Get The App

દિલ્હીની વાત : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાતમાં વિલંબની ચર્ચા

Updated: Apr 18th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાતમાં વિલંબની ચર્ચા 1 - image

નવી દિલ્હી : છેલ્લા ઘણા સમયથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નામની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે. એક તબક્કે એમ મનાતું હતું કે નાગપુર ખાતે આરએસએસના વડા મોહન ભાગવત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાત પછી અધ્યક્ષની જાહેરાત થઈ જશે. ભાજપના આંતરીક વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની વરણીની દ્વિધાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિર્ણય શક્તિ બાબતે પ્રશ્નો થઈ રહ્યા છે. હવે મોદીએ નાછૂટકે પ્રોએક્ટીવ થવું પડયું છે. મોદીએ ભાજપના હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંગઠન મહામંત્રી બી એલ સંતોષ અને રક્ષામંત્રી રાજનાથસિંહ સાથે બેઠક કરવી પડી છે. ભાજપ રાષ્ટ્રીય પ્રમુખની નિમણૂક આડે આવતા ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને કર્ણાટક જેવા રાજ્યોના સંગઠન બાબતે આ બેઠકમાં ચર્ચા થઈ હતી. સામાન્ય રીતે બહુબોલકા પ્રવક્તાઓ પણ આ બાબતે મૌન છે. એમ મનાય છે કે નરેન્દ્ર મોદીએ એમને આડકતરી સૂચના આપી દીધી છે કે, રાષ્ટ્રીય પ્રમુખ બાબતે કોઈપણ નિવેદન આપવું નહીં.

રોબર્ટ વાડ્રા હવે રાજકારણમાં ઝંપલાવશે

કોંગ્રેસના નેતા અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા સામે મની લોન્ડરીંગનો કેસ થયો છે. આ બાબતે ઇડી એમની પૂછપરછ કરી રહી છે. એમ મનાય છે કે એમની સામે ઇડી ચાર્જશીટ પણ દાખલ કરશે. ઇડીની પૂછપરછમાંથી બહાર આવતી વખતે રોબર્ટ વાડ્રાના ચહેરા પર આત્મવિશ્વાસ દેખાતો હતો. રોબર્ટ વાડ્રાએ સરકારની ટીકા કરતા એમ પણ કહ્યું હતું કે તેઓ હવે કદાચ રાજકારણમાં જોડાય. કોંગ્રેસના નજીકના વર્તુળોનું કહેવું છે કે, સોનિયા ગાંધીની ઇચ્છા ઘણા સમયથી છે કે જમાઈ વાડ્રા સક્રિય રાજકારણમાં જોડાઈને કોંગ્રેસની શક્તિ વધારે. કોંગ્રેસના કેટલાક નેતાઓનું માનવું છે કે રોબર્ટ વાડ્રાને ચૂંટણી લડાવવા કરતા એમને રાજ્યસભામાં મોકલવા જોઈએ.

હાઇટેક રાજકારણ, નાસિકમાં 'બાલા સાહેબ ઠાકરે' ગર્જ્યા

શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પક્ષને વિધાનસભાની ચૂંટણીમાં નિષ્ફળતા મળ્યા પછી પક્ષના નેતાઓએ આત્મમંથન શરૂ કર્યું છે. પક્ષને ફરીથી કઈ રીતે મજબુત બનાવવો એ બાબતે ચર્ચા ચાલી રહી છે. હવે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ પક્ષના સ્થાપક બાલા સાહેબ ઠાકરેની મદદ લેવાનું નક્કી કર્યું છે. પક્ષના કેટલાક નેતાઓએ આર્ટીફિશયલ ઇન્ટલીજન્સ (એઆઇ)નો ઉપયોગ કરીને બાલા સાહેબના અવાજની નકલ કરી છે. બાલા સાહેબ ઠાકરેના અવાજમાં શિવસેના (એકનાથ શિંદે) પર પ્રહાર કરવામાં આવ્યા હતા. બાલા સાહેબ ઠાકરેના અવાજમાં ૧૩ મીનીટ સુધીનું ભાષણ રજૂ થયું હતું. ઉત્તર મહારાષ્ટ્રના નાસિક ખાતે એક સભામાં આ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

