દિલ્હીની વાત : લોકસભાની ચૂંટણીમાં મોદી જ ભાજપનો ચહેરો
નવીદિલ્હી : લોકસભાની ચૂંટણીમાં મોદી જ ભાજપનો ચહેરો હશે એ સ્પષ્ટ કરતો વીડિયો ભાજપે બહાર પાડયો છે. સાડા ચાર મિનિટના આ વીડિયોમાં મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીપદે હતા ત્યારથી જ એક પછી એક વિઘ્ન પાર પાડીને કઈ રીતે વડાપ્રધાનપદ મેળવ્યું અને દેશને મહાન બનાવ્યો તેની વાત કરાઈ છે. આ વીડિયોમાં ભાજપ નહીં પણ મોદી કેન્દ્રસ્થાને છે એ સૂચક છે.
વીડિયોમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નિશાન બનાવાયા છે. મોદી ૨૦૧૪ પહેલાની સોનિયા ગાંધીની મૌત કા સૌદાગર અને મણિશંકર ઐયરની ચાયવાલા કોમેન્ટથી માંડીને ૨૦૧૯માં રાહુલની ચોકીદાર ચોર હૈ સહિતની કોમેન્ટ્સને અવગણીને આગળ વધ્યા તેની વાત રજૂ કરાઈ છે. સ્વચ્છ ભારત અભિયાન, ઉજ્જવલા યોજના વગેરેનો પણ પ્રચાર કરાયો છે. મુઝે બસ ચલતે જાના હૈ ગીત સતત વાગતું રહે છે.
મહેબૂબાએ મંદિરમાં પૂજા કરીને અભિષેક કર્યો
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ મહાદેવના મંદિરમાં પૂજા કરી તેના કારણે રાજકીય આક્ષેપબાજી શરૂ થઈ છે. મહેબૂબા પૂંછ જિલ્લાની મુલાકાત દરમિયાન સરહદે નવગ્રહ મંદિરમાં ગયાં હતાં અને પ્રાર્થના કરી હતી. મહેબૂબાએ આખા મંદિરની પ્રદક્ષિણા કરીને શિવલિંગને જળ પણ અર્પણ કર્યું હતું. મહેબૂબાએ મંદિર પરિસરમાં બનેલી યશપાલ શર્માની પ્રતિમા પર પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.
મહેબૂબા મુફ્તીની મંદિરની મુલાકાતને ભાજપે રાજકીય ખેલ ગણાવ્યો છે. ભાજપના નેતા રણબીર સિંહ પઠાનિયાએ જણાવ્યું હતું કે, ૨૦૦૮માં મહેબૂહબાની પાર્ટીએ શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડને જમીન ફાળવવાનો વિરોધ કર્યો હતો. મહેબૂબાની પાર્ટી પીડીપીએ શ્રદ્ધાળુઓ માટે ઓરડીઓના નિર્માણ માટે શ્રાઈન બોર્ડને જમીનના અસ્થાયી સ્થાનાંતરણની મંજૂરી આપી નહોતી. હવે ભગવાન મહાદેવના ચરણોમાં પડયાં છે કેમ કે રાજકીય ફાયદો દેખાય છે. મહેબૂબાની મંદિરની મુલાકાત માત્ર નૌટંકી છે, જેનું કોઈ પરિણામ નહીં આવે.
ઉધ્ધવની નજીકના સાવંત-ભૂષણ શિંદેની શિવસેનામાં
એકનાથ શિંદેને શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન મળતાં જૂના સાથી પણ ઉધ્ધવ ઠાકરેને છોડીને જઈ રહ્યા છે. આ યાદીમાં ડો.દીપક સાવંત અને ભૂષણ દેસાઈનાં નામ પણ ઉમેરાયાં છે. બંને ઠાકરે પરિવારના અંગત મનાતા હતા.
ડો. દીપક સાવંત શિવસેનાનાં ધારાસભ્ય હતાં અને ૨૦૧૪થી ૨૦૧૮ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસનાં નેતૃત્વવાળી સરકારમાં જાહેર આરોગ્ય મંત્રી હતાં. દીપક સાવંતને ઠાકરે પરિવારના સભ્ય જ ગણવામાં આવતા હતા પણ ૨૦૧૮માં ઉદ્ધવ ઠાકરેએ વિધાન પરિષદ ચૂંટણીમાં ટિકીટ ના આપતાં નારાજ હોવાનું કહેવાય છે.
