app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

દિલ્હીની વાત : મોદીના રેન્કિંગમાં ધરખમ ઘટાડાથી ભાજપમાં ચિંતા

Updated: Aug 18th, 2021


નવીદિલ્હી : દેશના એક ટોચના મીડિયા હાઉસના સર્વેમાં મોદીના રેન્કિંગમાં આવેલા ધરખમ ઘટાડાને કારણે ભાજપમાં ચિંતા છે. ગયા વર્ષે કરાયેલા સર્વેમાં ૬૬ ટકા લોકોએ મોદીને દેશના આગામી વડાપ્રધાન તરીકે પસંદ કર્યા હતા. આ વર્ષે તેમાં ૪૨ ટકાનો ધરખમ ઘટાડો થયો છે. માત્ર ૨૪ ટકા લોકોએ મોદીને પહેલી પસંદ ગણાવ્યા છે. યોગી આદિત્યનાથ ૧૧ ટકા સાથે બીજા, રાહુલ ગાંધી ૧૦ ટકા સાથે ત્રીજા અને કેજરીવાલ-મમતા ૮-૮ ટકા સાથે પછીના નંબરે છે.

આ પ્રકારના સર્વે મર્યાદિત લોકોના અભિપ્રાયના આધારે કરાતા હોય છે તેથી તેમની વિશ્વસનિયતા સામે હંમેશાં શંકા કરાય છે. સામે આવા સર્વે ઘણાં લોકોનો અભિપ્રાય બદલવાનું કામ પણ કરે છે તેથી ભાજપ ચિંતામાં છે.

ભાજપનું માનવું છે કે, કોરોનાની બીજી લહેર વખતે સરકારે કરેલી કામગીરીના કારણે લોકોમાં આક્રોશ છે તેના કારણે મોદીનું રેન્કિંગ ઘટયું છે. ભાજપનો દાવો છે કે, આ સ્થિતી લાંબો સમય નહીં રહે અને છેલ્લા મહિનામાં લીધેલાં પગલાંને કારણે મોદીની લોકપ્રિયતા પાછો યથાવત થઈ જશે.

જો કે નાનકડા સમુદાયના મંત્રીઓના આધારે થયેલા સર્વેક્ષણનું તારણ આખા દેશનું મંતવ્ય છે એવું માની લેવું એ પણ યોગ્ય નથી એમ અનેક લોકોનું માનવું છે.

કોંગ્રેસનાં નવાં મહિલા પ્રમુખનું ગુજરાત કનેક્શન

સુસ્મિતા દેવ રાજીનામું આપીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ જતાં ખાલી પડેલા મહિલા કોંગ્રેસના પ્રમુખપદે નેટા ડિસોઝાની નિમણૂક કરાઈ છે. નેટા કાર્યકારી પ્રમુખ નિમાયાં છે અને નિયમિત નિમણૂક ના થાય ત્યાં સુધી આ જવાબદારી સંભાળશે.

નેટાની નિમણૂકથી કોંગ્રેસીઓ જ આશ્ચર્યમાં પડી ગયા છે કેમ કે કોંગ્રેસના ટોચના નેતાઓમાં પણ નેટાનું નામ જાણીતું નથી. બલ્કે મોટા ભાગના નેતાઓ અને કાર્યકરોને તો નેટા ક્યા રાજ્યનાં છે એ પણ ખબર નથી. નેટા મૂળ ગોઆનાં છે પણ ગુજરાત સાથે કનેક્શન ધરાવે છે. નેટાએ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ૧૯૯૭થી ૨૦૦૩ સુધી અભ્યાસ કર્યો છે.

નેટા કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈમાંથી આવ્યા છે. એનએસયુઆઈમાં રાષ્ટ્રીય મહામંત્રી રહી ચૂકેલાં નેટા ૨૦૧૨માં મહિલા મોરચામાં આવ્યાં અને ૨૦૧૪થી મહિલા મોરચામાં રાષ્ટ્રીય મહામંત્રી છે. સુસ્મિતા સાથે નેટાએ લાંબો સમય કામ કર્યું છે પણ સુસ્મિતાની જેમ વિધાનસભા કે લોકસભાની ચૂંટણી જીતવાનો તેમનો રેકોર્ડ નથી. સુસ્મિતાનો આસામમાં છે એવો નેટાનો કોઈ વિસ્તારમાં પ્રભાવ નથી એ જોતાં તેમના વિશે કોંગ્રેસીઓને જ શંકા છે.

