Get The App

દિલ્હીની વાત : થરૂરના રસ્તે ચિદમ્બરમ, ઇન્ડિયા ગઠબંધન પર પ્રશ્નો કર્યા

Updated: May 17th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : થરૂરના રસ્તે ચિદમ્બરમ, ઇન્ડિયા ગઠબંધન પર પ્રશ્નો કર્યા 1 - image

નવીદિલ્હી : છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના સાંસદ શશી થરૂર કેન્દ્ર સરકારના દરેક પગલાને વ્યાજબી ઠરાવી રહ્યા છે. થરૂરના નિવેદનો કોંગ્રેસ હાઇકમાન્ડને પસંદ આવ્યા નથી. હવે કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમ પણ શશી થરૂરને રસ્તે જતા હોય એમ લાગે છે. ચિદમ્બરમે હમણા જ એક લેખ લખ્યો હતો જેમાં 'ઓપરેશન સિંદુર' અને યુદ્ધ વિરામ બાબતે કેન્દ્ર સરકારના વખાણ કર્યા હતા. ચિદમ્બરમે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી વખતે મોદીને હરાવવા ભેગા થયેલા ઇન્ડિયા ગઠબંધનના અસ્તિત્વ સામે પણ પ્રશ્નો કર્યા હતા. ચિદમ્બરમે લખ્યું પૂછયું હતું કે ઇન્ડિયા ગઠબંધન અસ્તિત્વમાં છે કે નહીં એની જ ખબર પડતી નથી. એક જાહેર સમારંભમાં એમણે જ્યારે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનનું અસ્તિત્વ છે કે નહીં એની એમને ખબર નથી ત્યારે મંચ પર ઘણા કોંગ્રેસી સિનિયર નેતાઓ બેઠા હતા.

સીજેઆઇ ચંદ્રચુડને નિવૃત્તિના છ મહિના પછી મળી મોટી જવાબદારી

ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચુડને નિવૃત્તિ પછી નવી જવાબદારી આપવામાં આવી છે. ડીવાય ચંદ્રચુડ હવે નેશનલ લો યુનિવર્સિટી (એનએલયુ) દિલ્હીમાં પ્રોફેસર બની ગયા છે. યુનિવર્સિટીએ આ નિમણૂકને ભારતીય કાયદા શિક્ષા માટે એક મોટુ પગલું ગણાવ્યું છે. એનએલયુ દિલ્હીએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ એક્સ પર આની જાણકારી આપીને લખ્યું છે કે, 'અમને ગર્વ છે કે, ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટીસ હવે નેશનલ લો યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કરશે. ભૂતકાળમાં કેટલાક ચીફ જસ્ટીસને સરકારે રાજ્ય સભામાં પણ મોકલ્યા હતા. તો કેટલાકને લો કમિશનના ચેરમેન બનાવ્યા હતા. હમણા જ રીટાયર્ડ થયેલા ચીફ જસ્ટીસ ખન્નાએ નિવૃત્તિના દિવસે કહ્યું હતું કે તેઓ નિવત્તિ પછી કોઈ પણ હોદ્દા પર રહેશે નહીં.'

શિખર ધવને કર્નલ સોફિયા કુરેશી પર લખેલી પોસ્ટ વાયરલ થઈ

ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવન દરેક મુદ્દે પોતાના અભિપ્રાય ખુલીને વ્યક્ત કરે છે. શિખર ધવનએ કર્નલ સોફિયા કુરેશીના વખાણ કરતા તમામ ભારતીય મુસ્લિમોનો આભાર વ્યક્ત કર્યો છે, જેમણે દુશ્મનો સામે બહાદુરીથી લડાઈ લડી છે. શિખરે લખ્યું છે કે, 'ભારતનો આત્મા દેશની એકતા ઇચ્છે છે. કર્નલ સોફિયા કુરેશી જેવા નાયકો અને બીજા અગણિત મુસ્લિમોને સલામ. તેઓ દેશ વતી લડી રહ્યા છે. જય હિન્દ.' આ પહેલા શિખર ધવનએ પહેલગામમાં થયેલા હુમલા પછી પાકિસ્તાન બાબતે પણ ટવીટ કરી હતી. પાકિસ્તાને જ્યારે યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો ત્યારે શિખરે લખ્યું હતું કે, 'નાલાયક દેશે ફરીથી પોતાની નાલાયકી દુનિયાને બતાવી છે.' 'ઓપરેશન સિંદુર' પછી પણ શિખરે ભારતની સેનાના ભરપૂર વખાણ કર્યા હતા.