આ પહેલાં ઉદ્ધવ ઠાકરેનાં અત્યંત નજીક મનાતા સુભાષ દેસાઈનાં દિકરા ભૂષણે પણ એકનાથ શિંદેની શિવસેનાનો હાથ પકડયો છે. સુભાષ દેસાઈ શિવસેનાના પહેલા ધારાસભ્ય છે. ભૂષણે કહ્યું કે, બાલાસાહેબ ઠાકરે તો મારા ભગવાન છે અને એકનાથ શિંદે બાલાસાહેબના હિંદુત્વના વિચારોને આગળ ધપાવી રહ્યાં છે. મને શિંદેની કામ કરવાની રીત પસંદ છે તેથી શિવસેનામાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
બિહારમાં કુશવાહા, સાહની, પાસવાનની ત્રિપુટી મેદાનમાં
બિહારમાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવની જોડીને હરાવવા ભાજપે ઉપેન્દ્ર કુશવાહા, મુકેશ સાહની અને ચિરાગ પાસવાનની ત્રિપુટીને સાધી છે. ચિરાગના કાકા પશુપતિ પારસ પહેલેથી ભાજપ સાથે છે તેથી ભાજપ ચાર નાના પક્ષો સાથે જોડાણ કરીને આવતા વર્ષે લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે. સૂત્રોના મતે, ભાજપ લોકસભાની ૪૦ બેઠકોમાંથી પોતે ૨૪ બેઠકો રાખીને આ ચાર પક્ષો વચ્ચે ૧૬ બેઠકો વહેંચવા માગે છે.
ભાજપે ત્રણેય નેતાને રીઝવવાની ક્વાયત બહુ પહેલાં જ શરૂ કરી દીધેલી. ભાજપે પોતાના ત્રણેય સંભવિત સાથીને કેન્દ્રીય સુરક્ષા કવચ આપ્યાં છે અને તાજેતરના મહિનાઓમાં તેમની સુરક્ષા કેટેગરી અપગ્રેેડ પણ કરવામાં આવી છે. કુશવાહને ગયા અઠવાડિયે વાય-પ્લસ સુરક્ષા અપાઈ જ્યારે વિકાસશીલ ઇન્સાન પાર્ટીના નેતા સાહનીને ફેબ્રુઆરીમાં વાય-પ્લસ સુરક્ષા મળી હતી. બંનેને અગાઉ અપાયેલું રાજ્ય સરકારનું સુરક્ષા કવચ પાછું ખેંચી લેવાયું હતું. જાન્યુઆરીમાં ચિરાગ પાસવાનના સુરક્ષા કવચને વાય-પ્લસ કેટેગરીમાંથી ઝેડમાં અપગ્રેડ કરવામાં આવ્યું હતું.
મોદીની સુરક્ષામાં ચૂક, 9 અધિકારી સામે ચાર્જશીટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગયા વરસે થયેલી ચૂક બદલ પંજાબ સરકાર એક આઈપીએસ અને ૯ અધિકારી સામે સામે પગલાં લેવાની તૈયારીમાં છે. રાજ્યના મુખ્ય સચિવ વી.કે. જંજુઆએ આ ૯ અધિકારીઓ સામે ચાર્જશીટ મૂકવાની મંજૂરી માંગી છે. આ અંગેની ફાઈલ મુખ્યમંત્રી ભગવંત માનને મોકલી દેવામાં આવી છે. મોદી ૫ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ પંજાબ ગયા હતા ત્યારે ભટિંડા એરપોર્ટથી હુસૈનીવાલા જતી વખતે તેમનો કાફલો અડધો કલાક ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો.
