Get The App

ઓડીશા ખનન કૌભાંડમાં આઇએએસ - આઇપીએસ અધિકારીઓની પણ સંડોવણી

Updated: Mar 17th, 2025

GS TEAM

Google News
Google News
ઓડીશા ખનન કૌભાંડમાં આઇએએસ - આઇપીએસ અધિકારીઓની પણ સંડોવણી 1 - image

નવીદિલ્હી: ઓડીસાના ભૂતપૂર્વ મંત્રી અને બીજેડીના નેતા બદ્રીનારાયણ પાત્રાએ રાજ્યના ખનન કૌભાંડમાં એક આઇએએસ અને આઇપીએસ અધિકારી સંડોવાયા હોવાનો આક્ષેપ કર્યો છે. પાત્રાના કહેવા પ્રમાણે આ અધિકારીઓ ક્યોઝર જિલ્લામાં કરોડો રૂપિયાના ગેરકાયદેસર ખનન અને વાહનવ્યવહાર કૌભાંડમાં સંડોવાયા છે. ઓડીસા ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુનાખોરી શાખાએ બીજુ યુવાજનતા દળના ઉપાધ્યક્ષ સૌમ્યશંકર ચક્રની ગેરકાયદેસર ખનન બાબતે ધરપકડ કરી હતી. આરોપ મુકનાર બીજેડીના નેતા છ વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. પાત્રાના કહેવા પ્રમાણે તાત્કાલીન જિલ્લા કલેક્ટર અને એસપીએ રાજાચક્રને સુરક્ષા આપી હતી. આ અધિકારીઓ પણ ગેરકાયદેસર કામમાં ભાગીદાર હોવાથી એમની પણ ધરપકડ થવી જોઈએ. 

ભાજપ - સંઘની માફી કદી નહીં માગુ : તુષાર ગાંધી

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી એમના આખાબોલા સ્વભાવને કારણે જાણીતા છે. તુષાર ગાંધી વારંવાર મોદી અને સંઘની ટીકા કરતા રહે છે. તુષાર ગાંધીએ તિરૂવનન્તપુરમ ખાતે કહ્યું હતું કે, ભાજપ અને આરએસએસ ખૂબ જ ખતરનાક છે અને છુપા દુશ્મનો છે. આરએસએસ તો ઝેર જેવું છે. તુષાર ગાંધીના આ નિવેદન પછી ભાજપના નેતાઓએ એમની પાસે માફીની માંગણી કરી છે. જોકે આ નેતાઓને ખબર લાગતી નથી કે એમનો પનારો તુષાર ગાંધી સાથે પડયો છે. ભાજપના નેતાઓને તુષાર ગાંધીએ કહી દીધું કે તેઓ પોતાના નિવેદન બાબતે માફી પણ નહીં માંગે અને નિવેદનો પાછા પણ નહીં ખેચે. ગાંધીના કહેવા પ્રમાણે હવે તો એમની હિંમત વધુ ખુલી ગઈ છે. એમણે આઝાદીની લડત કરતા પણ મોટી લડત લડવા માટે આહવાન કર્યું હતું. 

માયાવતીએ પોતાને 'આયરન લેડી' ગણાવ્યા

કાશીરામ જયંતી પર એમને શ્રદ્ધાજલી આપતી વખતે બસપાના પ્રમુખે પોતાની જાતને 'આયરન લેડી' ગણાવ્યા હતા. ઇન્દિરા ગાંધીનો સિતારો જ્યારે ટોચ પર હતો ત્યારે મિડિયા અને રાજકારણીઓ ઇન્દિરા ગાંધી માટે 'આયરન લેડી' શબ્દ વાપરતા હતા. ઇન્દિરા ગાંધીએ કદી પોતાની જાત માટે 'આયરન લેડી' શબ્દ વાપર્યો નથી. આજકાલ માયાવતી ઉત્તર પ્રદેશમાં રાજકીય રીતે ફરીથી પ્રકાશમાં રહેવા માટે એક્ટીવ થઈ રહ્યા છે. માયાવતીએ એમ પણ કહ્યું હતું કે બહુજન સમાજે સત્તાની ચાવી મેળવવી જરૂરી છે. દેશની આજની પરિસ્થિતિ જોતા બહુજન સમાજે એક થવાની જરૂર છે. જો પોતાને સત્તા મળશે તો ઉત્તર પ્રદેશમાં દલિત અને શોષિતોએ ચિંતા કરવાની જરૂર નહીં રહે. 