જ્ઞાાતિવાદી રાજકારણમાં કેસીઆર સૌને ટપી ગયા

ભારતમાં જ્ઞાાતિવાદી રાજકારણ પ્રબળ બનતું જાય છે ત્યારે તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ સૌને ટપી ગયા છે. રાવે દલિત બંધુ યોજનાની જાહેરાત કરીને તેલંગાણાના દરેક દલિત પરિવારને ૧૦ લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. સરકારી નોકરી ધરાવતા દલિત પરિવારને પણ ૧૦ લાખ અપાશે. દલિતો માટેની પેન્શન સહિતની યોજનાઓ પણ ચાલુ રહેશે.

તેલંગાણામાં ૧૭ લાખ દલિત પરિવારો છે તેથી ૧.૮૦ લાખ કરોડ રૂપિયાનો બોજ સરકારી તિજોરી પર પડશે. રાવ સરકાર દર વર્ષે બજેટમાં ૪૦ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરીને તમામ દલિતોને સહાય આપશે. સૌથી ગરીબ પરિવારોને સૌથી પહેલાં સહાય અપાશે. રાવે સરકારી કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ તથા ધનિકોને આ યોજનાનો લાભ સૌથી છેલ્લે લેવા વિનંતી કરી છે. તેલંગાણમાં ૨૦૨૩ના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે. રાવે દલિત કાર્ડ ખેલીને અત્યારથી જીતનો તખ્તો ઘડી કાઢયો છે.

વિશ્લેષકોના મતે, રાવ આ રકમ દલિત પરિવારોના વિસ્તારોના વિકાસ માટે ખર્ચીને તેમને બહેતર સુવિધાઓ આપી શક્યા હોત. વિકાસના બદલે જ્ઞાાતિવાદી રાજકારણ રમીને તેમણે ખોટી પરંપરા સ્થાપી છે.

પાસવાનનો બંગલો અશ્વિની વૈષ્ણવને આપી દેવાયો

રામવિલાસ પાસવાનને ફાળવાયેલા બંગલા માટે ચિરાગ અને પશુપતિ પારસ લડી રહ્યા છે ત્યારે રેલ્વે મંત્રી અશ્ચિની વૈષ્ણવને આ બંગલો ફાળવી દેવાયો છે. વૈષ્ણવ હાલમાં સાંસદો માટેના ફ્લેટમાં રહે છે પણ કામનું ભારણ જોતાં ફ્લેટ નાનો પડે છે. વૈષ્ણવ ટાઈપ એઈટ બંગલોના હકદાર છે તેથી તાત્કાલિક બંગલો ફાળવાયો છે.

પોશ વિસ્તાર લ્યુટન્સનો ૧૨, જનપથ બંગલો પાસવનની ઓળખ હતો. રામવિલાસ વી.પી. સિંહની સરકારમાં મંત્રી બન્યા ત્યારથી એટલે કે ૧૯૮૯થી આ બંગલામાં જ રહેતા હતા. ઓક્ટોબર, ૨૦૨૦માં ગુજરી ગયા ત્યાં સુધી એટલે કે ૩૧ વર્ષ પાસવાનનો પરિવાર આ બંગલામાં જ રહ્યો. કેન્દ્રમાં એ પછી બહુ સરકારો બદલાઈ પણ પાસવાન ગમે તે રીતે નવી સરકારમાં ગોઠવાઈ જતા તેથી બંગલો કદી ખાલી ના કરવો પડયો.

સૂત્રોના મતે, હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મિનિસ્ટ્રીએ ચિરાગને બંગલો ખાલી કરવા નોટિસ આપી દીધી છે પણ વૈષ્ણવે સૌજન્ય બતાવીને પોતે ચિરાગ સાથે વાત કરશે એવું કહ્યું છે તેથી કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી નથી.

કર્નલ કોઠિયાલ કોંગ્રેસ-ભાજપને હંફાવવા સક્ષમ

ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીપદના દાવેદારના મુદ્દે કોંગ્રેસમાં ઘમાસાણ જામ્યું છે. ભાજપ પણ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીના નેતૃત્વમાં લડવા મુદ્દે સ્પષ્ટ નથી ત્યારે અરવિંદ કેજરીવાલે કર્નલ અજય કોઠીયાલને 'આપ'ના મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરીને પહેલો ઘા મારી દીધો છે.

કેજરીવાલે ઉત્તરાખંડને સમગ્ર વિશ્વના હિંદુઓની 'આધ્યાત્મિક રાજધાની' બનાવવાનું એલાન કરીને હિંદુ કાર્ડ પણ રમી નાંખ્યું છે. કેજરીવાલ આ પહેલાં 'આપ' સત્તામાં આવશે તો ખેડૂતોને મફત વીજળી અને ઘર વપરાશમાં ૩૦૦ યુનિટ સુધીની રાહત જાહેર કરી જ ચૂક્યા છે.