નીરજ ચોપડાએ ઇન્ડિયન આર્મીના હોદ્દા પરથી શા માટે રાજીનામું આપ્યું

નીરજ ચોપડાએ ૨૦૧૬માં ભાલા ફેંક સ્પર્ધામાં મેડલ મેળવ્યો હતો. તેઓ ત્યાર પછી ભારતીય લશ્કરમાં સામેલ થયા હતા. નીરજ ચોપડા છેલ્લા કેટલાક દિવસોથી સમાચારમાં છે. એમણે એક ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમને ભારત બોલાવ્યો હતો. પહેલગામ હુમલા પછી નીરજ ચોપડાના આ નિર્ણયની ખૂબ ટીકા થઈ હતી એ વખતે નીરજ ચોપડાએ કહ્યું હતું કે એમના માટે દેશથી વધુ કઈ નથી. હવે નીરજ ચોપડાએ ભારતીય સેનાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ટોક્યોમાં ગોલ્ડ મેડલ અને પેરીસ ઓલમ્પિક્સમાં રજત ચંદ્ર જીતનાર નીરજ ચોપડા ૯ વર્ષથી ભારતીય સેના સાથે જોડાયેલા હતા. તેઓ ભારતીય સેનાના રાજપુતાના રાયફલ્સનો ભાગ હતા. બે વર્ષ પહેલા એમને સુબેદાર મેજર તરીકે પ્રમોશન પણ આપવામાં આવ્યું હતું. ટેરીટોરિયલ આર્મીમાં નીરજને લેફનન્ટ કર્નલની પદવી આપવામાં આવી હતી. સેનામાં એક સાથે બે અલગ અલગ હોદ્દા પર રહી શકાતું નથી. ટેરીટોરિયલ આર્મીમાં એમનું નામાંકન થવાથી એમણે આર્મીમાંથી રાજીનામું આપી દીધું છે.

પાકિસ્તાનથી પરત ફરેલા બીએસએફ જવાનની નોકરી બાબતે પ્રોટોકોલ શું છે

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો ત્યારે ભારતના બીએસએફ જવાન ભૂલથી બોર્ડર ક્રોસ કરીને પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. પાકિસ્તાની રેન્જર્સે એમને પકડી લીધા હતા. ત્યાર પછી ભારતના દબાણને કારણે ૨૦ દિવસ પછી એમને પાકિસ્તાને અટારી વાઘા બોર્ડર પરથી ભારત પરત કર્યા હતા. ભૂલમાં બોર્ડર ક્રોસ કરીને ભારત આવનાર સૈનીકો માટે ખાસ પ્રોટોકોલ હોય છે. કેટલાક પૂછે છે કે શું એમને નોકરીથી હાથ ધોવા પડે છે. જ્યારે બાલાકોટ એરસ્ટ્રાઇક વખતે પાકિસ્તાને ભારતનું વિમાન તોડી પાડયું ત્યારે વિમાન ઉડાડનાર વિંગ કમાન્ડર અભિનંદનને કેદી બનાવી દીધા હતા. એમની વતન વાપસી પછી ફરીથી એમને વિમાન ઉડાડવાની પરવાનગી આપવામાં આવી હતી. સામાન્ય રીતે અમુક સમય સુધી પાછા ફરનાર જવાનને ગ્રાઉન્ડેડ કરી નાખવામાં આવે છે. તેઓ નોકરી ગુમાવતા નથી, પરંતુ કેટલાક સમય સુધી તેમને ડયુટી પર પાછા લેવામાં આવતા નથી.

બ્રિટનમાં નીરવ મોદીની હોંશિયારી ચાલી નહીં

કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભાગી ગયેલા હીરાના વેપારી નીરવ મોદી હમણા યુકેમાં છે. નીરવ મોદીના પ્રત્યાર્પણની માંગણી ભારતે કરી છે. નીરવ મોદી હમણા યુકેની જેલમાં કેદ છે. ભારતને પ્રત્યાર્પણ નહી કરવા દેવા માટે મોદીએ યુકેની કોર્ટમાં દાદ માંગી છે. મોદીએ જામીન માટે અરજી કરીને એવું કહ્યું હતું કે એમની જાનને જોખમ હોવાથી જામીન મળવા જોઈએ. જામીન મળ્યા પછી તેઓ યુકે છોડીને ભાગશે નહીં. જોકે લંડનની કોર્ટે એમની આ દલીલ સ્વિકારી નથી. એમ મનાય છે કે હવે મોદીને ભારતના પ્રત્યાર્પણ માટેનો રસ્તો સાફ થઈ ગયો છે. નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકનું કરી નાખ્યું હતું.

રામ ગોપાલની વ્યોમીકા સિંહની જ્ઞાતિ બાબતે કોમેન્ટથી વિવાદ

મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી પર આપેલા નિવેદન બાબતનો વિવાદ હજી સમ્યો નથી ત્યાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના કાકા રામ ગોપાલ યાદવએ વિંગ કમાન્ડર વ્યોમીકા સિંહ અને એર માર્શલ એ કે ભારતીની જ્ઞાતિ બતાવી દીધી છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે આ બાબતે આકરી ટીકા કરતા કહ્યું છે કે, સેનાને ધર્મ અને જ્ઞાતિ સાથે જોડવું જોઈએ નહીં. સંજય સિંહે ભાજપ પર પણ પ્રહાર કર્યા હતા. એમના કહેવા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રથા થઈ ગઈ છે કે, બીન જરૂરી વિવાદ ચગાવવા. થોડા સમય પહેલા હિમાશી નરવાલ, જેમના પતિ લેફ્ટનન્ટ હતા, એમણે ફક્ત એટલું કહ્યું કે દરેક બાબતે હિન્દુ - મુસ્લિમ કરવું જોઈએ નહીં. એ વખતે પણ નરેન્દ્ર મોદી અને ભાજપના ટ્રોલરોએ હિમાશી નરવાલની ટીકા કરી હતી. જે કોઈ વ્યક્તિ દેશ માટે લડે છે, દેશની સેનામા છે તેઓ કઈ જ્ઞાતિના છે તે જોવું જરૂરી નથી.