જયન્ત પાટીલ એનસીપી (અજીત પવાર) સાથે જોડાય એવી શક્યતા

શિવસેના (એકનાથ શિંદે)ના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી સંજય શીરસાટેના કહેવા પ્રમાણે એનસીપી (શરદ પવાર)ના સિનિયર નેતા જયન્ત પાટીલ શરદ પવારનો સાથ છોડીને એનસીપી (અજીત પવાર)મા જોડાશે. શીરસાટે કહ્યું છે કે, 'મેં પહેલા પણ કહ્યું હતું કે, જયન્ત પાટીલ લાંબો સમય શરદ પવાર સાથે નહીં રહે. શરદ પવારના પક્ષમાં ધરતીકંપ આવશે. તમે જોજો કે પાટીલ એનસીપી (અજીત પવાર) સાથે જોડાશે.' પાટીલ એનસીપી (શરદ પવાર)ના પ્રદેશ પ્રમુખ પણ છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ શરદ પવારથી નારાજ હોવાનું મનાય રહ્યું હતું. જોકે મહારાષ્ટ્રના રાજકારણમાં એવી ચર્ચા  થઈ રહી છે કે, શિવસેના પોતાના નેતાઓ કરતા એનસીપીના નેતાઓ બાબતે વધુ ચિંતા કરે છે. 

પંજાબના બજેટમાં પહેલી વખત નશા સામેની લડત માટે પેકેજ

છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી પંજાબ નશાનું કેન્દ્ર બની રહ્યું છે, નશા બાબતે પંજાબની બગડેલી પરિસ્થિતિ પરથી 'ઉડતા પંજાબ' જેવી ફિલ્મ પણ બની ચૂકી છે. દરેક પક્ષના મોટા દાવા પછી પણ પંજાબમાં કોઈપણ સરકાર નશાખોરીને કાબુમાં કરી શકી નથી. હમણા પંજાબની આપ સરકારે હવે બજેટમાં નશા સામે લડવા માટે ખાસ પેકેજ રાખ્યું છે. પ્રદેશની આપ સરકારે એવો દાવો કર્યો છે કે હવે આવતા ત્રણ મહિનામાં પંજાબમાંથી નશાખોરી સંપૂર્ણ નાબુદ કરવામાં આવશે. જોકે આપ સરકારનો આ દાવો કોઈ માનતું નથી. પંજાબમાં સત્તા પર આવ્યા પહેલા આમ આદમી પાર્ટીએ પ્રજાને જેટલા વચનો આપ્યા હતા એમાંથી ભાગ્યે જ કોઈનું પાલન થયું છે. નશાની બદીથી થાકેલા વડીલો હવે એવી પ્રાર્થના કરી રહ્યા છે કે, નશા બાબતે આપે આપેલું વચન પૂરુ કરે તો સારુ .

ફરિયાદને કારણે શિક્ષકની ધરપકડ કરતા પહેલા તપાસ જરૂરી

કેરળ હાઇકોર્ટે કહ્યું છે કે, કોઈપણ વિદ્યાર્થી કે માતા-પિતાએ કોઈ શિક્ષક સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી હોય તો પ્રાથમિક તપાસમાં પૂરતા પુરાવા નહીં હોય ત્યારે શિક્ષકની ધરપકડ કરવી જોઈએ નહીં. યોગ્ય તપાસમાં જો ફરિયાદમાં તથ્ય નહીં હોય તો શિક્ષકની ધરપકડ થઈ શકે નહીં. દરેક કિસ્સામાં ફરીયાદી સાચા હોય એ જરૂરી નથી. જસ્ટીસ પીવી કુન્હીકૃષ્ણનએ કહ્યું છે કે, આજના સમયમાં કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષણ સંસ્થાઓમાં હથિયાર, દારૂ અને નશાનો ઉપયોગ કરે છે. આપણા રાજ્યમાં યુવા પેઢીનો વ્યવહાર ચિંતાજનક છે. તેઓ ગંભીર ગુનાઓમાં સંકળાયેલા હોય છે તેમ જ કેટલાક તો દારૂ અને બીજા નશાના બંધાણી પણ હોય છે.

કોંગ્રેસી નેતાની ધરપકડ મુદ્દે જયરામ રમેશ અને હિમંતા બિસ્વા વચ્ચે તડાફડી

ગૌહાટીમાં કોંગ્રેસના પ્રવક્તા રીતમ સિંઘની ધરપકડ પછી સોશિયલ મીડિયા પર કોંગ્રેસી નેતા જયરામ રમેશ અને અસમના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સર્મા વચ્ચે તીખી નોકઝોક થઈ હતી. જયરામ રમેશે ધરપકડને અત્યાચાર કરતા પણ વધુ ગંભીર ગણાવી હતી જ્યારે હિમંતાએ કાયદાનો હવાલો આપીને આ પગલાને યોગ્ય ગણાવ્યું હતું. જયરામ રમેશની પોસ્ટના પ્રતિસાદમાં હિમંતાએ જયરામ અને કોંગ્રેસ પર દલિત મહિલાના પતિ સામે અપમાનજનક ટિપ્પણીનો આરોપ મુક્યો. ઉપરાંત તેમણે વરિષ્ઠ કોંગ્રેસી નેતા ગૌરવ ગોગોઈના આઈએસઆઈ અને પાકિસ્તાન સાથેના સંબંધ વિશે એક મોટા ખુલાસાની પણ ચેતવણી આપી. અસમના મુખ્ય મંત્રીએ કથિત ખુલાસા વિશે સમયસીમા પણ નક્કી કરી.

