નવીદિલ્હી : તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)એ ફરીથી મુખ્ય ચૂંટણી કમિશનની ટીકા કરી છે. ટીએમસીએ બંગાળમાં વહીવટી અને પોલીસ અધિકારીઓની બદલીઓ માટે ચૂંટણી કમિશનરને જવાબદાર ગણાવ્યા છે. એમના હિસાબે આ ગભરાટમાં ઉઠાવેલું પગલું છે. બીજી તરફ ભાજપ અને સામ્યવાદી પક્ષો આ બાબતે એક થઈ ગયા છે. એમના કહેવા પ્રમાણે ચૂંટણી કમિશનનું આ પગલું સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે અગત્યનું છે. પશ્ચિમ બંગાળ ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત પછી રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનની જાહેરાત પછી ચિફ સેક્રેટરી નંદીની ચક્રવર્તિ, ગૃહસચીવ જગદિશ પ્રસાદ મીણા, પોલીસ વડા પીયુષ પાંડે અને કોલકત્તા પોલીસ કમિશનર સુપ્રતિમ સરકારને દુર કરવામાં આવ્યા છે. ચૂંટણી કમિશનના કહેવા પ્રમાણે દુર કરવામાં આવેલા અધિકારીઓને ચૂંટણીની કોઈ જવાબદારી સોંપવામાં આવશે નહીં. ટીએમસીના પ્રવકતા કુણાલ ઘોષએ કહ્યું હતું કે, આ પાછલા દરવાજાથી થઈ રહેલું રાજકારણ છે. આમ છતાં ભાજપ પશ્ચિમ બંગાળની જનતા અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચેના સંબંધને નબળો નહીં પાડી શકે. ભાજપ પાસે પશ્ચિમ બંગાળના મતદારોની વિચારધારા બદલવાની તાકાત નથી.
નમો ભારત રેપીડ રેલની ઝડપ 50 કિમી થઈ ગઈ
દેશમાં નમો ભારત રેપીડ રેલ સેવા બહુ ગાજી હતી. જોકે બીજી કેટલીક સરકારી સેવાઓની જેમ આ સેવામાં પણ ત્વરીત ખામી ઉભી થઈ. ઉભી થયેલી ટેક્નીકલ ક્ષતીને કારણે પ્રવાસીઓએ ભારે પરેસાનીનો સામનો કરવો પડયો હતો. સિગ્નલ સીસ્ટમમાં આવેલી ટેક્નીકલ ખરાબીને કારણે હાઇસ્પીડ ટ્રેનોની ઝડપ ઓછી થઈ ગઈ હતી અને કેટલાક સ્ટેશનો પર ટ્રેનને ૧૦ થી ૧૫ મીનીટ સુધી ઉભી રાખવી પડી હતી. આ સમસ્યાને કારણે રેલવે સ્ટેશનોએ ભીડ વધી ગઈ હતી. મેરઠના મોદીપુરમથી સાંજે ૬.૦૯ વાગે રવાના થયેલી નમો ભારત રેપીડ રેલ ૫૦ કીલોમીટર કલાકની ઝડપે જ ચાલી શકી હતી. આ કારણે જ દિલ્હી - મેરઠ કોરીડોરનો પ્રવાસ કરનારાઓની મુશ્કેલી વધી ગઈ હતી. પ્રવાસીઓ ગુસ્સે થઈ ગયા હતા. આમ પણ ભારતના રેલવે મંત્રી વૈષ્ણવની ઇમેજ ખાડે ગઈ છે. સોશ્યલ મીડિયા પર આ સમસ્યા વાયરલ થઈ હતી.
રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને 5-5 કરોડ લાંચ આપવાનો આરોપ
રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટીંગનો ડર હંમેશા રહે છે. ઓડિસા કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે, બેંગ્લુરુમાં ભાજપે એમના પક્ષના ધારાસભ્યોને ૫-૫ કરોડ રૂપિયાની લાંચ આપવાની કોશિષ કરી હતી. આ મામલે બેંગ્લુરુ પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. કોંગ્રેસે ૮ ધારાસભ્યોને ક્રોસ વોટીંગથી બચવા માટે થોડા સમય પહેલા બેંગ્લુરુ મોકલ્યા હતા. આ ધારાસભ્યો પર કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમાર નજર રાખી રહ્યા હતા. શિવકુમારના કહેવા પ્રમાણે ૪ વ્યક્તિઓ આવ્યા હતા. સુરેશ નામની એક સ્થાનિક વ્યક્તિની મદદથી એમણે એક રુમ બુક કરાવ્યો હતો. તેઓ હોટલમાં દાખલ થયા હતા જ્યાં કોંગ્રેસના ૮ ધારાસભ્યોએ ચેક ઇન કર્યું હતું. સવારે એક ધારાસભ્યને મળીને પેલી વ્યક્તિએ પાંચ કરોડ રૂપિયા આપવાની કોશિષ કરી હતી. ઓડિસા કોંગ્રેસના સિનિયર નેતા અને કોરાપુટના સાંસદ સપ્તગીરી ઉલાકાએ કહ્યું હતું કે ધારાસભ્ય બિરેન્દ્ર પ્રસાદ, સુરેશ, અજીત શાહુ એ જ હોટલમાં રોકાયા હતા. એમણે પોલીસ સમક્ષ ભાજપના ટેકેદાર અપક્ષ ઉમેદવાર દિલીપ રાયનું નામ લીધું હતું.
નમાઝીઓની લીમીટ પર હાઇકોર્ટની ફટકાર
ઉત્તર પ્રદેશના સંભલ શહેરની એક મસ્જિદમાં ૨૦થી વધુ લોકોના નમાઝ પઢવા પર સ્થાનિક શાસને પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણય સામે મુનાઝીર ખાન કોર્ટમાં ગયા હતા. એમણે કોર્ટને કહ્યું હતું કે, રમઝાન મહિનામાં ગાતા નંબર ૨૯૧ પર એક મસ્જિદ છે જ્યાં નમાઝ પઢનારાઓને રોકવામાં આવે છે. મસ્જિદમાં નમાઝ પઢવા માટે ફક્ત ૨૦ વ્યક્તિઓને જ જવા દેવામાં આવે છે જ્યારે રમઝાનના દિવસોમાં અહીં મોટી સંખ્યામાં નમાઝીઓ ભેગા થાય છે. રાજ્ય સરકારના વકીલે આ નિર્ણયનો બચાવ કરતા કહ્યું હતું કે કાયદો વ્યવસ્થાની સ્થિતી સરખી રાખવા માટે નમાઝીઓની સંખ્યા મર્યાદીક કરવામાં આવી છે. હાઇકોર્ટે સરકારની આ દલીલ માનવાનો ઇન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, 'કાયદો - વ્યવસ્થા સાચવવાની જવાબદારી રાજ્ય સરકારની છે. જો તમારાથી એ થઈ શકતું ના હોય તો રાજીનામું આપી દો અથવા તો બદલી કરાવી દો.'
