાલ સિંહે પોતે દલીલો કરી
સાંસદ અમૃતપાલ સિંહ જેલવાસ ભોગવી રહ્યા છે. અમૃતપાલ સિંહે ચાલી રહેલા સંસદ સત્રમાં હાજરી આપવા માટે કોર્ટમાં અરજી કરી હતી. વકીલો હડતાલ પર હોવાથી અમૃતપાલ સિંહે પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટમાં પેરોલ માંગવા માટે જાતે દલીલો કરી હતી. રાજ્ય સરકારે એમને પેરોલ આપવાનો ઇન્કાર કર્યો હતો. અમૃતપાલ સિંહ નેશનલ સિક્યુરીટી એક્ટ (એનએસએ) હેઠળ જેલવાસ ભોગવી રહ્યા છે. તેઓ ડીબુ્રગઢ સેન્ટ્રલ જેલમાં કેદ છે. અમૃતપાલ સિંહે ચીફ જસ્ટીસ શીલ નાગુ અને જસ્ટીસ સંજીવ બેરીની બેન્ચને કહ્યું હતું કે, એમના સંસદીય વિસ્તારના બધા કામ અટકી ગયા છે. એમની ધરપકડને કારણે તેઓ સંસદમાં પ્રજાના પ્રશ્નો ઉઠાવી શકતા નથી. જોકે હવે સંસદના સત્રને થોડા દિવસો જ બાકી રહી ગયા છે ત્યારે અમૃતપાલ સિંહની ઇચ્છા પૂરી થાય એમ લાગતું નથી.
બાંગ્લાદેશના નેતાએ ભારતના પૂર્વ ભાગને અલગ કરવાની ધમકી આપી
બાંગ્લાદેશની નેશનલ સીટીઝન પાર્ટી (એનસીપી)ના ચીફ ઓર્ગેનાઇઝર હસન અબ્દુલ્લાહે ભારતને લુખ્ખી ધમકી આપી છે. એણે કહ્યું છે કે જો બાંગ્લાદેશને અસ્થિર કરવામાં આવશે તો ભારતના પૂર્વ ભાગમાં આવેલા સેવન સીસ્ટર્સને અલગ કરી નાખવામાં આવશે. ભારતના પૂર્વમાં આવેલા અરૂણાચલ પ્રદેશ, આસામ, મણીપુર, મેઘાલય, મીઝોરમ, નાગાલેન્ડ અને ત્રીપુરાને એક સાથે સેવન સીસ્ટરર્સ કહેવામાં આવે છે. નેશનલ સીટીઝન પાર્ટીની સ્થાપના હજી તો ફેબુ્રઆરી મહિનામાં જ કરવામાં આવી છે અને આ પક્ષ બનાવનારા એજ લોકો છે જેમણે પ્રધાન મંત્રી શેખ હસીના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાંગ્લાદેશમાં એનસીપીનું ખાસ વજન નથી. હસન અબ્દુલ્લાહ સમાચારમાં રહેવા માટે કટ્ટરવાદી જેવા નિવેદનો કરતા રહે છે.
ભાગેડુ નિરવ મોદીની પ્રત્યાર્પણ રોકવા નવી અપીલ
ભાગેડુ હીરાના વેપારી નિરવ મોદીએ લંડનની કોર્ટમાં પ્રત્યાર્પણ રોકવા માટે નવી અપીલ દાખલ કરી છે. ભારતની ઇડી અને સીબીઆઇની ટીમ લંડનમાં હાજર છે. આ ટીમ ક્રાઉન પ્રોસીક્યુસન સર્વિસ (સીપીએસ)ને મદદ કરી રહી છે કે જેથી નિરવ મોદીની અપીલનો વિરોધ કરી શકાય. નિરવ મોદીને ભારતમાં ભાગેડુ અને આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો છે. મોદી પંજાબ નેશનલ બેન્ક ફ્રોડ કેસની ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. નિરવ પર ૬,૪૯૮ કરોડ રૂપિયાની છેતરપીંડી કરવાનો આરોપ છે. બ્રીટનની એક કોર્ટે પહેલા જ ભારત સરકારની તરફેણ કરતા એના પ્રત્યાર્પણની અરજી મંજૂર કરી દીધી હતી. સીપીએસ ઇંગ્લેન્ડ અને વેલ્સની મુખ્ય સરકારી એજન્સી છે. આ એજન્સી પોલીસે ભેગા કરેલા પુરાવાઓનો અભ્યાસ કરે છે.