કેન્દ્ર-તમિલ નાડુનો ભાષાકીય વિવાદ આંધ્ર પ્રદેશમાં પણ પ્રસર્યો

જન સેના પાર્ટી (જેએસપી) ચીફ અને આંધ્ર પ્રદેશ ડેપ્યુટી  મુખ્ય મંત્રી પવન કલ્યાણે કેન્દ્ર અને તમિલ નાડુ સરકાર વચ્ચે ચાલી રહેલા ભાષા વિવાદમાં ઝંપલાવ્યું અને હિન્દી વિશે દ્રવિડ પક્ષોના વલણની ઝાટકણી કાઢી હતી. શુક્રવારે ભાજપ અને નરેન્દ્ર મોદી સરકારના વલણને સમર્થન આપતા કલ્યાણે સવાલ કર્યો કે તમિલ નાડુમાં હિન્દીનો વિરોધ છે તો શા માટે તમિલ ફિલ્મો હિન્દીમાં ડબ કરીને ઉત્તર ભારતમાં રિલીઝ કરવામાં આવે છે? આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેશમની આગેવાની હેઠળની એનડીએ સરકારમાં ભાગીદાર રહેલા જેએસપીના એક્ટરમાંથી રાજકરણી બનેલા નેતાએ જણાવ્યું કે તમિલના નેતાઓ સંસ્કૃત અને હિન્દી આપણા દેશની ભાષા હોવા છતાં તેનો વિરોધ કરે છે. કલ્યાણે આરોપ કર્યો કે તેમને યુપી, બિહાર, છત્તીસગઢમાંથી આવક જોઈએ છે, પણ હિન્દી સ્વીકૃત નથી. તેઓ બિહારના કામદારોને આવકારે છે પણ હિન્દીને નફરત કરે છે. કલ્યાણે જણાવ્યું કે આવી વિચારધારા અને અભિગમ બદલાવવા જોઈએ.

કોંગ્રેસ હાઈ કમાન્ડે તેલંગણા અને કર્ણાટક યુનિટ પર પકડ મજબૂત બનાવી

તેલંગણાના એઆઈસીસી ઈન-ચાર્જ તરીકે મીનાક્ષી નટરાજનની નિયુક્તિ કોંગ્રેસનો રાજ્ય પર નિયંત્રણ મેળવવાનો ઈરાદો દર્શાવે છે. હૈદરાબાદમાં તેના આગમન સાથે જ તેણે ટ્રેન પ્રવાસ અને સાદા ગેસ્ટહાઉસમાં રોકાણ કરીને ગાંધીવાદી અભિગમ અપનાવ્યો. કોઈપણ સમય વેડફ્યા વિના તેણે લોકસભા મતદાર સંઘના નેતાઓ, સાંસદો અને વિધાનસભ્યો, જિલ્લા ચીફ સાથે બેઠકો શરૂ કરીને પાર્ટી હાઈ કમાન્ડ માટે ફીડબેક મેળવવાનું શરૂ કરી દીધું. અત્યાર સુધીમાં તેણે આવી ત્રણ બેઠકો કરી અને મુખ્ય મંત્રી એ. રેવન્થ રેડ્ડી હેઠળ કેબિનેટ વિસ્તરણની અટકળોને બળ આપ્યું. તેમની નિયુક્તિથી પાર્ટીમાં આંતરિક વાટાઘાટો શરૂ થઈ ગઈ છે.

મધ્ય પ્રદેશમાં કથિત નક્સલ એન્કાઉન્ટર વિશે કોંગ્રેસને શંકાઃ તપાસની માગણી કરી

મધ્ય પ્રદેશના મંડલા જિલ્લામાં નક્સલ વિરોધી કાર્યવાહીમાં માર્યા ગયેલા શખ્સને પછીથી માઓવાદી નહિ પણ આદિવાસી તરીકે ઓળખી કઢાયો હોવાની પુષ્ટી અધિકારીઓએ કરી હતી. મૃતક હિરન સિંઘ પાર્થા (૩૮) ખાસ નબળા આદિવાસી સમુદાયના બાઈગા સમાજનો હતો. વિપક્ષી કોંગ્રેસે ખોટી રીતે હત્યા કરાઈ હોવાનો આરોપ કરીને ન્યાયીક તપાસની માગણી કરી છે. પોલીસે શરૂઆતમાં આ વ્યક્તિ નક્સલવાદી હોવાનો દાવો કર્યો હતો પણ પછી કબૂલ કર્યું કે નક્સલવાદ સાથે તેના સંબંધના કોઈ રેકોર્ડ નથી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે એન્કાઉન્ટર સમયે પાર્થા માઓવાદીઓ સાથે હતો પણ તેના સંબંધ વિશે હજી તપાસ થઈ રહી છે. પ્રશાસને તેના મોતના સંજોગો વિશે તપાસ શરૂ કરી છે.

- ઈન્દર સાહની