કર્નલ કોઠિયાલ યુવાઓમાં અત્યંત લોકપ્રિય છે. કોઠિયાલે ૨૦૧૩માં ૩૦ યુવાનોને આર્મીમાં ભરતી માટેની ટ્રેઈનિંગ આપી હતી. તેમાંથી ૨૮ યુવાનો ગઢવાલ રાઈફલ્સ માટે પસંદ થતાં યુવાનો સામેથી તેમની પાસે આવવા માંડયા. કોઠીયાલે ૨૦૧૫માં એનજીઓ શરૂ કરીને વિના મૂલ્યે તાલીમ આપીને સેંકડો યુવાનોને લશ્કરમાં ભરતી કરાવ્યા છે. ૨૦૧૩ના વિનાશક પૂરમાં વિનાશ પામેલા કેદારનાથને બેઠું કરવાનો યશ પણ કોઠિયાલને જાય છે એ જોતાં કોઠિયાલ ભાજપ-કોંગ્રેસ બંને માટે મોટો પડકાર બનશે એવું વિશ્લેષકો માને છે.

ધારાસભ્યની ચાપલૂસી, જગનનું મંદિર બનાવી દીધું

રાજકારણીઓ પોતાના નેતાની ચાપલૂસી કરવા આપણને કલ્પના પણ ના આવે એવું બધું કરતા હોય છે પણ આંધ્રના ધારાસભ્ય બિય્યાપુ મધુસૂદન રેડ્ડી બધાંને વટાવી ગયા છે. રેડ્ડીએ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની ચાપલૂસી કરવા મંદિર જ બનાવી દીધું છે. વિપક્ષનો આક્ષેપ છે કે, આ મંદિર પાછળની પ્રેરણા જગન પોતે જ છે. જગનને અમર બનવાના અભરખા છે તેથી તેના ઈશારે જ રેડ્ડીએ મંદિર બનાવી દીધું છે.

તિરૂપતિ પાસે શ્રીકાલહસ્તીમાં બનાવાયેલા આ મંદિરમાં જગનની પ્રતિમા છે. સાથે સાથે મ્યુઝીયમ પણ છે ને નવરત્નાલુ યોજનાઓનું વર્ણન કરતા નવ સ્તંભ મંદિરના પ્રારંભમાં જ ઉભા કરાયા છે. જગને લોકોના કલ્યાણ માટે અમલમાં મૂકેલી નવ યોજનાઓને નવરત્નાલુ નામ આપ્યું છે. રેડ્ડીએ આ યોજનાઓને નવ સ્તંભમાં દર્શાવી છે.

આ ઉપરાંત એક કાચનો ભવ્ય હોલ પણ બનાવાયો છે. સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ મંદિરનું ઉદઘાટન ખુદ જગનના હાથે કરાવવાની રેડ્ડીની યોજના હતી પણ જગન તૈયાર ના થતાં છેવટે નાયબ મુખ્યમંત્રી નારાયણસ્વામીના હસ્તે ઉદઘાટન કરી દેવાયું. 

***

જમ્મુ-કાશ્મીરમાં હવે દેખાશે તાલિબાનની અસર 

તાલિબાને અફઘાનિસ્તાનને હસ્તગત કર્યુ તેના સીધા પડખા કાશ્મીર ખીણમાં પડી શકે છે. ભારતના અફઘાનિસ્તાનમાં મઝાર-એ-શરીફ ખાતેના રાજદૂતાવાસની કચેરી આ માટેની તૈયારી કેવી રીતે કરતી હતી તે દર્શાવે છે. સૂત્રોનું કહેવું છે કે ભારતના મઝાર-એ-શરીફ ખાતેના કોન્સ્યુલેટના મોઢા પર જમ્મુ-કાશ્મીરનું જ નામ હતુ, ભારતે અફઘાનિસ્તાનના આ મહત્ત્વના શહેરમાંથી ૧૧મી ઓગસ્ટના રોજ તેના રાજદૂતાવાસની કચેરી ખાલી કરી હતી. તેના ત્રણ દિવસ પછી મઝાર-એ-શરીફ તાલિબાનના હાથમાં જતું રહ્યું હતું. ભારતનું મઝાર ખાતેનું કોન્સ્યુલેટ જનર બતાવતું હતું કે ભારતના વહીવટીતંત્રએ જમ્મુ-કાશ્મીરમાં વિકાસના કેવા કાર્યો કર્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. 