આ કેસમાં તત્કાલિન મુખ્ય સચિવ અનિરુદ્ધ તિવારી ઉપરાંત ડીઆઈજી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાય, એસએસપી હરમનદીપ સિંહ હંસ, એસએસપી ચરણજીત સિંહ, એડીજીપી નાગેશ્વર રાવ, એડીજી નરેશ અરોરા, આઈજી રાકેશ અગ્રવાલ, આઈજી ઈન્દરવીર સિંહ અને ડીઆઈજી સુરજીત સિંહ સામે ચાર્જશીટ દાખલ થશે.
કેન્દ્ર સરકારે પંજાબ સરકારને પત્ર લખીને મોદીની સુરક્ષા ભંગના મામલામાં કરાયેલી કાર્યવાહીનો અહેવાલ માંગ્યો હતો. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કાર્યવાહીમાં વિલંબ અંગે ખુલાસો કરવા કહેતાં પંજાબ સરકાર એક્શનમાં આવી છે.
સીબીઆઈ લાલુના પરિવાર પર મહેરબાન
જમીનના બદલામાં નોકરી આપવાના કેસમાં દિલ્હી કોર્ટે મંત્રી લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી, મીસા ભારતી તથા અન્ય આરોપીઓને જામીન આપી દીધા છે. રસપ્રદ વાત એ છે કે, આ કેસમાં સીબીઆઈએ લાલુ અને તેમના પરિવારજનોને જામીન આપવાનો વિરોધ નહોતો કર્ર્યો. લાલુના પરિવાર પર સીબીઆઈ કેમ આટલી મહેરબાન થઈ ગઈ એ સવાલ પૂછાઈ રહ્યો છે.
સીબીઆઈએ તાજેતરમાં આ મુદ્દે દરોડા પણ પાડયા હતા. આ દરોડા દરમિયાન અબજો રૂપિયાની સંપત્તિ મેળવાઈ હોવાના પુરાવા મળ્યાનો સીબીઆઈએ દાવો કર્યો હતો. એ છતાં સીબીઆઈએ જામીન અરજીનો વિરોધ ના કર્યો તેના કારણે રાજકીય સોદાબાજી થઈ ગઈ કે શું એવો સવાલ પણ થઈ રહ્યો છે.
કોર્ટે કહ્યું કે, સીબીઆઈએ ધરપકડ કર્યા વગર ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ લાલુના પરિવારને ફિટ કરી દેવાના ઉત્સાહમાં કાચું કાપી નાંખ્યું હોવાનો નિષ્ણાતોનો મત છે. ધરપકડ વિના ચાર્જશીટ દાખલ કરીને સીબીઆઈએ જરૂરી પ્રક્રિયાની અવગણના કેમ કરી એ પણ મુદ્દો છે.
***
ભાજપ, રાહુલ બંને મક્કમ, સત્ર આમ જ સંકેલાશે !
લોકસભા અને રાજ્યસભા - બંનેગૃહો આજે સતત ચોથા દિવસે મુલતવી રહ્યા. ભાજપ, રાહુલ ગાંધીના લંડનમાંના ઉચ્ચારણો બદલ માફી મંગાવવા માટે દ્રઢ છે, સામે, રાહુલે તીવ્ર પ્રતિભાવ આપતા કહ્યું છે કે પોતે મોદી અને અદાણી વિષે લોકસભામાં કરેલી ટિપ્પણીઓને સરકારે રદ કરી છે. જો કે કોંગ્રેસે ખડકની જેમ અડગ રહીને રાહુલને ટેકો પૂરો પાડી રહી છે. આજે રાહુલ સંસદભવન પહોંચ્યા ત્યારે કોંગ્રેસી સભ્યોએ એમને શેર કહીને વધાવ્યા અને ઉમેર્યું કે શિયાળવાં ઘોંઘાટ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી રિજિજુએ રાહુલ પાસે ક્ષમાયાચના કરાવવાના કામને એમની (ભાજપની) ફરજ ગણાવી. જો તેઓ માફી નહિ માગે તો સંસદનું સત્ર આ રીતે જ પૂરૃં થશે. કોંગ્રેસ માફી નહિ માગવાના મુદ્દે મક્કમ છે.
