Get The App

દિલ્હીની વાત : સીમાંકન મુદ્દે ત્રણ પક્ષોએ મોદી સરકારનું ટેન્શન વધાર્યું

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
દિલ્હીની વાત : સીમાંકન મુદ્દે ત્રણ પક્ષોએ મોદી સરકારનું ટેન્શન વધાર્યું 1 - image

નવીદિલ્હી : સંસદના વિશેષ સત્રમાં મહિલા આરક્ષણ સંબંધીત સંવિધાનમાં ફેરફારનું બિલ રજુ થશે. નવા સીમાંકનને આધારે લોકસભાની બેઠકો ૮૫૦ સુધી વધારવાનો પ્રસ્તાવ છે. સીમાંકન બાબતે ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો સરકારનો વિરોધ કરી રહ્યા છે. બંધારણમાં સુધારા બિલ પસાર કરવા માટે હાલની સંસદના બે તૃતિયાંશ સભ્યોની સહમતી જરૂરી છે. સત્તાધારી પક્ષ પાસે આ સંખ્યાબળ નથી ત્યારે બીજા ત્રણ પક્ષોએ પણ સીમાંકનનો વિરોધ કર્યો છે. ઇન્ડિયા ગઠબંધનના પક્ષો ઉપરાંત બીજેડી, બીઆરએસ અને વાયએસઆરસીપી પણ બિલનો વિરોધ કરી રહ્યા છે. બીજેડી પાસે રાજ્યસભાના કુલ છ સાંસદ છે. બીઆરએસ પાસે રાજ્યસભાના ત્રણ સાસદ છે જ્યારે વાયએસઆરસીપી પાસે લોકસભામાં ચાર અને રાજ્ય સભામાં સાત સાંસદ છે.

100 પ્રભાવશાળી વ્યક્તિઓમાં મોદીનું નામ બાકાત, ચાહકો આઘાતમાં

વિશ્વના પ્રતિષ્ઠિત સાપ્તાહીક 'ટાઇમ' દર વર્ષે વિશ્વના ૧૦૦ સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી પ્રસિદ્ધ કરે છે. આ યાદીમાં વિશ્વ નેતાઓથી માંડીને ઉદ્યોગપતિઓ, રમતવિરોના નામ પણ હોય છે. ૨૦૨૬ના વર્ષની યાદીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, શી જીનપીંગ, બેંજામીન નેતન્યાહુ અને પોપ લીઓ સહીત ઘણી જાણીતી વ્યક્તિઓ છે. જોકે આ યાદીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સામેલ કરવામાં આવ્યા નથી. નેપાળના વડાપ્રધાન બાલેન શાહ, બાંગ્લાદેશના વડાપ્રધાન તારીક રહેમાન અને ન્યુયોર્કના મેયર ઝોહરાન મમદાની આ યાદીમાં છે. આ ઉપરાંત માર્કોરૂબિયો કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને મેક્સીકોના ક્લાઉડીયા સીનબોમ જેવા નેતાઓ પણ યાદીમાં છે. યાદીમાં ભારતના અભિનેતા રણબીર કપુર તેમજ શેફ વિકાસ ખન્નાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. યાદીમાં મોદીનું નામ નહીં જોઈને એમના ચાહકો નિરાશ થયા છે.

'દબંગ મેમ' ઓફિસમાં બધાને બુરખો પહેરતા શીખવતી હતી

નાસીકની ટીસીએસ કંપનીના બહાર આવેલા ધર્મપરિવર્તન કૌભાંડ અને યૌન શોષણના કિસ્સામાં દરરોજ નવા નવા ખુલાસા થતા રહે છે. આ કેસમાં સૌથી વધુ ચર્ચા એચઆર મેનેજર નીદા ખાનની થઈ રહી છે. હમણા તો એ ફરાર છે. એના સાથી કર્મચારીઓ એને 'દબંગ મેમ' કહીને બોલાવતા હતા. એમ કહેવાય છે કે ઓફિસમાં એનો પ્રભાવ સૌથી વધુ હતો અને સમગ્ર સ્ટાફ એનાથી ડરતો હતો. એફઆઇઆર પ્રમાણે નીદા ખાન ફક્ત એચઆર મેનેજર તરીકે કામગીરી કરતી નહોતી. જે લોકો સામે ગંભીર ફરિયાદ થઈ છે એમની એ નેતા ગણાતી હતી. થયેલી ફરિયાદ પ્રમાણે ઓફિસની મહિલાઓને નીદા ખાન ઇસ્લામી પરંપરા પ્રમાણે કપડા પહેરવા અને નમાઝ પઢવાનું શીખવતી હતી.

