નવીદિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દિલ્હીના ઉપરાજ્યપાલ તરનજીત સિંહ સંધુને અભિનંદન આપ્યા છે. દિલ્હીના ઉપરાજ્યપાલ બનવા માટે ટ્રમ્પે સંધુને અભિનંદન આપીને ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી. ટ્રમ્પે સોશ્યલ મીડિયા 'ટ્રુથ સોશ્યલ' પર આ શુભેચ્છા સંદેશો મુક્યો હતો. એક અનુભવી રાજકારણી અને અમેરિકામાં ભારતના ભૂતપૂર્વ રાજદુત તરીકે અમેરિકા અને ભારત વચ્ચે સંબંધો મજબૂત કરવામાં એમની મૂખ્ય ભૂમિકા હતી. તરનજીત સિંહ સંધુ ૨૦૨૦થી ૨૦૨૪ સુધી અમેરિકામાં ભારતના એમ્બેસેડર રહ્યા હતા. આ કારણે ટ્રમ્પે એમને અભિનંદન આપ્યા હતા. સંધુએ માર્ચ મહિનાની ૧૧મી તારીખે દિલ્હીના ઉપરાજ્યપાલ તરીકે સોગંદ લીધા હતા અને ૩૬ દિવસ પછી ટ્રમ્પે આ બાબતની શુભેચ્છા એમને આપી હતી. એમ મનાય છે કે ઇરાન સાથેના યુદ્ધને કારણે ટ્રમ્પે સંધુને મોડા અભિનંદન આપ્યા છે.
'આજે તમારો મૂડ સારો લાગે છે', સાંભળીને સ્પિકર હસી પડયા
લોકસભામાં વિરોધપક્ષના નેતાઓ અને સ્પિકર ઓમ બીરલા વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. વિરોધપક્ષ સ્પિકર સામે અવિશ્વાસની દરખાસ્ત પણ લાવ્યો હતો. જોકે વિશેષસત્રમાં સ્પિકર અને વિરોધપક્ષના નેતાઓ વચ્ચે હળવી ક્ષણો પણ જોવા મળી હતી. કોંગ્રેસના નેતાએ એકાએક ઓમ બીરલાના વખાણ કર્યા હતા. સ્પિકર સામે ફરિયાદ છે કે ઘણા સાંસદોને બોલવાનો મોકો મળતો નથી. એમને બદલે બીજા સાંસદને મોકો આપવામાં આવે છે. ઓમ બીરલાએ કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલને સંબોધતા કહ્યું હતું કે વેણુગોપાલજી એક વાત કહું કે તમારા ઘણા સાંસદો કહે છે કે નોટીસમાં અમારા નામ હતા, તો પછી તમે વેણુગોપાલને શા માટે બોલવા દીધા? આ સાંભળીને કેસી વેણુગોપાલે ઉભા થઈને હસતા હસતા કહ્યું હતું કે આજે તમારો મૂડ સારો લાગે છે. આ સાંભળીને કોંગ્રેસના બીજા સાંસદો પણ હસવા માંડયા હતા. સ્પિકરે તરત જ ટીપ્પણી કરી હતી કે હું માનું છું કે આજે આખા દેશનો મૂડ સારો હોવો જોઈએ.
તામીલનાડુ ચૂંટણીમાં હિન્દી ભાષા મહત્વનો મુદ્દો
ભૂતકાળમાં તામીલનાડુમાં ભાષાને મુદ્દે લોહિયાળ આંદોલનો થયા છે. હિન્દી ભાષા લાદવાના મુદ્દે તામીલનાડુમાંથી કોંગ્રેસ લગભગ નેસ્તનાબુદ થઈ ગઈ હતી. ભારતના તમામ રાજ્યોમાં તામીલનાડુ એક માત્ર એવું રાજ્ય છે જ્યાં ત્રણ ભાષાની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી નથી. તામીલનાડુમાં સામાન્ય માણસ હિન્દી બોલતા નથી કે સમજી શકતા નથી. હિન્દીનો વિરોધ કરવા માટે નાના નાના સંગઠનોનો ઉપયોગ મોટા રાજકીય પક્ષો કરે છે. જે પક્ષ હિન્દીની તરફેણ કરે એને માટે ચૂંટણી જીતવી મુશ્કેલ બની જાય છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ અને તેના સાથી પક્ષો ભાષા બાબતે તમીલયનોને છંછેડવા માંગતા નથી. આજથી ૯૦ વર્ષ પહેલા તામીલનાડુના મુખ્યમંત્રી સી રાજગોપાલાચારીએ સ્કૂલોમાં હિન્દી ભાષા ફરજીયાત કરી હતી ત્યારે પણ મોટું આંદોલન થયું હતું.