પુલવામા હુમલા બાબત ફરી એકવાર રાજકારણ
રાજસ્થાનમાં ચૂંટણીને હજી વાર છે, પરંતુ ૨૦૧૯ના પુલવામા હુમલા વિષે ફરી એકવાર હવે, થિયેટરમાં - રાજકારણ રમાઇ રહ્યું છે. આ કૃતિની રજૂઆતમાં, કેન્દ્રમાં ત્રણ સ્ત્રીઓ હતી, જેમના પતિદેવો સીઆરપી દળના સૈનિકો હતા. ૧૪ ફેબુ્રઆરી, ૨૦૧૯ના રોજ થયેલા કાર બોંબ હુમલામાં આ સૈનિકો શહીદ થાય છે. જો કે જયપુરમાં ભજવાયેલા શેરીનાટકમાં વળતરના મુદ્દે હતું. રાજસ્થાનની અશોક ગેહલોત સરકારે એમાંના બે જણને વધુ પ્રાપ્તિ થઇ શકે એ માટે સમર્થ બનાવવી જોઇએ. પુલવામા હુમલાના દિવસે શહીદ થયેલા ૪૦ સૈનિકો પૈકીના પાંચ રાજસ્થાની હતા. હેડ કોન્સ્ટેબલ નારાયણલાલ ગુર્જર અને કોન્સ્ટેબલ ભગીરથસિંઘના પરિવારોએ કશી વધારાની માગણીઓ કરતા જણાયા નથી અને કોઇ શેરી-દેખાવોમાં ભાગ પણ લીધો નથી. ત્રણ પૈકીના બે શહીદોની વિધવાઓએ નોકરીની એકસરખી જ માગણી કરી છે.
કર્ણાટક ભાજપમાં હવે જૂના વિ. નવા ગાર્ડ
કર્ણાટક ભાજપમાં આંતરિક ચરૂ ઉકળી રહ્યો હોવાનું જણાય છે. આગગામી થોડાક મહિનાઓમાં જ્યાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે એવા આ રાજ્યમાં પક્ષના નેતાઓ એકબીજા સામે આક્ષેપો કરી રહ્યા હોવાથતી આમ કહી શકાય. ભાજપના પ્રદેશ મહામંત્રી સી.ટી. રવિએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા સામે તીર તાકતા કહ્યું કે પક્ષનું સંસદીય બોર્ડ કોને ટિકિટ આપવી કે નહિ એ નક્કી કરે છે. ભાજપ રસોડામાં ટિકિટ વહોંચતો નથી. શિકારીપુરા વિધાનસભા બેઠક એમના પુત્ર માટે ખાલી કરવાની યેદિયુરપ્પાની ઘોષણા સામે રવિએ સોમવારે વિરોધ કર્યો હતો. રવિએ કહ્યું હતું કે ટિકિટ વહેંચણીનો નિર્ણય એમના ઘેર લઇ શકાય નહિ..
અપ્રમાણસરની સંપત્તિ સાબિતીરૂપ છે : ઇડી
ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ)એ સ્કૂલ સર્વિસ કમિશન (એસએસસી) કૌભાંડમાં જેમને અટક કર્યા હતા એ બે યુવા પાંખના નેતાઓ કુંતલ ઘોષ અને શાંતનું બેનરજીને તૃણમૂલ કોંગ્રેસે હાંકી કાઢ્યા છે. પશ્ચિમ બંગાળના રાજ્યમંત્રી શશી પાંજાએ ઉપરોક્ત બંને નેતાઓને અપાયેલી રૂખસદ વિષે જણાવ્યું કે તૃણમૂલ પક્ષમાં ભ્રષ્ટાચારને કોઇ સ્થાન નથી. જો કોઇ ભ્રષ્ટાચારમાં સંડોવાયું તો પોતે સ્વચ્છ હોવાનું સાબિત કરવાની જવાબદારી એ વ્યક્તિની રહે છે, એમ એમણે સ્પષ્ટ કર્યું. ઇડીએ શાંતનું બેનરજીને ૧૦ માર્ચે પ્રશ્નોત્તરી દરમિયાન અટક કર્યા છે, જેમને ૨૪ માર્ચ સુધીના રિમાન્ડ પર લેવાયા છે. કુંતલ ઘોષને ગત જાન્યુઆરીમાં અટક કરાયા છે.
- ઇન્દર સાહની