વિદેશ અભ્યાસ કરવા જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો

કેનેડામાં વધતી ખાલિસ્તાની ચળવળ તેમ જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પોલીસીને કારણે ભારતથી વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. જોકે આ ઘટાડો અગાઉના વર્ષથી જ જોવા મળી રહ્યો છે. ૨૦૨૪ના વર્ષ દરમિયાન વિદેશ અભ્યાસ કરવા જનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨૫ ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. પાંચ વર્ષમાં પહેલી વખત અમેરિકા, કેનેડા અને યુકે જનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ છે. થોડા સમય પહેલા ભારતીઓએ વિદેશ અભ્યાસ બાબતે ચીનને પાછળ છોડી દીધું હતું. અમેરિકા, કેનેડા અને યુકે જેવા દેશોની પરમીટ આપનારી સંસ્થાઓનો અભ્યાસ કર્યા પછી આ વાત જાણવા મળી છે. અમેરિકા જનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ૩૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. ૨૦૨૩ના વર્ષ દરમિયાન અમેરિકા અભ્યાસ કરવા જનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૧,૩૧,૦૦૦ હતી જે ૨૦૨૪માં ઘટીને ૮૬,૧૧૦ થઈ ગઈ છે.

એકવાર અંતિમ ચુકાદો આવી જાય પછી ફેરફાર શક્ય નથી : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કોઈપણ બાબતનો અંતિમ ફેસલો ન્યાયવ્યવસ્થાનો આધાર છે. જે બાબતનો ચુકાદો આવી ગયો હોય એને બીજી વખત ખોલી શકાય નહીં. આમ કરવાથી ન્યાય વ્યવસ્થામાં અરાજકતા ફેલાઈ શકે છે. જસ્ટીસ સુર્યકાંત, જસ્ટીસ દિપાંકર દત્તા અને જસ્ટીસ ઉજ્જલ ભૂઇયાની બેન્ચે હિમાચલ પ્રદેશ વન વિકાસ નિગમ લિમિટેડના ભૂતપૂર્વ કર્મચારીઓની અરજી ફગાવી દીધી હતી. આ કર્મચારીઓએ પેન્શનના લાભની માંગણી કરી હતી. આ બાબતે ૨૦૧૬માં કોર્ટમાં અંતિમ ચુૂકાદો આવી ગયો હતો. બેન્ચે કહ્યું હતું કે, આ અરજી સંપૂર્ણરીતે ખોટી છે અને એટલે એને રદ કરવામાં આવે છે. આ દાવાનો અંતિમ ચૂકાદો આવી ગયો હોવાથી ફરીથી એને રીઓપન કરી શકાય નહીં.

'મે ફારુખ વિરૂદ્ધ લખ્યું નથી' : રોના ભૂતપૂર્વ વડાની સ્પષ્ટતા

દેશની જાસુસી એજન્સી રોના ભૂતપૂર્વ વડા અમરજિત સિંહ દૌલતે 'ધ ચીફ મિનિસ્ટર એન્ડ ધ સ્પાઇ' નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકના પ્રકાશન પછી જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. પુસ્તકમાં લેખકે લખ્યું છે કે, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લાએ કલમ ૩૭૦ નાબુદ કરવાને ખાનગીમાં સમર્થન આપ્યું હતું. આ બાબતે જ્યારે ફારૂખ અબ્દુલ્લાને પ્રશ્નો થયા ત્યારે દૌલતે ખુલાસો આપતા કહ્યું હતું કે, 'મારા લખાણ બાબતે ગેરસમજ થઈ છે. મે આવા પ્રકારનું કઈ લખ્યું નથી. મારા પુસ્તકમાં મેં ફારૂખ સાહેબની ટીકા કરી નથી, પરંતુ મેં એમના વખાણ કર્યા છે.' આ બાબતે ફારૂખ અબ્દુલ્લાએ પણ વાસ્તવીકતા સાથે છેડછાડ થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.

