નવીદિલ્હી: પશ્ચિમ બંગાળની ભાજપ સરકારે હવે મમતા સરકારની ગેરરીતિઓ શોધવાની શરૂ કરી છે. શુભેંદુ અધિકારીની સરકારે તમામ જિલ્લા અધિકારીઓને સૂચના આપી છે કે, ૨૦૧૧થી અત્યાર સુધી આપવામાં આવેલા ૧.૬૯ કરોડ એસસી, એસટી અને ઓબીસી પ્રમાણપત્રોની તપાસ કરવામાં આવે. એમ મનાય છે કે, કેટલાક લોકોને બોગસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ બાબતની ફરિયાદ પણ વારંવાર થતી હતી. બેકવર્ડ કલાસીસ વેલફેર વિભાગના સેક્રેટરી દ્વારા સૂચના જારી કરવામાં આવી છે. આ સૂચનામાં કહેવામાં આવ્યું છે કે અપાયેલા સર્ટિફિકેટમાંથી મોટા ભાગના બોગસ હોવાની માહિતી છે. આ બાબતે તપાસ કરીને માહિતી આપવામાં આવે. એક અધિકારીના કહેવા પ્રમાણે અપાત્ર લોકોને જાતી પ્રમાણપત્ર આપવાનો સીલસીલો ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણી પહેલા શરૂ થયો હતો.
સીજેઆઇની ટીપ્પણીને કારણે કેમ વિવાદ થયો
સીજેઆઇ સૂર્યકાંતએ સુપ્રિમ કોર્ટમાં તીખી ટીપ્પણી કરી હતી. એમણે કહ્યું હતું કે બેરોજગાર યુવાનો, સોશ્યલ મીડિયા યુઝર્સ, આરટીઆઇ કાર્યકર્તાઓ અને અન્ય કાર્યકરો વાંદા જેવા બની જાય છે અને પછી વ્યવસ્થા પર હુમલો કરવાનું શરૂ કરી દે છે. એક વકીલે પોતાને સિનિયર એડવોકેટનો દરજ્જો આપવા માટે ભલામણ કરી ત્યારે સીજેઆઇએ આ ટીપ્પણી કરી હતી. વકીલે જે રીતે આક્રમક વલણ અપનાવ્યું હતું એ સુપ્રિમ કોર્ટને પસંદ આવ્યું નહોતું. વકીલ જે ભાષાનો ઉપયોગ ફેસબુક પર કરતા હતા એ બાબતે પણ કોર્ટે નારાજગી બતાવી હતી. ર્બંચે અરજી કરનારને કહ્યુ હતું કે સમગ્ર દુનિયા સિનિયર વકીલ બનવા માટે યોગ્ય હોઈ શકે છે, પરંતુ તમે આ માટે અયોગ્ય છો. સીજેઆઇનું આ કડક વલણ સુપ્રિમ કોર્ટના કેટલાક વકીલોને ખાસ પસંદ આવ્યું નહોતું. ખાસ કરીને અરજી કરનારને વાંદા સાથે સરખાવવામાં આવ્યા એ એમને ગમ્યું નહોતું.
ટ્રમ્પ ડેલિગેશનએ ચીની ગીફ્ટ કચરા ટોપલીમાં ફેંકી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રણ દિવસની ચીન યાત્રાએ ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની યાત્રામાં જઈને કઈ ઉકાળ્યું નહોતુ. કંઈ મેળવ્યા વગર ટ્રમ્પ પાછા અમેરિકા પહોંચી ગયા હતા. જોકે ટ્રમ્પે તો આ યાત્રાને સફળ ગણાવી, પરંતુ જાણકારો એમની સાથે સહમત નથી. ટ્રમ્પ બિજિંગથી પાછા ફર્યા ત્યારે એરપોર્ટ પર બનેલી એક ઘટનાએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. અમેરિકા પાછા ફરતા પહેલા એરફોર્સ - ૧ વિમાનમાં બેસતા પહેલા વ્હાઇટ હાઉસ સ્ટાફે ચીની અધિકારીઓએ આપેલી ભેટ સામગ્રી ભેગી કરીને નષ્ટ કરી દીધા પછી ફેંકી દીધી હતી. અમેરિકાના અધિકારીઓ આ ક્રિયાને સુરક્ષા માટે લીધેલું પગલુ ગણાવે છે. એમ કહેવાય છે કે ચીન સાથે જોડાયેલી કોઈપણ વસ્તુ એરફોર્સ - ૧માં લઈ જવાની પરવાનગી હોતી નથી.
