દિલ્હીની વાત : મોદીના ભાષણે લોકોને નિરાશ કરી દીધા
મોદીના ભાષણે લોકોને નિરાશ કરી દીધા
નવી દિલ્હી, તા.17 જુલાઈ 2020, શુક્રવાર
નરેન્દ્ર મોદીના યુનાઈટેડ નેશન્સના ભાષણની ઘણાં લોકો આતુરતાથી રાહ જોતાં હતાં પણ આ ભાષણે લોકોને નિરાશ કરી દીધા. યુ.એન.ની ઈકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલના સત્રને સંબોધતાં મોદીએ એ જ બધી વાતો કરી કે જે એ પહેલાં કહી ચૂક્યા છે. મોદી અને ભાજપના સમર્થકો રાબેતા મુજબ મોદીના પ્રવચનને વખાણી રહ્યા છે પણ વૈશ્વિક સ્તરે આ પ્રવચનની બહુ નોંધ નથી લેવાઈ. ભારતમાં ઘણાં પ્લેટફોર્મ પર આ પ્રવચનનું જીવંત પ્રસારણ કરાયું પણ લોકોને બહુ રસ ના પડયો.
આ પ્રવચન પછી સોશિયલ મીડિયા પર એવી કોમેન્ટ્સ થઈ કે, કોરોના સામેની લડત અંગેની મોદીની વાતો ભારતમાં લોકોને મોંઢે થઈ ગઈ છે ત્યારે મોદી એકની એક વાતો કેટલી વાર કહેશે ? એવી કોમેન્ટ્સ પણ થઈ કે, મોદી પાસે હવે નવું કશું કહેવા જેવું બચ્યું જ નથી.
મોદી પાસેથી અપેક્ષા રખાતી હતી કે, કોરોનાના કારણે વિશ્વભરમાં બદલાયેલી સામાજિક અને આથક પરિસ્થિતીઓને જોતાં મોદી કોઈ નવો વિચાર રજૂ કરશે પણ એવું કશું ના બન્યું.
રાજનાથ લેહ ફોટો શૂટ માટે ગયેલા કે શું ?
લેહ-લડાખની મુલાકાતે ગયેલા રાજનાથસિંહ માસ્ક પહેર્યા વિના લશ્કરી અધિકારીઓને મળ્યા તેની ટીકા થઈ રહી છે. રાજનાથ લશ્કરના વિમાનમાંથી નીચે ઉતર્યા ત્યારે માસ્ક પહેરેલો હતો પણ પછી તેમણે માસ્ક કાઢી નાંખ્યો. લશ્કરી જવાનોને સંબોધન કરતી વખતે કે પછી તેમની સાથે ચર્ચા કરતી વખતે બીજા લશ્કરી અધિકારીઓ અને જવાનોએ પણ માસ્ક પહેર્યા હતા પણ રાજનાથ માસ્ક પહેર્યા વિના જ ફરતા રહ્યા.
રાજનાથે કુમાઉં રેજિમેન્ટના જવાનોને પોતાના હાથે મિટાઈ ખવડાવી તેની પણ ટીકા થઈ રહી છે. જવાનો સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાના બદલે તેમની એકદમ નજીક જઈને રાજનાથે તેમના માટે ખતરો ઉભો કર્યો છે.
રાજનાથે માસ્ક વિના જ અલગ અલગ અંદાજમાં ફોટા પડાવ્યા. હાથમાં મશીનગન સાથે નિશાન તાકતા હોય એવો પોઝ તેમમે આપ્યો. તોપ સાથે અને પેરાશૂટર્સ સાથે પણ તેમણે તસવીરો ખેંચાવી તેના કારણે સોશિયલ મીડિયા પર એવી મજાક થઈ રહી છે કે, રાજનાથ લેહ-લડાખ સૈનિકોને મળવા અને સ્થિતીનો તાગ મેળવવા ગયેલા કે ફોટો શૂટ કરાવવા ગયેલા ?
કોંગ્રેસના બહાને રાજસ્થાન ભાજપમાં પણ દંગલ
રાજસ્થાનમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સામે એફઆઈઆર નોંધાઈ છે. શેખાવતે કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો સાથે મળીને ગેહલોત સરકારને ઉથલાવવાનું કાવતરૂ ઘડેલું એવો આરોપ મૂકાયો છે. કોંગ્રેસે આ કેસમાં સચિન પાયલોટના સાથી બે ધારાસભ્યોને સસ્પેન્ડ પણ કરી દીધા છે.