ભાજપ સાથે ચૂંટણી લડીશું, ગઠબંધન સરકાર નહીં બને : પલાનીસ્વામી

એઆઇએડીએમકેના મહામંત્રી એકે પલાનીસ્વામીએ કહ્યું છે કે તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં એમનો પક્ષ અને સાથી પક્ષ ભેગા મળીને સરકાર બનાવવાની સ્થિતિમાં હશે તો પણ તેઓ ગઠબંધન સરકાર નહીં બનાવે. પલાનીસ્વામીના કહેવા પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કયારેય એવું કહ્યું નથી કે તામિલનાડુમાં એઆઇએડીએમકે - ભાજપ ગઠબંધનની સરકાર બનશે. પલાનીસ્વામીનું કહેવું છે કે, મીડિયાએ આખી વાત ખોટી રીતે રજુ કરી છે. અમિત શાહે એવું જરૂર કહ્યું હતું કે, એઆઇએડીએમકે અને ભાજપનું ગઠબંધન ચૂંટણી જીતશે, પરંતુ એનો મતલબ એવો થતો નથી કે ગઠબંધન સરકાર બનાવશે. પલાનીસ્વામીની વાતનો અર્થ એમ નીકળે છે કે, તામિલનાડુના મતદારો ઇચ્છતા નથી કે, ભાજપને સત્તામાં ભાગીદાર બનાવવામાં આવે. પરિસ્થિતિ પામી ગયેલા પલાનીસ્વામીએ પાણી પહેલા પાળ બાંધી દીધી છે.

કેરળના સીએમના વિરોધ પછી સંઘે વેબસાઈટ પરથી લેખ હટાવ્યો

કેરળના મુખ્યમંત્રી પી. વિજયને કહ્યું હતું કે ભાજપ અને સંઘ મળીને લઘુમતીઓનો એકડો કાઢી નાખવા માંગે છે. વિજયને કહ્યું કે સંઘ અને ભાજપ મુસ્લિમોને અંદરખાને દુશ્મન માને છે. એનું ઉદાહરણ આપતા વિજયને સંઘના મુખપત્ર ઓર્ગેનાઈઝરમાં છપાયેલો વક્ફ અંગેનો લેખ ટાંક્યો હતો. એમાં વક્ફની સંપત્તિ બાબતે વિચારો રજૂ કરવામાં આવ્યો હતો. વક્ફ ઉપરાંત ચર્ચ પાસે જે સંપત્તિ છે એની વિગતો કહેવામાં આવી હતી. જોકે, વિવાદ થતાં સંઘના આ મુખપત્રની વેબસાઈટ પરથી વક્ફનો લેખ હટાવી દેવાયો હતો.

તેજસ્વીને સીએમ ફેસ બનાવવાનો નિર્ણય એક મહિનો પાછો ઠેલાયો

બિહારમાં તેજસ્વી યાદવ ગઠબંધનના સંયુક્ત સીએમપદના દાવેદાર હશે કે પછી કોંગ્રેસ પોતાની રીતે બીજા કોઈનું નામ જાહેર કરશે, અથવા તો કોઈનું નામ જાહેર કર્યા વગર જ લડશે - આ બધી બાબતોનો નિર્ણય હવે ૧૫મી મે પછી લેવાશે. હાલ પૂરતું એક મહિના સુધી આ ચર્ચાને પાછી ઠેલવાનો નિર્ણય લેવાયો છે. તેજસ્વીને બિહારમાં ગઠબંધનના કોઓર્ડિનેટર બનાવ્યા છે એટલે તેમની સીએમપદના ઉમેદવાર બનાવવાની શક્યતા પૂરેપૂરી છે, છતાં કોંગ્રેસે બિહારમાં સર્વે શરૂ કર્યો છે. તેજસ્વીના નામે કેટલું વજન છે એ એક મહિનામાં તપાસીને કોઈ નિર્ણય કરાશે. જો કોંગ્રેસને શંકા જણાશે તો પછી કોઈના ચહેરા વગર ચૂંટણી લડવાનો નિર્ણય લેવાશે.