ઓવૈસીને બાબરીનો ચુકાદો કેમ યાદ આવ્યો
એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મધ્યપ્રદેશ હાઇકોર્ટનો ચુકાદો ગમ્યો નથી. ધાર જિલ્લામાં આવેલી ભોજશાલા બાબતે હાઇકોર્ટે ચૂકાદો આપ્યો હતો કે અહીં હિન્દુ મંદિર હતું અને હિન્દુઓને પૂજા કરવાની પરવાનગી આપવામાં આવે છે. ઓવૈસીએ આ ચૂકાદાની ટીકા કરી છે. જોકે દેશભરના હિન્દુ સંગઠનોએ આ ચૂકાદાને વધાવી લીધો છે અને તેઓ મુસ્લિમ સંગઠનોને વિનવણી કરી રહ્યા છે કે હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરે નહીં. બીજી તરફ ઓવૈસીએ પોતાનો એજન્ડા સેટ કરવાનો છે. એમના કહેવા પ્રમાણે આ ચૂકાદો બંધારણ વિરુદ્ધ છે. એમને આશા છે કે સુપ્રિમ કોર્ટ આ ચુકાદો માન્ય રાખશે નહીં. આ બાબતે એમણે સોશ્યલ મીડિયામાં પણ લખ્યું છે. એમણે આ ચુકાદાને બાબરી મસ્જિદના ચુકાદા સાથે સરખાવ્યો છે.
જ્યાં રજનીકાંત - કમલ હાસન નિષ્ફળ રહ્યા ત્યાં વિજયએ સફળતા મેળવી
તામિલનાડુમાં ફિલ્મસ્ટાર સફળ રાજકારણી બની શકે એની નવાઈ નથી. તામિલ ફિલ્મસ્ટાર સફળ થયા પછી એની નજર રાજકારણ તરફ હોય છે. તામિલ ફિલ્મ અભિનેતા રજનીકાંત અને કમલ હાસન પણ પોતાના વિચારોને સ્પષ્ટતાથી રજુ કરી શકે છે. એક જમાનામાં રજનીકાંત વિશે મનાતુ હતુ કે તેઓ કદાચ ભાજપ સાથે જોડાશે. કમલ હાસને તો પોતાનો પક્ષ પણ સ્થાપ્યો હતો. જોકે આ બંને મોટા સ્ટાર હોવા છતાં રાજકારણમાં નામ કાઢી શક્યા નહીં. બીજા અભિનેતા વિજય કાંતે પણ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ૨૦૧૧ની ચૂંટણીમાં એઆઇડીએમકે સાથે જોડાણ કર્યું હતું. પરંતુ તેમનો પક્ષ જીતી શક્યો નહોતો. રજનીકાંત અને કમલ હાસન વારંવાર પોતાના રાજકીય વિચારો વ્યક્ત કરતા રહે છે રજનીકાંત જમણેરી વિચારધારાના છે જ્યારે કમલા હસન ડાબેરી વિચારધારા ધરાવે છે.
'હું નિડર છું, સંતાડવા જેવું મારી પાસે કઈ નથી'
૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપએ સોનિયા ગાંધીના જમાઇ અને પ્રિયંકા ગાંધી - વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા પર ગંભીર આક્ષેપો કરતી પુસ્તિકા બહાર પાડી હતી. લોકોને હતુ કે સત્તા પર આવ્યા પછી ભાજપ રોબર્ટ વાડ્રા સામે તપાસ કરીને પગલા લેશે. કેટલાક તો એમ પણ માનતા હતા કે રોબર્ટ વાડ્રા જેલમાં ગયા જ સમજો. જોકે હવે રોબર્ટ વાડ્રાને એક પછી એક કેસમાંથી રાહત મળતી જાય છે. શીકોહપુર જમીન ખરીદી સાથે જ જોડાયેલા મની લોન્ડરીંગ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે હવે રોવર્ટ વાડ્રાને જામીન આપ્યા છે. જામીન મળ્યા પછી વાડ્રાએ કહ્યું હતું કે, 'મને દેશની ન્યાય વ્યવસ્થા પર પુરો ભરોસો છે. મને ખબર છે કે ઇડીને સરકાર ચલાવે છે અને ઇડી સરકારના ઇશારે કામ કરે છે. મને કોઈ વાતનો ડર નથી કારણ કે મે છૂપાવવા જેવું કંઈ કર્યું નથી.'
આઝમ ખાનને બે વર્ષની કેદ
સપાના નેતા આઝમ ખાનની મુશ્કેલી ઓછી થતી નથી. એક જમાનામાં જ્યારે મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે આઝમ ખાનનો વટ હતો. બેફામ વાણીવિલાસ કરવા માટે આઝમ ખાન કુખ્યાત હતા. તત્કાલીન ડીએમ પર બદનક્ષીકારક ટીપ્પણી કરવા માટે રામપુરની કોર્ટે આઝમ ખાનને બે વર્ષની કેદ અને ૨૦,૦૦૦ રૂપિયાના દંડની સજા કરી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વખતે ભોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપ હતો કે ચૂંટણી પ્રચાર દરમિયાન આઝમ ખાને તત્કાલીન ડીએમ વિશે વિકૃત ટીપ્પણી કરી હતી. પોલીસે ફરિયાદ કર્યા બાદ ચાર્જશીટ દાખલ કરી હતી. બે પેનકાર્ડ રાખવા માટે આઝમ ખાન અને એમના પુત્ર અબ્દુલ્લા આઝમને સજા થઈ ચૂકી છે.