યુવા ભારતીયોને ચીન અને પાકિસ્તાન પર વિશ્વાસ નથી

ઓબ્ઝર્વર રિસર્ચ ગુ્રપ (ઓઆરજીઅ)ે ૧૪ શહેરોમાં ૧૮થી ૩૫ વર્ષના ૨૦૩૭ ભારતીયોના સેમ્પલનો આઠ પ્રાદેશિક ભાષા અને અંગ્રેજીમાં સરવે કર્યો હતો. તેમા યુવા ભારતીયો પડોશી અંગે કેવું વલણ ધરાવે છે તે જણાવાયું હતું. આ પ્રતિસાદ દર્શાવે છે કે પાકિસ્તાન અંગે મોટાભાગના યુવા ભારતીયોને પણ વિશ્વાસ નથી. માંડ દસ ટકાએ જ વિશ્વાસ દાખવ્યો હતો. ચીનના વૈશ્વિક સત્તા તરીકે ઉદભવની સાથે વિકસતી જતી આર્થિક અને લશ્કરી સજ્જતા ચિંતાજનક હોવાનું તે માને છે. સરવેનું તારણ છે કે ૬૨ ટકા લોકો માને છે કે અમેરિકા-ચીનના તનાવમાં ભારતે કોઈનો પક્ષ લેવો ન જોઈએ. 

ઉ.પ્ર. ડ્રાફ્ટ પોપ્યુલેશન બિલમાં બે પુત્રીઓની રાહત નકારાઈ

ઉત્તરપ્રદેશ લો કમિશને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને વિવાદાસ્પદ ડ્રાફ્ટ વસ્તી અંકુશ બિલ સુપ્રદ કર્યુ હતુ. તેમા બે બાળકોથી વધારે બાળક ધરાવનારને મ્યુનિસિપાલિટીની ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકાયો છે, સરકારી નોકરીઓ નહી મળે, ઇન્ક્રીમેનટ્ અને પ્રમોશન નહી મળે તથા કલ્યાણ યાજનાઓના ફાયદા નહી મળે. ઉત્તરપ્રદેશ પોપ્યુલેશન (કંટ્રોલ, સ્ટેબિલાઇઝેશન એન્ડ વેલફેર) બિલ ૨૦૨૧ને છેલ્લા પખવાડિયા દરમિયાન કમિશને ૮,૫૦૦થી વધુ લોકોના સૂચન મંગાવ્યા પછી અંતિમ સ્વરુપ આપ્યું હતું. તેમા બે પુત્રીઓ ધરાવતા હોય તેવા લોકોને આ જોગવાઈની પરિઘમાંથી બબાર રાખવાના સૂચનોને ન્યાયાધીશ એ.એન મિત્તલે નકાર્યા હતા. 

અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ સલવાયા

દિલ્હીની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહેલા અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ સલવાયા છે. તેમના વિઝા ખતમ થવાની તૈયારીમાં છે તો બીજા કેટલાક ભંડોળની અછતનો સામનો કરી રહ્યા છે. કેટલાય લોકો વિઝા લંબાવવા ભારે મહેતન કરી રહ્યા છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માં ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ તેઓએ તેમના કુટુંબોની હાલની નબળી આર્થિક સ્થિતિના લીધે વિદેશી વિદ્યાર્થી તરીકેની ઊંચી ફી પોષાઈ શકે તેમ નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સ સ્કોલરશિપ માટે તેઓએ અફઘાનિસ્તાન પરત ફરવું પડશે, એમ તેઓનું કહેવું છે. 

આઇએમએ ખાતેના 80 અફઘાનિસ્તાનીઓનું અનિશ્ચિત ભવિષ્ય

તાલિબાને અફઘાનિસ્તાનને કબ્જે કરી લેતા અફઘાન નેશનલ આર્મી પડી ભાંગ્યુ છે. તેના પગલે ઇન્ડિયન મિલિટરી એકેડેમી (આઇએમએ) ખાતે તાલીમ લઈ રહેલા ૮૦ અફઘાન કેડેટનું ભવિષ્ય અનિશ્ચિત થઈ ગયું છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ૨૦૧૧માં વ્યૂહાત્મક ભાગીદારી થઈ હતી અને તેના હેઠળ ભારત અફઘાની લશ્કરી અધિકારીઓને તાલીમ પૂરી પાડી રહ્યું છે. 

- ઇન્દર સાહની

Gujarat