'હું ચાહું છું કે બંગાળ પણ કાશ્મીર બને'
લોકસભામાં સિમાંકન બિલ પર થઈ રહેલી ચર્ચા વખતે જમ્મુ-કાશ્મીરના સાંસદ આગા સૈયદ રૂહુલ્લા મહેંદીએ કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી. એમના કહેવા પ્રમાણે આ બિલના કારણે દેશનું સમતોલન બગડી શકે છે અને જમ્મુ-કાશ્મીર જેવા નાના રાજ્યોનો અવાજ કમજોર થઈ જાય છે. એમણે એમ પણ કહ્યું હતું કે એમને ડર છે કે આ સિમાંકન પછી કેટલાક મોટા રાજ્યો દેશના તમામ નિર્ણયો લેશે. ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા મોટા રાજ્યો પાસે લોકસભાની ૪૦૦ થી વધુ બેઠકો હશે. આ કારણે નાના રાજ્યોની તાકાત ઓછી થઈ જશે. અમે બેબસ છીએ. ઉત્તરના રાજ્યોની લાઠી દક્ષિણ ભારત પર વિંઝાશે. બંગાળ પર પણ વિંઝાશે. હું ખુશ છું કે આ બધા રાજ્યો કાશ્મીર બની જશે. બંગાળ પણ કાશ્મીર બની જશે. ત્યારે ખબર પડશે કે કાશ્મીર સાથે કેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો. એમના આ નિવેદન પર ગૃહમંત્રી અમિત શાહે વાંધો લીધો હતો. ત્યાર પછી બંને વચ્ચે તડાફડી થઈ હતી.
અખિલેશ યાદવ અને સ્મૃતિ ઇરાની વચ્ચે ગરમાગરમી
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અને સપાના પ્રમુખ અખિલેશ યાદવ વચ્ચે જામી ગઈ છે. સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે, 'મેં સાંભળ્યું છે કે આજે અખિલેશ યાદવે સંસદમાં મને યાદ કરી હતી. સારૂ છે કે જેમને રાજકારણ વારસામાં મળ્યું છે તેઓ એમને યાદ કરે છે. જે પોતાની તાકાતને કારણે ટોચ પર પહોંચે છે. કામ કરતી સ્ત્રીઓ પર તેઓ ટીપ્પણી કરે છે કે જેમણે જીંદગીમાં કોઈ નોકરી કરી નથી. તમે મારી સિરિયલ જોવાનું બંધ કરીને સંસદ પર ધ્યાન આપો. મહિલા બિલ પસાર કરાવો.' અખિલેશ યાદવે સંસદમાં નામ લીધા વગર સ્મૃતિ ઇરાનીને ટોણો માર્યો હતો. એમણે કહ્યું હતું કે, 'સાસ, બહુ વાળી તો હારી ગઈ છે. પરંતુ તમારા પક્ષને મોકો મળશે.' અખિલેશ યાદવ મહિલા અનામત મુદ્દે સંસદમાં બોલી રહ્યા હતા.
પાકિસ્તાન - અફઘાનિસ્તાન રૂટથી ડ્રગ્સની દાણચોરી વધી
ભારતમાં ડ્રગ્સની ઘૂસણખોરી બાબતે સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. મળેલા છેલ્લા ઇનપુટ પ્રમાણે પાકિસ્તાન - અફઘાનિસ્તાન વિસ્તાર એટલે કે ગોલ્ડન ક્રીસેન્ટ દ્વારા થતી ડ્રગ્સની દાણચોરીમાં ખુબ વધારો થયો છે. ડ્રગ્સ મનીનો ઉપયોગ આતંકવાદીઓના ફંડીંગ માટે થાય છે. ગોલ્ડન ક્રીસેન્ટથી ઘૂસાડવામાં આવતા ડ્રગ્સનું નેટવર્ક તોડવું અઘરૂં છે. સુરક્ષા એજન્સીઓના કહેવા પ્રમાણે દેશમાં ઘૂસાડવામાં આવતા ડ્રગ્સમાંથી કુલ ૬૫ ટકા ડ્રગ્સ આ વિસ્તારમાંથી આવે છે. આ વિસ્તારમાંથી મુખ્યત્વે ચરસ અને મેથામફેટામાઇન જેવા ડ્રગ્સ ભારત સુધી પહોંચે છે. પાકિસ્તાન સ્થિત નેટવર્ક આ કાળો ધંધો કરે છે. ડ્રગ્સની સામે મળતા પૈસામાંથી ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ ચાલે છે. પહેલા ડ્રગ માફિયાઓનું ફોક્સ ઉત્તર ભારત સુધી સીમીત હતું, પરંતુ હવે એમણે દક્ષિણ ભારત સુધી વિસ્તાર કર્યો છે.
ફરાર એચઆર મેનેજરને શોધવા એનઆઇએ મદદે
ધર્માંર્તરણ અને યૌનપીડન સ્કેમની મુખ્ય આરોપી એચઆર મેનેજર નીદા ખાન ફરાર છે. એની શોધ કરવામાં મહારાષ્ટ્ર પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો છે. હવે બનાવવામાં આવેલી એસઆઇટીએ એસઆઇડી, એટીએસ અને એનઆઇએની ટેક્નીકલ મદદ માંગી છે. આ બાબતે અત્યાર સુધીમાં ૯ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને છ વ્યક્તિઓની ધરપકડ થઈ છે. એમ મનાય છે કે આ કેસ એક આંતરરાષ્ટ્રીય કાવતરું છે અને રાષ્ટ્રીય એજન્સીઓએ પણ આ કેસમાં રસ દાખવ્યો છે. નાસીકના પોલીસ કમિશનર સંદીપ કાર્ણીકના કહેવા પ્રમાણે આરોપીઓના સંપર્કો અને એમની ગતિવિધિઓની તપાસ થઈ રહી છે. આ કિસ્સો રાષ્ટ્રીય લેવલે ચગી ગયા પછી ટીસીએસએ નાસીક ઓફિસ કામચલાઉ બંધ કરી દીધી છે. બીજી સુચના મળે ત્યા સુધી કર્મચારીઓને ઘરે રહીને જ કામ કરવાનું કહેવામાં આવ્યું છે.