સૂત્રોન મતે, શેખાવત સામેની ફરિયાદ પાછળ ભાજપનાં વસુંધરા રાજે છે અને કોંગ્રેસના ઝગડાનો લાભ લઈને ભાજપમાં પણ સ્કોર સેટલ થઈ રહ્યા છે. વસુંધરા ગેહલોતની સરકારને બચાવવા કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને ફોન કરતાં હતાં એવા આક્ષેપ ભાજપના સાથી સાંસદ હનુમાન બેનિવાલે કરેલા. બેનિવાલ શેખાવતની નજીક મનાય છે અને વસુંધરાના કારણે ભાજપને રામ રામ કર્યા હતા. વસુંધરાએ વળતો પ્રહાર કરાવીને શેખાવત સામે જ એફઆઈઆર નોંધાવડાવી દીધી.
શેખાવત અને વસુંધરા વચ્ચે બારમો ચંદ્રમા છે. શેખાવત અમિત શાહના માણસ છે. વસુંધરાની પાંખો કાપવા શાહે શેખાવતને પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા પણ વસુંધરાએ શેખાવતને બદલે પોતાના માણસની પ્રમુખપદે નિમણૂકની શાહને ફરજ પાડી હતી.
શિવસેના-કોંગ્રેસ વચ્ચે હવે નવો ડખો
મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ વચ્ચે નવો ડખો પડયો છે. ઉધ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્રમાં રોજગારી અંગેની તમામ જાણકારી લોકોને મળે એ માટે મહાજોબ પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ લોંચ કરાયું ત્યારે અપાયેલી જાહેરખબરોમાં શિવસેના અને એનસીપીના પ્રધાનોની તસવીરો છે પણ કોંગ્રેસના એક પણ પ્રધાનનો ફોટો નથી તેથી કોંગ્રેસીઓ બગડયા છે.
કોંગ્રેસી નેતાઓએ સોશિયલ મીડિયા પર તો આ મુદ્દે બળાપો ઠાલવ્યો જ છે પણ સોનિયા ગાંધી સમક્ષ પણ રજૂઆત કરી છે. રાજીવ સાતવની આગેવાનીમાં સંખ્યાબંધ કોંગ્રેસીઓએ સોનિયાને અપીલ કરી છે કે, આ મુદ્દે શિવસેના સાથે આકરી ભાષામાં વાત કરાય.
કોંગ્રેસનાં સૂત્રોના મતે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સત્તામાં જ ના હોય એ રીતનું વર્તન કરવામાં આવે છે. ઉધ્ધવ ઠાકરે અને શિવસેનાના નેતા શરદ પવાર સરકારને સાચવે છે અને તેના કારણે કોંગ્રેસ કશું નહીં બોલે એમ માનીને કોંગ્રેસની અવગણના કરે છે. કોંગ્રેસે આ મુદ્દે પવાર સાથે વાત કરવાની જરૂર હોવાનો પણ કોંગ્રેસીઓનો અભિપ્રાય છે.
યુપીએ મોદી સરકારના મોટા દાવાની પોલ ખોલી
ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લાના જગદીપુર ગામમાં શૌચાલય નહીં હોવાથી ૧૬ વહુઓ સાસરીમાં રહેવાના બદલે પિયર જતી રહી એ ઘટનાના પડઘા પીએમઓ સુધી પડયા છે. આ ઘટનાના કારણે ભાજપની કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ બંને સરકારોનો ભારે ફજેતો થતાં નારાજ મોદીએ યોગી આદિત્યનાથને તાકીદે કાર્યવાહી કરીને શૌચાલયો બનાવવા ફરમાન કર્યું છે.
સ્વચ્છ ભારત અભિયાન મોદીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. આ અભિયાન અંતર્ગત મોદીએ દેશમાં એક પણ ઘર શૌચાલય વિનાનું નહીં રહે એવી જાહેરાત કરી હતી. મોદી સરકારે ગયા વર્ષે સમગ્ર દેશને ખુલ્લામાં શૌચમુક્ત પણ જાહેર કર્યો હતો. ઉત્તર પ્રદેશની ઘટનાએ મોદી સરકારના આ દાવાની પોલ ખોલી નાખી છે. બાકી હતું તે યોગી સરકાર દ્વારા એવો લૂલો બચાવ કરાયો કે, શૌચાલય ના હોય એવાં ઘરોની યાદીમાં આ ઘરોનાં નામ નહોતાં તેથી શૌચલાય ના બની શક્યાં. આ દલીલના કારણે મોદી વધારે બગડયા. મોદીના ફરમાન પછી યોગીએ શુક્રવારે પોતાના અધિકારીઓને દોડાવ્યા છે એ જોતાં બહુ જલદી શૌચલાયો બની જશે.