કંગનાએ ટ્રમ્પ અને મોદીની સરખામણી કરતી પોસ્ટ નડ્ડાની વિનંતી પછી રદ કરી

મંડીમાંથી ભાજપની સાંસદ કંગના રણૌતએ એપલ સીઈઓ ટિમ કૂકને ભારતમાં ઉત્પાદન ન કરવાની સલાહ આપનાર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રત્યે વ્યંગ કરતા સોશિયલ મીડિયા પર લખ્યું કે ટ્રમ્પ ભલે આલ્ફા મેલ હશે પણ મોદી આલ્ફા મેલના બાપ છે. કંગનાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ટ્રમ્પના કૃત્યો અંગત ઈર્ષ્યા અથવા રાજદ્વારી અસુરક્ષિતતા દર્શાવે છે. કંગનાએ ટ્રમ્પ અને મોદીની ત્રણ મુદ્દા સરખામણી કરી. પહેલી એ કે ટ્રમ્પ અમેરિકી પ્રમુખ ભલે છે પણ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. બીજુ  આ ટ્રમ્પની બીજી મુદ્દત છે જ્યારે ભારતીય પીએમની ત્રીજી મુદ્દત છે અને ત્રીજુ એ કે ટ્રમ્પ આલ્ફા મેલ હોય પણ મોદી નિર્વિવાદપણે આલ્ફા મેલના બાપ છે. જો કે કંગનાએ ભાજપના નેતા જે.પી.નડ્ડાના કહેવાથી આ પોસ્ટ રદ કરી નાખી હતી.

સુશીલ મોદીને સમયસર સારવાર ન મળ્યાના ચૌબેના દાવાથી હોબાળો

બિહારના રાજકીય વાતાવરણને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવનાર વરિષ્ઠ ભાજપ નેતા સુશીલ મોદીની પ્રથમ મૃત્યુ તિથિએ તેમના સહયોગી અશ્વિની ચૌબેએ આંચકાજનક દાવો કરતા કહ્યું છે કે સુશીલ મોદીને સમયસર યોગ્ય સારવાર ન મળતા તેમનું અકાળે મોત થયું હતું. પટણામાં એક કાર્યક્રમ દરમ્યાન બોલતા તેમણે દાવો કર્યો કે ૭૨ વર્ષની વયે કેન્સરથી મૃત્યુ પામેલા સુશીલ મોદી પ્રત્યે ભાજપના એક વરિષ્ઠ નેતાનો વર્તાવ યોગ્ય નહોતો. આથી જ તેમના આરોગ્ય પર વિપરીત અસર થઈ અને તેમને કેન્સર થયું. જો કે તેમણે કોઈ ચોક્કસ નામનો ઉલ્લેખ ન કર્યો.

બીઆરએસ નેતાગીરી બાબતે કેટીઆર અને તેમની બહેન સામસામે

તેલંગણામાં ભારત રાષ્ટ્ર સમિથિ (બીઆરએસ)ના પ્રમુખ કે.ચંદ્રશેખર રાવના પરિવારમાં શીત યુદ્ધ ચાલી રહ્યું છે. તેમની પુત્રી કવિથાને શક છે કે પાર્ટીમાંથી પોતાને બાજુએ કરી નાખવા પોતાનો ભાઈ કેટી રામા રાવ(કેટીઆર) પક્ષમાં ષડયંત્ર રચી રહ્યો છે. બીઆરએસની સાંસ્કૃતિક પાંખનું નેતૃત્વ કરી રહેલી કવિથાની ગયા વર્ષે માર્ચ મહિનામાં દિલ્હી લિકર કૌભાંડમાં સીબીઆઈ દ્વારા ધરપકડ થઈ હતી અને ૨૭ ઓગસ્ટે જામીન પર છૂટી હતી. અહેવાલો મુજબ બીઆરએસના કાર્યકારી પ્રમુખ કેટીઆરે પક્ષ પર નિયંત્રણ જમાવવાનું શરૂ કરી દીધું છે જ્યારે કેસીઆરએ પાર્ટીની દૈનિક પ્રવૃત્તિમાં ભાગ લેવાનું બંધ કરી દીધું છે. પાર્ટીમાં એવી ચર્ચા છે કે ટૂંક સમયમાં કેટીઆર પક્ષ પ્રમુખ બની જશે જ્યારે કેસીઆરને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં આવશે. દરમ્યાન કેસીઆરના ભત્રીજા ટી હરિશએ જણાવ્યું કે તેઓ કેટીઆરના નેતૃત્વ હેઠળ કામ કરવા તૈયાર છે.

- ઈન્દર સાહની