રાહુલ ગાંધીનો શ્વાન 'પીડી' ફરી ચર્ચામાં

કોંગ્રેસ હાઇકમાન્ડની જેઓ નજીક છે તેઓ 'પીડી'ને ઓળખે છે. રાહુલ ગાંધીના લાડકા શ્વાનનું નામ 'પીડી' છે. લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલા અનામત બિલ બાબતે ચર્ચા કરવા માટે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગેને ત્યાં એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વિપક્ષના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. મીટિંગમાં સરકારને ઘેરવાની રણનીતિ બાબતે ચર્ચા થતી હતી. મીટિંગમાં આવેલા રાહુલ ગાંધી પોતાના શ્વાન 'પીડી'ને લઈને પહોંચ્યા હતા. થોડા વર્ષો પહેલા 'પીડી' આખા દેશમાં જાણીતો થઈ ગયો હતો. કારણ એ હતું કે, આસામના મુખ્યમંત્રી હિમંત બિશ્વા સરમા રાહુલ ગાંધીને મળવા ગયા હતા ત્યારે રાહુલ ગાંધી એમની વાત પર ધ્યાન આપવાને બદલે શ્વાન સાથે રમી રહ્યા હતા. ગુસ્સે થયેલા સરમાએ ત્યાર પછી ત્યાંથી નિકળી જઈ કોંગ્રેસ છોડવાનું નક્કી કરી લીધું હતું. ખડગેને ત્યા પણ રાહુલ ગાંધી 'પીડી'ને લઈ ગયા એ બાબતે વિરોધ પક્ષના કેટલાક નેતાઓ ખાનગીમાં ગણગણાટ કરતા હતા.

કેરળના મુખ્યમંત્રી કોણ હશે?

૯મી એપ્રિલે કેરળ વિધાનસભાની ચૂંટણી થઈ ગઈ. ચૂંટણીના પરિણામો ૪થી મેએ આવશે. ચૂંટણીના પરિણામો પહેલા જ કોંગ્રેસમાં આંતરીક કંકાસ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના નેતાઓએ માની લીધું છે કે કેરળમાં કોંગ્રેસની જીત થવાની છે. કોંગ્રેસના નેતાઓ માને છે કે, જે રીતે મતદાન થયું છે એને કારણે યુડીએફ જીતવાની શક્યતા વધારે છે. સોશ્યલ મીડિયા પર પણ મુખ્યમંત્રી તરીકેના નામો ચર્ચાય રહ્યા છે. સ્થાનીક ટીવી ન્યૂઝ ચેનલો પર પણ આ સમાચારને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે. કોંગ્રેસના કાર્યકરોએ પણ આ વિવાદમાં ઝુકાવ્યું છે. જુદા જુદા જૂથના નેતાઓ એક બીજા સામે તલવાર તાણી રહ્યા છે. આ વિવાદમાં બીડી સતીશાન, કેસી વેણુગોપાલ અને રમેશ ચેન્નીથલા જેવા નેતાઓ અગ્રેસર છે. વેણુગોપાલ રાહુલ ગાંધીના ખાસ હોવાથી રેસમાં એમનો ઘોડો સૌથી આગળ છે.

કાશ્મીર - મણીપુર જતા બુલેટપ્રુફ વાહનો પશ્ચિમ બંગાળ કઈ રીતે પહોંચ્યા

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ હંમેશા લોહિયાળ હોય છે. આ વખતની ચૂંટણી બાબતે પણ લોકોના જીવ અધ્ધર છે. વિધાનસભાની ચૂંટણીમાં મતદારો કોઈ ડર વગર મતદાન કરી શકે એ માટે રાજ્યમાં સીઆરપીએફના લગભગ ૨૦૦ માર્ક્સમેન બુલેટપ્રુફ વાહનોમાં દેખરેખ રાખી રહ્યા છે. ટેન્ક જેવા આ મોટા વાહનો જોઈને લોકોને ભરોસો બેસે છે. લોકો પૂછી રહ્યા છે કે આ વાહનો બંગાળમાં કઈ રીતે પહોંચી ગયા. એમ મનાય છે કે દિલ્હીથી આવેલા ફોન કોલ પછી સીઆરપીએફના ૨૦૦ બુલેટપ્રુફ ગાડીઓએ રૂટ બદલી નાખ્યો હતો. આ તમામ વાહનો કાશ્મીર અને મણીપુર જવા રવાના થયા હતા. જોકે આઇબીના રીપોર્ટ પછી પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા આ વાહનોને પશ્ચિમ બંગાળ મોકલવાનું કેન્દ્ર સરકારે વધુ યોગ્ય માન્યું હતું.

'હું પદ પર હોત તો અહીં આવતે નહીં'

વકીલ સંગઠનના સુપ્રિમ કોર્ટના યુનિટએ હમણા એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટીસ અભય એસ ઓકાને બોલાવવામાં આવ્યા હતા. એમણે જજોની તટષ્ઠતા અને કાર્યપદ્ધતિમાં સુધારા વિશે કેટલીક નિખાલસ વાતો કરી હતી. જસ્ટીસ ઓકાએ વર્તમાન ન્યાય વ્યવસ્થાની કેટલીક ચિંતાજનક વાતો વિસ્તારથી કરી હતી અને નિવૃત્ત થયેલા જજોની ભૂમિકા વિશે પણ ટીપ્પણી કરી હતી. એમણે કરેલા એક નિવેદનની ખૂબ ચર્ચા થઈ રહી છે. જસ્ટીસ ઓકાએ કહ્યું હતું કે જો તેઓ હમણા જજ તરીકે કાર્યરત હોત તો વકીલોના આ કાર્યક્રમમાં કે બીજા કોઈ કાર્યક્રમમાં પણ બોલવાનું આમંત્રણ સ્વિકારતે નહીં. એમણે વકીલોની સંસ્થાને રાજકીય વિચારધારાવાળી સંસ્થા ગણાવી હતી. જસ્ટીસ ઓકાનું આ નિવેદન ન્યાયતંત્રમાં રાજકીય હસ્તક્ષેપ હોવાની વાતને પુષ્ટી આપે છે.