સુપ્રીમમાં વકીલો દ્વારા અનોખી રીતે વિરોધ
સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધિશો અને વકીલો વચ્ચેના સંઘર્ષની ઘટના ચર્ચાસ્પદ બની છે. સુપ્રીમ કોર્ટના વકીલ રીપક કંસલે રજિસ્ટ્રાર સામે આરોપ મૂક્યો હતો કે, કેસોને બોર્ડ પર મૂકવામાં ભેદભાવ કરાય છે અને અયોગ્ય રીતે કેટલાક કેસોને આગળ કરી દેવાય છે. કંસલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને રજિસ્ટ્રાર દ્વારા કેટલીક લો ફર્મ, મોટા વકીલોને વીઆઈપી ટ્રીટમેન્ટ અપાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કંસલન અરજીને ફગાવીને આવા ગંભીર આરોપો મૂકવા બદલ કંસલને સો રૂપિયાનો પ્રતિકાત્મક દંડ કર્યો હતો.
વકીલોનો મોટો વર્ગ કંસલની સાથે છે પણ સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના ના કરાય તેથી તેમણે વિરોધ કરવા માટે અનોખો રસ્તો અપનાવ્યો છે. બસો વકીલો પચાસ-પચાસ પૈસાના સિક્કાનું યોગદાન આપીને આ સો રૂપિયા ભેગા કરે ને એ રકમ જમા કરાવે એવો નિર્ણય લેવાયો છે. આ રકમ ભેગા કરવા અત્યારે વકીલો પચાસ પૈસાના સિક્કા ભેગા કરવામાં પડયા છે.
સુપ્રીમ કોર્ટ આ વાતને હળવાશથી લે છે કે પછી આ પ્રકારના વિરોધને પણ અવમાનના ગણે છે એ મુદ્દો અત્યારે ચર્ચાઈ રહ્યો છે.
* * *
રાજસ્થાનની આગમાં ઓડિયો ક્લિપે ઘી ઉમેર્યુ
રાજસ્થાનની આગમાં ઓડિયોકલિપે બળતામાં ઘી ઉમેર્યું હતું. ગેહલોત અને પાયલોટની છાવણીઓએ એક બીજા પર દોષારોપણ કર્યું હતું. કોંગ્રેસે કેન્દ્રના એક મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત વિરૂધ્ધ ધારાસભ્યોને ખરીદવાના આરોપ દર્શાવતી ઓડિયોક્લિપ જાહેર કરી હતી જે વાયરલ થઇ હતી. જો કે હમેંશાની જેમ શેખાવતે પણ આ આક્ષેપોનો ઇનકાર કર્યો હતો.રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના નવા નિમાયેલા અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરાએ કહ્યું હતું કે આ ઓડિયો ક્લિપથી સાબીત થાય છે કે તેઓ અમારા ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસો કરે છે.
ભાજપ અમારી સરકારને ઉથલાવવાનો પ્રયાસ કરે છે. રાજસ્થાન વિધાનસભાના મુખ્ય દંડક મહેશ જોશીએ શેખાવત વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરાઇ હોવાની વાતનું સમર્થન કર્યું હતું તો બીજી તરફ, ભાજપના પ્રવકતા મુકેશ પારિક કહ્યું હતું કે ટીવી ચેનલો પર સંભાળવવામાં આવતી ઓડિયો ક્લિપ સાચી નથી. જો કે પાયલોટ તેમના વલણ પર અડગ છે કે તેઓ પક્ષાંતર પ્રવૃત્તિમાં સામેલ નથી.