વિશ્વાસુ નેતાને યુપી ભાજપના અધ્યક્ષ બનાવવા યોગીની કવાયત

ભાજપના પ્રદેશ અધ્યક્ષોની પસંદગી જે રાજ્યોમાં બાકી છે એમાં એક યુપી પણ છે. ૧૫ રાજ્યોમાં જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ જ્યાં રાજ્યના નેતાઓ વચ્ચે આંતરિક ખેંચતાણ વધુ છે ત્યાં જાહેરાત થઈ શકી નથી. યુપીમાં ૨૦૨૭માં વિધાનસભાની ચૂંટણી છે. યોગી ઈચ્છે છે કે પોતાના વિશ્વાસુ નેતાના હાથમાં રાજ્યની કમાન હોય તો નિર્ણયો લેવામાં ખાસ મુશ્કેલી ન પડે, પરંતુ હાઈકમાન્ડમાંથી અમુક નેતાઓ સંતુલન જાળવીને મોર્યના જૂથમાંથી અધ્યક્ષ બનાવવા માગે છે. પોતાના વિશ્વાસુ નેતા પર પસંદગીનો કળશ ઢોળાય તે માટે યોગીએ મથામણ આદરી છે. તેમણે પીએમ મોદીને ખાસ ત્રણ-ચાર નામોની ભલામણ કરી છે, એમાં યુપીના પશુપાલન મંત્રી ધર્મપાલ સિંહનું નામ મોખરે છે. 

એમપીમાં પુજારીને ધમકાવનારા ધારાસભ્યના દીકરાએ માફી માગી

મધ્યપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય ગોલુ શુક્લના દીકરા રૂદ્રાક્ષ શુક્લએ મધરાતે મંદિર ખોલાવીને પૂજારીને ધમકાવીને આરતી કરી હતી. એ મામલો વધી જતાં તેણે પોલીસને સરન્ડર કરી દીધું હતું. એ પછી તેને જામીન મળી ગયા હતા. જામીન બાદ તે ફરીથી મંદિર ગયો હતો અને પુજારીને પગે લાગીને માફી માગવાનું નાટક કર્યું હતું. તેનો વિડીયો પણ વાયરલ થયો છે. હસીને આ નેતાના દીકરાએ જે રીતે માફી માગી એ જોઈને લોકોએ કહ્યું કે આ માત્ર દેખાડા ખાતર માગવામાં આવેલી માફી છે. એને જરા સરખું ગિલ્ટ નથી. વ્યંગમાં માફી માગી રહ્યો છે.

કર્ણાટકમાં લિંગાયત અને વોક્કાલિગા સમુદાયે મોરચો માંડયો

કર્ણાટકમાં જાતિગત વસતિ ગણતરીનો રિપોર્ટ મંત્રીમંડળ સમક્ષ રજૂ કરવાનો નિર્ણય લેવાયો છે. તેનાથી કોંગ્રેસની સરકાર સામે વિરોધ ઉઠયો છે. કર્ણાટકમાં લિંગાયત અને વોક્કાલિગા સમુદાયોનું વર્ચસ્વ છે. જો જાતિગત વસતિ ગણતરીનો રિપોર્ટ રજૂ થાય તો આ બંને સમુદાયોનું રાજ્ય પર જે પ્રભુત્વ છે એ ઘટે એવી શક્યતા છે. આંકડાં જાહેર ન થાય તે માટે હવે આ બંને સમુદાયો સક્રિય થયા છે. ડી કે શિવકુમાર વોક્કાલિગા સમાજમાંથી આવે છે. તેમણે આ સમાજના કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. કર્ણાટકમાં કુરુબા સમાજ પણ મોટી સંખ્યામાં છે. રિપોર્ટ જાહેર થાય તો એ ફેક્ટ પરથી પડદો હટે કે લિંગાયત અને વોક્કાલિગાથી કુરુબા બહુ પાછળ નથી, તો એમનું રાજકીય મહત્ત્વ વધી જાય.

- ઈન્દર સાહની