પાક.ને બલુચિસ્તાન, પીઓકે અને સિંધ પણ ખાલી કરવું પડશે
દર વર્ષે ૧૬મી ડિસેમ્બરને દિવસે ભારત વિજય દિવસ મનાવે છે કારણ કે ૧૯૭૧માં ૧૬મી ડિસેમ્બરે પાકિસ્તાને શરણાગતી સ્વિકારી હતી અને ભારતનો વિજય થયો હતો. હવે બલુચીસ્તાનના કેટલાક નેતાઓ પણ આ દિવસને વિજય દિવસ તરીકે ઉજવવા માંડયા છે. બલુચી નેતા મીર યાર બલુચે સોશ્યલ મીડિયા પર પાકિસ્તાનને ચેતવણી આપીને લખ્યું છે કે હવે બલુચીસ્તાન, પીઓકે અને સિંધને પણ પાકિસ્તાને ખાલી કરવું પડશે. મીર યાર બલુચે એક્સ પર લખ્યું છે કે, 'બલુચીસ્તાન ગણરાજ્યની ચેતવણી થ ઇતિહાસ પાકિસ્તાનના ૧૯૭૧ના પતનનું પુનરાવર્તન કરશે. બલુચીસ્તાન ગણરાજ્ય પાકિસ્તાનને ચેતવણી આપે છે જેમ બને એમ જલ્દીથી બલુચીસ્તાન, પીઓકે અને સિંધ ખાલી કરી દે. નહીં તો ભૂતકાળની જેમ જ પાકિસ્તાને ફરીથી અપમાનીત થવું પડશે. અત્યાચાર અને ક્રૂરતા લાંબો સમય ટકતી નથી. બલુચ લોકો પર પાકિસ્તાને લાંબા સમય સુધી અત્યાચાર કર્યા છે. જોકે જે રીતે ૩૦ લાખ બંગાળીઓની હત્યા કર્યા પછી પાકિસ્તાને બાંગ્લાદેશ પરનો કબજો છોડવો પડયો હતો એ જ રીતે હવે બલુચીસ્તાન પરનો કબજો પણ છોડવો પડશે.'
અરજીદારે કહ્યું કે મે કેસ કર્યો નથી, દિલ્હી હાઇકોર્ટની વકીલો સામે તપાસ
કોર્ટની કાર્યવાહીનો દુરઉપયોગ અને છેતરપીંડી કરવા માટે દિલ્હી હાઇકોર્ટે કડક વલણ લીધુ છે. કોર્ટે પોલીસને એફઆઇઆર દાખલ કરવાની અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (બીસીઆઇ)ને કેટલાક વકીલો વિશે તપાસ કરવાનો હુકમ કર્યો છે. કોર્ટે એટલા માટે આ હુકમ કરવો પડયો છે કે, એક અરજી કરનારાએ એવો આક્ષેપ કર્યો હતો કે, બોગસ દસ્તાવેજોના આધારે એમના નામે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદની માહિતી અરજી કરનારને પણ નહોતી. જસ્ટીસ મીની પુસ્કરણાની બેન્ચે કેસની સુનાવણી કરતા કડક ટીપ્પણી કરી હતી કે, 'ન્યાયીક પ્રક્રિયાનો દુરઉપયોગ થવો જોઈએ નહીં.' કોર્ટે દક્ષિણ-પૂર્વ દિલ્હીના ડીસીપીને આ બાબતની એફઆઇઆર દાખલ કરવાનો અને આગળની કાર્યવાહી કરવાનો હુકમ કર્યો હતો. સાથે જ કોર્ટે જવાબદાર વકીલો અવંતીકા અને સુરજસિંહની સંડોવણી તપાસવા માટે સંમગ્ર મામલો બીસીઆઇને મોકલી આપ્યો છે.
'હું માફી માગુ છું, પરંતુ કોઈ માટે પણ આનો ઉપાય અસંભવ'
દિલ્હીના ભાજપ સરકારના પર્યાવરણ મંત્રી મંજીનદર સિંહ સીરસાને હવે જ્ઞાાન લાદ્યુ છે. પોતે વિરોધ પક્ષમાં હતા ત્યારે સત્તાપક્ષ આપને દિલ્હીના પ્રદુષણ માટે જવાબદાર ઠેરવનાર મંજીનદર સિંહ સીરસા હવે દિલ્હીના પર્યાવરણ મંત્રી છે. દિલ્હીમાં વધી રહેલા પ્રદુષણ બાબતે પોતે કંઈ કરી શકે એમ નથી કહીને સીરસાએ પ્રજાની માફી માંગી છે. એમણે લુલો બચાવ કર્યો છે કે, કોઈપણ ચૂંટાયેલી સરકાર માટે ૯-૧૦ મહિનામાં પ્રદુષણ સમાપ્ત કરવું શક્ય નથી. મંજીનદર સિંહેપ્રપ્રદુષણની સમસ્યા માટે અગાઉની આમ આદમી પાર્ટીને જવાબદાર ઠેરવી છે. સીરસા તો વધુ પાછળ ગયા છે અને હમણાના પ્રદુષણ માટે આપ પહેલાની કોંગ્રેસ સરકારને પણ જવાબદાર ગણાવી છે. દિલ્હીમાં વિવિધ રાજકીય પક્ષોના કલહની સજા સામાન્ય માણસ ભોગવી રહ્યો છે.