પાયલોટ માટે પરત ફરવાના દરવાજા બંધ થઇ ગયા
કોંગ્રેસમાં એવી માન્યતા વધુ મજબુત બનતી જાય છે કે પાયલોટ માટે પરત ફરવાની તમામ શકર્યતાઓ ઘટી ગઇ છે. કોંગ્રેસના આંતરિક વર્તુળો કહે છે કે પ્રિયંકાએ ગઇ કાલે પણ પાયલોટ સાથે વાત કરી હતી. પરંતુ તેને કોઇ સકારાત્મક પ્રતિસાદ મળ્યો ન હતો. પ્રિયંકાએ ચોથી વખત પાયલોટ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળ થયા નહતા. રાહુલ ગાંધી પણ પાયલોટના સંપર્કમાં હતા.
ભાજપના સાથી સાંસદ ભાજપની મુશ્કેલી વધારી
રાજસ્થાન ભાજપના સૌથી વિરાટ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વસંધરા રાજેનું મૌન સૌને અકળાવે છે. અધુરામાં પુરૂં ભાજપના જ એક સાથી આરએલપીના સાંસદ બહુમાન બેનીવાલે પણ સિંધિયા પર કોંગ્રેસની સાથે ભળેવા હોવાનો આક્ષેપ કર્યો હતો.
સિંધીએ કોંગ્રેસના કેટલાક નેતાને ફોન કરી અશોક ગેહલોતને ટેકો જારી રાખવા કહ્યું હતું. તેમણે સિકર અને નોગૌરના તમામ જાટ નેતાઓને ફોન કરીને ગેહલોતને મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવા કહ્યું હતું. તમણે તો પાયલોટથી દૂર રહેવા પણ વિનંતી કરી હતી. બેનીવાલે તો ત્યાં સુધી કહ્યું હતું કે મારી પાસે તેના પુરાવા પણ છે, એમ તેમણે ગૃહ મંત્રી અમીત શાહ અને ભાજપના પ્રમુખ જે પી.નડ્ડાને ટેગ કરીને ટ્વિટ કર્યું હતું.
કોંગ્રેસ-આપ વચ્ચેની ખાઇ વધી
રાજસ્થાનની કટોકટી વચ્ચે આમ આદમી પાર્ટીએ પોતાની જાતને એક વિકલ્પ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. આપએ કહ્યું હતું કે કોંગ્રેસ તો વેન્ટીલેટર પર છે અને તેને અસ્તિત્વ ટકાવી રાખવાના ફાંફા છે. કોવિડ મહામારી પર ધ્યાન આપવાને બદલે કોંગ્રસ ગંદી રાજરમત રમે છે.
કોંગ્રસનું કોઇ ભવિષ્ય નથી કે તેમાં ભવિષ્યના નેતાઓ આપવાની ક્ષમતા પણ નથી. પક્ષમા યુવા નેતાઓને તક આપવાની જરૂર છે તો એના જવાબમાં કોંગ્રેસના દિલ્હી એકમના પ્રમુખ અનિલ ચૌધરીએ ટ્વિટ કર્યું હતું કે 'જો તમે આમ આદમી પાર્ટીને મત આપ્યા હતા, પરિણામે દિલ્હી પર શાસન કરવા તમને અમીત શાહ મળ્યા. કોંગ્રેસ આવી બમણી ઓફર સ્વીકારે નહીં.
દ્રાવિડ સંત પેરિયારની પ્રતિમાને કુચડો મારી દીધો
સામાજીક સુધારાવાદી અને દ્વાવિડીયન વિચારધારાના સ્થાપક પેરિયાર ઇ વી રામાસ્વામીની તામિલનાડૂના કોઇમ્બતુર જિલ્લાના સુંદરપુરમ ખાતે સ્થાપવામાં આવેલી પ્રતિમાને કેટલાક અસામાજીક તત્વોએ કુચડો ફેરવી અપવિત્ર કરી નાંખી હતી. બદમાશોએ ભગવો રંગ તેની પર રેડી દીધો હતો.
આ પ્રતિમાને ૨૫ વર્ષ પહેંલા અહીંયા થનથાઇ પેરિયાર પસરાઇ એ સ્થાપવામાં આવી હતી જેનું ઉદઘાટન ડીએમકેના નેતા કે.વિરામણીએ કર્યું હતું. પોલીસે કહ્યું હતું કે કેટલાક અસામાજીક તત્વોએ પેરિયારની પ્રતિમાને બગાડી નાંખી હતી. પેરિયાર દ્વાવિડ કઝગમના કાર્યકરો પ્રતિમાની નીચે ધરણા પર બેસી ગયા હતા. તેમણે બદમાશો સામે કાનુની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
- ઇન્દર સાહની