લીકર સ્કેમ કેસમાં સીબીઆઇને રાહત
દિલ્હી હાઇકોર્ટે અરવિંદ કેજરીવાલ અને મનિષ સિસોદિયાને જોડતા લીકર સ્કેમમાં સીબીઆઇને ફરીથી રાહત આપી છે. તપાસમાં ખામીઓ માટે સીબીઆઇ સામે કરવામાં આવેલી ટીપ્પણીઓ અને સીબીઆઇ અધિકારીઓની તપાસ કરવા માટે ટ્રાયલ કોર્ટના હુકમ પર આપવામાં આવેલો સ્ટે ચાલુ રાખ્યો છે. જસ્ટીસ સ્વર્ણકાંતા શર્માએ આ બાબતે સુનાવણી કરતા કહ્યું હતું કે, જે કામચલાઉ સ્ટે આપવામાં આવ્યો છે એ ચાલુ રહેશે. કોર્ટે કહ્યું હતું કે, આ બાબતે ૯મી એપ્રિલે ફરીથી સુનાવણી થશે. હાઇકોર્ટેને પ્રથમ દૃષ્ટિએ લાગ્યુ હતું કે, કેજરીવાલ અને અન્યને નિર્દોષ છોડી દેતી વખતે ટ્રાયલ કોર્ટે કરેલી કેટલીક ટીપ્પણીઓ ખોટી હતી. સીબીઆઇના અધિકારીઓ વિરુદ્ધ કરવામાં આવેલી ટીપ્પણી પર પણ કોર્ટે સ્ટે આપી દીધો હતો. હાઇકોર્ટે આ કેસ સંદર્ભે કેજરીવાલ સહિત ૨૩ આરોપીઓને નોટીસ મોકલી છે.
ચૂંટણી કાર્યક્રમને પ્રિયંકા ગાંધીએ ભાજપની ચાલ ગણાવ્યો
આગામી વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત પછી રાજકારણમાં ગરમી આવી ગઈ છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ચૂંટણી કાર્યક્રમો પર સવાલ કર્યા છે. એમના કહેવા પ્રમાણે મતદાનની તારીખો એવી રીતે નક્કી કરવામાં આવી છે કે જેને કારણે ભાજપને સગવડ રહે. ચૂંટણીના કાર્યક્રમો પ્રમાણે આસામ, કેરળ અને પુંડુચેરીમાં ૯મી એપ્રિલે મતદાન થશે જ્યારે તમીલનાડુમાં ૨૩ એપ્રિલે મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં બે તબક્કે મતદાન થવાનું છે. પ્રિયંકાનું જોકે એમ પણ કહેવું છે કે કોંગ્રેસ ચૂંટણી માટે તૈયાર છે અને લોકોના પ્રશ્નો લઈને મેદાનમાં ઉતરશે. શશી થરૂરે પણ ચૂંટણીના કાર્યક્રમ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. એમના કહેવા પ્રમાણે કેરળમાં ચૂંટણીની તારીખ ધારણા કરતા જલ્દી જાહેર કરવામાં આવી છે. પક્ષનું માનવું હતું કે એપ્રિલના છેલ્લા દિવસોમાં મતદાન થશે, પરંતુ ૯મી એપ્રિલે મતદાન થવાનું છે.
ફડણવીસે દગાથી ધર્મપરિવર્તનના બીલનો બચાવ કર્યો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્ય સરકારના દગાથી ધર્મપરિવર્તન રોકનારા બીલનો બચાવ કર્યો છે. એમના કહેવા પ્રમાણે આ બીલ મહિલાઓનું શોષણ રોકવા માટે લાવવામાં આવ્યું છે. ઘણા કિસ્સાઓમાં મહિલાઓને પ્રેમના ચક્કરમાં ફસાવીને લગ્ન કરવામાં આવે છે અને ત્યાર પછી છોડી દેવામાં આવે છે. આવા બનાવો વારંવાર બનતા રહે છે. વિપક્ષો આ બીલનો વોટબેન્કના રાજકારણ માટે ઉપયોગ કરે છે. જો વિરોધ પક્ષો બીલનો અભ્યાસ યોગ્ય રીતે કરશે તો એમને આમાં કોઈ ધર્મવિરુદ્ધ વાત દેખાશે નહીં. સરકારે ધર્મની સ્વતંત્રતા કાયદો ૨૦૨૬ બીલ રજૂ કર્યું છે. દગાથી કે લાલચથી ધર્મપરિવર્તન કરાવવામાં આવશે તો સખત સજાની જોગવાઈ રાખવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ આ રીતે ધર્મપરિવર્તન કરાવે તો એને સાત વર્ષની જેલ અને એક લાખનો દંડ થઈ શકશે.


